વિદ્યાર્થીઓ : વાલી, શાળા અને સરકારની સંયુક્ત જવાબદારી

0
473
Photo Courtesy: theweek.in

ગુજરાતમાં થોડા દિવસ પહેલાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને બે દિવસ પહેલાં ધોરણ 10 SSCના પરિણામો આવ્યા જેમાં અસંખ્ય વિદ્યાર્થીઓ પાસ કે પછી નાપાસ થયા હશે. બંને પરિણામોના એનાલીસીસ કર્યા ત્યારે ખબર પડી કે એ બંને પોતાના ગત વર્ષના આંકડાઓ કરતા ઉતરતા છે. બારમા ધોરણના વિજ્ઞાન પ્રવાહનું ગત વર્ષનું રીઝલ્ટ 89.1% હતું જે આ વર્ષે ઘટીને 72.99% થવા પામ્યું છે. જ્યારે દસમા ધોરણનું ગત વર્ષનું પરિણામ 68.24% હતું જે આ વર્ષે ઘટીને 67.5૦% થયું છે.

બંને પરિણામોમાં ઘટાડો થવા માટેના જવાબદાર કારણો વિષે મારે બંને ધોરણના વિદ્યાર્થીઓ સાથે વાતચીત થઇ. એમના કહેવા મુજબ વિજ્ઞાન પ્રવાહમાં રસાયણશાસ્ત્ર (કેમેસ્ટ્રી)નું અને SSCમાં ગણિતનું પેપર ધારણા કરતાં વધારે અઘરું નીકળ્યું હતું જેના કારણે પરિણામો પર વિપરીત અસર પડી છે. બન્યું છે પણ કંઈક એવું જ! HSC વિજ્ઞાન પ્રવાહના કેમેસ્ટ્રી વિષયમાં અને SSCના ગણિત વિષયમાં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ૧૨ જેટલા અધધ કહી શકાય એટલા માર્ક્સ કૃપા ગુણ તરીકે આપીને વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યા છે.

Photo Courtesy: theweek.in

મેં પણ અમુક લાગતાવળગતા વિદ્યાર્થીઓના પરિણામો જોયા હતા જેમાં કોઈકને દસ તો કોઈકને આઠ માર્ક્સ કૃપા ગુણ તરીકે આપીને ચઢાઉ પાસ કરવામાં આવ્યાના દાખલા છે. તો બીજી તરફ SSC ગણિતમાં ૧૦૦માંથી ૧૦૦ માર્ક્સ અને HSC કેમેસ્ટ્રીમાં ૧૦૦માંથી ૯૦ ઉપર માર્ક્સ લાવનારા વિદ્યાર્થીઓના પરિણામો પણ મેં જોયા છે. મને થયું કે આ બંને પેપર્સ એવા તો કેવા અઘરા નીકળ્યા છે કે જેથી વિદ્યાર્થીઓના માર્ક્સમાં આટલો મોટો તફાવત છે?

આ સવાલનો જવાબ મેળવવા માટે મેં બંને પેપર્સ જોયા અને ચકાસ્યા. જાણવા એવું મળ્યું કે HSCના કેમેસ્ટ્રી વિષયમાં નવી શિક્ષણ પ્રણાલીમાં દર વખતે જેમ પાઠ્યપુસ્તકના બેઠા સવાલો આવતા હતા એવા સવાલો ઓછા હતા. પેપરના સવાલોમાં પ્રેક્ટીકલ નોલેજ પર વધારે ભાર મુકવામાં આવ્યો હતો. બેઠા સવાલોની જગ્યાએ પાઠ્યપુસ્તકમાંથી જ બે થીયરીઝને એકબીજા સાથે લીંક કરીને અથવા તો તોડી મરોડીને લોજીકલ સવાલો પૂછવામાં આવ્યા હતા. SSC ગણિતમાં પણ એવું જ હતું. જૂની પરંપરા તોડીને જરા હટકે સવાલો પૂછવામાં આવતા બીબાઢાળ તૈયારી કરતા વિદ્યાર્થીઓ ગૂંચવાયા હતા.

તો હવે આમાં વાંક કોનો કાઢવો? પેપર સેટરનો વાંક તો ન જ કઢાય કારણ કે એ જ પેપરમાં ઘણા વિદ્યાર્થીઓ સારા માર્ક્સ લાવ્યા છે એટલે પેપર સેટરની ભૂલ છે જ નહિ. મને જો કોઈનો વાંક લાગતો હોય તો તે છે શાળાઓની ભણાવવાની પ્રણાલીનો. વાંક છે માત્ર અને માત્ર થીયરીઝ પર ધ્યાન આપીને વારંવાર લખાવી ગોખાવીને વિદ્યાર્થીઓને માત્ર અને માત્ર માનસિક ત્રાસ આપતા ટ્યુશન કલાસીસનો.

આખું પાઠ્યપુસ્તક મેમરાઈઝ કરાવીને અક્ષરશ: ગોખણપટ્ટી કરાવનારી શાળાઓ અને ટ્યુશન કલાસીસ માટે હું આ બંને પરિણામોને રેડ એલર્ટ સમાન ગણાવું છું. વિદ્યાર્થીઓ માટે સર્વાંગી શિક્ષણ આપવાનો સમય હવે પાકી ગયો છે. પરિણામોમાં આટલો ઘટાડો એ વાતનો સૂચક છે કે વલભી જેવા મહાવિદ્યાલયોથી દુનિયાને શિક્ષણના પાઠ ભણાવનાર ગુજરાતના શિક્ષકનું સ્તર ક્યાંક ને ક્યાંક કથળ્યું છે.

વધુમાં આપણે ત્યાં પાછલા થોડા વર્ષોમાં ખાનગી શાળાઓનો રાફડો ફાટ્યો છે. મસમોટી ફીઝ અને અદ્યતન સુવિધાઓથી સંપૂર્ણ એવી ખાનગી શાળાઓ પ્રાયોગિક અને સર્વાંગી શિક્ષણમાં ક્યાંકને ક્યાંક કાચી પડે છે. વાલીઓમાં પણ એવા ભ્રામક ખયાલો પ્રવર્તે છે કે જે સ્કુલની ફી વધારે હોય ત્યાં જ શિક્ષણ સારું હોય. આ માન્યતા તદ્દન ખોટી છે. શિક્ષા અને રૂપિયા સમપ્રમાણમાં હોત તો ટામેટાની લારીવાળાની દીકરી 99 પર્સેન્ટાઇલ લાવી જ ન શકી હોત!

સરકારની વાત કરીએ તો સરકાર CCTV દ્વારા દેખરેખ અને ચકાસણી પાછળ તો રૂપિયા ખર્ચે છે અને એ વ્યાજબી પણ છે. પરંતુ સરકારી શાળાઓના ઉત્થાનની દિશામાં હજી ઘણું કામ કરવાનું બાકી છે તેમ જણાઈ રહ્યું છે. પાયાના શિક્ષણમાં જ બાળકના સર્વાંગી વિકાસ માટેના પ્રયત્નોને વેગ મળશે ત્યારે જ આગળના ધોરણોમાં એ બાળક સંપૂર્ણપણે પોતાની આવડતને ખીલવી શકશે. ગુણોત્સવ એક સારું પગલું છે પણ ગુણોત્સવ સિવાયના દિવસોમાં પણ એ શાળાઓ એટલી જ એફીસીયન્સીથી કામ કરે છે કે નહિ તે અંગે પણ વિચારવિમર્શ થવા જોઈએ. સરકારની વિવિધ શાળાલક્ષી યોજનાઓ અને કેમ્પેઈન્સ કેટલી શાળાઓમાં એક્ચ્યુલી અમલી બનાવવામાં આવે છે અને કેટલી શાળાઓ વંચિત રહી જાય છે એનું પ્રોપર વિશ્લેષણ થવું જોઈએ. માત્ર મોટી વાતો કરવાથી શિક્ષણ સુધરતું નથી, પ્રયત્નો કરવા જ પડશે અને પરસેવો પડવો જ પડશે.

સરકારી શાળાઓને જ એટલી મજબૂતી આપવી જોઈએ કે જેથી કરીને મસમોટી ફી ઉઘરાવતી ખાનગી શાળાઓ અને સરકારી શાળાઓ વચ્ચે આજનો વાલી સરકારી શાળા પસંદ કરે. વિદ્યાર્થીઓને માત્ર અને માત્ર ટકા લાવવા માટે ન ભણાવતા, દરેક એન્ગલથી કોઈ વિષય એમને સમજાવવો જોઈએ જેથી કરીને પરીક્ષામાં ગમે તેટલી ફેરબદલ કરીને સવાલો પૂછવામાં આવે તો પણ એ વિદ્યાર્થી એનો જવાબ લખવા માટે સક્ષમ હોય.

ઉપરાંત વારે ઘડીએ બદલાતી સેમેસ્ટર સીસ્ટમ અને વર્ષાન્ત પરીક્ષા પ્રણાલીમાંથી કોઈ એકને પસંદ કરી એનું યોગ્ય અમલીકરણ થવું જોઈએ જેથી કરીને વિદ્યાર્થીઓ, વાલીઓ કે શાળાઓના મનમાં કોઈ જાતની દ્વિધા ન રહે.

આપણે ત્યાં કહેવત પડી ગઈ છે કે ‘નોકરી કરવી તો સરકારી સ્કુલમાં અને બાળકને ભણાવવું તો પ્રાઈવેટ સ્કુલમાં’. આ કહેવત જ ખુદ સરકારી શાળાના તંત્રને સાબદું થઇ જવા માટેના સિગ્નલ સમાન છે. સરકાર એવો પરિપત્ર પણ બહાર પાડી શકે કે સરકારી શાળામાં કે સરકારી કચેરીઓમાં નોકરી કરતા તમામ શિક્ષકો અને કર્મચારીઓએ પોતાના બાળકોને પાયાના પાંચ ધોરણ સરકારી શાળામાં જ ભણાવવાના રહેશે. જેથી કરીને જવાબદારી સમજીને સરકારી શાળાનું શિક્ષણનું સ્તર સુધરી શકે. બાકી ઘણા એવા દાખલા જોયેલા છે કે મમ્મી પપ્પા બંને સરકારી શાળામાં શિક્ષક હોય અને એમના બાળકો શહેરની ખાનગી શાળાઓમાં ભણતા હોય! આ પરંપરા બદલાય તો ફાયદો સરકારને જ છે.

વાલીઓની જવાબદારી પણ એટલી જ બને છે. પોતાનું બાળક આજે શાળામાં શું શીખીને આવ્યું, આજે શાળામાં શું થયું એ વિષે પૂછવા માટે દિવસનીં દસથી પંદર મિનીટ જ કાઢવાની જરૂર છે.પણ આ પંદર મિનીટ તમારા બાળકને તમારી એના પ્રત્યેની ગંભીરતા પ્રત્યે સજાગ બનાવશે. જેથી એને પડતી મુશ્કેલીઓ વિષે તમે જાણી શકશો અને જરૂર પડ્યે જેતે શાળાના સ્ટાફ સાથે વાતચીત કરીને એમની ભણાવવાની ઢબમાં સુધારા કરી શકશો. બાળકની તકલીફોની કોઈ જાતની પરવાહ કર્યા વગર માત્ર પરિણામમાં ૮૦ કે ૯૦ ટકાની અપેક્ષાઓ રાખવાથી કશું વળવાનું નથી એ વાત આજના વાલીએ ગાંઠ બાંધી લેવા જેવી છે.

બધા વિદ્યાર્થીઓની ગ્રહણશક્તિ એકસરખી નથી હોતી એટલે પોતાના બાળકની કેપેસીટીનું મૂલ્યાંકન કરીને વાલીએ એટલી જ અપેક્ષા રાખવી જોઈએ કે જેટલી પોતાનું બાળક પૂરી કરી શકે, નહિ તો બીજા હોશિયાર વિદ્યાર્થીઓની હોડમાં મુકેલું તમારું બાળક તમે જાતે જ ખોઈ નાખશો. બાળકને સારું વાતાવરણ પૂરું પાડો જેથી સ્ટ્રેસ ફ્રી રહીને એ પોતે ભણી શકે, નહી કે તમારી અપેક્ષાઓના બોજા નીચે!

આચમન :- એક જવાબદાર સરકાર, એક સમજદાર વાલી અને એક જાગૃત શિક્ષકના ત્રિવેણી સંગમથી જ અસરદાર વિદ્યાર્થીઓ તૈયાર કરી શકાય છે. બાકી આશાઓના બોજ, ટકાના ટેન્શન અને વિષમ સ્પર્ધાથી તો માત્ર મનથી માયકાંગલી પેઢી જ નીકળશે.

eછાપું

તમને ગમશે: શોલે અને તેનો ઓરીજીનલ રિવ્યુ આજના રિવ્યુકારોને ઉઘાડા પાડે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here