તૈમુર અલી ખાન – આ દેવનો દીધેલ બાળક છે કે એની આટલી બધી ચિંતા કરવાની?

0
81
Photo Courtesy: hindustantimes.com

તૈમુર અલી ખાન એક દોઢ વર્ષનું બાળક જેની પાછળ ભારતનું મિડિયા રીતસરનું ગાંડું થયું છે અને કદાચ અમુક લાખ ભારતીયો પણ. નવાઈની વાત એ છે કે તૈમુર અલી ખાન જેના માતાપિતા એટલેકે સૈફ અલી ખાન અને કરીના કપૂર બેશક ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપર સ્ટાર રહી ચૂક્યા છે પરંતુ આ બંનેએ બોલિવુડમાં એવા કોઈ ઝંડાઓ નથી ગાડ્યા કે એમના પ્રથમ સંતાન વિષે જાણવામાં મિડિયાને આટલો બધો રસ હોય!

Photo Courtesy: hindustantimes.com

કરીના કપૂરની કરિયર લગભગ અને સતત સફળ રહી છે પરંતુ સૈફ અલી ખાનની કરિયર સતત ઉપર નીચે થતી રહી છે એમાંય તેના છેલ્લા અમુક વર્ષો અને તેની ફિલ્મોના નામ પણ ભારતીય દર્શકોને યાદ નથી. કરીના પણ હવે પસંદગીની ફિલ્મોમાં આવી રહી છે અને આવામાં આ પ્રકારના low key માતાપિતાના પ્રથમ સંતાન પાછળ આટલું બધું ગાંડપણ નવાઈ ન ઉપજાવે તો જ નવાઈ!

જ્યારે આ પ્રકારનું ગાંડપણ શરુ થયું હતું ત્યારે એમ લાગ્યું હતું કે જે રીતે કોઈપણ બોલિવુડ સેલિબ્રિટીને ત્યાં સંતાન જન્મે ત્યારે મિડિયાનું આ રેગ્યુલર રિએક્શન હોય એવું જ આ રિએક્શન પણ છે. પરંતુ ધીમેધીમે ખ્યાલ આવવા લાગ્યો કે આ એક વ્યવસ્થિત ‘સાઝીશ’ ચાલી રહી છે. તૈમુર આજે સુતો નહીં, તૈમુર આજે એની માતા સાથે અહીં ગયો, તૈમુર આજે હસ્યો, તૈમુર આજે ખસ્યો….વગેરે વગેરે જેવી કોઇપણ સામાન્ય બાળકની હરકતો પણ સમાચાર બનવા લાગી.

કોઈવાર એવું પણ બન્યું કે જાહેરમાં કરીના સાથે તૈમુર ગયો હોય તો તેની અમુક બાળસહજ હરકતોને પાપારાઝી સ્ટાઈલમાં કેપ્ચર કરવામાં આવી અને તેના વિડિયોઝ વાયરલ થવા લાગ્યા. કેટલીક મનોરંજન ચેનલોની વેબસાઈટ અને તેમના ફેસબુક કે ટ્વિટર પેઈજ પર એક દિવસ પણ તૈમુર વિષે કોઈ સમાચાર ન આવે તો આપણને એમ થાય કે આજે આ લોકોને સવારે નાસ્તો મળ્યો નથી લાગતો. ચાલો મનોરંજન ચેનલોનો તો મુખ્ય સ્ત્રોત જ ગોસીપ વગેરે હોય છે, પરંતુ અમુક વિશ્વાસપાત્ર અને સિરિયસ મિડિયા હાઉસ પણ જ્યારે દરરોજ તૈમુરનો પહેલો દાંત ફૂટ્યો કે પછી તૈમુર આજે પહેલીવાર સ્કૂલે ગયો વગેરે જેવા ‘સમાચારો’ પ્રકાશિત કરે ત્યારે આઘાત જરૂર લાગે.

છે શું આ તૈમુર? એવો સવાલ સામાન્ય માનસિક સમતુલા ધરાવતા વ્યક્તિને જરૂર થાય. કદાચ એવું બને કે આપણે ત્યાં આ પ્રકારની કોઈ સ્ટાર સંતાન અંગેની હાઈપ પહેલીવાર થઇ એટલે નવું નવું લાગે પરંતુ જેમ આગળ કહ્યું એમ એના માતાપિતાનું બેકગ્રાઉન્ડ હાલના સમયમાં એવું તો ભવ્ય નથી કે તેમના સંતાનમાં લોકોને આટલો બધો રસ છે કે મિડીયાએ દરરોજ તેના વિષે કાઈ ને કાઈ પીરસવું જ પડે.

સામે પક્ષે લોકોનું રિએક્શન જોઈએ તો શરૂઆતમાં તો બધું ઠીક હતું પરંતુ પછી જ્યારે આ બાળક અંગેના સમાચારોએ હદ વટાવી ત્યારે સોશિયલ મિડીયામાં તૈમુર અંગે જુદાજુદા જોક્સ અને વન લાઈનર્સ બનવા લાગ્યા, જેમકે આજે તૈમુરે છ વખત પી પી કરી, આજે તૈમુરને ઝાડા થઇ ગયા વગેરે વગેરે. ટૂંકમાં લોકો પણ આ પ્રકારની વધારે પડતી માહિતીથી કંટાળ્યા હતા. તો આવા સંજોગોમાં પણ તૈમુરના સમાચારો ફેલાવવાની શી જરૂર હશે?

જો લોજીક દોડાવીએ તો શું આ પ્રકારની કસરત એ તૈમુરની એક બ્રાન્ડ બનાવવા માટે ચાલી રહી છે? એવો સવાલ જરૂર ઉઠે. આ શક્ય છે પરંતુ તેની સાથે તૈમુર ને બ્રાન્ડ બનાવવા માંગતા તેના માતાપિતા તેમજ તેમના સલાહકારોએ જાણી લેવું જોઈએ કે મિડીયામાં વધુપડતી હાજરી ઘણીવાર નુકશાન પહોંચાડી શકે છે અને ભવિષ્યમાં તૈમુર સાથે બનનારી એક નકારાત્મક ઘટના તેમની સઘળી મહેનત પર પાણી ફેરવી શકે છે.

બીજું, છેવટે તો તૈમુર મોટો થશે અને જો એને પણ પોતાના માતાપિતા અને દાદીના રસ્તે ચાલીને અદાકારી જ કરવી હશે તો તેનામાં ખુદની કોઈ ટેલેન્ટ હોવી જરૂરી બનશે, પછી વીસ-બાવીસ વર્ષનું મિડિયા માર્કેટિંગ પણ તેના કોઈજ કામમાં નહીં આવે જો તેનામાં અદાકારીનું ટેલેન્ટ જ ગેરહાજર હશે!

ઉતાવળા સો બહાવરા… ધીરા સો ગંભીર!

eછાપું

તમને ગમશે: શિયાળામાં કરાવો તેલ માલીશ અને આજીનો મોટોથી દૂર રહો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here