મેરિલીન મનરો જો ખરેખર ડમ્બ હોત તો એ કદાચ વધારે સુખી હોત…

0
601
Photo Courtesy: everythingaudrey.com

આજની તારીખે મેરિલીન મનરો નામ સાંભળતાની સાથે સફેદ રંગનો ડ્રેસ પહેરેલી સોનેરી વાળવાળી હોલીવૂડની હીરોઈનની છબી નજર સામે દેખાઈ આવે, હેં ને? એ આઈકોનિક ડ્રેસ મનરોએ ‘ધ સેવેન યર ઈચ’ નામની ફિલ્મમાં પહેરેલો જે સબ-વે ટ્રેન માટે જમીનમાં ફીટ કરેલી જાળીમાંથી આવતા હવાના બળને કારણે ઉડવા લાગે છે. મનરોની એ ઉડતા ડ્રેસ સાથેની છબી દુનિયાભરમાં હોલીવુડના સીમાચિહ્ન તરીકે પ્રચલિત થઈ ગઈ. એક હરાજીમાં એ સફેદ ડ્રેસ 5.6 મિલિયન ડોલરમાં વેંચાયો હતો જે અત્યાર સુધીનો દુનિયાનો સૌથી મોંઘો ફિલ્મ પોશાક (કે લિબાસ) તરીકે વિખ્યાત છે .

Photo Courtesy: everythingaudrey.com

Marilyn Monroe Kills Self
Found Nude in Bed…Hand On Phone…Took 40 Pills

6 ઑગસ્ટ 1962ના દિવસે ‘ન્યુયોર્ક મિરર’ છાપાના પહેલા પાને આ સમાચાર હતા. સાઉથ ઈંડિયાની સેક્સબોમ્બ સુપરસ્ટાર સિલ્ક સ્મિતાએ જે રીતે અચાનક પોતાના બેડરૂમમાં આત્મહત્યા કરેલી એ જ રીતે મેરિલીન મનરો 36 વર્ષની ઉંમરે પોતાની બેડરૂમમાં ઝેરી દવાઓ-ગોળીઓ ખાઈને મૃત્યુને ભેટી પડી. જીવનના છેલ્લા દિવસોમાં મેરિલીન મનરો લોસ એન્જેલેસમાં રહેતી જ્યાં તેની હાઉસકીપર યુનિસ મુર્રેને 6 ઑગસ્ટની સવારે 3 વાગ્યે દાળમાં કંઈક કાળું જણાયું. મેરિલીન મનરોની રૂમની અંદર લાઈટ ચાલુ હતી એવા સંકેત દરવાજા નીચેથી મળ્યા પણ કોઈ પ્રકારનો પ્રતિસાદ ન મળ્યો અને દરવાજો અંદરથી બંધ જણાયો. મેરિલીન મનરોના ફિઝિશીયન ડૉ. હાયમન એન્જેલબર્ગે અંદાજે 3.50 વાગ્યે મનરોને મૃત ઘોષિત કરી અને 4.25 વાગ્યે લોસ એન્જેલેસ પોલિસને ખબર કરવામાં આવી.

સુસાઈટ સ્પેશ્યાલિસ્ટ ટીમને બોલાવીને ઈન્વેસ્ટીગેશન કર્યું તો ખબર પડી કે પાછલી રાત્રે 8.30 થી 10.30 વચ્ચે મનરોનું મૃત્યુ થયું હશે. ઝેરી દવાઓના સેમ્પલ મેરિલીન મનરોના ખૂનમાં, લીવરમાં અને શરીરમાંથી મળી આવ્યા હતા. મનરોએ ભૂલથી દવાનો ઓવરડોઝ લીધો હતો એ વાત નકારવામાં આવી જ્યારે ખબર પડી કે એણે એકવાર નહીં વારંવાર ઉપરાઉપર ઓવરડોઝ લીધેલો. મનરોનું અકાળ મૃત્યુ એ અમેરિકા અને યુરોપના દરેક છાપાના ફ્રન્ટ પેજ ન્યુઝ બની ગયા. એ મહિને લોસ એન્જેલેસમાં આત્મહત્યાનું પ્રમાણ પણ બમણું થઈ ગયું અને છાપાઓના વેચાણમાં પણ અકલ્પનીય ઉછાળો આવેલો. એક ન્યુઝ કંપનીને તો સેંકડો લોકોએ ફોન કરીને મેરિલીન મનરોના મૃત્યુની જાણકારી મેળવવા હેરાન કરી મૂકેલી. આટલી પ્રસિદ્ધ નામના મેળવનાર મેરિલીન મનરો કોણ હતી?

મેરિલીન મનરો એક અમેરિકન મોડેલ, હીરોઈન અને ગાયિકા હતી. 1લી જૂને મેરિલીનનો બર્થડે હતો. ‘ધ ગાઇડ ટુ યુનાઇટેડ સ્ટેટ્સ પોપ્યુલર કલ્ચર’માં એવું લખાયું છે કે અમેરિકાની લોકપ્રિય સંસ્કૃતિમાં મનરોના કેટલાક પ્રતિસ્પર્ધીઓમાં એલ્વિઝ પ્રેસ્લી (Elvis Presley) અને મિકી માઉસ (Mickey Mouse)નો સમાવેશ થાય છે. એ સિવાય કોઈ અન્ય સિતારાઓએ ક્યારેય મેરિલીન મનરોએ દર્શાવેલી વિશાળ રેન્જની લાગણીઓને દર્શાવી નથી – વાસનાથી દયા સુધી કે ઈર્ષ્યાથી પસ્તાવા સુધી! કલા ઇતિહાસમાં મેરિલીન મનરો ‘20 મી સદીની સૌથી વધુ ફોટોગ્રાફ લેવાયેલી વ્યક્તિ’ તરીકે પ્રસિદ્ધ છે.

મેરિલીનના વાળ હંમેશાથી આઇકોનિક માનવામાં આવ્યા છે. મેરિલીન મનરોની હેરસ્ટાઇલની નકલ મેડોના, બ્રિટની સ્પિઅર્સ થી લઈને સ્કાર્લેટ જોહાન્સન જેવી તારિકાઓએ કરી છે. યુરોપમાં સ્ત્રીઓના સોનેરી વાળને બ્લોન્ડ કહેવાય છે. બ્લોન્ડ વાળ હોવા એ સુંદરતાની નિશાની ગણાય છે.

મનરો વિશેના એક લેખમાં રાજ ગોસ્વામી લખે છે કે 1748-1830 ના અરસામાં રોઝાલી દુથે (Rosalie Duthé) નામની એક ફ્રેન્ચ ગણિકા થઈ ગઈ. ફ્રેન્ચ રાજાઓ અને યુરોપીયન ખાનદાનોની મિત્ર રોઝાલીને ‘પ્રથમ સત્તાવાર ડમ્બ બ્લોન્ડ’ તરીકે ઓળખવામાં આવે છે. રોઝાલી બોલતા વખતે અટકાતી. ‘લેસ કુરીયો સાઈટ હે લા ફોઈર’ નામના નાટકમાં જ્યારે રોઝાલીનું પાત્ર ભજવાયું ત્યારે એ કશું પણ બોલતા પહેલાં ખાસ્સો વખત અટકતી રહે. એ પરથી એ ડમ્બ કે બેવકૂફ છે એવી છાપ ઊભી થઈ – આમાંથી એવી ધારણા લોકપ્રિય બની કે બ્લોન્ડ સ્ત્રી એની બુદ્ધિને સજાવવા કરતાં એના દેખાવની માવજતમાં વધુ મગ્ન હોય. આપણે ત્યાં પણ એવી જડસૂ દિમાગની માન્યતાઓ છે કે ખૂબસૂરત સ્ત્રીઓની બુદ્ધિ પાનીએ હોય. મેરેલીન મનરોની છાપ સેક્સ સિમ્બોલ અને ડમ્બ બ્લોન્ડની હતી. મેરિલીન મનરોને લોકો અમેરિકન રાષ્ટ્રપ્રમુખ જ્હોન કેનેડી (અને પાછળથી એના ભાઈ રોબર્ટ કેનેડી) તથા હોલિવૂડના ‘મોટા-માથા’ ગણાતા લોકોના બિસ્તર ગરમ કરતી એક સેક્સ પૂતળી તરીકે ઓળખે છે. પણ મૃત્યુ પછી મેરિલીન મનરો ના લખાણો, કહાનીઓ અને દસ્તાવેજો જોતાં તેણી એક બૌદ્ધિક અને સંવેદનશીલ સ્ત્રી તરીકે લોકો સમક્ષ આવી. આજે લોકોને એવું લાગે છે કે જે મેરિલીન મનરો બેહૂદી અને મૂરખ જેવી લાગતી હતી એની વાતોમાં ઊંડી સમજદારી, ડહાપણ અને જ્ઞાન છલકતું હતું. મેરિલીન મનરો પોતાની ફિલ્મોની સ્ક્રિપ્ટ પદ્ધતિસર વાંચતી. અગત્યના શબ્દો અને શબ્દસમૂહોની નીચે લીટી અથવા તો ફરતે એક ગોળ ચક્કરડુ બનાવતી. સ્ક્રિપ્ટની બાજુમાં હાંસિયામાં નોંધો બનાવીને ખાત્રી કરતી કે જે પાત્ર એ ભજવવાની છે એનું મૂળ સત્ત્વ જળવાઈ રહે છે કે કેમ. આર્થર મિલર એક કાળે મેરિલીન મનરોનો પતિ હતો એ વાત સાબિતી આપે છે કે મનરોને કળાનો જબરો શોખ હતો. મેરિલીનની અંગત લાઈબ્રેરીમાં ૪૦૦ જેટલા પુસ્તકો હતાં.

I’ve got a tear hanging over / My beer that I can’t let go. / It’s too bad / I feel sad / When I got all my life behind me // If I had a little relief / From this grief / Then / I could find a drowning / Straw to hold on to // Its great to be alive // They say I’m lucky to be alive / It’s hard to figure out – / When Everything i feel – Hurts! /

આ મેરિલીન મનરોએ લખેલી કવિતા છે. મનરોની બીજી કવિતાઓ ‘ફ્રેગમેન્ટેસઃ પોયમ્સ, ઈન્ટિમેટ નોટ્‍સ, લેટર્સ’માં પ્રકાશિત થઈ છે.

36 વર્ષની ઉંમરમાં ત્રણ વાર લગ્ન કરીને છૂટાછેડા લેનાર મનરોએ પોતાના લગ્નજીવન માટે કહેલું, “હું મારા લગ્નના કારણે દુઃખી નહોતી અને એમાં હું ખુશ પણ ન હતી. હું અને મારો પતિ ભાગ્યે જ એકબીજા સાથે વાતો કરી શકતાં હતાં. એટલા માટે નહીં એ અમે એકબીજાથી નારાજ હતા પણ એટલા માટે કે અમારી વચ્ચે વાત કરવા જેવું કંઈ હતું જ નહીં. પૈસા કરતાં મને વન્ડરફુલ રહેવામાં વધુ રસ હતો.”

હોલીવૂડની પોતાની જર્ની વિષે મેરિલીન મનરો એ લખેલું, “એક બહેતરીન એક્ટ્રેસ હોવાનો મને ભ્રમ નથી. હું થર્ડ ક્લાસ એક્ટ્રેસ છું. મારે મેરેલીન બનવું ન હતું, એ તો બનતાં બનાઈ ગયું. મેરિલીન તો એક પડદો છે, જે હું ‘નોરમા જીન’ નામ પર પહેરું છું. હું હંમેશા ઈચ્છતી કે મને જીન નામથી બોલાવવામાં આવે પણ મને લાગે છે કે હવે મોડું થઈ ગયું છે. હું જ્યારે નાની હતી ત્યારે મને કોઈએ કહ્યું ન હતું કે હું ખૂબસૂરત છું. પ્રત્યેક બચ્ચીઓને કહેવું જોઈએ કે એ ખૂબસૂરત છે, ન હોય તો પણ. હોલીવૂડ એવી જગ્યા છે જ્યાં તમને ચુંબન માટે હજાર ડોલર મળી જાય પણ આત્મા માટે પચાસ સેંટ્‍સ પણ કોઈ ન આપે. મને પબ્લિકનો ડર લાગે છે પણ માણસો (પીપલ) પર મને શ્રદ્ધા છે. લોકો મારી સામે એવી રીતે જુએ છે જાણે હું કોઈ માણસના બદલે અરીસો હોઉં. લોકો મને નહીં પણ પોતાની ગંદી સોચને મારામાં જુએ છે. And I want to say that the people – if I am a star – the people made me a star – no studio, no person, but the people did.

સેક્સ પ્રકૃતિનો હિસ્સો છે અને હું પ્રકૃતિની ફેવરમાં છું. ફિલ્મમાં હું નેચરલ લુકને પસંદ કરું છું. હું એવા લોકોને પસંદ કરું છું જે એક યા બીજી રીતે મહેસૂસ કરે છે અથવા ભીતરની દુનિયા બતાવે છે. ભીતર શું થાય છે તે જોવાનું મને ગમે છે. હું કોશિશ કરું છું કે મારી ભીતરનો ખરો હિસ્સો બહાર આવી શકે. એ ઘણું મુશ્કેલ છે. મને ઘણીવાર લાગે કે મારું જે કંઈપણ છે તે સાચું છે પરંતુ ઘણીવાર એ આસાનીથી બહાર નથી આવતું. મને થાય છે કે હું નકલી છું. I like to be really dressed up, or really undressed. I don’t bother with anything in between.”

36 વર્ષની ઉંમરમાં એક સ્ત્રી શું શું કરી શકે? અથવા તો શું ન કરી શકે? મેરિલીન મનરો ની સ્કૂલની બહેનપણી શેલી વિન્ટર કહે છે કે ‘એ જો ડમ્બ હોત તો વધુ સુખી હોત’.

પડઘો

સ્ત્રીના અસ્તિત્વ વિષે પંચતંત્રમાં એક જ પ્રયોજન આપવામાં આવ્યું છે. સ્ત્રીની સાર્થકતા એ છે કે એનાથી પુરુષને રતિ અથવા સેક્સાનંદ મળવો જોઈએ અને સરસ સંતતિ પેદા થવી જોઈએ (રતિપુત્રફલા દારા). પણ કદાચ સ્ત્રી વિષેની શ્રેષ્ઠ વ્યાખ્યા આ પ્રમાણે છેઃ નિતમ્બિની (કામુક સ્ત્રી)ને છોડીને બીજી કોઈ એવી વસ્તુ નથી કે જેમાં અમૃત પણ હોય અને વિષ પણ હોય. એના સાન્નિધ્યથી પુરુષ જીવે પણ છે અને વિયોગથી મરી જાય છે (નામૃતં ન વિષં કિંચિદેકાં ભુકત્વા નિતમ્બિનીમ્/યસ્યાઃ સંગેન જીવ્યેત મ્રિયેત ચ વિયોગતઃ)…! એટલે નવું સમીકરણ છેઃ સ્ત્રી = અમૃત + વિષ!

(ચંદ્રકાંત બક્ષીના પુસ્તક ‘સંસ્કાર અને સાહિત્ય’માંથી સાભાર)

eછાપું 

તમને ગમશે: મતદાન વધારવા પંચે ચૂંટણી શું કરવું જોઈએ ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here