તમારો CA અને રોકાણ સલાહકારની સલાહો તદ્દન વિરોધાભાસી હોઈ શકે

0
291
Photo Courtesy: moneycontrol.com

હવે જુન મહિનો આવ્યો એટલે તમે તમારા CA ની મુલાકાત તો લેશો જ. ખાસ તો કર કેટલો ભરવો પડશે એ જાણવા અને તેને ભરવાની તૈયારીઓ કરવા. અહી CA તમને સલાહ આપશે કે તમારી આવક આટલી છે, આ ખર્ચાઓ બાદ મળે છે તો એ ખર્ચાઓ બતાઓ અને કર ઓછો કરો, PPF એટલેકે પબ્લિક પ્રોવીડંડ ફંડ કે ઇન્સ્યુરન્સમાં કે એવી સ્કીમમાં રોકાણ કરો તો તમને કર બાદ મળશે અને એટલો કર તમારો ઘટશે વગેરે.

ડોકટર કે કોઈ દુકાનદાર હશે તો CA કહેશે આટલી કેશની ફી ના બતાવો કે વકરો ઓછો બતાવો કેશ લઇ એશ કરો. તો આ સલાહોમાં એક વસ્તુ તમે માર્ક કરો તો કર ઓછો ભરવા તમને તમારો CA તમારી આવક ઘટાડવાના નુસખાઓ બતાવશે.

આની સામે તમારો રોકાણ સલાહકાર તમારી બચતનું રોકાણ એવી રીતે કરો કે જેથી તમારી આવક વધે એ બતાવશે. આમ બંને પ્રથમ દ્રષ્ટિએ વિરોધાભાસી જ લાગે છે તો આનું એનાલીસીસ કરીએ કે સાચું અને યોગ્ય શું ?

Photo Courtesy: moneycontrol.com

ધારોકે તમે ડોક્ટર છો અને તમારી રોજની કેશની આવક છે જો એ તમે ન બતાવો અને ઓછી બતાવો તો તમારી મૂડી વૃદ્ધી થતી નથી. એથી તમારે જો કોઈ લોન લેવી હોય તો એ લોન લેવી મુશ્કેલ બને અથવા ઓછી મળે છે. આ એક નુકશાન છે તો અહી એ કેશની આવક બતાવી થોડો વધુ કર ભરવો હિતાવહ છે. વળી જે બચત થાય એનું લાંબાગાળાનું રોકાણ કરી નિવૃત્તિ આયોજન કરી શકાય. આ બચત જો તમે ઇક્વિટીમાં રોકો અને જો શેર લે વેચ ના કરો અને જાળવી રાખો તો એ તમને વાર્ષિક 12 થી 15 ટકા વળતર આપે જેના પર કોઈ કર લાગે નહીં. આમ બચતની આવક પર કર ઓછો લાગે છે.

હવે બીજો દાખલો લઈએ. તમારો CA કહે કે કર બચાવવા PPFમાં રોકાણ કરો, ઇન્સ્યુરન્સ પોલીસી લઇ લો, તો અહી એ સમજવું જરૂરી છે કે PPF એ લાંબાગાળાનું રોકાણ છે જયારે ઇન્સ્યુરન્સ પોલીસી એ રોકાણ નથી પરંતુ એ ખર્ચ છે જે કુટુંબના રક્ષણ માટે જરૂરી છે. તો આમાં રોકાણ ક્યાં કરવું?

PPFમાં રોકાણ કરતા તમને 8.5 ટકા વાર્ષિક વ્યાજ મળે છે અને રોકાણ 15 વર્ષ માટે નું હોય છે. જ્યારે ઇક્વિટી લીંક સેવિંગ્સ સ્કીમમાં રોકાણ કરતા એમાં લાંબાગાળે 12 થી 15 ટકા છૂટે છે અને એ ત્રણ વર્ષ માટે બ્લોક થાય છે તો કયું રોકાણ સારું? આ એક મૂંઝવણ સ્વાભાવિક થાય જ. તમારો રોકાણ સલાહકાર તમને એ મૂંઝવણમાંથી બહાર કાઢે છે એ તમારી લાંબાગાળાની અને ટુંકા ગાળાની જરૂરિયાત સમજી તમને યોગ્ય પ્રોડક્ટનું સુચન કરશે અને આમ તમને તમારા રોકાણ પર વધુમાં વધુ ફાયદો થાય અને વળતર પણ સારું મળે અને સલામતી અને જોખમ કેટલું છે એની સમજણ આપશે.

તો આ છે સૌથી મોટો ફરક તમારા CA ની સલાહમાં અને તમારા રોકાણ સલાહકારમાં.

હવે અહી પ્રશ્ન એ થાય કે શું તમારો CA તમારો રોકાણ સલાહકાર ન હોઈ શકે?

તો જવાબ છે હોઈ શકે જો તમે એને તમે તમારી જરૂરીઆતો બરોબર સમજાવી શકો તો પરંતુ થાય છે શું કે તમે તમારા CA પાસે છેલ્લી ઘડીએ જાવ છો. તમારી બેંક પાસબુક અને ચોપડા એને આપી એના પર છોડી દો છો કે હવે કહો મારે કેટલો ટેક્સ ભરવાનો થાય છે તો એ બિચારો શું કરે? એ તમારી આવક ફટાફટ ગણી તમને અમુક રોકાણ કરવાની એટલેકે કર બચાવવાની સલાહ આપી તમારું આવકવેરાનું રીટર્ન ફટાફટ ભરી દેશે જ ને? આમાં તમારા CA નો વાંક ક્યાં આવ્યો?

તમે જો તમારી આવકજાવકનો હિસાબ એને બરોબર ના આપો તો એ બિચારો શું કરે? વળી તમે એને ફી આપશો માત્ર આવકવેરાનું તમારું રીટર્ન ભરવા માટે અને નહીં કે તમને રોકાણ માટે યોગ્ય સલાહ આપે એ માટે તો કોણ તમારા રોકાણ ક્યાં કરવા એમાં રસ લેશે?

એ બની શકે કે તમારા CA ને રોકાણના પ્રોડક્ટ્સની જાણ ન હોય તો ત્યાં તમારો રોકાણ સલાહકાર જ કામ આવે દાખલા તરીકે તમારો CA તમને ઇક્વિટીમાં રોકાણ કરવાની સલાહ નહીં પણ આપે કારણકે એ જોખમી છે પરંતુ આવા સંજોગોમાં જો તમારી પાસે સારો શેરદલાલ હોય તો એની સલાહ લેવામાં કઈ ખોટું નથી. રોકાણ સલાહકાર તમારું ઇક્વિટીનું રોકાણ કઈ રીતે ઓછું જોખમી થાય એની સલાહ આપશે દાખલા તરીકે એ તમને આવા સંજોગોમાં મ્યુચ્યુઅલફંડમાં રોકાણ કરવાની સલાહ આપશે.

મારા મતે તમારો કર સલાહકાર અને રોકાણ સલાહકાર જુદાજુદા હોવું વધુ યોગ્ય છે સિવાય કે તમારો CA રોકાણના તમામ પ્રોડક્ટ ને સમજતો હોય એના રિસ્ક ફેક્ટર સમજતો હોય અને તમને વધુમાં વધુ વળતર કઈ રીતે મળે એ તમને સમજાવી શકતો હોય તો અને ત્યારે.

આખરે તમારી આવક છે તો તમને CA ની જરૂર છે પરંતુ આવક વધારવા તો રોકાણ સલાહકાર જ વધુ યોગ્ય છે આ બંનેની કોર કોમ્પીટન્સી જુદીજુદી છે તો બંને જુદાજુદા હોવા એ તમારા હિતમાં છે.

આ કોલમમાં આપવામાં આવતી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે  મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું  અહીં આપેલી સલાહને પોતાના તરફથી  કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર- 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.

eછાપું

તમને ગમશે: રાજકારણી નો ટેબ્લો….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here