આવો જાણીએ હોલીવુડની અજબ સ્પેશીયલ ઈફેક્ટસ ની ગજબ કહાની

0
121
Photo Courtesy: YouTube

એનીમેશન અને સ્પેશીયલ ઈફેક્ટસ એક મહેનત માંગી લેતો વ્યવસાય છે. લોકો પોતાની વાર્તામાં જે અજબ સૃષ્ટિઓનું ઈમેજીનેશન કરે છે, એને ગજબ રીતે પડદા પર ઢાળવામાં ઘણી મહેનત લાગે છે. અને આ મહેનતમાં જરાય કાચું કપાયું, અથવા આ ઈમેજીનેશનમાં કૈક ગડબડ રહી ગઈ તો આખી દુનિયામાં હાંસીનાં પાત્ર બનીએ છીએ, જયારે સામા છેડે સારું એનીમેશન કે સારી સ્પેશીયલ ઈફેક્ટસ આપવાથી દુનિયામાં તમારા ડંકા પણ વાગી જાય છે.

આજના ગીક જ્ઞાનનાં અંકમાં એવી ત્રણ વાતો કરવાની છે. પહેલી વાત એ સ્પેશીયલ ઈફેક્ટસની હાંસીપત્ર નિષ્ફળતાની છે, બીજી વાત એક ભૂલ કઈ રીતે સુધરી એની છે અને ત્રીજી વાત કઈ રીતે એક સચોટ સ્પેશીયલ ઈફેક્ટ મેળવવાના પ્રયત્નોના લીધે વિજ્ઞાનને ફાયદો થયો એની છે. તો ચાલો જાણીએ એ ત્રણેય વાતો.

1. મૂછે હો તો હેન્રી કેવીલ જૈસી હો વરના ના હો.

સમય છે નવેમ્બરનો, વોર્નર બ્રધર્સ અને DC કોમિક્સનું સહુથી મોટું સાહસ ધ જસ્ટીસ લીગ થીયેટરમાં રીલીઝ થઇ રહ્યું હતું. માર્વેલ સિનેમેટિક યુનિવર્સનાં જવાબ રૂપ DC Extended Universeની વન્ડર વુમન સિવાયની બધીજ ફિલ્મોએ પ્રેક્ષકોને નિરાશ કર્યા હતા, અને એવેન્જર્સનાં જવાબ રૂપે આવનારી જસ્ટીસ લીગની આ બધીજ નિરાશાઓનો અંત લાવી દેશે એવી બધાને અધીરાઈ થી રાહ હતી. બેટમેન, સુપરમેન અને વન્ડર વુમન સહીત ફ્લેશ, એક્વામેન અને સાયબોર્ગની ટીમને પહેલાવાર પડદા ઉપર જોવા માટે બધા ઉતાવળા હતા. જયારે એ ફિલ્મ રીલીઝ થઇ ત્યારે લોકો સુપરમેનનો ચહેરો જોઈ ચોકી ગયા હતા. કારણકે સુપરમેનની એન્ટ્રી અને એના શરૂઆતનાં સીનમાં એનો ચહેરો કૈક એવી રીતે દેખાતો હતો જાણે કોઈએ માઈક્રોસોફ્ટ પેઈન્ટમાં આ ચહેરો બનાવીને ફિલ્મમાં ચોટાડી દીધો હોય.

Henry-Cavill-Superman-CGI-Justice-League
હેન્રી કેવીલ જસ્ટીસ લીગ સ્પેશીયલ ઈફેક્ટસ વાળી શેવિંગ…. courtesy: batman-news.com

આ ફિલ્મની ઓવરઓલ ઘણી ટીકા થઇ અને એમાં દરેક વિવેચકોએ સુપરમેનનાં આ બકવાસ CGI (Computer Generated Imagaery)ની બે મોઢે ટીકા કરી.

સામાન્ય રીતે સુપરમેન ક્લીન શેવમાં જ હોય છે. અને જસ્ટીસ લીગનાં ઘણા ખરા શુટિંગ વખતે સુપરમેન બનતો એક્ટર હેન્રી કેવીલ ક્લીન શેવમાં જ હતો. પણ થયું એવું કે ફિલ્મનું શુટિંગ પૂરું થયા પછી ડીરેક્ટર ઝાક સ્નાયડરને અંગત કારણોસર જસ્ટીસ લીગમાંથી હટી જવું પડ્યું, અને થોડા સમય બાદ વોર્નર બ્રધર્સે ઝાક સ્નાયડરે બનાવેલી ફિલ્મમાં ફેરફાર કરવાનું વિચાર્યું. મૂળ ફિલ્મ ઘણી ડાર્ક હતી એટલે ફિલ્મની વાર્તા હળવી બનાવવા અને એમાં કોમિક ટચ આપવા માટે એવેન્જર્સના ડીરેક્ટર જોસ વ્હેડનની સેવાઓ લેવામાં આવી. વાર્તામાં અમુક બદલાવના લીધે ફિલ્મનું શુટિંગ ફરીવાર કરવાની ફરજ પડી.

જસ્ટીસ લીગનું શુટિંગ 2016નાં ઓક્ટોબરમાં પૂરું થયું, એ ફિલ્મ એક વર્ષનાં પોસ્ટ પ્રોડક્શન (જેમાં ડબિંગ, એડીટીંગ સહીત એનીમેશન, સ્પેશીયલ ઈફેક્ટસ જેવા કામ થાય છે)નાં અંતે નવેમ્બર 2017માં રીલીઝ થવાની હતી. એ વચ્ચે હેન્રી કેવીલે મિશન ઈમ્પોસીબલની આગલી કડીમાં એક અગત્યનો રોલ સ્વીકાર્યો અને એની તૈયારીમાં લાગી ગયો.

સામાન્ય રીતે કોઈ સ્પેશીયલ રોલ માટે કોઈ એક્ટર નક્કી થાય એટલે એમને ઘણી બધી પૂર્વતૈયારીઓમાંથી પસાર થવું પડતું હોય છે. અહિયાં બોલીવુડમાં ફરહાન અખ્તર મિલ્ખાસિંહ બનવા માટે ભરપુર શારીરિક કસરતો કરતો હોય કે રણવીર સિંહ પેશ્વા બાજીરાવની મરાઠી શૈલીની પ્રેક્ટીસ દિવસોના દિવસો સુધી કરતો હોય એવું કદાચ નવું હોય, પણ આવી તૈયારી હોલીવુડમાં સામાન્ય છે. અને અમુક કેસ માં પ્રોડ્યુસર કે ફિલ્મ સ્ટુડીઓ આગળ વધી એક્ટર્સને અમુક કરારમાં બાંધી રાખે છે, જેમાં મોટેભાગે જે-તે એક્ટર માટે કોઈ દેખાવ ઉભો કરવો અને એ ફિલ્મનું શુટિંગ પૂરું થાય ત્યાંસુધી એ દેખાવ જાળવી રાખવો એવી શરતો હોય છે, અને મિશન ઈમ્પોસીબલ માટે હેન્રી કેવીલ સાથે પણ આવા જ કરાર કરવામાં આવ્યા હતા, જેમાં એને શુટિંગ પૂરું ન થાય ત્યાં સુધી મૂછો રાખવી ફરજીયાત હતી. કોઈ કારણસર મૂછો કાઢવી પડે તો એના માટે ભરવો પડતો દંડ બહુ મોટો હતો.

henry-cavill-shave-mission-impossible-6
હેન્રી કેવીલ મિશન ઈમ્પોસીબલ ૬ માં. Courtesy: screenrant.com

મિશન ઈમ્પોસીબલનું શુટિંગ 2017નાં એપ્રિલ મહિનામાં શરુ થયું. અને જસ્ટીસ લીગનું  રીશૂટ એના ત્રણ મહિના પછી જુલાઈમાં શરુ થયું, જેમાં સુપરમેનનાં પણ ઘણા સીન શૂટ કરવાના હતા. સુપરમેનને કદી મૂછો હોય નહીં, અને કરાર પ્રમાણે હેન્રી કેવીલ મૂછો કાઢી શકે એમ હતો નહીં, એટલે પ્રોડ્યુસરોએ હેન્રી કેવીલને ડીજીટલ ક્લીન શેવ આપવાનું નક્કી કર્યું.

આ રીશુટિંગ અને ડીજીટલ શેવિંગ વોર્નર બ્રધર્સને લગભગ સો કરોડમાં પડ્યું અને આ ફિલ્મને ફેન્સ અને ક્રિટીક્સ બંને તરફથી નબળા રિસ્પોન્સ મળ્યા. હેન્રી કેવીલ કે એની મુછોનો આમાં જરાય વાંક ન હોવા છતાં જસ્ટીસ લીગ ઉપર બનેલી સહુથી વધારે જોક્સ એ મૂછો પર બની હતી. વોર્નર બ્રધર્સ, જે માર્વેલ સ્ટુડીઓઝ પહેલા આ સુપર હીરો ફિલ્મો બનાવતું હતું, અને પહેલા નોંધ્યું એમ માર્વેલ કરતા વોર્નર બ્રધર્સ પાસે ઓછા વિઘ્નો હતા,તેમ છતાં ફ્લોપ જઈ રહેલા DCEUનાં ભવિષ્યનો બધો દારોમદાર જે ફિલ્મ પર હતો એ ફિલ્મ જોરદાર પીટાઈ અને DCEU પરથી લોકોનો વિશ્વાસ ધીમે ધીમે ઉઠી રહ્યો છે.

આશા રાખીએ કે ફરીવાર એવું ન થાય. લોકોનું પ્લાનિંગ અને એ પ્લાનનો અમલ એટલો સારી રીતે થાય કે આવા કોઈ રીશૂટ ન કરવા પડે ….

જસ્ટીસ લીગમાં થયેલી ભૂલ પ્લાનિંગ લેવલથી હતી. પણ કોઈ એવી ભૂલ થાય કે જેમાં સચોટ પ્લાનિંગ હોવા છતાંય આખી ફિલ્મનું ભવિષ્ય ખતરામાં આવી શકે? હા, જાણીએ આગળની વાર્તામાં

2. કઈ રીતે ટોય સ્ટોરી 2 આખી ડીલીટ થતા થતા બચી

સ્પેશીયલ ઈફેક્ટસ માટે ડિઝની-પિક્સાર અત્યારે એક જાણીતું નામ છે, અને આ નામ બનવાની શરૂઆત થઇ પીક્સારની પહેલી ફૂલ લેન્થ ફિલ્મ ટોય સ્ટોરી થી. ટોય સ્ટોરી એક રમકડાંની આંખે કહેવાયેલી વાર્તા હતી અને એ ફિલ્મ એનીમેશન અને વાર્તા બંનેની દ્રષ્ટીએ એક ઉદાહરણ રૂપ હતી. અને એટલે જયારે આ ફિલ્મની સિકવલ બનાવવાનો વિચાર આવ્યો ત્યારે ડિઝનીએ એ વિચારને બે હાથે વધાવી લીધો હતો.

પિક્સાર સ્પેશીયલ ઈફેક્ટસ સાથે સંપૂર્ણ કમ્પ્યુટર એનીમેટેડ ફિલ્મ બનાવે છે. એક્ચ્યુઅલ કેમેરો ફિલ્મ બનાવતી વખતે ક્યાય ઉપયોગ નથી થતો. એના પાત્રો, એ પાત્રોનું હલનચલન, અને એ પાત્રોની આસપાસની દુનિયા, અને એના કેમરા એન્ગલ બધુજ કમ્પ્યુટરમાં 3D મોડેલ તરીકે સંગ્રહ કરેલું હોય છે. અને આ ફિલ્મ બનાવવામાં એક કરતા વધારે એનીમેટર લગભગ બે થી ત્રણ વર્ષોની મહેનત કરે છે ત્યારે જઈને આવી ફિલ્મ બને છે. આ વાત 1996-97ની છે. જયારે કમ્પ્યુટર ગ્રાફિક્સ અને એનીમેટેડ ફિલ્મોનાં યુગની શરૂઆત થઇ રહી હતી. પીક્સારનાં એન્જીનીયરો ટોય સ્ટોરી ઉપર જોરદાર મહેનત કરી રહ્યા હતાં.

toy-story-2_a-G-1678093-0
ટોય સ્ટોરીનું પોસ્ટર Courtesy: AllPosters

જ્યારે કમ્પ્યુટર પ્રોગ્રામિંગ કે ગ્રાફિક્સનું કામ હોય ત્યારે રેગ્યુલર ફાઈલ્સની સાથે કમ્પ્યુટર ઘણી જંક ફાઈલ્સ પણ બનાવતું હોય છે. કોઈ પણ લાંબા સમય સુધી ચાલતા પ્રોજેક્ટમાં આવી જંક ફાઈલ્સ સમયસર ક્લીયર કરતા રહેવી ખુબજ જરૂરી હોય છે અને આ કામ દર વખતે જાતે કરવાની માથાકૂટથી બચવા પ્રોગ્રામર્સ એક નાનકડી પ્રોગ્રામિંગ સ્ક્રીપ્ટ લખીને જંક ફાઈલ ઓટોમેટીકલી ક્લીયર કરી દેતા હોય છે. ફિલ્મનું 90% એનીમેશન પૂરું થઇ ગયા પછી એક વખત રેગ્યુલર ક્લીયરીંગ વખતે ભૂલથી એક એવી જગ્યાએ ફાઈલો ડીલીટ થવા માંડી જ્યાં બધી કામની ફાઈલો પડી હતી. એ ફાઈલોમાં દરેક એક્ટર્સનાં 3D મોડેલ, જે તે પાત્ર કે દ્રશ્યને યોગ્ય રીતે રેન્ડર કરવા માટે જરૂરી એવો ડેટા સહીત લગભગ 80% ફિલ્મ ભૂલમાંથી ઉડવા લાગી હતી. જયારે પીક્સારનાં લોકોને ભાન થયું ત્યારે બહુ મોડું થઇ ગયું હતું, કારણકે એ ડેટાનું કોઈ બેકઅપ પણ ન હતું.

એતો ભલું થાજો ફિલ્મની ટેકનીકલ ડીરેક્ટર ગેલીન સુસ્માનનું જે એ સમયે એના નવજાત બાળકનું ધ્યાન રાખવા માટે ઘરેથી કામ કરી રહ્યા હતા. એમણે મેટર્નલ લીવ લેતા પહેલા પોતાના ઘરનાં કમ્પ્યુટરમાં ઘણું બેકઅપ લઇ રાખ્યું હતું અને પોતાનું કામ પીક્સારની ઓફીસ સાથે સિંક કરવામાટે ઘણીવાર પિક્સારનાં સર્વર માંથી પોતાની પાસે બેકઅપ રાખતા. અને આ બેકઅપએ ટોય સ્ટોરી 2ને બચાવી લીધી (વર્ક ફ્રોમ હોમનાં ઘણા ફાયદા છે જેની વિષે વિગતવાર વાત પછી ક્યારેક). અને પીક્સારનું એક નામ કરી નાખ્યું જે આજ સુધી કાયમ છે.

અને હવે આ અંકની છેલ્લી અને સહુથી ટૂંકી વાર્તા જેમાં કઈ રીતે એક સ્પેશીયલ ઈફેક્ટ ફિલ્મ અને વિજ્ઞાન બંનેને મદદરૂપ થઇ.

3. એક બ્લેકહોલ, 800TB ની સ્પેશીયલ ઈફેક્ટસ અને ત્રણ સાયન્ટીફીક પેપર્સ

150213-space-interstellar-gargantua_717ffeaf0adb23a2b61bfb5ac988dd70.nbcnews-ux-2880-1000
ઇન્ટરસ્ટેલાર નો 800TB નો બ્લેક હોલ જે સ્પેશીયલ ઈફેક્ટસ થી બનાવેલો હતો courtesy: nbcnews.com

ફિઝીસીસ્ટ કીપ થોર્ન માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રી કોઈ નવી વાત ન હતી. આ પહેલા પણ તેઓ કાર્લ સાગાન-રોબર્ટ ઝેમેસ્કીસની કોન્ટેક્ટમાં સલાહકાર રહી ચુક્યા હતા.એટલે જયારે પેરામાઉન્ટ સ્ટુડીઓએ એની લખેલી સાઈન્સ ફિક્શન પરથી ફિલ્મ પ્રોડ્યુસ કરવાનું નક્કી કર્યું અને એ ફિલ્મ ઇન્ટરસ્ટેલાર સાથે ક્રિસ્ટોફર નોલાનનું નામ સંકળાયું ત્યારે કોઈને આશ્ચર્ય થયું ન હતું.

ઇન્ટરસ્ટેલારની વાર્તામાં સ્પેસટાઈમ અને અવકાશયાત્રા બહુ મહત્વની થીમ હતી. અને કીપ થોર્નની સલાહનાં લીધે વોર્મ હોલ, ટાઈમ ટ્રાવેલ અને બીજા અમુક વિષયો આ ફિલ્મે એટલી સરસ રીતે સમજાવ્યા હતા જે તમે કોઈ ક્લાસરૂમમાં ભણીને કે કોઈ પુસ્તકો વાંચીને પણ ના સમજી શકો. એક સરસ અને જકડી રાખનારી સસ્પેન્સ ફિલ્મ લખવામાં ક્રિસ્ટોફર અને જોનાથન નોલાન તો માસ્ટર હતાજ, પણ એ ફિલ્મ વૈજ્ઞાનિક રીતે એટલી સચોટ બનાવવામાં અને વાર્તાનાં પ્લોટમાં આ વૈજ્ઞાનિક મુદ્દાઓને કંટાળો લાવ્યા વગર મુકવામાં કીપ થોર્નનો પણ સચોટ ફાળો હતો.

માત્ર એવુજ ન હતું કે ઇન્ટરસ્ટેલારને કીપ થોર્ન થી ફાયદો મળ્યો હતો. ઉપર ઈમેજ માં દેખાય છે એ બ્લેક હોલ ફિલ્મની વાર્તાનો મહત્વનો પોઈન્ટ છે અને આ બ્લેક હોલ વૈજ્ઞાનિક રીતે સચોટ હોય એવો નોલાન ભાઈઓ અને કીપ થોર્ન બંનેનો આગ્રહ હતો. કીપ થોર્ને આ બ્લેકહોલ કેવો હોવો જોઈએ એની બધીજ થીયરી અને એના બધાજ સમીકરણો વિષે ફિલ્મની સ્પેશીયલ ઈફેક્ટ ટીમ સાથે ચર્ચાઓ કરી. આ ચર્ચાઓ અને ત્રણ મહિનાની મહેનતનાં અંતે ઉપર દેખાતો બ્લેકહોલ બન્યો, જે પોતે 800TB જેટલી જગ્યા રોકતો હતો (સરખામણી તરીકે આજકાલ ઘણા લેપટોપ અને ડેસ્કટોપ 1TB ની હાર્ડ ડ્રાઈવ આપે છે, આ બ્લેકહોલનું રેન્ડરીંગ આવી 800 હાર્ડ ડ્રાઈવ જેટલી જગ્યા રોકતું હતું).

અને આ 800TBનો બ્લેકહોલ એ સહુથી પહેલું અને સહુથી સચોટ વૈજ્ઞાનિક રેન્ડરીંગ હતું. આ પહેલા બ્લેકહોલને દેખાડવાના, અને એને આકૃતિ રૂપે સમજાવવાના ઘણા પ્રયાસો થયા હતા, પણ એ બધા કાંતો આર્ટીસ્ટીક રેન્ડરીંગ હતા (જે એટલા સચોટ ન હતા) અથવાતો બહુ પ્રાથમિક કક્ષાના હતા. પણ એક ફિલ્મ માટે બનેલો બ્લેકહોલ અત્યાર સુધીનો સહુથી સચોટ બ્લેકહોલ હતો. અને આ બ્લેકહોલને બનાવતી વખતે મળેલી માહિતી પર થી કીપ થોર્ને ત્રણ સાયન્ટીફીક પેપર્સ પ્રદર્શિત કર્યા.  ક્રીસ નોલાન ને એક એવો સચોટ બ્લેકહોલ મળ્યો અને કીપ થોર્નને સ્પેસ, ટાઈમ, બ્લેકહોલ, વોર્મહોલ જેવા અઘરા શબ્દોને આસાન ભાષામાં લોકો સમજી શકે એવું એક માધ્યમ મળ્યું, અને આ મહેનત થી ફિલ્મમેકર્સ, કીપ થોર્ન અને પ્રેક્ષકો ત્રણેય ખુશ થયા.

સ્પેશીયલ ઈફેક્ટસ કે એનીમેશન ખરેખર એક મહેનત માંગી લેતી જોબ છે. એમાં માથાકૂટ તો બહુ જ છે, ફેઈલ થવાના અને લોકોની મજાક બનવાના ચાન્સ પણ ઘણા છે. સામે આજ સ્પેશીયલ ઈફેક્ટને સરખી રીતે કરીએ તો એના ફાયદા માત્ર ફિલ્મને કે એના કસબીઓને નહીં પણ માનવજાતને ય થાય છે. અરે એક સમયે બંધ થવાના આરે આવેલી એક સ્પેશીયલ ઈફેક્ટ ની કંપની એની મહેનત અને લગન થી એટલી આગળ આવી છે કે એ કંપની વગર છેલ્લા 30 વર્ષોમાં હોલીવુડ ની 90% સ્પેશીયલ ઈફેક્ટ વાળી ફિલ્મો ન બનત. અને આ વાત બીજા દરેક વ્યવસાય અને નોકરીઓ ને લાગુ પડે છે. આપણને પગાર કે આવક મળે છે એનો એકજ મતલબ છે કે આપણે કોઈને કોઈ અગત્યનું યોગદાન આપીએ છીએ, એટલે મૂળ વાત એ છે, કે પોતાની ફરજો ન ભૂલો, મન લગાવીને કામ કરો, ભૂલો માંથી કૈક શીખી અને એનો ઉપયોગ પોતાની સફળતાની નજીક પહોચવા માટે કરો. અને એટલે જ…

May the force be with you…

eછાપું

તમને ગમશે: સેક્યુલર રહેવાની જવાબદારી માત્ર હિન્દુઓની જ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here