સંયુક્ત વિપક્ષી મોરચામાં જોડાવા AAP રીતસર લાળ ટપકાવી રહ્યું છે

0
279
Photo Courtesy: indiatoday.in

રાજકારણમાં જોડાવાની જરાય ઈચ્છા ન ધરાવનારા આમ આદમી પાર્ટી એટલેકે AAP ના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલને હવે 2019ની લોકસભા ચૂંટણીમાં કહેવાતા સંયુક્ત વિપક્ષી મોરચામાં જોડાવાની ઉતાવળ થઇ ગઈ છે. એક સમયે કોંગ્રેસને ભ્રષ્ટાચારની ગંગોત્રી તરીકે સરખાવનારા કેજરીવાલ હવે કોંગ્રેસને સારું લાગે એ પ્રકારના નિવેદનો અને tweet કરી રહ્યા છે. પરંતુ પેલું કહેવાય છે ને કે દોરડું બળી ગયું પણ વળ ન ગયા? એવો પોતાનો શેતાની સ્વભાવ છોડવા પણ AAPના નેતાઓ તૈયાર નથી .

Photo Courtesy: indiatoday.in

હાલમાં કેજરીવાલ કર્ણાટકમાં JDS અને કોંગ્રેસની સંયુક્ત સરકારની શપથવિધિમાં ભાગ લેવા અને પોતે પણ વિપક્ષી એકતાનો ભાગ છે એવું દેખાડવા બેંગલુરુ ગયા હતા,પરંતુ કોઈ અકળ કારણોસર તેઓ શપથવિધિ બાદ મંચ પર જોવા મળેલા વિપક્ષી નેતાઓના જથ્થામાં જોવા મળ્યા ન હતા. આનું એક કારણ એમ પણ હોઈ શકે કે કદાચ કોંગ્રેસ સહીત વિપક્ષી પાર્ટીઓ AAP ને અણગમતી જવાબદારી માનતા હોય એ શક્ય છે. આમ કહેવા પાછળ હાલમાં દિલ્હી પ્રદેશ કોંગ્રેસ પક્ષના પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીયમંત્રી અજય માકનનું એક નિવેદન ખાસ કારણભૂત છે.

દિલ્હીમાં આવનારી લોકસભા ચૂંટણીમાં શું કોંગ્રેસ AAP સાથે ગઠબંધન કરશે? એવા એક સવાલના જવાબમાં અજય માકને સ્પષ્ટ ના પાડતા કહ્યું હતું કે હવે જ્યારે AAP દિલ્હી અને દેશની પ્રજા સામે ખુલ્લું પડી ગયું છે અને તેની લોકપ્રિયતા દિવસેદિવસ ઘટી રહી છે ત્યારે કોંગ્રેસ આ રિસ્ક બિલકુલ નહીં લે. માકને તો ‘મોદી નામનો રાક્ષસ’ ઉભો કરવા માટે પણ AAP ને જ જવાબદાર ગણાવી હતી.

અજય માકનની આવી સ્પષ્ટ વાત છતાં AAP અને તેમના નેતાઓના દિમાગની શેતાની ફેક્ટરીઓ ઓવરટાઈમ કરી રહી હોય એવું લાગી રહ્યું છે. હાલમાં અરવિંદ કેજરીવાલે એક tweet માં ભારતને અત્યારે ડૉ. મનમોહન સિંઘ જેવા ‘ભણેલા વડાપ્રધાન’ ની  જરૂર હોવાનું કહ્યું હતું. આ રીતે તેઓ એક તરફ કોંગ્રેસને મસ્કો મારી રહ્યા હોવાનું સ્પષ્ટ થાય છે. તો બીજી તરફ AAP એવી હવા પણ ઉભી કરી રહ્યું છે કે તે આવનારી લોકસભાની ચૂંટણીઓમાં હરિયાણા અને પંજાબ કોંગ્રેસ માટે જતું કરવા તૈયાર છે અને બદલામાં કોંગ્રેસ તેને દિલ્હીમાં એકલા હાથે અથવાતો મોટાભાગની બેઠકો પર લડવા દેશે.

આટલું ઓછું હોય એમ હાલમાં આમ આદમી પાર્ટીએ દિલ્હીની સાત માંથી પાંચ લોકસભા બેઠકો પર પોતાના નિરીક્ષકોના નામની પણ જાહેરાત કરી દીધી હતી. આમ કરીને AAP આડકતરીરીતે કોંગ્રેસને એવો સંદેશ આપવા માંગે છે કે તે બાકીની બે બેઠકો કોંગ્રેસ માટે છોડવા તૈયાર છે. દેશની સહુથી જૂની પાર્ટીના મોટાભાઈ બનવાની AAPની ઈચ્છા ખરેખર બાળક બુદ્ધિ પ્રકારની હરકત વધુ દેખાઈ રહી છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને તેમના વિશ્વાસુ સાથીદારો અત્યારે બહુજન સમાજ પાર્ટીના માયાવતી સાથે બેઠકો અંગે ઓલરેડી ચર્ચા કરી રહ્યા છે, આ ઉપરાંત કોંગ્રેસે કર્ણાટકમાં આવતી લોકસભા ચૂંટણી તેમના નવા સાથીદાર JDS સાથે લડવાની પણ જાહેરાત કરી દીધી છે, પરંતુ ક્યાંય તેણે અત્યારસુધી અરવિંદ કેજરીવાલ કે પછી AAP નું નામ નથી લીધું.

આ તમામ બાબતો એક વાત સ્પષ્ટ કરે છે કે AAP ના નેતાઓને મનના એક ખૂણે એવો વિશ્વાસ બેસી ગયો છે કે આવતા વર્ષની ચૂંટણીઓમાં જીત તો દૂરની વાત રહી પરંતુ સારો દેખાવ કરવો એ પણ AAP માટે મુશ્કેલ બની શકે છે. આવામાં તે જો કહેવાતા મહાગઠબંધનનો ભાગ બની જઈને તેનો લાભ ઉઠાવીને તેની હાલની 4 બેઠકો કરતા અમુક વધારે બેઠકો જીતી જાય તો જ પ્રજામાં તેનું નાક બચી શકે તેમ છે. પરંતુ આ માટે તેણે બે કદમ પાછળ ખસવાની અને નમ્ર બનવાની જરૂર છે, તેના સ્થાને તે રીતસર અભિમાની વર્તણુક દ્વારા એ મહાગઠબંધનમાં ઘૂસવા લાળ પાડી રહ્યું છે.

eછાપું

તમને ગમશે: ફૂડ બ્લોગર : અ ફર્સ્ટ હેન્ડ એક્સપીરીયન્સ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here