ઈશ્વરનું એક અનોખું સર્જન એટલે સાવ તૂટેલો–ભાંગેલો માણસ

0
360
Photo Courtesy: nicknotas.com

એક માણસ, એના ઘરમાં આજે શોર બકોર હતો. નાનકડા ટીનુએ  મોટું રમકડું તોડ્યું, શ્રીમતિજીએ એક સાથે ચાર કપ  નવા કર્યા, અધૂરામાં પૂરું  ઘાટીએ મોંઘોદાટ ફ્લાવરવાઝ તોડ્યો। આજે  તોડ -ફોડ દિવસ થયો. સૌના મન વ્યગ્ર બની ગયા।

ચા પીતાપીતા  આજનું  વર્તમાનપત્ર હાથમાં લીધું મથાળા – અકસ્માત કરી ડ્રાઈવર ભાગી ગયો, પાણી મામલે પાડોશી પર હુમલો, નજીવી બાબતે પથ્થરમારામાં વીસ ઘવાયા.

વર્તમાનપત્રનું કોઈ પાનું એવું નહીં હોય જેમાં આવા નકારાત્મક સમાચાર નહીં હોય. જગ નું શ્રેષ્ઠ સર્જન તે માણસ. ઈશ્વરે ઘડવામાં ક્યાંય કસર ન રાખી પ્રત્યેક પ્રાણીમાં કોઈને કોઈ અવગુણ ભરેલા છે પણ પ્રભુએ મનુષ્યને પૂર્ણાંગ બનાવ્યો અને પછી તમામ સૃષ્ટિનું આધિપત્ય ભોગવી શકે તે માટે જાણે પૃથ્વી પરનો ભગવાનનો જ હવાલો સંભાળી શકે તેટલો તેને સમર્થ  બનાવી દીધો. એક વિશેષ શક્તિ તેણે માણસને આપી—-વિચાર શક્તિ. ખતમ …ઈશ્વરને એમ હતું કે મારી આ વિશેષ શક્તિ વિચારવંત પ્રત્યેક માણસ નરમાંથી  નારાયણ બની જશે અને પૃથ્વીલોક સ્વર્ગલોક બની જશે. પરંતુ તેની ધારણા સાવ ઉંધી જ વળી .

હા, ગણ્યા ગાંઠ્યા એ વિચાર રાજાને સવળે માર્ગે લઇ ગયા, પ્રભુના ઉદ્દેશ્યને સમજી ગયા. મોટાભાગનો માણસ હવે “માણસ” નથી રહ્યો. પ્રમાણભાન બદલાય, કોક પાંચ-દસ ટકા સમજુ દેખાય તો કોક પંદર-વીસ ટકા. પણ મોટાભાગનો માણસતો સહેજે માણસ ન હોવાના પચાસ ટકા ઓળંગી ગયો છે અને હદ એ વાતની છે કે કેટલાયતો  સો ટકા પાર કરી જાય છે. “માનવ  બને દાનવ” જ નહીં દાનવને શરમાવે તેવો વ્યવહાર ઘણીવાર માણસ કરી બેસે છે. પુરાણ કે ટીવી સિરિયલમાં કંસ કે વંત્રાસુર જેવા પાત્રોની ક્રૂરતા જોઈને અરેરાટી છૂટે. પણ આતો આસપાસનો માણસજ સાચ્ચેજ આવી હેવાનિયત બતાવી શકે એ કેવું?

Photo Courtesy: nicknotas.com

અને વધારે કરુણતા તો એ વાત ની છે કે લગભગ પ્રત્યેક માણસ આ દશા જોવા, સાંભળવા ટેવાઈ ગયો છે. તેના પેટનું પાણી હાલતું નથી. અરેરાટી છૂટતી નથી. ઘરમાં ગાજર મૂળો કપાય ને મનમાં કઈ ન થાય તેમ માણસ કપાય તો દિવાળી તો મનાવાય જ. મોટેભાગે માણસમાત્રમાં  દિવસાદિવસ લાગણીના સ્ત્રોતનો પ્રવાહ કાં તો ઘટતો જાય છે-સુકાતો જાય છે, નહીંવત થતો જાય છે. માણસે રોબોટને આંસુ આવે તેનું સંશોધન કર્યું પણ પોતે આંસુશૂન્ય બન્યો! માણસની આ દશા માટે ચિંતિત એવા કેટલાય સંતો, ચિંતકો, ઉપદેશકો અથાગ પ્રયન્ત કરે છે. માણસનું માણસપણું યાદ અપાવવા, પણ ધસમસતા શૂન્યતાના પ્રવાહની સામે આ તો તણખલા સમું હોય છે. વિચારો તો ખરા જે દેશ પ્રાણી માત્રને પ્રેમ કરવાની સંસ્કૃતિ ધરાવે છે, એ જ દેશમાં માણસ પાડોશીનો દરવાજો નથી ખખડાવી શકતો!

કારણોના કરોળિયાના જાળામાં અટવાવાને બદલે કૈક વિચારીએ. શું આપણે આપણા સાથે વાત કરીએ છીએ ખરા? કદાચ હા, તો કેટલીવાર અને કયા ભાવથી? કઈ દિશામાં? ઈચ્છાઓના, આકાંક્ષાઓના અસ્ખલિત ઘોડાપૂર  મનમાં દોડ્યા જ કરે છે. અલબત્ત આ બધું હોવું જોઈએ પણ એની પ્રાપ્તિ, સિદ્ધિ માટેના રસ્તા પકડવામાં ખુબ થાપ ખાઈ જાય છે માણસ. અને પછી શોર્ટકટ, સ્વાર્થ, લાલસા, દેખાદેખી જેવા કેટલાય દાનવીય અસુરો તો શિકારની રાહ જોઈને જ બેઠા છે.

આસ્થા વધી, ખુબ વધી. ધર્મસ્થાનો ઉભરાય છે, પણ એમાં ઈશ્વર પ્રત્યેની કૃતજ્ઞતા કરતા માગણીયાત ભાવ જ વિશેષ હોય છે. માણસ એ ભૂલી જ ગયો છે કે આ હાથ,પગ બુદ્ધિ, ભગવાને શા માટે આપ્યા છે. હાથ વહાલ કરવાયે વપરાય ને ધીબવા માટે પણ વપરાય. ફળ કાપવાનું ચપ્પુ ફળ કાપવા જ વપરાય. બીજી વાત વિકેન્ડના વિહારમાં સારા રેસ્ટોરાં માટે બિચારા ગુગલને હેરાન કરીએ છીએ. દર વખતે વેરાયટીતો મળવી જોઈએને? તનના ખોરાકની સ્વાદની ખુબ ચિંતા, મનના ખોરાકની??? મૂલ્યવાન મનજીભાઈને શું ખવરાવવું  તેના માટે ખાસ તો નહીં, આપણે જરાય વિચારતાજ નથી.

ચેનલોના ચા-પાણી અને ફોર્વર્ડેડ મેસેજના મુખવાસથી સંતોષ માની ને બેસી જઈએ છીએ. પરિણામ નજર સામે છે. સત્ય તો એ છે આપણી 80% સમસ્યાનું કારણ આપણી આપણા મન પ્રત્યેની ઉદાસીનતા જ છે. થોડું સ્વચિંતન, થોડું ઉત્તમ વાંચન કે શ્રવણ ચોક્કસ સાચી દિશા આપે જ. પાંચ હજાર વર્ષ પહેલા લખાયેલ ગીતા તો જીવન ગ્રંથ છે. તમામ સમસ્યાનો ઉકેલ તેમાં છે, જો ખોલીએ, સમજીએ તો! અર્થશાસ્ત્રમાં એમ કહેવાય છે કે “ધનિક ભારતમાં ગરીબો  વસે છે.” એવુંજ આપણા આધ્યાત્મિક વારસાનું પણ છે. યોગનું યોગા થઇ ભારતમાં આવે  ત્યારે પણ અમેરિકન કોચ તંદુરસ્ત હોય સામે માયકાંગલો ભારતીય બેઠો હોય. દુનિયાને સાચા અને વધુ મૂલ્યવાન મહામાનવ આપણેજ આપ્યા છે તો હું કેમ ‘માણસ’ ન બનું? આજથીજ મારામાં માણસ હોવાની દિશામાં એક વિચારણીય પગલું એટલે પુરુષમાંથી ‘પુરૂષોત્તમ’  થવાની મંઝિલ તરફ ગતિ-પ્રગતિ!

eછાપું

તમને ગમશે: EVM વિરોધ – બાત બહુત દૂર તલક જાયેગી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here