અજાણ્યાં સંબંધોને જાણીતા બનાવતી લઘુકથા – અંકલ,આંટી અને બાંકડો

0
706
Photo Courtesy: guoguiyan.com

અજાણ્યાં સંબંધો ઘણીવાર એટલા બધા જાણીતા બની જાય છે કે આપણે તેને ક્યારેય આપણા હ્રદયથી દૂર નથી કરી શકતા. અંકલ, આંટી, અને બાંકડો એક એવી લઘુકથા છે જે જીવનના અજાણ્યાં સંબંધોને જાણીતા બનાવે છે.

Photo Courtesy: guoguiyan.com

2016 .દિવાળી પછીના દિવસો. બેંગ્લોરના એક ગાર્ડનમાં હું સવારે 7 વાગે મોર્નિંગ વૉક લેવા જઇ રહ્યો છું. તાજી ઠંડી હવા, લાલ, ભૂરા, પીળા ફૂલોથી લચી પડેલું ઉદ્યાન, ક્યાંક છૂટાછવાયા તો ક્યાંક સાવ એકલો બાંકડો. ટી શર્ટ, ટ્રેક, સ્પોર્ટ્સ શૂઝ ચડાવી દોડતું તાજું યૌવન. સાથોસાથ તાલ મિલાવતી પ્રૌઢાવસ્થા. આ સતત દોડતા ભાગતા શહેર સાથે એણે પણ કદમ મિલાવવા પડે.

મારી બાજુમાંથી એક પીળી સાડી પહેરેલા પાતળા, સાગના સોટા જેવા ટટ્ટાર, ગોરા અને સિલ્વર ફ્રેમના ચશ્માં પહેરેલાં પ્રૌઢ સન્નારી પસાર થયાં. પાછળ કોબ્રા નાગ જેવો જાડો ચોટલો ઝૂલતો હતો. એમાં કેસરી ફૂલોની વેણીની સેર નાખી હતી. અમારી નજર મળી. મેં આછું સ્મિત આપ્યું, એમણે સ્મિત આપું કે નહીં એ દ્વિધામાં હોઠ સહેજ ફરકાવી માથું નમાવ્યું. અમે ત્રણ આંટા કાપતાં છ વખત સામે મળ્યાં. તેઓ કરતાં હું વિરુદ્ધ દિશામાં ચક્કર મારતો હતો. હવે એ મરક્તાં હતાં. થોડીવારમાં એ બેઠાં અને એ બાંકડેથી ઉઠી એક પ્રૌઢ સજ્જને ચાલવું શરૂ કર્યું. તેમણે એ સન્નારીને એમનું પર્સ આપ્યું અને પોતાનો મોબાઈલ આપ્યો. તેઓ ટ્રેક, ટીશર્ટમાં સજ્જ, સહેજ ઘઉંવર્ણા, અમિતાભ સ્ટાઇલના કાળી ફ્રેમના ચશ્માં પહેરી આવ્યા હતા. બે સાઈડ પર સફેદ કટ હતી, વાળ ભૂખરા હતા. મો પરથી બન્ને સુખી ઘરના લાગતાં હતાં. અહીં નજીકમાં પોશ ટાવરોમા ઉચ્ચ મધ્યમવર્ગીય લોકો જ રહે છે.

બે ત્રણ દિવસ આમ અમે વારાફરતી સામે મળ્યાં.

એ આંટી શરૂમાં આછા હોઠ ફરકાવતાં, હવે આંખોમાં આંખો મિલાવી હસતાં, અમારી નજરો મળી રહેતી. પાછા ફરતાં અંકલને મારી ઓળખાણ આપી. આંટી રસથી અમને જોઈ રહ્યાં. અમારે હાય હેલોનો સંબંધ થઈ ગયો.

ચાર દિવસ બાદ, હવે એ બંને મને મીઠું સ્મિત આપતાં હતાં. મેં  રાઉન્ડસ પતાવી એમની સામે એક ખાલી બાંકડો હતો તેના પર બેઠક લીધી. નામ, ટાવર, બ્લોક નં વગેરેની આપલે કરી.

હું તાજો નિવૃત્ત થયેલો, એ અંકલ ચારેક વર્ષ પહેલાં એક ઉચ્ચ સરકારી અધિકારી હતા, આંટી પણ સારી જગ્યાએ જોબ કરતાં હતાં. પોતે હેલ્થ કોન્સિયસ હોઈ અંકલને શરૂમાં ઢસડી આવતાં, હવે અંકલને આદત પડી ગયેલી એમ કહી બન્ને હસ્યાં. “વૉકમાં નહી આવે તો એમને કોફી નહીં મળે” આન્ટી એ કહ્યું. અમે હસ્યાં.

એક અઠવાડિયામાં તો અમે મિત્રો બની ગયેલાં. બાંકડે હંમેશાં તેઓ સાથે બેસતાં.  હા, અંકલ કદાચ ગોઠણની તકલીફને લીધે ધીમા ચાલતા, આંટી કડેઘડે હોઈ તેજ ચાલતા. પણ પછી બંને જોડાજોડ બેસતાં, કઈંક પાઠ કરતાં. ’એ બે એક સ્વરૂપ અંતર નવ ધરશો’ એ પંક્તિ મને યાદ આવી.  વાતવાતમાં મેં એમને એ પંક્તિઅનુવાદ કરી કહી. આંટીએ ખુશ થઈ મારી આંખમાં આંખ પરોવી પ્રેમભરી દ્રષ્ટિ ફેંકી.

અંકલ મારી સાથે બોલતા પણ ખાસ કોઈ સાથે ભળતા નહીં. એમનો એ ખાસ બાંકડો અને કોઈ અંકલ ખબર પૂછવા બેસે તો બાંકડે સહેજ દૂર બેસાડે. બાજુમાં તો શિવ પાર્વતી ની જેમ આંટી જ હોય અને આમ સાવ બાજુમાં જ બેઠા હોય.

મારો રહેવાસ અમદાવાદનો. મારો પરત જવાનો દિવસ આવ્યો. મેં અંકલને બાય કહ્યું. એમણે હાથ મિલાવ્યા. આંટીએ એ જ મીઠું સ્મિત આપી, આંખ મિલાવી. મને એમના ફ્લેટમાં આગ્રહ કરી કોફી પીવા લઇ ગયાં.

“આવજો, અમદાવાદ જરૂર જોવા આવો.“ કહી હું છૂટો પડ્યો. લિફ્ટમાં ‘અહો કેવું સુખી જોડું કર્તા એ નિર્મ્યુ ખરે’ પંક્તિ યાદ આવી ગઈ.

2018 બેસતો ઉનાળો. હું ફરી બેંગ્લોર આવ્યો. સવાર પડી. ફરી એ નજીકના ગાર્ડનમાં વૉક લેવા ગયો. ન જોવું હોય તો પણ પરાણે ધ્યાન ખેંચાય એવાં ટીશર્ટ, ઉછળતા ઉરજો, ફીટ ટ્રેક, જંઘાઓનો શેઈપ અને.. વચ્ચે ધરાર … દેખાય એમ પહેરી દોડતી ‘સન્નારીઓ’, ધરાર મસલ્સ બતાવી જાંગિયાથી સહેજ જ લાંબી ચડ્ડીઓ પહેરી દોડતા ‘સજ્જનો’ ચાલતાં ચાલતાં પોતાની દૃષ્ટિને પણ કસરત આપતા હતા. મેં ફાસ્ટ ચાલવુ શરૂ કર્યું. ત્રીજા આંટે સામેથી ઠીચુક ઠીચુક ધીમા ડગ ભરતા પેલા અંકલ મળ્યા. આંખો ઓળખી ગઈ. સુક્કું છતાં પરિચય સુચવતું મીઠું સ્મિત આપ્યું. પરંતુ દિલ અને મો ખુલ્લાં ફાટ કરી આપતા એ સ્મિત ગાયબ હતું. અંકલ નીચા નમી ગયેલા. મો પર કરચલીઓ વધી ગયેલી.

આંટા પુરા કરી હું બગીચા વચ્ચે એક બાંકડો હતો તેના પર બેસવા ગયો. ઓહ,સામે જ અંકલ. હવે ચશ્માં સહેજ જાડા કાચના થયેલાં. એ હોઠ ખેંચી અપાતાં બ્રોડ સ્માઈલની જગ્યાએ આંખોમાં કોઈ અકથ્ય વેદના કે વિષાદ ડોકાતો હતો. અંકલ સ્હેજ ઝુકી ગયેલા. કંઈ બહુ વખત તો થયો નહતો અમને મળ્યે. “આંટી ક્યાં?” મેં પૂછ્યું. ફિકકુ સ્માઇલ અને મારી આંખોમાં એક દ્રષ્ટિ. મેં વધુ પૂછ્યું નહીં. સમજી ગયો.થોડી વાર રહી એમણૅ જ ‘હાઉ આર યુ’ પૂછી કહ્યું, આંટી એક વર્ષ પહેલાં એકાએક એટેક આવી અવસાન પામ્યાં છે.

હું આપોઆપ એમને આશ્વાસન આપવા મારા બાંકડેથી ઉઠી એમના ખભે હાથ મુકવા એમની બાજુમાં બેસવા ગયો. એમણે નકારમાં ડોકું હલાવી એક જગ્યા છોડી બેસવા કહ્યું. વચ્ચે એક રૂમાલ પડેલો એની ઉપર.. પાસપોર્ટ સાઈઝની આંટીની એ જ નજર મિલાવતી, મીઠું સ્માઈલ આપતી છબી.

eછાપું

તમને ગમશે: એક ચૂંટણી પ્રેરિત ભોજન સમારોહ ….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here