જો રાહુલ ગાંધી 2019માં ભારતના વડાપ્રધાન બને તો શું થાય?

0
327
Photo Courtesy: asianage.com

કોંગ્રેસની અદમ્ય ઈચ્છા છે કેપોતાના લાડલા અને લાડકવાયા ‘ચૂંટાયેલા’ પાર્ટી અધ્યક્ષ અને બીજા શબ્દોમાં કહીએ તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના કર્તા, હર્તા, ધરતા અને મારતા એવા શ્રી રાહુલ ગાંધી, 2019માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં મહા’ગાંઠ’બંધનના સહારે NDA સરકારના DNAને હચમચાવી નાખે અને અખિલ ભારતના શહેનશાહ એટલે કે વડાપ્રધાન બને!

ચાલો એક પળ માટે માની લઈએ કે આવું બની ગયું! 2019ની ચૂંટણીમાં પેટ્રોલ, ડીઝલ, GST તેમજ નોટબંધી જેવા મુદ્દાઓને લઈને કોંગ્રેસના દિગ્ગજો ભારતની પ્રજાને સમજાવવામાં સફળ રહે કે ‘હવે યુપીએ સરકાર જ માત્ર વિકલ્પ છે’ અને લોકચુકાદો યુપીએ તરફી આવે. મોદી-અમિતની જોડી નમામી ગંગે કરતી કરતી ગંગાના પાણીમાં બેસી જાય અને રાહુલ ગાંધી ભારતના વડાપ્રધાન બની જાય તો શું થાય એની એક વૈચારિક પ્રસ્તુતિ વિષે આજે આપણે ચર્ચા કરીએ.

Photo Courtesy: asianage.com

સૌપ્રથમ તો જેમ કરણ જોહરના મુવીઝમાં ક્રુઝ પાર્ટીઝ થાય છે તેમ એક જબરદસ્ત પાર્ટીનું આયોજન થાય. આફ્ટરઓલ શાહી પરિવાર, યુ નો?! પછી તરત બીજા દિવસે શપથ ગ્રહણ સમારોહમાં રાહુલ ગાંધી ખુશખુશાલ થઇ જાય. કેમ? કારણ કે આમાં તો જોઇને જ બોલવાનું છે એટલે મોબાઈલની જરૂર ન પડે. વાહ! એમને તો મજા જ આવી જાય.

બંને દિવસ ખુબ જ ખુશહાલીમાં પસાર કર્યા બાદ ત્રીજા દિવસે રાહુલ ગાંધી ને PM ઓફીસમાં બેસવાનો વારો આવે અને કેબીનેટની ફાળવણી કરવાની વાત આવે ત્યારે મોટી દુવિધા સર્જાય, અદ્દલ ‘વિશ્વસરૈયા’ બોલતી વખતે જે ગુંચવાળો ઉભો થયો હતો એવો જ તો!! દિગ્ગજ નેતાઓ(?) જેવા કે દિગ્વિજયસિંહ, ચિદમ્બરમ અને મનમોહનસિંહની દરમિયાનગીરીથી ‘ગાંઠ’બંધનવાળાની શરતો માનતા મનાવતા બધા ખાતા ફળવાય અને બધું ઠરીઠામ થાય.

ખાતા ફાળવણી જેવું એકદમ હેક્ટીક કહી શકાય એવું કામ પાર પાડીને (સોરી! એની ક્રેડીટ લઈને) રાહુલ ગાંધી પોતાના જુના ભાષણો રીવાઈન્ડ કરીને ફ્લેશબેકમાં જાય. ત્યાં જુએ કે આપણે શું શું વચનો આપેલા અને એમાંથી કેટલા ટકા પુરા થાય એવા છે. પોતાના જ ભાષણો જોતા જોતા એક સરસ ઝોંકુ આવી જાય અને અચાનક સપનામાં એમના કાનના પડદા પર નોટબંધી અને જીએસટી જેવા શબ્દો ટીંચાટીચ થાય એટલે સફાળા જાગી જાય. તરત મંત્રીમંડળની બેઠક બોલાવાય અને ચા નાસ્તો પતાવી અગત્યનો નિર્ણય લેવાય.

એ જ નિર્ણય બાદ મોદીના નકશે કદમ પર રાત્રે આઠ વાગ્યે તેઓ ટીવી પર આવે અને જાહેર કરે કે જે મુદ્દો અમે ચગાવ્યો હતો એ નોટબંધી હવે પાછી ખેંચી લેવામાં આવે છે અને 500-1000ની જૂની નોટો હવે ફરીથી ઈકોનોમીમાં લીગલ ટેન્ડર ગણાશે. યુપીએ સરકારને સપોર્ટ કરતા અને વોટ્સએપિયા અર્થશાસ્ત્રીઓ બીજા દિવસે આખું સોશિયલ મીડિયા માથે લઇ લે!!

નોટબંધી પાછી ખેંચ્યા બાદ બીજા નંબરે જે મુદ્દો સૌથી વધુ ચગાવેલો હોય તો એ છે પેટ્રોલ ડીઝલના ભાવ. હવે પ્રચાર વખતે મોટી ડીંગો મારી હોય ભાવો તો ઘટાડવા જ પડે. પરંતુ ખરેખર સિચ્યુએશન જ એવી હોય કે ભાવો ઘટાડી જ ન શકાય તો શું કરી શકાય એના વિષે તાબડતોબ પેટ્રોલીયમ મીનીસ્ટ્રીની ખાસ બેઠક બોલાવવામાં આવે. જેમાં સર્વાનુમતે એવો નિર્ણય થાય કે મોદીજીએ ચાલુ કરેલ FAME – Faster Adoption and manufacturing of (hybrid &) electronic vehiclesનુંં નામ બદલીને ‘ઇન્દિરા ગાંધી ઇકોફ્રેન્ડલી વાહન પરિયોજના’ કરી દેવામાં આવે અને વઘારેલા ભાતની જેમ ફરીથી દેશવાસીઓની ડીશમાં સર્વ કરવામાં આવે.

જીએસટી એ એમનો હોટ ફેવરીટ મુદ્દો હોઈ એમના શાસનમાં જીએસટી પાછો ખેંચી લેવામાં આવશે અને પહેલા જેવી ટેક્ષ સીસ્ટમ લાગુ કરી દેવામાં આવશે જેથી કરીને ખિસ્સા ભરતા તમામ લોકોમાં સરકારની વાહવાહી થઇ જાય. મણિશંકર ઐયરના કહેવાથી મોદી અને અમિતશાહને રાષ્ટ્રીય લેવલે વોન્ટેડ જાહેર કરવામાં આવે અને એ બંને પૈકી દરેક પર ચંદ્ર પર પ્લોટનું ઇનામ રાખવામાં આવશે.

‘મેક ઇન ઇન્ડિયા’નું નામ બદલીને તાબડતોબ ‘સોનિયા ગાંધી ‘સ્વિ’દેશી અભિયાન’ કરી દેવામાં આવે અને જેની અંતર્ગત કાર્ટૂન ફિલ્મ ઉદ્યોગને એક નવી દિશા મળે જેના લકી મેસ્કોટ તરીકે છોટા ભીમને આગામી પાંચ વર્ષ સુધી ફ્રીઝ કરી દેવામાં આવે. વધુમાં બટાકામાંથી સોનું બનાવવાના મશીન ક્ષેત્રે ઝંપલાવનાર ઉદ્યોગ સાહસિકોને ‘નિંદ્રા યોજના’ (મુદ્રા યોજનાનું નવું નામ) અંતર્ગત ૬૦% જેટલી સબસીડી આપવામાં આવે.

આટલા મહત્વના સુધારાઓ કર્યા બાદ રાહુલજી પોતાના જનરલ નોલેજ માટે કામ કરશે. એનસીસી (નેશનલ કેડેટ કોપ્સ) વિષે પોતાની જાતને માહિતગાર કરવા માટે ‘નેહરુ ચાચા કાઉન્સિલ’ (NCC) નામની અલગ પરિષદની રચના કરશે જે જ્ઞાનની ગંગોત્રી સીધી એમના મગજમાં ઘુસાડવાની વ્યર્થ ચેષ્ટા કરશે.

એ પછી રાહુલજી મોદીજીથી એક સ્ટેપ આગળ જઈને પૃથ્વીના દેશોની નહિ પરંતુ ચંદ્ર અને મંગળની મુલાકાત લેવા માટે જશે અને ત્યાં કોંગ્રેસ સરકાર બની શકે કે કેમ તે અંગે વિચારણા કરશે. આ મહત્વાકાંક્ષી મિશન પૂરું કરશે એટલા સમયમાં પોતાની સરકારના ત્રણ વર્ષ પુરા થઇ ચુક્યા હશે અને ભારતની ઈકોનોમી ચિદમ્બરમજીના નેતૃત્વમાં અમેરિકા સાથે રેસ લગાવતી હશે એવું માની લઈએ તો ટ્રમ્પ સાથે રાહુલ ગાંધી દ્વિપક્ષીય બેઠક કરીને ભારતના દરેક રાજ્યને સ્વાયત્તા આપવા માટેની દિશામાં આગળ વધશે. જેની શરૂઆત બહુચર્ચિત કર્ણાટકથી કરવામાં આવશે.

રાહુલ ગાંધી ભારતને એટલી હદે ટ્રાન્સફોર્મ કરી નાખશે કે ભારતમાં ‘યુધિષ્ઠિર રાજ્ય’ આવી જશે (કારણ કે રામરાજ્યનો દાવો તો એનડીએ સરકારનો છે!!). આ બધા પછી વારો આવશે મોદીપ્રેમી બીઝનેસમેન્સનો! અંબાની, તાતા, બિરલા અને અદાણી જેવા ઉદ્યોગકારોની ખેર નહિ હોય. તેઓનો બીઝનેસ ચોપટ થઇ જશે અને જેના કારણે કરોડો લોકો બેરોજગાર થઇ જશે. પરંતુ એ બધાય બેરોજગાર લોકો ‘મનરેગા’ યોજના અંતર્ગત આવી જશે અને એકાએક મનરેગા યોજના વિશ્વની સૌથી સફળ યોજના બની જશે.

આ તમામ વસ્તુ ઘટી જ રહી હશે કે એટલામાં એક નોકર આવીને રાહુલજીને કહેશે, “ઉઠો સાહેબ, કોમ્પ્લેન રેડી છે. આજે તો ઘણું લેટ થઇ ગયું!!” અને સફાળા બેઠા થઈને આ હસીન સપનું સાકાર થાય તે માટે ફરીથી કૈલાસ માનસરોવર જવાની માનતા માની રાહુલજી કોમ્પ્લેનનો ગ્લાસ હાથમાં લઇ જોડે સોનાની (સોરી, બટાકાની) ચિપ્સ ખાશે.

આચમન:- “હું ભારતના નાગરિક તરીકે ઈશ્વરની શપથ લઉં છું કે આ કાલ્પનિક લેખ મેં પુરા હોશમાં લખ્યો છે, જેમાં આલેખાયેલી ઘટનાઓની કોઈ જીવિત વ્યક્તિ સાથે સંપૂર્ણ સમાનતા જાણીજોઈને જ વ્યક્ત કરવામાં આવી છે”

તમને ગમશે: દરેકને ખુશ રાખવાની મુર્ખામી ક્યારેય કરવી નહીં

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here