ડ્રેગનને ભારતીય બનાવી દેતું દેસી ચાઇનીઝ ફૂડ અને બે રેસિપીઝ

0
360
Photo Courtesy: archanaskitchen.com

દેસી ચાઇનીઝ શબ્દ સાંભળતા જ આપણા મનમાં રણવીર સિંહ ની પેલી ફેમસ એડ આવી જાય છે. હકીકતમાં આ દેસી ચાઇનીઝ એટલે કે ઇન્ડો-ચાઇનીઝ અથવા “હાક્કા ચાઇનીઝ” એ ચાઇનીઝ કવીઝિનને ભારતીય મસાલા અને પદ્ધતિથી બનાવવામાં આવતું કવીઝિન છે. મૂળ ચાઇનીઝ કવીઝિનના પ્રમાણમાં દેસી ચાઇનીઝ ખૂબ જ વિશાળ પ્રમાણમાં શાકાહારી ઓપશન્સ ધરાવે છે. દેસી ચાઈનીઝનું મૂળ કલકત્તામાં વસતી નાની એવી ચાઇનીઝ કોમ્યુનિટીમાં રહેલું છે, તેઓ એક સદીથી પણ વધુ સમયથી ભારતમાં રહે છે અને તેમના દ્વારા વિકસાવેલ આ કવીઝિન આજે સમગ્ર ભારતનું અભિન્ન અંગ છે. એટલું જ નહીં, તે અમેરિકામાં પણ એટલું જ લોકપ્રિય છે અને ત્યાં વસતા ભારતીય અને ચીની સમુદાયો દ્વારા તેને ખૂબ જ માણવામાં પણ આવે છે.

દેસી ચાઈનીઝમાં જીરું, ધાણા, હળદર, મરી, આદુ, લસણ, તલ, સૂકા લાલ મરચાં જેવાં ભારતીય રસોઈમાં વપરાતા મસાલા-તેજાના બહોળા પ્રમાણમાં વપરાય છે. આ કવીઝિનની મુખ્ય ન હોય તેવી વાનગીઓ એટલે કે રાઈસ અને નૂડલ્સ સિવાયની વાનગીઓ ડ્રાય અને “વિથ ગ્રેવી” એમ બે રીતે પીરસી શકાય તેમ હોય છે. ડ્રાય વાનગીને સ્ટાર્ટર તરીકે તો “વિથ ગ્રેવી” વાનગીને રાઈસ સાથે સર્વ કરવામાં આવે છે.

દેસી ચાઇનીઝ કવીઝિનમાં ઘણી રાંધણકળા શૈલીઓ જોવા મળે છે જેમાં “ચિલિ” જે મરચાંના ટુકડા સાથે રાંધવામાં આવેલાં તળેલા શાકભાજી કે પનીર), “મંચુઅરિયન” (ખટમીઠાં બ્રાઉન સોસ), અને “સેઝવાન” (એક મસાલેદાર લાલ સોસ)નો મુખ્યત્વે સમાવેશ થાય છે. જો કે મૂળ ચાઇનીઝ કવીઝિન સાથે તો આ બધી શૈલી ખાલી નામ પૂરતી જ મળતી આવે છે.

આ કવીઝિન ની સૌથી શ્રેષ્ઠ બાબત એ છે કે અહીં કોઈ એક રેસીપીમાં સોસને યથાવત રાખી અંદરની સામગ્રી બદલી નાખતા તેની અનેક વિવિધતા જોવા મળે છે, જેમકે વેજીટેબલ મન્ચુરિયનમાં બોલ્સને બદલે ફ્લાવરના ટુકડાને તળીને નાખતા ગોભી મન્ચુરિયન બનાવી શકાય છે.

ચીલી પનીર

સામગ્રી:

પનીર માટે:

¼ કપ કોર્નફલોર

¼ કપ મેંદો

½ ટીસ્પૂન મરી પાઉડર

½ ટીસ્પૂન કાશ્મીર લાલ મરચાં પાવડર

1 ટીસ્પૂન સોયા સોસ

¼ ટીસ્પૂન મીઠું

½ ટીસ્પૂન આદુ-લસણ પેસ્ટ

¼ કપ પાણી

9 ક્યુબ્સ પનીર

તળવા માટે તેલ

ગ્રેવી માટે:

4 ટીસ્પૂન તેલ

2 કળી લસણ, ઝીણું સમારેલું

4 ટેબલસ્પૂન લીલી ડુંગળી, ઝીણું સમારેલું

2 ટેબલસ્પૂન ડુંગળી, ઝીણું સમારેલું

2 લીલા મરચા, ચીરો મૂકીને

½ કેપ્સિકમ (લીલા અને લાલ), સમારેલા

2 ટેબલસ્પૂન વિનેગર

2 ટેબલસ્પૂન સોયા સોસ

1 ટેબલસ્પૂન ચીલી સોસ

¼ ટીસ્પૂન મરી પાઉડર

¼ ટીસ્પૂન મીઠું

1 ટેબલસ્પૂન કોર્નફલોર

1 કપ પાણી

રીત:

  1. સૌથી પહેલા કોર્નફ્લોર માં બધા જ મસાલા ઉમેરી તેનું ખીરું તૈયાર કરો.
  2. હવે તેમાં પનીરના ટુકડા ઉમેરીને ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાંસુધી તળી લો.
  3. તૈયાર થઇ જાય એટલે પનીરના ટુકડાને બાજુમાં રાખો.
  4. હવે એક કડાઈમાં તેલ લો. તેમાં લસણ, લીલી ડુંગળી, ડુંગળી અને લીલું મરચું ઉમેરી, સાંતળી લો.
  5. હવે તેમાં લાલ અને લીલા કેપ્સીકમ ઉમેરો અને થોડું સાંતળી લો.
  6. હવે તેમાં વિનેગર, સોયા સોસ, ચીલી સોસ, મરી પાઉડર અને મીઠું ઉમેરીને મિક્સ કરી લો.
  7. એક વાટકીમાં કોર્નફલોરમાં પાણી ઉમેરીને એની સ્લરી બનાવી દો.
  8. ગ્રેવી સહેજ ઘટ્ટ થાય એટલે એમાં કોર્નફલોરની સ્લરી ઉમેરીને બરાબર ભેળવી દો અને હલાવતા રહો.
  9. હવે તેમાં પનીરના ટુકડા ઉમેરી બરાબર મિક્સ કરી દો.
  10. લીલી ડુંગળીના લીલા ભાગથી ગાર્નીશ કરી ફ્રાઈડ રાઈસ સાથે સર્વ કરો.

 

વેજીટેબલ ફ્રાઇડ રાઈસ

Photo Courtesy: archanaskitchen.com

સામગ્રી

1 બાઉલ બાસમતી ચોખા રાંધેલા

3 – 4 tsp તેલ

2 લીલી ડુંગળી ઝીણું સમારેલ

½ ગાજર ઝીણું સમારેલ

1 કેપ્સિકમ ઝીણું સમારેલ

4-5 ફણસી ઝીણું સમારેલ

¼ કપ વટાણા

3 થી 4 લસણ ઝીણું સમારેલ

½ ઇંચ આદુ ઝીણું સમારેલ (વૈકલ્પિક)

3 tsp સોયા સોસ

3 tsp વિનેગર

1 tsp કાળા મરી

સ્વાદ મુજબ મીઠું

રીત:

  1. સૌપ્રથમ એક વોક અથવા પેનમાં 3-4 tsp તેલ ઉમેરો અને ગરમ કરો. તેમાં કાળા મરી અને લસણ ઉમેરો. થોડા સેકન્ડ માટે સાંતળો.
  2. લીલી ડુંગળી ઉમેરો અને લગભગ 2 મિનિટ માટે સાંતળો. કેપ્સિકમ ઉમેરીને બરાબર સાંતળો.
  3. બધા જ ઝીણા સમારેલા શાકભાજી ઉમેરીને બરાબર હલાવતા રહો, જેથી શાકભાજી ચઢી જાય.
  4. થોડુંક મીઠું, સોયા સોસ અને વિનેગર ઉમેરો. મીઠું ઉમેરતા ધ્યાન રાખવું કેમકે સોયા સોસમાં ખારાશનું પ્રમાણ વધુ હોય છે.
  5. રાંધેલા ભાત ઉમેરી બરાબર મિક્ષ કરો. થોડા કાળા મરી ઉમેરી ભાત અને શાકભાજી બરાબર ભળી જાય ત્યાં સુધી ધીમા તાપે રહેવા દો.
  6. ફ્રાઇડ રાઈસને ચીલી પનીર કે વેજીટેબલ મન્ચુરિયન સાથે સર્વ કરો.

eછાપું

તમને ગમશે: 100 વરસ સુધી ચાલેલું એક ગતકડું- ઇલેક્ટ્રિક હીટ થેરાપી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here