શું અમિત શાહે મોદીની પંદર લાખવાળી વાતને જુમલા કહીને ઉડાડી દીધી હતી?

0
322
Photo Courtesy: dailythanthi.com

ગઈકાલે નરેન્દ્ર મોદીએ શું ખરેખર આપણને બધાને પંદર પંદર લાખ આપવાની વાત કરી હતી એ લેખ પર કોંગ્રેસી મિત્રોની અપેક્ષા અનુસાર ટિપ્પણીઓ આવી. એ લેખમાં સ્પષ્ટ સંકેત હતો કે કેટલીક વાતો પોતપોતાની સમજદારી પર છોડી દેવી જોઈએ. આવી જ એક વાત છે અમિત શાહનો જુમલા વાળો ઇન્ટરવ્યુ.

ગઈકાલે ઘણા બધા કોંગ્રેસી મિત્રોએ આર્ટીકલનું માત્ર હેડીંગ વાંચીને પોતાની અપેક્ષા મુજબની પ્રતિક્રિયા આપી હતી. આ પ્રતિક્રિયાઓમાં મોટેભાગે એવી બાબતો સામેલ હતી જે આર્ટીકલમાં ઓલરેડી કહેવામાં આવી હતી અથવાતો એવી બાબતો હતી જેની સ્પષ્ટતા એ આર્ટીકલમાં કરી દેવામાં આવી હતી. પણ આ તો કોંગ્રેસી કલ્ચર છે એટલે ‘અમે કહીએ એ જ બ્રહ્મવાક્ય’ એ ધોરણે લેખ વાંચ્યા વગર અમુક ટિપ્પણીઓ કરી દેવામાં આવી અને વિચારી લીધું કે અમે જીતી ગયા. આજે અમિત શાહના જુમલા અંગેના આ આર્ટીકલ માટે પણ એ જ પ્રકારની ટિપ્પણીઓ આવશે એ અપેક્ષિત છે જ.

Photo Courtesy: dailythanthi.com

ઘણા સમયથી સોશિયલ મિડીયામાં અને મેઈન સ્ટ્રીમ મિડીયામાં અમિત શાહે નરેન્દ્ર મોદીએ દરેકને પંદર લાખ આપવાવાળી વાત એક પોલીટીકલ જુમલા તરીકે કહી હતી એવું કહ્યા હોવાનું સાંભળતો હતો. સાચું કહું તો 2015ના ફેબ્રુઆરીમાં અમિત શાહનો એ ઇન્ટરવ્યુ થયો હતો જે મેં એ સમયે તો શું પરંતુ બે દિવસ અગાઉ સુધી પણ તેને જોયો ન હતો. આ પાછળનું કારણ એક જ  હતું કે મનમાં એવી સતત લાગણી થતી અને વિશ્વાસ હતો કે આમાં પણ કોંગ્રેસીઓ કે એમની ઈકોસિસ્ટમના પત્રકારોએ કશોક ટ્વિસ્ટ જરૂર કર્યો હશે, કારણકે અમિત શાહ જેવો માણસ આમ સાવ બેજવાબદારીભર્યું નિવેદન કરે જ નહીં.

અમિત શાહની છાપ અમસ્તી પણ તોળીતોળીને બોલનાર વ્યક્તિની છે. એવું નહીવત સાંભળવામાં આવ્યું છે કે અમિત શાહે પોતાના કોઈ ભાષણમાં, ઇન્ટરવ્યુમાં કે પછી નિવેદનમાં કાચું કાપ્યું હોય, એટલીસ્ટ મારા ધ્યાનમાં તો નથી જ આવ્યું. આ ઉપરાંત તેઓ ભારતીય જનતા પક્ષ જે આજે સત્તાધીશ છે તેના પ્રમુખ છે એટલે તેઓ પોતાના જ વડાપ્રધાનની વાતને આ રીતે જુમલા તરીકે ખપાવીને એમની હાલત પાતળી તો ન જ બનાવે. આ બધું સામાન્ય સમજ ધરાવતો કોઇપણ વ્યક્તિ આસાનીથી સમજી શકે છે, જો તેણે સમજવું હોય તો અને જો તેના મનમાં ભાજપ કે મોદી પ્રત્યે દ્વેષ ન હોય તો.

પરંતુ તેમ છતાં, જ્યારે અશોક ગહેલોતના વિડીયોને ખોટો ઠરાવવા માટે કોંગ્રેસી મિત્રોની મહેનત જોઈ અને એની સામે ભાજપના સમર્થકો અને ભક્તોએ મોદીની પંદર લાખવાળી વાતને આગળ ધરી કોંગ્રેસીઓનો સામનો કરતા જોયા ત્યારે અમિત શાહના જુમલા સંબંધિત ઇન્ટરવ્યુની યાદ આપોઆપ આવી ગઈ. મોદીના પંદર લાખવાળા વાયદા પર તો આર્ટીકલ લખવાનો જ હતો તો પછી આ બાબતે પણ ખુલાસો થઇ જ જાય એ હેતુથી બે દિવસ અગાઉ જ YouTube પર એ જુમલા વાળો ઇન્ટરવ્યુ શોધી કાઢ્યો.

આટલી લાંબી પૂર્વભૂમિકા બાંધ્યા પછી ચાલો મુદ્દા પર આવીએ. પ્રશ્ન એ છે કે શું અમિત શાહે નરેન્દ્ર મોદીની વાતને જુમલો કહ્યો હતો ખરો? તો જવાબ છે હા. પરંતુ જે રીતે ભાજપના ઘણા નેતાઓના બયાનોને અંગમરોડની કસરત કરાવવામાં આવે છે એમ આ બાબતને પણ કોંગ્રેસ, આપ અને મિડીયાના મોટાભાગના હિસ્સા દ્વારા એટલી હદે તોડી અને મરોડી નાખવામાં આવી કે ભાજપ સમર્થકો પણ કદાચ ભરમાઈ જઈને મૂંગા થઇ ગયા અને વિરોધીઓના ટોણાઓના જવાબ આપવાનું બંધ કરી દીધું. ચાલો પહેલા એ વિડીયો જોઈએ અને પછી આગળ વાત કરીએ.

તો વાત છે દિલ્હીના મહામહિમ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જેમને મે 2014માં બનેલી મોદી સરકાર પોતાના દરેક વચનો જલ્દીથી પૂરા કરે એની એવી ઉતાવળ આવી ગઈ કે ફેબ્રુઆરી 2015માં તો લોકોને યાદ દેવડાવવા લાગ્યા કે, “ભઈ તારા એકાઉન્ટમાં પંદર હજાર આવ્યા કે?” અમિત શાહનો મુદ્દો આ જ હતો. એમણે ઉપરોક્ત લીંકના અંતિમ હિસ્સામાં કેજરીવાલે કરેલા પર્સનલ વાયદાઓનું આખું લિસ્ટ આપ્યું અને પછી તેને મોદીના ભાષણ સાથે સરખાવ્યું છે.

જુમલા નો મતલબ અહીં એમ કરાય અને જે મતલબ સાથે ઇન્ટરવ્યુ લેનાર પત્રકાર કિશોર અજવાણી પણ સહમત થતા કહે છે કે ચૂંટણી પ્રચારમાં પોતાની વાત પર ભાર મૂકવા માટે આ પ્રકારના ઉદાહરણો આપવામાં આવતા હોય છે. અમિત શાહે પણ જુમલા નો આ જ મતલબ કાઢતા કહ્યું હતું કે મોદીએ પોતાની વાત લોકો સરળતાથી સમજી શકે એટલા માટે પંદર લાખનું ઉદાહરણ આપ્યું હતું જેની પાછળ મતલબ એ જ હતો કે જેટલું પણ કાળુનાણું દેશમાં આવશે તેના થકી ગરીબો અને પ્રજાના કલ્યાણના કાર્યો સરળતાથી થઇ શકશે. આવા કયા કયા કાર્યો મોદી સરકારે છેલ્લા ચાર વર્ષમાં કર્યા છે એ આપણે ગઈકાલના આર્ટીકલમાં વિગતે જાણી ચૂક્યા છીએ એટલે એનું પુનરાવર્તન ટાળું છું.

જેમ એ ઇન્ટરવ્યુમાં અમિત શાહે કહ્યું કે એમ કોઈના ખાતામાં પંદર લાખ ન આવે એ હું પણ સમજું છું અને તમે પણ સમજો છો. વિશ્વના કોઇપણ દેશમાં આ પ્રકારની સિસ્ટમ હોતી નથી. કિશોર અજવાણીએ એમ પણ પૂછ્યું કે એ લોકોનું શું જે મોદીજીની વાત સિરિયસલી લઈને રાહ જોઇને બેઠા છે કે મારા ખાતામાં પંદર લાખ આવશે? ત્યારે અમિત શાહે કહ્યું કે એવું કોઈજ માનતું નથી, ટૂંકમાં ભારતીયોની બુદ્ધિમતાને આપણામાંથી કોઈએ પણ ઓછી આંકવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં એમ અમિત શાહે સ્પષ્ટ કર્યું હતું.

આટલી દીવા જેવી ચોખ્ખી વાત અમિત શાહે કરી હોવા છતાં અત્યારસુધીમાં ભાજપના કોઇપણ કટ્ટર સમર્થકે આટલા વર્ષો સુધી કેજરીવાલ કે રાહુલ ગાંધીના ચાહકોની અફવાઓનો સામનો આ વિડીયો લીંકનો સજ્જડ પૂરાવો એમના માથે આક્રમકતાથી મારીને કેમ ન કર્યો એ વિચારીને નવાઈ લાગે છે.

આમ તો આ બધી ચર્ચા તો પછી આવે પહેલા એ તો કહો કે નરેન્દ્ર મોદીએ ક્યારે એવું કહ્યું હતું કે પોતે સત્તા પર આવશે તો દરેકના ખાતામાં પંદર પંદર લાખ જમા કરશે? જો એમણે એવું કહ્યું જ ન હોય, જે આપણે ગઈકાલે સાબિત કરી દીધું છે તો પછી આ જુમલા ની વાતનું પણ ક્યાં મહત્ત્વ રહે છે રાઈટ?

eછાપું

તમને ગમશે: બંગાળના પાંચ ફોરોન મસાલા દ્વારા બનેલી એક મજેદાર વાનગી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here