બ્રાવો સુનિલ છેત્રી – ભારતીય સ્પોર્ટ્સ ફેન્સને ઢંઢોળીને જગાડવા બદલ

0
393
Photo Courtesy: hindustantimes.com

ભારતમાં જુદીજુદી રમતોની ખરાબ હાલત પાછળ કાયમ ક્રિકેટને દોષ દેવામાં આવે છે. પરંતુ ભારતીય ફૂટબોલ ટીમનો કેપ્ટન સુનિલ છેત્રી નોખી માટીનો માનવી નીકળ્યો. સુનીલ છેત્રીએ ક્રિકેટની લીટી ભૂંસવાને બદલે ફૂટબોલની લીટી લાંબી કરવાનો સરાહનીય પ્રયાસ આ અઠવાડિયાની શરૂઆતમાં કર્યો અને તેમાં તેણે ભારતીયોને પણ સામેલ થવાની અપીલ પણ કરી હતી. સુનિલ છેત્રીની અપીલ મોટેભાગે રંગ લાવી અને હાલમાં મુંબઈમાં રમાઈ રહેલા ઇન્ટરકોન્ટીનેન્ટલ કપની ભારતની મેચો જોવા ઠીકઠીક સંખ્યામાં દર્શકો આવી પહોંચ્યા.

Photo Courtesy: hindustantimes.com

વાત જાણેકે એમ હતી કે દેશમાં ઇન્ટરકોન્ટીનેન્ટલ કપ જેવી મોટી ઇવેન્ટ ચાલી રહી હોય અને ભારતની જ મેચો જોવા કોઈ આવતું ન હોય તો એક યજમાન તરીકે ભારતીય ફૂટબોલ સંઘની અને ખેલાડીઓની હાલત કેવી શરમજનક થાય? આ જોઇને સુનિલ છેત્રી તરતજ એક્ટિવ થયો અને તેણે Twitter પર લોકોને ભારતની મેચો સ્ટેડિયમમાં આવીને જોવાની ધા નાખતો એક વિડીયો પોસ્ટ કર્યો અને “voila!” આ વિડીયોએ બેઝિકલી ઈમોશનલ એવા ભારતીયોને તો અપીલ કરી જ પરંતુ સચિન તેન્દુલકર અને અન્ય રમતવીરો અને બોલિવુડ અભિનેતાઓએ પણ સુનિલ છેત્રીની અપીલને વધાવી લેવા ભારતીયોને વિનંતી કરી અને પરિણામ જેમ આગળ જણાવ્યું તેમ હકારાત્મક રહ્યું.

સુનિલ છેત્રીનો આ પ્રયાસ ખરેખર તેની પીઠ થાબડવા જેવો છે, કારણકે મોટાભાગે આપણા વરિષ્ઠ ખેલાડીઓ પણ આ દેશમાં ક્રિકેટ જ સર્વેસર્વા હોવાનું રોદણું રોતા હોય છે પરંતુ પોતે જે રમત રમે છે તેને પ્રમોટ કરવાના કોઈ ખાસ પ્રયાસો કરતા નથી. સામાન્ય પ્રજામાં પણ આ જ છાપ છે કે ક્રિકેટ ભારતમાં અન્ય કોઈજ રમતને આગળ આવવા દેતું નથી. આમ થવું સામાન્ય છે બ્રાઝિલ, આર્જેન્ટિના અને મોટાભાગના યુરોપિય દેશોમાં ફૂટબોલ સામે અન્ય કોઈજ રમત ટકી શકતી નથી, હા આમાંથી મોટાભાગના દેશોમાં અન્ય રમતોમાં એ દેશોની હાલત એટલી પાતળી નથી જેટલી આપણા દેશમાં છે, પરંતુ તેની પાછળ ભારતમાં સરકારી ખેલસંઘોમાં ચાલતું રાજકારણ મુખ્યત્વે જવાબદાર છે.

પોતાને સ્પોર્ટ્સપ્રેમી ગણાવતા અને ક્રિકેટને ગાળો આપતા મોટાભાગના લોકોએ ક્યારેય એ હકીકતની તમા નથી કરી કે છેલ્લા ત્રણથી ચાર વર્ષમાં ભારતમાં અન્ય રમતો સારીએવી લોકપ્રિય થઇ રહી છે અને આ કામ શરુ કર્યું પ્રો કબડ્ડી લીગે. IPLને ભલે ગમે તેટલી નફરત કરો પરંતુ પ્રો કબડ્ડી લીગ હોય, કે પછી બેડમિન્ટન લીગ હોય કે પછી ફૂટબોલની જ ઇન્ડિયન સુપર લીગ હોય આ બધીજ લીગ IPLના ફોર્મેટને જ કોપી કરે છે અને ખાસીએવી લોકપ્રિય થઇ રહી છે.

વિચારો ક્યારેય એવું સ્વપ્ન પણ જોયું હતું કે ભારતમાં કબડ્ડીની લીગ રમાય અને એમાંય યુ મુમ્બા નામની ટીમ ઈરાનના ફઝલ અત્રાચલીને એક કરોડ રૂપિયા આપીને પોતાની ટીમનો સભ્ય બનાવે?

શું આ ત્યારે શક્ય નથી બન્યું જ્યારે ભારતમાં કબડ્ડી લોકપ્રિય બની હોય? જો ધ્યાન આપીને જોશો તો ભારતમાં ક્રિકેટ સાથ પહેલા કબડ્ડી અને હવે બેડમિન્ટન પણ સારુંએવું લોકપ્રિય થયું છે નહીં તો સાઈના નેહવાલ, પી વી સિંધુ અને કિદંબી શ્રીનાથના નામ લોકજીભે આપોઆપ રમતા ન થાય. ટૂંકમાં હવે ક્રિકેટને ગાળો આપવાનું મુકીને આપણી સામે જે રમતો લોકપ્રિય થઇ રહી છે તેને જોવાનું પણ શરુ કરીએ અને કદાચ આ જ ભાવના સુનિલ છેત્રી પોતાના વિડીયોમાં વ્યક્ત કરતો જોવા મળ્યો છે.

ભારતમાં ફૂટબોલ એક વિષચક્રમાં ફસાયેલું છે અને ઇન્ડિયન સુપર લીગની સફળતા બાદ પણ એ બહાર આવ્યું નથી. આનું કારણ પણ સુનિલ છેત્રી પોતાના વિડીયોમાં આપતા કહે છે કે કદાચ લોકોને ભારતીય ફૂટબોલ ટીમનું સ્તર યુરોપિયન ક્લબ જેટલું ઉંચું નથી લાગતું. સુનિલ છેત્રીની વાત બિલકુલ સાચી છે. એક વખત જાત અનુભવ કરી લેજો અને નેક્સ્ટ ટાઈમ ઈંગ્લીશ પ્રિમિયર લીગ કે સ્પેનિશ લીગની કોઈ જૂની મેચ પણ જો જો અને પછી ભારતીય ફૂટબોલ ટીમની કોઈ મેચ જો જો, તમને એ સ્તરનો ફર્ક આપોઆપ દેખાઈ આવશે.

તો પરિસ્થિતિ અત્યારે એવી છે કે જો ભારતીય ફૂટબોલ ટીમ પોતાનું સ્તર સુધારે તો લોકો તેને જોવા જાય અને તો એ લોકપ્રિય થાય, જ્યારે સામેપક્ષે સુનિલ છેત્રી એમ કહે છે કે તમે અમને રમતા જોવા તો આવો? અમને ચિયર કરો, અમને બકઅપ કરો પછી જુઓ અમે શો કમાલ કરીએ છીએ! બસ આ જ એક એવું વિષચક્ર છે જેમાં ભારતીય ફૂટબોલ ફસાયેલું છે. જો ભારતની ફૂટબોલ ટીમ મેચો જીતે તો એને જોવાની મજા આવે એવું ફેન્સ માને છે અને જો મોટી સંખ્યામાં ફેન્સ અમને જોવે તો અમારો પાનો ચડે અને તો અમને વધુને વધુ મેચો જીતવાનું મન થાય એવું ભારતીય ફૂટબોલ ખેલાડીઓ સુનિલ છેત્રીના માધ્યમથી કહી રહ્યા છે.

તો આ વિષચક્રમાંથી છૂટવાનો રસ્તો શું? આ સવાલનો જવાબ પણ સુનિલ છેત્રી પોતાના વિડીયોમાં આપે જ છે. એણે કહ્યું છે કે તમને અમારી રમત ન ગમે તો અમારી ટીકા કરો, અમારી સામે રાડો પાડો, પણ એ બધું સ્ટેડિયમમાં આવીને કરો. આમ કરવું ફેન્સ માટે શક્ય પણ છે, કારણકે જો ઇન્ડિયન સુપર લીગની મેચો માટે ગુવાહાટીનું સ્ટેડિયમ પણ છલકાઈ જતું હોય તો દેશની ટીમ રમતી હોય ત્યારે એમ કેમ ન બને? જો માંચેસ્ટર યુનાઇટેડ અને એવર્ટનની મેચ જોવા રાત્રે બે અઢી વાગ્યાનો એલાર્મ મૂકીને જાગી શકાતું હોય તો સાંજે સાત-આઠ વાગ્યે શરુ થતી ભારતની મેચો ટીવી પર કેમ ન જોઈ શકાય?

એકમાત્ર મધ્યમાર્ગી રસ્તો એ છે કે સુનિલ છેત્રીની અપીલને માન આપીને આપણે જે લોકોનો મુખ્ય પ્રેમ ભલે ક્રિકેટ હોય પરંતુ અન્ય સ્પોર્ટ્સ પણ આપણને આકર્ષિત કરે છે તે લોકો આવનારા અમુક વર્ષો સુધી જ્યારે શક્ય હોય ત્યારે ફૂટબોલ મેચ લાઈવ જોવાનું અથવાતો આપણા શહેરમાં દેશની ફૂટબોલ ટીમ રમતી હોય તો તેને ચિયર કરવા જરૂર પહોંચી જવાની કોશિશ કરીએ. કદાચ એવું બને કે આપણા આ નાનકડા પ્રયાસથી ભારતના ફૂટબોલ સ્ટેડિયમો ચારમાંથી એટલીસ્ટ ત્રણભાગમાં ભરાઈ જાય અને આપણા ખેલાડીઓને જોશ આવે અને એ આત્મવિશ્વાસ આપણા ફૂટબોલની સિકલ બદલી નાખે?

એક સમય એવો હતો જ્યારે ભારતમાં હોકી અને ક્રિકેટની લોકપ્રિયતા સમાન હતી, કદાચ હોકી ક્રિકેટ કરતા વધુ લોકપ્રિય હતી કારણકે આપણી ટીમ ઓલિમ્પિક્સમાં મેડલ્સ જરૂર લાવતી અને અન્ય ટુર્નામેન્ટમાં પણ અપરાજિત રહેતી. આ સમયે ભારતીય ક્રિકેટ ટીમ એક એક ટેસ્ટ મેચ બચાવવા ઝઝુમતી પણ હારી જતી. પરંતુ ભારતીય ફેન્સે આપણા ખેલાડીઓ પર વિશ્વાસ બનાવી રાખ્યો અને પછી આપણને સુનિલ ગાવસ્કર, દિલીપ સરદેસાઈ અને અજીત વાડેકર જેવા ખેલાડીઓ મળ્યા જેમણે શરુઆતમાં ડ્રો નું સન્માન અપાવ્યું અને પછી વિદેશમાં પણ અશક્ય વિજયો અપાવવાનું શરુ કર્યું.

1980માં જ્યારે ભારતે મોસ્કો ઓલિમ્પિક્સમાં હોકીનો છેલ્લો ગોલ્ડ મેડલ જીત્યો અને એના ત્રણ વર્ષ બાદ જ ભારતે ક્રિકેટનો વર્લ્ડ કપ જીત્યો! બસ અહીંથી ભારતીય ક્રિકેટ ટીમનો ગ્રાફ સતત ઉપર ચડવા લાગ્યો અને હોકી લગભગ ભૂલાઈ જવા લાગી. આજે પરિસ્થિતિ એવી છે કે સમગ્ર ક્રિકેટ વિશ્વમાં ભારતીય ક્રિકેટરો અને બોર્ડની પીપૂડી બહુ જોરથી વાગે છે અને અન્યોને એ સાંભળ્યા વગર છૂટકો પણ નથી. આમ થવા પાછળનું કારણ એક જ હતું કે ભારતીય ટીમના શરુઆતના ખરાબ સમયમાં ક્રિકેટ ચાહકોએ તેને તડકે નહોતી મૂકી.

સુનિલ છેત્રી આપણી પાસેથી, આ જનરેશન પાસેથી એ જ અપેક્ષા રાખે છે કે અત્યારે આપણે ભારતીય ફૂટબોલ ટીમને એના ખરાબ સમયમાં ટેકો આપીએ પછી કોને ખબર કે આવનારા એક દાયકામાં ભારતીય ટીમ ફિફા વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઇ જાય?

Impossible is Nothing!!

આચારસંહિતા

નાસર હુસૈન: “હું ક્યારે ભારતને FIFA World Cup જીતતું જોઇશ?”

સૌરવ ગાંગુલી: “એની તો ખબર નથી પણ એક વાત ચોક્કસ છે કે જો ભારત સળંગ પચાસ વર્ષ ફૂટબોલ વર્લ્ડ કપ માટે ક્વોલીફાય થયું હોત તો એટલીસ્ટ એક વખત તો એને જીત્યું જ હોત!!”

એક ક્રિકેટ મેચમાં કોમેન્ટ્રી કરતી વખતે પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન, બંગાળી હોવાથી બાય ડિફોલ્ટ ફૂટબોલ ફેન અને ઇન્ડિયન સુપર લીગની ફૂટબોલ ટીમ એટ્લેટીકો કોલકાતાના કો-ઓનર સૌરવ ગાંગુલીએ ઇંગ્લેન્ડના પૂર્વ કપ્તાન નાસર હુસૈનની બોલતી આ રીતે બંધ કરી હતી!

૦૬ જૂન બુધવાર

અમદાવાદ

eછાપું

તમને ગમશે: એક ટીપું તેલ – એક વણમાંગી ફેશન…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here