ફૂટબોલ વર્લ્ડ કપ 2018 અને 2014 વચ્ચેના ચાર વર્ષ કેવા રહ્યા

0
338

ત્રણ દિવસ પછી રશિયામાં ફૂટબોલ વર્લ્ડ કપ શરુ થવા જઈ રહ્યો છે. જેનું સેલિબ્રેશન આખી દુનિયા કરી રહી છે, અને આ સેલીબ્રેશનની ફૂલ નહિ પણ ફૂલની પાંખડી રૂપે આ પોસ્ટમાં આપણે જાણીશું કે છેલ્લા ચાર વર્ષમાં એટલે કે ગયા ફૂટબોલ વર્લ્ડ કપથી અત્યાર સુધી ઇન્ટરનેશનલ ફૂટબોલમાં એવા ક્યાં મહત્વનાં ફેરફાર આવ્યા એના ઉપર.

DDwc15cXcAE8eKq
જર્મનીની યંગ કોન્ફેડેરેશન કપ વિજેતા ટીમ. Courtesy: Twitter Moments

સહુથી પહેલા શરુ કરીએ વર્લ્ડ ચેમ્પિયંસ જર્મનીથી. જર્મનીનું 2014 ઘણું સારું રહ્યું, પણ એ ફૂટબોલ વર્લ્ડ કપ પછી કેપ્ટન ફિલિપ લાહમ, ટોપ સ્ટ્રાઈકર મિરોસ્લાવ ક્લોઝા અને પર મેર્ટસાકર જેવા લેજેન્ડરી સીનીયર ખેલાડીઓએ રીટાયરમેન્ટ લઇ લીધું અને એની અસર જર્મનીનાં યુરો કપ ક્વોલીફાયરમાં પડી, થોડાક અપસેટ હોવા છતાં જર્મની યુરો કપ 2016માં આસાનીથી ક્વોલીફાય થઇ ગયું. 13 નવેમ્બર 2015ના દિવસે પેરિસમાં ત્રણ બોમ્બ ધમાકા થયા એમનો એક ધમાકો પેરિસના સ્ટેડ ડી ફ્રાંસ નજીક થયો, ત્યારે જર્મની ફ્રાંસ સામે ફ્રેન્ડલી મેચ રમીને યુરો કપની તૈયારી કરી રહ્યું હતું.

યુરો કપમાં જર્મનીનું પ્રદર્શન સરસ રહ્યું હતું. પરંપરાગત હરીફ ઇટલી જેને જર્મની કદી ઓફીશીયલ ટુર્નામેન્ટમાં હરાવી શક્યું ન હતું એને ટેન્શન ભરી ક્વાર્ટર ફાઈનલમાં પરાજય આપી જર્મની યજમાન ફ્રાંસ સામે સેમીફાઈનલમાં 2-0 થી હારી ગયું હતું.

દરેક ફૂટબોલ વર્લ્ડ કપ પહેલાના વર્ષે વર્લ્ડ કપની પૂર્વતૈયારી રૂપે યજમાન દેશમાં કોન્ફેડેરેશન કપ રમતો હોય છે, જેમાં યજમાન રાષ્ટ્ર, વર્લ્ડ ચેમ્પિયંસ અને દરેક કોન્ફેડેરેશનના વિજેતા રાષ્ટ્રો વચ્ચે આ કપ રમાતો હોય છે. એ કોન્ફેડેરેશન કપમાં જર્મનીએ પોતાના મેઈન અને અનુભવી ખેલાડીઓને આરામ આપી યુવાન અને બિનઅનુભવી ખેલાડીઓને તક આપી હતી અને એ ખેલાડીઓ સાથે જર્મની ચીલી, પોર્ટુગલ જેવા મહારથીઓને મહાત કરીને કોન્ફેડેરેશન કપ જીતી ગયું હતું. વર્લ્ડકપ ક્વોલીફાયિંગમાં દસે દસ મેચ જીતી જર્મની સીધું ક્વોલીફાય થઇ ગયું હતું.

ફૂટબોલ વર્લ્ડ કપ 2014માં રનર અપ બનનારું આર્જેન્ટીના છેલ્લા ચાર વર્ષમાં બહુ ઉતાર ચડાવમાંથી પસાર થયું હતું. ફૂટબોલ વર્લ્ડ કપ 2014ની ફાઈનલ સહીત આર્જેન્ટીનાએ આગલા ત્રણ વર્ષમાં ત્રણ ફાઈનલ રમી, અને ત્રણેય હારી ગયું. 2015માં કોપા અમેરિકા (જે CONMEBOLનાં કંટીનેન્ટલ ચેમ્પિયંસ નક્કી કરે છે) અને એના આગલા વર્ષે એજ ટુર્નામેન્ટનાં સો વર્ષ નિમિત્તે યોજાયેલી સ્પેશિયલ એડીશન બંનેમાં ચીલી સામેની ફાઈનલ આર્જેન્ટીનાએ પેનલ્ટી સુધી ખેંચી (રેગ્યુલર મેચ 90 મીનીટની હોય, નોર્મલ મેચ 90 મિનીટમાં પૂરી થઇ જાય અને બંને ટીમનાં સ્કોર સરખા હોય તો એ મેચ ડ્રો જાહેર કરે, પણ નોકઆઉટમાં 15-15 મીનીટના બે હાફ રૂપે અડધી કલાકનો એક્સ્ટ્રા સમય આપવામાં આવે છે, એ એક્સ્ટ્રા ટાઈમમાં પણ બંને ટીમનાં સ્કોર સરખા હોય તો મેચનો વિજેતા પેનલ્ટી શૂટ આઉટ થી નક્કી થાય), પણ આર્જેન્ટીના બંને પેનલ્ટી શૂટ આઉટ હારી ગયું. 2016ની હાર થી આર્જેન્ટીનાનાં કેપ્ટન લીયોનેલ મેસ્સીનું હૃદય ભંગ થઇ ગયું, અને એણે રીટાયરમેન્ટ જાહેર કરી દીધી. મેસ્સીની પાછળ જેવીઅર માસ્કેરન્હો, એન્હેલ ડી મારિયા, ગોન્ઝાલો હિગ્વૈન જેવા સીનીયર ખેલાડીઓએ પણ નિવૃત્તિ જાહેર કરી દીધી.

messi
કોપા અમેરિકાની હાર પછી નિરાશ મેસ્સી Courtesy: Foottheball.com

આર્જેન્ટિનાનાં ફૂટબોલ એસોસિયેશનના કરપ્શનના વિરોધમાં રીટાયર થયેલા આ બધાજ ખેલાડીઓ ફૂટબોલ વર્લ્ડ કપ ક્વોલીફાયરમાં પાછા આવી ગયા. પણ વર્લ્ડ કપ ક્વોલીફાયર પણ એટલું સહેલું ન હતું. મેસ્સીને મળેલો ચાર મેચનો પ્રતિબંધ અને નબળા પ્રદર્શનના લીધે આર્જેન્ટીના એક એવા પડાવ પર આવી ગયું હતું કે કદાચ 1970 પછી પહેલીવાર એ ફૂટબોલ વર્લ્ડ કપમાં ક્વોલીફાય પણ ન થાત. ક્વોલીફાય થવા માટે આર્જેન્ટીના અને ચીલી વચ્ચે સ્પર્ધા હતી, પણ ક્વોલીફાયરના છેલ્લા દિવસે (ચોથા નંબરે રહેલું) આર્જેન્ટીના 3-1 થી જીતીને ત્રીજા નંબરે આવી ગયું, જયારે બીજા નંબરે રહેલું ચીલી બ્રાઝીલ સામે 0-3 થી જીતીને પાંચમાં નંબરે અને વર્લ્ડ કપમાંથી બહાર ફેકાઈ ગયું. અત્યારે એજ ચિલી ને બે કોપા અમેરિકા જીતાડનાર કોચ હોર્ગે સામ્પાઓલીના માર્ગદર્શન હેઠળ આર્જેન્ટીના ફરી એક વાર વર્લ્ડકપ માટે તૈયાર થઇ ગયું છે.

હવે આગળ વાત કરીએ એ ટીમની જેને બધા લોકો ઓળખે છે-બ્રાઝીલ. ઘરઆંગણે યોજાયેલા 2014નાં ફૂટબોલ વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ચેમ્પિયંસ જર્મની સામે 7-1 જેવા મોટા માર્જીનથી થયેલી હાર એ આ બ્રાઝીલિયન ટીમની અત્યાર સુધીની સહુથી મોટી હાર હતી. આ ઝટકામાંથી ઉભરતા બ્રાઝીલની ટીમને બે-ત્રણ વર્ષ લાગ્યા, કોપા અમેરિકા 2015 માં ક્વાર્ટર ફાઈનલમાં અને 2016માં ગ્રુપ સ્ટેજમાંજ ફેકાઈ ગયેલું બ્રાઝીલ છેલ્લા બે વર્ષથી ઉત્તરોત્તર મજબુત બનતું જાય છે. સહુથી અઘરા ગણાતા CONMEBOL ક્વોલીફાયરમાં બ્રાઝીલ બહુ આસાનીથી અને સહુથી પહેલું ક્વોલીફાઈ થઇ ગયું હતું. બ્રાઝીલ અને જર્મની આ વખતના વર્લ્ડકપ વિજેતા બનવાના સહુથી સબળ દાવેદારો માના એક મનાય છે.

એવા પરંપરાગત દાવેદારોમાં અમેરિકા, ચીલી અને ઇટલીની ટીમો પણ આવે છે, જે બદનસીબે આ વર્લ્ડકપમાં ક્વોલીફાઈ થઇ શકી ન હતી. એ સિવાય પણ એક એક સબળી છે ટીમ નેધરલેન્ડ્સ, જે વર્લ્ડકપમાં ક્વોલીફાઈ થઇ શક્યું નથી. ફૂટબોલ વર્લ્ડ કપ 2010ના ફાઈનલીસ્ટ અને 2014માં ત્રીજા નંબરે રહેલી નેધરલેન્ડ્સની હાલત ઉત્તરોત્તર કથળતી જાય છે. 2016ના યુરો કપમાં 16 ટીમોમાંથી વધારી 24 ટીમોનો સમાવેશ કરવામાં આવ્યો હોવા છતાં નેધરલેન્ડ્સ યુરો કપમાં ક્વોલીફાઈ થઇ શક્યું ન હતું. અને એનું આ નબળું પ્રદર્શન વર્લ્ડકપ ક્વોલીફાયરમાં પણ શરુ રહ્યું હતું.

How-NetherlandsE28099-decline-all-began-in-December-2013
ચાર વર્ષ પહેલાનું નેધરલેન્ડ્સ (ડાબે) અને અત્યારનું નેધરલેન્ડ્સ (જમણે) Courtesy: squawka.com

યુરો કપને એનું એકસ્પાન્શન થોડું ભારે પડ્યું હતું. કદાચ છેલ્લા ચાર-પાંચ વર્ષમાં યુરો કપ 2016 એ સહુથી બોરિંગ ટુર્નામેન્ટ રહી હતી, જેની પાછળ આ વધારાની ટીમોનો સમાવેશ અને એનું બદલાયેલું ફોરમેટ જવાબદાર હતું. આ ટુર્નામેન્ટની એ કંટાળાજનક પરાકાષ્ઠા હતી કે ચેમ્પિયંસ પોર્ટુગલ આખી ટુર્નામેન્ટમાં 90 મીનીટ રમીને ખાલી એકજ મેચ જીત્યું હતું, વેલ્સ સામે સેમીફાઈનલ. બાકીની નોક આઉટ મેચ એક્સ્ટ્રા ટાઈમ કે પેનલ્ટીમાં જીતી અને ગ્રુપ સ્ટેજમાં પોર્ટુગલ પોતાના ગ્રુપમાં ત્રીજું હતું.

અને આવા અધકચરા પ્રદર્શન છતાય પોર્ટુગલને જીતાવવામાં કેપ્ટન ક્રિસ્ટીઆનો રોનાલ્ડોનો ફાળો સહેજેય ઓછો ન હતો. પોતાના ગોલ્સ અને લીડરશીપથી પોર્ટુગલને ફાઈનલમાં લઇ જનાર રોનાલ્ડો જયારે 25મી મીનીટે ઈજાગ્રસ્ત થઇ મેચમાંથી નીકળી ગયો ત્યારે રોનાલ્ડોને ચાહતા કે એને ધિક્કારતા દરેક ફૂટબોલ પ્રેમીઓને ચિંતા થવા લાગી હતી. પણ કહે છે ને કે ફાઈટર હમેશા જીતતા હૈ. થોડી મીનીટો પછી રોનાલ્ડો એક કોચની જેમ પોતાની ટીમને માર્ગદર્શન આપતો હતો. જે માર્ગદર્શનના લીધે પોર્ટુગલ ચેમ્પિયન બની શક્યું.

b71d6e645963b741c5da43972c0c8467
“કોચ” ક્રિસ્ટીયાનો રોનાલ્ડો પોર્ટુગલની ટીમને સુચના આપી રહ્યો છે. ફર્નાન્ડો સાંટોસ (સુટ બુટ માં) એ ખરેખર પોર્ટુગલના કોચ છે. courtesy: SportsBible

આ ફૂટબોલ વર્લ્ડ કપમાં ઘણી એવી ટીમ્સ છે જેણે જોઈ સાનંદાશ્ચર્ય થાય છે, જેમકે સેનેગલ જે 2002માં ક્વાર્ટર ફાઈનલ સુધી પહોચ્યું હતું, પનામા અને ઈજીપ્ત જેનો ખેલાડી મોહમ્મદ સાલાહ અત્યારે ઈજીપ્તમાં ભગવાનની જેમ પૂજાય છે. ઈજીપ્તને વર્લ્ડકપ અને લિવરપૂલને ચેમ્પિયન્સ લીગની સેમીફાઈનલમાં પહોચાડવામાં સાલાહનો મોટો ફાળો છે. જેમાં લિવરપૂલ રોનાલ્ડોની ક્લબ રીયાલ મેડ્રીડ સામે 3-1 થી હારી ગયું હતું.

અને એ ચેમ્પિયંસ લીગ રીયાલ મેડ્રીડની સતત ત્રીજી ચેમ્પિયંસ લીગ છે. ક્લબ લેવલે યુરોપમાં સ્પેઈનનું વર્ચસ્વ રહ્યું છે, છેલ્લા ચાર વર્ષમાં યુએફા ચેમ્પિયંસ લીગ અને યુરોપા લીગ બંનેમાં સ્પેનીશ ટીમ્સ નો દબદબો રહ્યો છે. છેલ્લી ચારેય ચેમ્પિયંસ લીગ સ્પેનીશ ટીમો એ જીતી છે (2014-15 માં બાર્સેલોના અને ત્યાર પછી થી રીયાલ મેડ્રીડ) અને ચાર માંથી ત્રણ યુરોપા લીગ પણ સ્પેઇન માં ગઈ છે.

છેલ્લા ચાર વર્ષમાં ઘણા લેજેન્ડરી ખેલાડીઓ પોતાની કલબને અલવિદા કહી રહ્યા છે, જેમાં આંદ્રેસ ઇનીએસ્ટા હાવી હરનાન્ડેસ બાર્સેલોના છોડી ગયા છે જયારે વેઇન રૂનીએ માન્ચેસ્ટર યુનાઈટેડ અને એની પહેલી ક્લબ એવરટન બંનેને અલવિદા કહી દીધી છે. જયારે ઇટાલિયન ચેમ્પિયન જુવેન્ટસને ખરાબ સમયમાં પણ સાથ દેનારા ગોલ કીપર ગિઆનલ્યુઈગી બુફોન પણ જુવેન્ટસ ને છોડી ગયા છે. અને એ સાથે આર્સેનલને છેલ્લા 20-22 વર્ષથી મેનેજ કરનાર મેનેજર (ફૂટબોલમાં મેનેજર અને કોચ નો રોલ ઘણો ખરો સરખો હોય છે) આર્સેને વેન્ગર પણ અત્યારે આર્સેનલની સાથે નથી. અને સાથે સાથે મેડ્રીડના મેનેજર ઝીનેદીન ઝીદાન જેનો મેડ્રીડ ની ત્રણ ચેમ્પિયંસ લીગ જીતવા પાછળ બહુ મોટો ફાળો હતો એ પણ આઘાતજનક રીતે મેડ્રીડ છોડી જતા રહ્યા છે.

ફૂટબોલ આ ચાર વર્ષમાં ઘણું બદલાયું છે. પણ ફૂટબોલ વર્લ્ડ કપ ની ઉત્તેજના અને એ સેલિબ્રેશન ક્યારેય બદલાયું નથી. અત્યારે આ વાંચતા હશો ત્યારે રશિયા અનેક રાષ્ટ્રોનો શંભુમેળો બનવા માંડ્યું છે. દુનિયાના ખૂણેખૂણેથી લોકો ત્યાં આ વર્ષનો ફૂટબોલ વર્લ્ડ કપ જોવા ઉમટી રહ્યા છે. આવો આપણે પણ ફૂટબોલના આ મહોત્સવમાં ભાગ લઈએ….

ઇટ્સ ટાઈમ ફોર રશિયા…

eછાપું 

તમને ગમશે: બાળપણની ઉતરાયણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here