Home એટસેટ્રા મમ્મી, પપ્પા, દાદા, દાદીને એક વર્ષના બાળકનો ખુલ્લો પત્ર

મમ્મી, પપ્પા, દાદા, દાદીને એક વર્ષના બાળકનો ખુલ્લો પત્ર

0
183
Photo Courtesy: misucell.com

આઉ.. બા બા બા..મમમ. મંમ…મારી ખૂબ વહાલી મારા ઘરની વ્યક્તિઓ, દાદા, દાદી, પાપા મમ્મી અને ઘરના સહુ…મને લખતાં આવડે છે? આશ્ચર્ય થાય છેને? જો અભિમન્યુ યુદ્ધ વિદ્યા ગર્ભમાં શીખ્યો હોય તો હું લખતાં, અરે લેપટોપ પર શ્રુતિ ફોન્ટમાં પત્ર લખી શકું એમ નવાઈ શેની?

હું તમારું નાનકડું જીવતું રમકડું. તમારો દેવનો દીધેલ.

હું આખરે માણસની 2018ની આવૃત્તિ છું. મને ઘણું આવડે છે અને ઝડપથી આવડશે પણ દુનિયા, જેમાં હું આવ્યો છું, એ મને ખુબ ઝડપથી બધું શીખવા ને અમલમાં મૂકવા દોડાવવા, ભગાવવા માંગે છે.

Photo Courtesy: misucell.com

સ્પર્ધા? મને ખબર છે, બાજુવાળાની બેબી રીખતા શીખે અને હું નહીં તો મમ્મી, તું મને હાથ પકડી ધીમેથી ધસડે પણ છે. KG માં ત્રીજો નંબર આવશે કે મમ્મી તારી આંખો ભીંજાઈ જશે,  સામેવાળાનો બાબો કરાટે શીખે તો મારે કરાટે શીખી ફાઈટ આપવાની, બે મકાન દૂરનો બાબો “પેઇન્ટિંગ” (એટલે કે બસ આમ તેમ અવનવા રંગોના લસરકા, એના મમ્મીને બાબાનું માર્કેટિંગ સારું આવડે છે.) શીખે એટલે મારે શીખવાનું.. એક મોડેમ જે સ્પીડ આપે એ બીજું આપે છે?  એક કાર જેવો એ જ મોડેલની બીજીનો પિક અપ હોય છે? જો બે મશીન બધી રીતે સરખા ન હોય તો માણસ કઈ રીતે હોય?

હું વાત કરૂં છુંં  બીજા સાથે સરખામણીની કે તમારી ઈચ્છાઓ મુજબ મારુ જીવન ઘડવાની.

મને ખબર છે મારે શ્રેષ્ઠ થવાનું છે પણ ક્યાં ક્ષેત્ર માં? એ માટે તમે મને આંગળી ચીંધજો જરૂર, હાથ પકડી લઇ જશો નહીં. આંગળી પકડી જ રાખી સાથેને સાથે ચાલશો નહીં કે આંગળી, ઇવન હાથ પકડી ધસડશો નહીં. કેટલાંકમાં બાપતો વર્ચ્યુઅલ ધક્કો જ મારે છે.

હું એક જીવતું જાગતું માણસ છું ભલે નાની સાઈઝનું. બીજાથી અલગ ખૂબી, ખામી ધરાવતું . ભલે એના જેવા જ હાથ, પગ, શરીર, વાચા, એમને મળતું વર્તન હોય.

હા હું તમારું રમકડું છું. જેવા આ ટ્રેન, ડ્રમ વગાડતો જોકર મારાં છે. પરંતું તમને હું જીવતું રમકડું એથી ક્યાંય વધુ પ્રિય છું જેટલાં મને એ ટ્રેન કે જોકર છે. રમી લો મારાથી, પછી એ વેળા નહીં આવે. જે આપાધાપીમાંથી તમે પસાર થયાં એનાથી નવા જ પ્રકારની વિટંબણાઓ, સ્ટ્રેસ, સંઘર્ષ મારે ભાગે આવશે.

અત્યારના પપૂડાના અવાજ અને ઘૂઘરાના અવાજ મને દુનિયાના શોર બકોર અને સૂચનાઓનો ભેદ સમજાવશે, અત્યારનું બોલ કેચ કરવું જિંદગીની તક ઝડપતાં શીખવશે, અત્યારે બેસતા ગબડી પડું તો કૈંક પકડતા તમે શીખવો છો, એ જિંદગીની ઠોકરમાં મને પોતાને સંભાળતા શીખવશે.

મને મારી રમતો રમવા દો, મને જુઓ અને નવી રમતોથી પરિચિત કરાવો. તમે મને જે રમતો જોવા ઈચ્છો એ ન રમું તો જુઓ હું શું કરું છું. પણ પરાણે મારી મરજી વિરુદ્ધ તમે તમારી પસંદંગીનું રમાડો નહીં. હું એટલે જ રડવા લાગુ છું કે જો મારે મારી પ્રિય રમતને બદલે કોઈ બીજી રમાડે એ રમવું પડે.

હવે હાલરડાંનો યુગ આથમી ગયો છે પણ પેલું હાલરડું શિવજીનું મેઘાણીએ લખેલું યાદ છે ને? “પોઢી લેજે મારા બાળ પેટ ભરીને .. કાલે કાળા જુદ્ધ ખેલાશે સુવા ટાણું ક્યાંય ના રહેશે!!”  તમારી ઊંઘ દાદા દાદી કરતાં બે કલાક ઓછી થઈ ગઈ છે, મારી પેઢીની એથી પણ ઓછી હશે. અત્યારે મને સુઈ લેવા દો.

હું રોબોટ માનવો, ઝોમ્બીઓના યુગના નજીક હોવા પર જનમ્યો છું. કોઈ એક કામ બતાવોકે સંપૂર્ણતાથી કરવાનું, ઝડપથી કરવાનું.

સ્કૂલની સ્પર્ધા, મિત્રોમાં લીડર થવાની સ્પર્ધા, અવ્વલ નંબરની ગળાકાપ સ્પર્ધા, ધો. 10, 12ની વૈતરણી, અને મારા પૌત્રો સુધી અનામત તો નહીં જ ગઈ હોય એટલે બિનઅનામત વર્ગમાં જન્મી જે થાળીમાં નશીબ દ્વારા પીરસાય એ, મેં પૂરતું સારું રાંધ્યું હોય તો પણ ખાવું પડશે, જે પાટો દિશા જાણતો હોવા છતાં મને સિગ્નલ મળે એ જ પાટે ગાડી દોડાવી જિંદગીની આર્થિક, સામાજિક ઊંચાઈ મેળવી જીવન નો સ્વાદ લેવો પડશે. આવડત હોવા છતાં સંજોગો અને સિસ્ટીમના સહારે જીવવું પડશે.

મને બધી ખબર છે. હું ચોક્કસ મારુ સ્થાન નક્કી કરીશ, એ માટે દોડીશ, ઠેબા ખાઈશ તો તમે જ મારો હાથ ઝાલશો એ ખાતરી છે. પણ હંમેશાં ઠેબા ખાતો બચાવવા તેડીને જ ફરશો નહીં.

અત્યારે મને રમી લેવા દો, જીવનના દરેક તબક્કે હું બીજાથી અલગ એક માણસ છું એ મનમાં રાખી મને વિકસવા દો.

બે સોફા વચ્ચેથી કાણામાં થઈ નાના મમ્મી પપ્પાઓ જોવાની મને મઝા આવે છે. જૂની મમ્મીઓ કર્ણપ્રિય અવાજે ગાતી એને બદલે સુરીલા રેડીઓ કે મ્યુઝિક સિસ્ટમના ગીતોથી સૂવું મને ગમે છે. મારા રમકડાંને છાતી સાથે ચાંપવા કે તમારી છાતીએ ખાસ તો પપ્પાની પથ્થર શી કડક છાતી કે મમ્મીની  પોચી દૂધ ભરેલી છાતી સાથે ચંપાવું ગમે છે, આકાશના પંખીઓ જોવા કે ટોય ટ્રેનની બેબી રાઈડમાં બેસવું ગમે છે. હમણાં મને એ જ કરવા દો, તમે પણ મારાથી રમી લો. બહુ થોડો વખત મળશે એ માટે. મારી જિંદગી બહુ ઝડપથી શૈશવ ઓળંગી આગળ નીકળી જશે.

જીવનના દરેક તબક્કામાં રોકેટ શટલ ફાયર થઈ નીચે ફેકતું ને ઉપર જતું જાય એમ હું પાછલું ફેંકી આગળ જઈશ પણ મારી રીતે. મારી સફળતાનો ગર્વ જરૂર કરજો, મારા ગમમાં માથે હાથ ફેરવી તે ઓછો કરજો પણ કુકડા લડાઈની જેમ મને બીજા સામે ઉતારશે નહીં. ઉપર સ્વર્ગમાં કેટલાય જીવો મળેલા જે મા બાપની ઈચ્છા પૂરી ન થતા હતાશ થઈ આપઘાત કરી ઉપર આવેલ.

હું હું છું. મને વહાલ કરજો, વખતે વખતે દુનિયાના સ્વિમિંગ પુલમાં ફેકજો જેથી હું જાતે તરી શકું પણ અમુક ઝડપે તરી અમુક જગ્યાએ પહોંચું નહીં તો મને નિષ્ફળ ગણી પોતે દુઃખી થતા નહીં. તમારી વિશ મારી પર ઠોકી ન બેસાડતા.

સદાયે તમારો થવા આવેલો

તમારો 1 વર્ષનો બાબો

વાઉ.. બબ બબ.. ટાટા.. ઘુ ઘુ..

eછાપું

તમને ગમશે: ખાદ્ય ખતરો: સ્ટેપલરની પીનથી એલ્યુમિનિયમ ફોઈલ સુધી…

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!