પેટ્રોલ અને ડીઝલ GST હેઠળ આવે એ સ્વપ્ન કદાચ સ્વપ્ન જ રહેશે

1
287
Photo Courtesy: rajnewstelugu.in

“તું પોતાને ગરીબમાં ન ખપાવીશ દોસ્ત, મેં તને પેટ્રોલ પુરાવતા જોયો છે” અને આવા કેટલાય ફોર્વર્ડેડ જોક્સ તમે અને મેં છેલ્લા બે ત્રણ અઠવાડિયામાં વાંચ્યા હશે. આપણે ત્યાં કોઈ પણ સિચ્યુએશન કે ઘટનાની જાણકારી સમાચાર પર પછી મળે છે પણ એના પહેલા વોટ્સએપના માધ્યમથી મળી જતી હોય છે.

આવી જ એક પરિસ્થિતિ હાલ પેટ્રોલીયમ પેદાશો, ખાસ કરીને પેટ્રોલ અને ડીઝલના વધતા જતા ભાવો તરીકે આપણી સમક્ષ ઉભી છે. એકાદ વર્ષ પહેલાં જે પેટ્રોલ 100 રૂપિયામાં 1.72 લીટર આવતું હતું તે ઘટીને 100 રૂપિયામાં 1.42 લીટર આવતું થઇ ગયું છે.

ઘણા વોટ્સએપિયા અર્થશાસ્ત્રીઓએ આ ઘટનાને પોતાના ઉધાર લીધેલા મેસેજીસમાં વખોડી કાઢી છે અને મોદી સરકાર પર આરોપ લગાવ્યા છે કે પોતાના સ્વાર્થ ખાતર આ સરકાર પેટ્રોલીયમ પેદાશોને GSTના સ્લોટ હેઠળ લાવતી નથી, ‘અચ્છે દિન’ કા વાદા, જેબ ભરને કા ઈરાદા! વગેરે જેવા પાયા વગરના અને કોઈ સ્પેસેફિક પાર્ટીવાદી મેસેજીસથી જો તમે ત્રસ્ત થઇ ગયા હોવ તો આજે આપણે એ વિષે તંદુરસ્ત ચર્ચા કરીએ.

તો મુદ્દો એ છે કે પેટ્રોલ ડીઝલને GST હેઠળ લાવવામાં આવે તો શું થાય? પણ એની પહેલાં આપણે થોડી વર્તમાન પરિસ્થિતિ પર ઉપરછલ્લી નજર ફેરવીએ તો હાલમાં પેટ્રોલ અને ડીઝલ પર બે જાતના ટેક્સ લાગે છે. પહેલો ટેક્સ કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતી એક્સાઈઝ ડ્યુટી (જે દિલ્હીના સંદર્ભમાં લગભગ 21.48 રૂપિયા પ્રતિ લીટર છે) અને બીજો ટેક્સ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતો વેટ (વેલ્યુ એડેડ ટેક્સ, જે દિલ્હીના સંદર્ભમાં 27% પ્રતિ લીટર જેટલો હોય છે).

આ ઉપરાંત પેટ્રોલપંપના ડીલર્સનું કમિશન 3.24 રૂપિયા પ્રતિ લીટર ગણીએ, તો ડીલરને ટ્રાન્સપોર્ટેશન સાથે 30.70 રૂપિયા પ્રતિ લીટરમાં પડતું પેટ્રોલ ઉપર્યુક્ત તમામ ટેક્સ અને કમિશન ઉમેર્યા બાદ 70.39 રૂપિયા પ્રતિ લીટર થઇ જાય અને એન્ડ યુઝર એટલે કે સામાન્ય નાગરિકોને 70.39 રૂપિયા પ્રતિ લીટર ચુકવવા પડે.

જો પેટ્રોલ અને ડીઝલ GST રીઝાઈમની અંદર લાવી દેવામાં આવે અને એના પર મેક્સિમમ GST સ્લોટરેટ ૨૮% પણ લગાવી દેવામાં આવે તો 30.70 રૂપિયા પ્રતિ લીટર પર 28%ના દરે લગભગ 40 રૂપિયા પ્રતિ લીટરની આસપાસ પડે!! અને જો આમ થઇ જાય તો ભારતના પ્રત્યેક નાગરિકને સીધો જ 30 રૂપિયા પ્રતિ લીટરનો ફાયદો થઇ શકે.

પરંતુ કેન્દ્ર સરકાર આવું કેમ નથી કરતી? આ સવાલનો જવાબ ફોર્વર્ડીયાઓ પાસે નહીં મળે. તેઓ એટલી જ માહિતી આપે છે જેટલી વાંચવાવાળાના મનમાં ચાલુ સરકાર માટે ઘૃણા ઉત્પન્ન કરવા માટે પુરતી હોય. તો હવે જોઈએ સિક્કાની બીજી બાજુ.

જો પેટ્રોલ ડીઝલ GST હેઠળ આવી જાય તો કેન્દ્ર સરકારની ટેક્સની આવક ઘટી જાય એનો તો ચાલો વાંધો નહિ, પરંતુ યાદ કરો કે અરુણ જેટલીએ GST લાવતી વખતે શું કહેલું? એમણે કહેલું કે, ‘GST લદાયા બાદ રાજ્ય સરકારોને જે નુકસાની ભોગવવી પડશે તેની ભરપાઈ આગામી પાંચ વર્ષ સુધી કેન્દ્ર સરકાર કરશે’. હવે આ વચન તો પાળવું જ રહ્યું. એટલે પેટ્રોલ ડીઝલને જો GST હેઠળ લાવી દેવામાં આવે તો કેન્દ્ર સરકારને પોતાની ટેક્સની આવક તો ઘટે જ ઘટે, ઉપરાંત બધા રાજ્યોને વેટ નાબુદ થવાથી થતી નુકસાનીની ભરપાઈ પણ પોતાની તિજોરીમાંથી જ કરવી પડે.

જો આમ થાય તો અર્થવ્યવસ્થા ઓછાવત્તા અંશે નકારાત્મક અસર પામે અને જેને પહોચી વળવા અન્ય ચીજોના ભાવ પણ કદાચ વધી શકે. પછી લોકો ‘મોંઘવારી વધી છે’ની બુમો પાડતા થઇ જાય તો નવાઈ નહીં.

ચાલો, આપણે એમ પણ વિચારી લઈએ કે પાંચ વર્ષની મહેતલ પૂરી થયા બાદ કદાચ GST પરિષદ પેટ્રોલ ડીઝલને GST હેઠળ લઇ આવે તો? જી હા, એવું ચોક્કસ બનવાજોગ છે. પરંતુ આવું બનવા માટે આપણે GST પરિષદનો ખ્યાલ મેળવવો જરૂરી બની જાય. આ પરિષદ GST અંગેના તમામ નિર્ણયો લે છે. કઈ ચીજો પર કેટલો GST લાગે, કોને GST ન લાગે જેવા તમામ નિર્ણયો કેન્દ્ર સરકાર નહીં, પણ GST પરિષદ દ્વારા સર્વાનુમતે થાય છે. જેના અધ્યક્ષ ભારતના નાણામંત્રી અને સભ્યો તરીકે અર્થશાસ્ત્રના નિષ્ણાત સલાહકારો તેમજ તમામ રાજ્યોના નાણામંત્રીઓ હોય છે. મુખ્ય વાત એ છે કે અહી કોઈ પણ બાબતમાં નિર્ણય માટે ૧/૩ વોટીંગ પાવર કેન્દ્ર સરકાર હસ્તક અને ૨/૩ વોટીંગ પાવર રાજ્ય સરકારોના હસ્તક હોય છે.

હવે જો GSTને પાંચ વર્ષ પૂર્ણ થયે આ પરિષદ પેટ્રોલ ડીઝલને જીએસટી હેઠળ લાવવાનો પ્રસ્તાવ મુકે તો દેખીતી રીતે બધા રાજ્યો પોતાને નુકસાન થાય એવું તો ન જ ઈચ્છે, એટલે 2/3 વોટીંગ પાવર હોવાના લીધે પેટ્રોલ ડીઝલની GST હેઠળ આવવાની શક્યતાઓ ઓછી છે.

એક વાર માટે માની લઈએ કે રાજ્યોના હાથમાં 2/3 વોટીંગ પાવર હોવા છતાય પેટ્રોલ ડીઝલ GST હેઠળ આવી ગયા. તો એ પછી પિક્ચરમાં આવે છે રાજ્યો દ્વારા લાદવામાં આવતો એક પ્રત્યક્ષ ટેક્સ, જેનું નામ છે ‘સિન ટેક્સ’. જી હા, સિન ટેક્સ એટલે એવો ટેક્સ કે જે પર્યાવરણ માટે કે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય તેવી ચીજો જેવી કે તમાકુ, આલ્કોહોલ વગેરે પર લાગે છે.

પેટ્રોલ ડીઝલનો વધુ પડતો ઉપયોગ પર્યાવરણ માટે હાનિકારક છે જ એ આપણે સૌ જાણીએ છીએ અને એનો કોઈ ઇનકાર કરી શકે નહિ. આથી પેટ્રોલ અને ડીઝલ GST હેઠળ આવ્યા બાદ પણ તેની પડતર કિંમત પર કેટલો સિન ટેક્સ લગાવવો તેની સંપૂર્ણ સત્તા રાજ્ય સરકારો પાસે હોય છે. એટલે આપણે જે વિચારીએ છીએ કે પેટ્રોલ ડીઝલ ખાસ્સું સસ્તું થઇ જશે એ ધારણા પર પણ અહી પ્રશ્નાર્થચિન્હ તો છે જ!

એટલા માટે મારું માનો તો કોઈ પણ સરકારની સત્તા હોય પણ આપણા દેશ માટે કામ કરતા અર્થશાસ્ત્રીઓ પર વિશ્વાસ રાખો. તેઓ કોઇપણ ભોગે દેશને ખાડામાં તો નહિ જ લઇ જાય એ વાત નક્કી છે. આર્થિક ક્ષેત્રે કોઇપણ નિર્ણય લેતા પહેલા ઘણા બધા પાસાઓ ધ્યાનમાં લેવાના હોય છે. આપણે એક ઘર ચલાવવામાં પણ કેટલું પ્લાનિંગ કરતા હોઈએ છીએ! તો અહી તો આખો દેશ ચલાવવાની વાત છે. કશું જ રાતોરાત નથી થઇ જતું.

માત્ર અને માત્ર વોટ્સએપ અને સોશિયલ મીડિયા પર ફરતા મેસેજીસ ફોરવર્ડ કરવાથી કશું વળવાનું નથી. બેટર છે કે આપણે નાગરિક તરીકેની ફરજો નિભાવીએ અને બને તેટલું ઓછું પેટ્રોલીયમ વપરાય એ રીતે રોજિંદુ જીવન જીવીએ. જો કે જ્યાં જરૂર છે ત્યાં તો વાપરવું જ પડે એમાં હું બેમત નથી, પણ જ્યાં વાપરવાનું ટાળી શકીએ ત્યાં તો ટાળવું જ જોઈએ.

આચમન :-હું શું કહું છું, પાકિસ્તાનમાં ૫૦ રૂપિયે લીટર પેટ્રોલ મળે છે. ટાંકી ફૂલ કરવાતા આવીએ?”

eછાપું 

તમને ગમશે: હે સુજ્ઞ ગુજરાતી વાચકો અમને ક્યારે વાંચશો?

1 COMMENT

  1. આચમન તો સરસ આપપ્યું તમે. પણ હુ શું કહું છું આ અમુક વતોડિયા (પંચાયતિયા) એવું પણ કહે છે અભણ ના હાથમાં સત્તા આપો તો આવું જ થાય, તો આ લોકો થોડા વધારે ભણેલા છે એટલે એમણે એટલીસ્ટ ગામની સત્તા લઈ ને થોડો “વિકાસ” કરવો જોઈએ કે નઈ. વિકાસ શબ્દ સાંભળી ને કદાચ લાલ થઈ જાય તો નવાઈ નહીં

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here