કર્મ કાફે: અહીં ભોજન કરતી વેળા ગાંધીજી આસપાસ હોય એવું લાગે

2
487
Photo Courtesy: Mrunal Buch

કર્મ કાફે ની જો ઓળખ આપવી હોય તો આમ આપી શકાય: અમદાવાદ એટલે મેટ્રો સીટીનો કોલાહલ, પોતાના પ્રોબ્લેમ અને સતત વિકાસની સાથે પોતાનો આગવો ધબકાર ધરાવતું શહેર. આ શહેરમાં બહુ ઓછી જગ્યા એવી છે જે મનને શાંતિ આપે, એમાં પણ ઘોંઘાટ વગરની રેસ્ટોરન્ટ કે કાફે આંગળી ના વેઢે તો શું, આખી આંગળી પાર ગણી શકાય એટલી જ છે. અત્યાર સુધી ઝેન કાફે એક જ એવી જગ્યા હતી, પરંતુ હોવી આ યાદીમાં એક નવું નામ જોડાયું છે, કર્મ કાફે. કર્મ કાફે નવજીવન ટ્રસ્ટ કેમ્પસમાં આવેલું છે.

Photo Courtesy: Mrunal Buch

આ જગ્યા પાછળનો ઇતિહાસ પણ જાણવા જેવો છે! વર્ષો પહેલા મહાત્મા ગાંધીએ સમાજના યુવાનોમાં જ્ઞાન અને ઉદાર વિચારોનું પ્રસાર કરવા માટે એક દ્રષ્ટિ સાથે નવજીવન ટ્રસ્ટની સ્થાપના કરી હતી. નવજીવન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી વિવેક દેસાઈ માને છે કે લોકો, ખાસ કરીને યુવાનો, ગાંધીવાદી વિચારધારા સાથે જોડાતા અચકાય છે. એવી નવી પ્રવૃત્તિઓ બનાવીને વાતાવરણ બનાવવાની જરૂરિયાત છે કે જ્યાં લોકો સરળતાથી તેમના વિચારો સાથે જોડાઈ શકે. આ જ વિચારધારાના આધારે, ટ્રસ્ટે બાપુની ફિલસૂફીને પ્રમોટ કરવા માટે  વિવેકભાઈ અને શિલ્પાબેને કર્મ કાફે શરૂ કર્યો છે.

સૌથી પહેલા વાતાવરણની વાત કરીએ તો અહીં આધુનિકતા અને  સાદગીનો એક અનોખો સંગમ છે. ગુજરાત વિદ્યાપીઠના પાછળના ભાગમાં આવેલા નવજીવન ટ્રસ્ટ કમ્પાઉન્ડ આમ પણ કોઈપણ જાતની તામ-ઝામ વગરની શાંત અને ખુલ્લી જગ્યા છે. આ જ કમ્પાઉન્ડમાં આવેલું આ નાનકડું કાફે આમ જોઈએ તો એક સામાન્ય કાફે જ લાગે, પણ અહીંની વિશેષતા છે કોફીશોપમાં મૂકેલ ગાંધી સાહિત્ય! ચેતન ભગત કે અમિશ ત્રિપાઠી કદાચ ઘણા અમદાવાદી કાફેનો ભાગ હશે, પણ ગાંધીજી એ એકમાત્ર આ જ જગ્યાએ ઉપલબ્ધ છે.

ગાંધીઅન ફિલોસોફીને વરેલી જગ્યા હોય એટલે ચોખ્ખાઈ અને સ્વચ્છતા અંગે કાંઇ કહેવાપણું ન જ હોય, પછી એ બેઠક વ્યવસ્થા હોય કે પાણી ની વ્યવસ્થા. બેસવા માટે એ.સી. અને ઓપન એર એમ બંને પ્રકારની વ્યવસ્થા છે, અને અમદાવાદી મોસમમાં એ બંને પ્રકારનો લાભ લેવો જોઈએ.

વાત કરીએ ફૂડની તો, અહીં શુદ્ધ, સાત્વિક ભોજન મળે છે. સામાન્ય દિવસે સાદું ચા-નાસ્તાનું મેનૂ હોય છે તો શુક્ર, શનિ અને રવિવારે સાંજે 7 થઈ 9 ગાંધી થાળી મળે છે, જે ફિક્સ મેનૂ થાળી છે. અહીં સેલ્ફ સર્વિસ હોવાથી ગાંધી થાળી બુફે પદ્ધતિથી પીરસાય છે. આ ગાંધી થાળીની કિંમત 100 રૂપિયા રાખી છે અને ઉપરોક્ત ત્રણ દિવસોએ ફક્ત 125 લોકો જ આ થાળીનો લાભ લઇ શકે એવી વ્યવસ્થા છે.

eછાપુંની અમારી ટીમની ગત રવિવારની મુલાકાત દરમિયાન અમે ગાંધી થાળી ચાખી હતી, જેનું તે દિવસનું મેનૂ હતું ખજૂર ટોપરાનો શિરો, ભાખરી, ગવાર-બટાકાનું શાક, મસાલા રાજમાં, ખીચડી, બૂંદી કઢી. ઉપરાંત પાપડ, સલાડ, અથાણું વગેરે. ખાવાનું ખૂબ જ ટેસ્ટી હતું, એટલું સરસ કે મારા જેવા ગવારનું શાક ન ખાનાર પણ આખું સર્વિંગ આંગળી ચાટતા ખાઈ જાય!

આટલા સરસ ટેસ્ટી ફૂડના ફક્ત 100 રૂપિયા સાંભળીને આપણને લાગે કે વેલ્યૂ ફોર મની નહીં હોય તો! પણ એવું બિલકુલ નહીં થાય, કેમકે અહીંના કિચનમાં ખાવાનું એકદમ પ્રેમથી બનાવવામાં આવે છે.

સો, હવે જ્યારે પણ અમદાવાદના કોલાહલથી ભાગી છૂટવાની ઈચ્છા થાય ત્યારે કર્મ કાફે ની મુલાકાત ચોક્કસ લેજો!

રાજમા મસાલા

કર્મ કાફે ની અમારી મુલાકાત દરમ્યાન અમે આ અત્યંત સ્વાદિષ્ટ વાનગી ખાવાનો અનુભવ કર્યો હતો. તમે કર્મ કાફે જાવ તે પહેલા આ વાનગી જાતેજ ટ્રાય કરી લો ને?

Photo Courtesy: Aakanksha Thakore

સામગ્રી:

1 કપ રાજમા (આઠ કલાક પલાળેલા)

1.5 લિટર પાણી

મીઠું સ્વાદમુજબ

3 ચમચી ઘી

1/2 કપ ડુંગળીની પેસ્ટ

1 ટેબલસ્પૂન આદુની પેસ્ટ

1 ટેબલસ્પૂન લસણની પેસ્ટ

1/2 ટેબલસ્પૂન લીલા મરચાની પેસ્ટ

1 ટીસ્પૂન હળદર

2 ટીસ્પૂન લાલ મરચું પાવડર

2 ટીસ્પૂન ધાણા પાવડર

1 કપ ટોમેટો પ્યુરી

2 ટીસ્પૂન ગરમ મસાલા

સમારેલી કોથમીર જરૂરમુજબ

રીત:

 1. એક બાઉલમાં રાજમા લો અને તેને આઠ કલાક પલાળવા દો
 2. પ્રેશર કૂકરમાં પાણી લો અને તેમાં મીઠું તથા પલાળેલા રાજમા ઉમેરી મધ્યમ આંચ પર 4 સિટી સુધી પકવી લો. કૂકર ઠંડુ પડે એટલે રાજમાં બરાબર ચડ્યા છે કે નહિ તે ચેક કરી લો.
 3. તૈયાર રાજમામાંથી પાણી જુદું કાઢી બાજુ ઉપર રાખો.
 4. એક મોટા પૅનમાં ઘી લઇ તેમાં ડુંગળીની પેસ્ટ, આદુની પેસ્ટ, લસણની પેસ્ટ, લીલા મરચાંની પેસ્ટ, હળદર, લાલ મરચું પાઉડર, ધાણા પાવડર, ટોમેટો પ્યુરી અને રાંધેલાં રાજમા ઉમેરી બરાબર મિક્સ કરો. મિશ્રણને 10 થી 12 મિનીટ માટે પકવો.
 5. હવે તેમાં ગરમ મસાલો અને મીઠું ઉમેરો અને બરાબર મિક્સ કરો.
 6. રાજમામાંથી સાચવેલું પાણી ઉમેરો.
 7. સહેજ ઘાટું થાય ત્યાંસુધી પૅનને ઢાંકીને ધીમાતાપે ખદખદવા દો.
 8. સમારેલી કોથમીરથી સજાવી, જીરા રાઈસ સાથે ગરમાગરમ પીરસો.

પીઠીનું શાક

સામગ્રી:

ઢોકળા માટે:

2 કપ મગની દાળ

મુઠ્ઠીભરચોખા

1 ટેબલસ્પૂન લીલા મરચાની પેસ્ટ

1 ટીસ્પૂન હિંગ

સ્વાદ મુજબ મીઠું

½ ટીસ્પૂન ઈનો/ખાવાનો સોડા

અન્ય સામગ્રી:

3-4 ટેબલસ્પૂન તેલ

મુઠ્ઠીભર આમલી, પલાળેલી

1/2 તજ

4-5 લવિંગ

1 ટીસ્પૂન હિંગ

1 ટેબલસ્પૂન ગોળ

1 ટેબલસ્પૂન લીલા મરચાની પેસ્ટ

5 કપ પાણી

સ્વાદ પ્રમાણે મીઠું

રીત:

 1. દાળ અને ચોખાને લગભગ 3 થી 4 કલાક માટે પલાળો.
 2. દાળ અને ચોખા બરાબર પલળી જાય એટલે દાળ, ચોખા અને લીલા મરચાની પેસ્ટને મિક્સરમાં વાટીને કકરી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને તપેલીમાં કાઢી તેમાં મીઠું અને હિંગ ઉમેરો અને બરાબર ભેળવી દો.
 3. ઢોકળા ઉતારવાના સમયે તેમાં ઈનો કે ખાવાનો સોડા ઉમેરી, ઢોકળિયામાં મિશ્રણના પાતળા ઢોકળા ઉતારી લો.
 4. હવે એક કઢાઈમાં તેલ લો. તેલ ગરમ થાય એટલે તેમાં તજ, લવિંગ અને હિંગ ઉમેરો.
 5. હવે તેમાં 5 કપ પાણી, આમલીનો રસો, ગોળ, મીઠું અને લીલા મરચાની પેસ્ટ ઉમેરો. મિશ્રણ ઉકાળવા લાગે એટલે ગેસ બંધ કરી દો.
 6. તૈયાર ઢોકળાના ચોસલા કરી, પીરસવાના સમયે તેને રસમાં ઉમેરી, કોથમીરથી સજાવીને રોટલી જોડે ગરમાગરમ પીરસો.

ગટ્ટે કી સબ્જી

Photo Courtesy: Aakanksha Thakore

સામગ્રી:

ગટ્ટા માટે

3/4 કપ ચણાનો લોટ

1/4 ચમચી હળદર પાવડર

1/4 ચમચી લાલ મરચાં પાવડર

1/4 ચમચી જીરું

1/4 ચમચી ગરમ મસાલો

1 ચમચી તેલ

1/3 ચમચી મીઠું

ગ્રેવી માટે

1/4 ચમચી રાઈ

1/4 ચમચી જીરું

હિંગ એક ચપટી

1 ચમચી ઝીણું સમારેલ આદુ

1 ઝીણું સમારેલ લીલા મરચું

1 ઝીણું સમારેલ  નાની ડુંગળી

1/2 ચમચી ધાણા પાઉડર

1/3 ચમચી લાલ મરચાં

1/4 ચમચી ગરમ મસાલો

1/4 કપ દહીં, સહેજ ફેંટેલું

1 મોટો ચમચો + 1 મોટો ચમચો તેલ અથવા ઘી (શુદ્ધ કરેલું માખણ)

3 ચમચી ઝીણું સમારેલ કોથમીર

સ્વાદમુજબ મીઠું

રીત:

 1. મોટા બાઉલ માં ચણાનો લોટ, હળદર પાવડર, 1/4 ચમચી લાલ મરચું, 1/4 ચમચી જીરું, ગરમ મસાલા પાવડર, 1-ચમચી તેલ અને 1/3 ચમચી મીઠું ભેગા કરો.
 2. ધીમે ધીમે પાણી ઉમેરો અને પરોઠાના કણક જેમ સરળ અને સખત કણક બનાવો.
 3. કણકને 7-8 સમાન ભાગો માં વિભાજીત કરો. હથેળી પર બરાબર તેલ ઘસી એ બધા જ ભાગ ને આશરે 4-5 ઇંચ લાંબા અને ½ ઇંચ જાડા નળાકારમાં વણો.
 4. મધ્યમ આંચ પર એક પેનમાં 3 કપ પાણી ઉકાળો. તે ઉકાળવા લાગે એટલે તેમાં નળાકાર રોલ્સ ઉમેરો.
 5. રોલ્સ પાણીની સપાટી પર તરવા લાગે ત્યાં સુધી પકવો. પાણીમાંથી નળાકાર રોલ્સ દૂર કરો અને એક પ્લેટમાં રાખો. ગ્રેવી બનાવવામાં ઉપયોગમાં લેવા માટે પાણી બાજુ પર રાખો.
 6. રોલ્સને 5-7 મિનિટ માટે ઠંડા થવા દો. હવે એ રોલને 1/2-ઇંચ લાંબા ટુકડાઓ માં કાપી લો.
 7. એક નોન-સ્ટીક પેનમાં 1 મોટો ચમચો તેલ (અથવા ઘી) ગરમ કરો. 2-મિનિટ માટે મધ્યમ જ્યોત પર સમારેલા નળાકાર રોલ્સને શેલો ફ્રાય કરો અને તેમને થાળીમાં કાઢી લો. ગટ્ટા તૈયાર છે.
 8. એ જ પેનમાં વધેલું 1 મોટો ચમચો તેલ (અથવા ઘી) ઉમેરો અને મધ્યમ જ્યોત પર ગરમ કરો. રાઈના દાણા ઉમેરો; તે કડકડાવાના શરૂ થાય, એટલે 20-30 સેકન્ડ માટે 1/4 ચમચી જીરું, હિંગ, આદુ અને લીલા મરચા ઉમેરો અને કોઈ સાંતળો. તેમાં ઝીણું સમારેલ ડુંગળી ઉમેરો અને અર્ધપારદર્શક થાય ત્યાં સુધી સાંતળો.
 9. ધાણા પાઉડર, 1/3 ચમચી લાલ મરચું પાવડર અને ગરમ મસાલા પાવડર ઉમેરી 30-40 સેકન્ડ માટે સાંતળો. ફેંટેલું દહીં ઉમેરો અને બરાબર ભેળવો અને તેલ સપાટી પર આવે ત્યાં સુધી મિશ્રણ પકવો, આશરે 1-2 મિનિટ માટે.
 10. તેમાં પાણી (ગટ્ટા ઉકાળ્યા બાદ રાખેલું) 1 કપ અને 1/2 ચમચી મીઠું ઉમેરી સારી રીતે હલાવો અને મધ્યમ જ્યોત પર ઉકળવા દો.
 11. ઉકાળવાનું શરૂ થાય એટલે જ્યોત ધીમા તાપે કરી તેમાં શેલો ફ્રાઇડ ગટ્ટા ઉમેરો.
 12. ગ્રેવી થોડી ઘટ્ટ થાય ત્યાં સુધી પકવો, આશરે 5-7 મિનિટ. ગટ્ટાને ચોંટતા અટકાવવા માટે વચ્ચે ધીમેધીમે હલાવો.
 13. ગેસ બંધ કરી ગટ્ટે કી સબ્જીને એક બાઉલમાં કાઢો, ઉપર થી ઝીણી સમારેલી કોથમીરથી સજાવી ગરમાગરમ સર્વ કરો.

eછાપું 

તમને ગમશે: મજા પડી જાય એવી 5 અદભુત વેબસાઇટ્સ

2 COMMENTS

 1. કર્મ કાફેની એક મુલાકાત યાદગાર બની જાય તેવી હોય છે.
  સાત્વિક ફુડ અને સુંદર જગ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here