આપણા સંતાનોના સુખ માટે સગાવ્હાલા થી સાવધાન રહીએ તો જ સારું

0
312
Photo Courtesy: news18.com

“ફેમિલી” ની વ્યાખ્યા શું? સુખ અને દુઃખમાં સાથ આપે, ખાસ કરીને “દુઃખ” માં, તે ફેમિલી. એમાં “પોતાનાં” અને “પારકા” બંનેનો સામવેશ થાય છે. નોર્મલ સિચુએશનમાં આપણે આપણાં કરતાં પણ વધારે વિશ્વાસ સગાવ્હાલા પર રાખીએ છીએ અને એટલે જ ઘણી બધી વાર “ખત્તા” ખાઈએ છીએ. એ પછી રૂપિયા, પ્રોપર્ટી હોય કે બાળકો. આજનો વિષય “બાળકો” પર કેન્દ્રિત છે એટલે એનાં વિશે જાણીએ. આમ તો આ વિષય ઉપર ઘણું બધું લખાયેલું છે, પણ જ્યારે જ્યારે શક્યતા હોય ત્યારે આ વિષય પર લખવું અને વાંચવું, આવકાર્ય છે.

Photo Courtesy: news18.com

સંબંધ કોઈ પણ હોય, વ્યક્તિને ઓળખો

જરૂરી નથી કે આપણી આંખ સામે સતત રહેતી વ્યક્તિ આપણી શુભચિંતક જ હોય. અત્યંત અનિવાર્ય સંજોગોમાં જ બાળકોને તમારા વગર સગાવ્હાલા પાસે મૂકો અને એ પણ જો તમારું બાળક ઇચ્છે તો જ. ઘણી વાર સંબંધમાં આપણે એટલાં આંધળા બનીએ છીએ કે બહારથી વ્યવસ્થિત દેખાતી વ્યક્તિના આંતરીક ઈરાદાઓ આપણે ઓળખી શકતા નથી. માટે કદાચ બાળકને સાથે રાખીને પણ આપણે આપણી જરૂરિયાત પૂરી કરી શકતા હોઈએ, તો કોઈ બીજા પર નિર્ભર રહેવું યોગ્ય નથી.

આપણે ઘણી વખત ન્યૂઝ પર અને ન્યૂઝ પેપરમાં જોઈએ છીએ કે બાળકો પર થતાં બળાત્કાર, અપહરણ, ફિઝીકલ ટોર્ચર પાછળ દોષી કે જવાબદાર સગાવ્હાલા હોય છે. હા, બધાં જ એવા નથી હોતા, પણ આવી સિચ્યુએશન કહીને નથી આવતી. અને જ્યારે આવે છે ત્યારે તે કોઇપણ માતાપિતાની સહનશીલતાની હદ બહાર હોય છે. પેરેંટ્સ અને બાળક આખી જિંદગી પસ્તાય છે પોતાનાં કે પારકા પર વિશ્વાસ મૂકવા માટે. એટલે બાળકોને લગતા નિર્ણયો, આંખો અને મગજ, બંને ખુલ્લા રાખીને લેવાં જરૂરી છે. બાળકોને જે-તે વ્યક્તિના ખોળામાં બેસાડવાની ટેવ ન પાડવી, પર્સનલ વાતો ન કહેવી, કોઈ અડીને વાત કરે તો “ના” પાડતાં પણ શીખવવું, સ્પર્શ ઓળખતા શીખવવું, એ આપણી ફરજ છે જ.

સરખામણી કરતાં સગાવ્હાલાઓથી દૂર રહેવું

કહેવત છે ને કે ડુંગરા દૂરથી રળિયામણા. કેમ કે પાસેથી એ અળખામણાં. એવી જ રીતે, સગાવ્હાલા પણ ઘણી વાર દૂરથી સારા લાગે છે. મોટે ભાગે, આપણે આપણી આસપાસ જોતાં જ હોઈએ છીએ કે બાળકોની સરખામણી કરવા માટે કોઈ મહત્વના મુદ્દાની જરૂર નથી પડતી. ઉછેરથી લઈને ભણતર અને આરોગ્યથી લઈને ગણતર, બધે જ સરખામણીના બીજ રોપાયા હોય છે. કોઈના બાળકો શું કરે છે તેમાં આપણને વધુ રસ હોય છે. (અહીંયા “આપણે” એટલે હું, તમે અને આપણા જેવા બધાં જ). કપડાં, દેખાવ, ખાવા – પીવાની આદતો, ભાષા, કોને કેટલા માર્કસ આવ્યા અને આપણા બાળકને જે-તે બાળક કરતાં કેટલા માર્કસ ઓછા કે વધારે છે તેમાં આપણા પણ પંદરથી વીસ વર્ષ નીકળી જાય છે. પછી પણ સગાવ્હાલા પોતે નવરા ન પડે તે માટે,  સેલેરી એટલે કે પગારની સરખામણી તરફ આગળ વધી જાય છે. ઘણી વખત તો કોની વહુ સારી અને કોના જમાઈ પાસે કઈ કાર, તેવા તુચ્છ વિષયો પર પણ ચર્ચા થાય છે.

બાળકોને બિનજરૂરી સલાહ આપવાનું અને અયોગ્ય વર્તન કરવાનું ટાળો

આપણે ઘેર આવતા મહેમાનોની સામે બાળકોને વઢવું, ઉતારી પાડવું, ટોકવું, વાત ન સાંભળવી, વિગેરે વર્તનને આપણે કાબુમાં રાખવું જોઈએ. બાળકો પણ સેન્સીટિવ હોય છે. તેમને પણ સ્વમાન હોય છે. એટલે આપણા કોઈ પણ અયોગ્ય વર્તનથી તેમનો આપણામાં વિશ્વાસ ઓછો થાય તે સ્વાભાવિક છે. અને આવા સંજોગોનો ફાયદો ઉઠાવી બાળકોનું શોષણ કરતા લોકોની પણ કમી નથી. આપણું બાળક આપણને ઇગ્નોર કરીને પારકા સાથે તેમની ઈચ્છા શેર કરે, તેવા સંજોગોને ટાળવા માટેના પ્રયત્નો કરવા. આવા સંજોગોનો ફાયદો ઉપાડવાવાળા પણ આપણી આસપાસનાં સગાવ્હાલા જ હોય છે.

આ બધી પરિસ્થિતિથી બચવા માટે આપણે આપણા જીવનના અમુક વર્ષો વફાદારીથી આપણી પેઢીઓને આપશું, તેમનામાં નિડરતા, મક્કમતા, ચપળતા, એકાગ્રતા, અને સૌથી મહત્વનું બીજ “સભાનતા” નું રોપશું, તો દૂષણોથી દુર રહીને, એક આદર્શ વ્યક્તિત્વ લણશું.

અસ્તુ!!

eછાપું

તમને ગમશે: પ્રકાંડ અર્થશાસ્ત્રી વડાપ્રધાનને WEF જવાનું કેમ સુજ્યું નહીં હોય?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here