સૈરાટ વિરુદ્ધ ધડક – ફિલ્મોનું ભવિષ્ય ટ્રેલર જોઇને નક્કી ન થાય

1
376
Photo Courtesy: dnaindia.com

બે દિવસ પહેલા જ્હાનવી અને ઇશાન ખટ્ટરને લોન્ચ કરનારી ફિલ્મ ધડક નું ટ્રેલર લોન્ચ થયું. આ ફિલ્મ મરાઠી મહાકાવ્ય સમાન ફિલ્મ સૈરાટની ઓફિશિયલ રીમેક છે એની આપણને ખબર છે. આપણને હકીકતની ખબર હોવા છતાં જેવું ધડકનું ટ્રેલર રજુ થયું એટલે આપણે એની સરખામણી સૈરાટ સાથે કરવા લાગ્યા જે કદાચ સ્વાભાવિક પણ હતું.

Photo Courtesy: dnaindia.com

ચોવીસ કલાક લાઈવ ટેલિવિઝન ચર્ચાના જમાનામાં એ વાક્ય હવે ચવાઈને કુથ્થો થઇ ગયું છે કે દરેક વ્યક્તિને પોતાનો મત આપવાનો અધિકાર છે અને હું એમના આ અધિકારનું સન્માન કરું છું. પરંતુ વાત અહીં એ લોકોની છે કે જેઓ પોતાના ઓપિનિયન આપવાના અધિકારનો દુરુપયોગ કરે છે. આ એ લોકો છે જે પોતાને આપણા પેલા MBA રિવ્યુકારની માફક માત્ર ફિલ્મનું ટ્રેલર જોઇને તેનું ભવિષ્ય ભાખી દે છે કે, “બોસ નહીં ચાલે!” પણ શું ટ્રેલર જોઇને ફિલ્મનું ભવિષ્ય આટલી આસાનીથી ભાખી શકાય ખરું?

વાત ફક્ત ધડક ની નથી, બહુ દૂર જવાની પણ જરૂર નથી. હાલમાં જ આવેલી ફિલ્મ ‘વિરે દી વેડિંગ’ નું જ ઉદાહરણ લઈએ તો તેનું ટ્રેલર જોઇને આ લખનાર સહીત ઘણાબધાને સાંસ્કૃતિક શોક (shock) લાગી ગયો હતો કે આ શું? ભારતીય સ્ત્રીઓ મોડર્ન છે એટલે અપશબ્દો બોલી શકે એવું આ ફિલ્મમાં ઠસાવવા માંગે છે કે શું? અમુક કારણોસર વિરે દી વેડિંગ જોવાનો અવસર ન મળ્યો પરંતુ જે મિત્રોના ઓપિનિયન પર હું ભરોસો મૂકી શકું એ તમામને આ ફિલ્મ ગમી હતી અને જે બાબત ટ્રેલર જોઇને શોક આપી ગઈ હતી એવું ફિલ્મમાં ન હોવાનું એમણે જણાવ્યું હતું. અને ફિલ્મ પણ છેલ્લે સમાચાર મળ્યા ત્યાંસુધીમાં 72 કરોડથી પણ વધુનું કલેક્શન કરી ચૂકી છે.

ફરી આવીએ સૈરાટ વિરુદ્ધ ધડક પર. મને સૈરાટ જોવાનું પુણ્ય મળ્યું છે, થેન્ક્સ ટુ Netflix અને લગભગ એકાદ વર્ષ અગાઉ હું તેને જોઈ ચૂક્યો છું. જો આ અદભુત ફિલ્મને એક વાક્યમાં મૂલવવી હોય તો એમ કહી શકાય કે એક જાણીતી અને સામાન્ય લવસ્ટોરીને ડિરેક્ટરે પોતાના કસબથી અદભુત બનાવી છે, પ્લસ મરાઠી શબ્દો ન સમજાય તો પણ તેનું ગજબનું સંગીત અને તેના ગીતો. સૈરાટ સામાન્ય લવ સ્ટોરી જરૂર કહે છે પરંતુ તેનો અંત સામાન્ય નથી ફિલ્મના અંતે મારા મન પર લગભગ દોઢથી બે દિવસ સુધી પોતાની અસર છોડી હતી.

સૈરાટ જેવી અનોખી ફિલ્મની ઓફિશિયલ કે પછી અનઓફિશિયલ રીમેક બનાવોને તો પણ સૈરાટ ફરીવાર ન બને, અરે નાગરાજ મંજુલે જો ફરીથી એ જ અદાકારો સાથે ફિલ્મ ફરીથી બનાવેને તો પણ એ મેજીક ફરીથી ન પાથરી શકે, પીરીયડ! તો સુજ્ઞ વાચકજનો, હવે વિચારો કે ધડક ફિલ્મે કોના પેંગડામાં પગ ઘાલ્યો છે? પણ એનો મતલબ એવો પણ નથી કે ધડક સાવ બેકાર ફિલ્મ હશે? એટલીસ્ટ એનું ટ્રેલર જોઇને તો નથી જ લાગતું કારણકે ફિલ્મની પ્રોડક્શન વેલ્યુ ઘણી ઉંચી છે અને આથી કરણ જોહરને સાવ બેકાર ફિલ્મ પ્રોડ્યુસ કરવાનું તો ન જ પાલવેને?

હા, એમાં બોલિવુડ ક્લીશે દેખાય છે જેમ કે સૈરાટના હીરો પર્શ્યાના મિત્રોની ભૂમિકા પણ ફિલ્મમાં ખાસ એન્ગલથી લખવામાં આવી હતી પરંતુ ધડક માં ઇશાન ખટ્ટરના મિત્રો માત્ર ખાનાપૂર્તિ કરી રહ્યા હોય એવું લાગે છે વગેરે. આમ છતાં, કોઇપણ ફિલ્મ અને ખાસકરીને બોલિવુડ ફિલ્મ માત્ર સારા અદાકારો કે પછી સારા ડાયરેક્શનને લીધે બોક્સ ઓફીસ પર ક્યારેય ચાલી નથી કે ક્યારેય ચાલવાની પણ નથી એ વાત તો નક્કી છે.

એવી હજારો હિન્દી ફિલ્મો છે જેની સાવ નાની અમથી બાબત દર્શકને ટચ કરી જાય અને ફિલ્મ પર તેઓ પોતાના આશિર્વાદ વરસાવે. શોલેની જ વાત કરીએ? તો ફિલ્મમાં રહેલી પૂર્ણતા કદાચ દર્શકોને ગમી ગઈ અને શોલે આજે પણ હિન્દી ફિલ્મોના મહાભારત તરીકે પૂજાય છે. ધડક હજીસુધી આપણામાંથી કોઈએ પણ જોઈ નથી. તો પછી આપણને માત્ર તેના ટ્રેલર પરથી કેવી રીતે ખબર પડી જાય કે ફિલ્મ બેકાર હશે? એ બીજી સૈરાટ તો નહીં જ હોય એ નક્કી જ છે. કદાચ આપણને જ્હાનવીની નિર્દોષતા ગમી જાય, કદાચ ઇશાન ખટ્ટરની કોઈ અદા પસંદ આવી જાય, કે પછી ઓવરઓલ ફિલ્મની ટ્રીટમેન્ટ ફિલ્મને સૈરાટથી ચડીયાતી નહીં પરંતુ ખુદની ઓળખ ઉભી કરતી ધડક બનાવે?

તો થોભો અને રાહ જુઓ!

eછાપું

તમને ગમશે: કમલેશ નાગરકોટી અને શિવમ માવી ભારતીય પેસ બોલિંગનું ભવિષ્ય

1 COMMENT

  1. Very true
    Aa loko ni khoti aadat che khota anumaan karva ni… Ne hoshiyario marva ni….
    koi ne mehnat ne joya vagar kai pan bolva ni…. But i am very happy and eagerly waiting for Dhadak… All the best

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here