મોદીએ કહ્યું છે એટલે અમે ફિટનેસ અવગણીશું થાય એ કરી લેવું

0
281

આજકાલ સોશિયલ મિડિયા પર Hum Fit Toh India Fit નો વાયરો ચાલ્યો છે. એક્ચ્યુલી આ વખતના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારીરૂપે કેન્દ્ર સરકારના સ્પોર્ટ્સમંત્રી અને ઓલિમ્પિક પદક વિજેતા રાજ્યવર્ધન રાઠોડે દેશવાસીઓને ફિટનેસ ચેલેન્જ આપી છે અને લોકો પોતે કેટલા ફીટ છે તે દેખાડવા પોતે કસરત કરતા હોય એવા વિડીયો ફેસબુક અને Twitter પર અપલોડ કરવા લાગ્યા છે.

Photo Courtesy: newsokindia.com

શહેરી ભારત જો કે છેલ્લા લગભગ એકાદ દાયકાથી ફિટનેસ પ્રત્યે જાગૃત બન્યું છે. પતંજલિવાળા બાબા રામદેવ જ્યારે આયુર્વેદિક દવાઓ અને ઉત્પાદનો વેંચવામાં પડ્યા ન હતા ત્યારે તેઓ માત્ર યોગગુરુ તરીકે પંકાયેલા હતા ત્યારે ભારત જ નહીં પરંતુ વિશ્વમાં યોગને ફરીથી ઘેરઘેર પહોંચાડવામાં જો કોઈનો સહુથી મોટો ફાળો હોય તો તે બાબા રામદેવનો છે એવું તો એમના વિરોધીઓ પણ સોય ઝાટકીને કહેતા હોય છે. એટલે આ ફિટનેસ ચેલેન્જ પછી ભારત આરોગ્ય પ્રત્યે સિરિયસ બન્યું છે એમ ન માનવાને કોઈજ કારણ નથી.

પરંતુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ખાસિયત રહી છે તેઓ દેશવાસીઓ માટે મહત્ત્વ ધરાવતી બાબતો પરંતુ અત્યારસુધી જેની અવગણના કરવામાં આવી હોય તેને તેઓ સીધી જ પ્રજા વચ્ચે લઇ જાય છે. જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ સ્વતંત્રતા દિવસની ઉજવણી માત્ર અમદાવાદના ભદ્રના કિલ્લા પર જ થાય એ પરંપરા તોડી અને દર વર્ષે આ ઉજવણી ગુજરાતના દરેક જીલ્લાના મુખ્યમથકમાં કરાવવાની શરુ કરાવી જેથી એ જીલ્લાના નાગરિકોને પણ પોતાનું મહત્ત્વ છે એની ખાતરી થાય.

આ જ તર્જ પર નરેન્દ્ર મોદીએ ગુજરાતની સ્થાપનાના જ્યારે પચાસ વર્ષ થયા ત્યારે તેની ભવ્ય ઉજવણી કરી હતી અને એ પણ આખું વર્ષ. કદાચ ગુજરાતના ઇતિહાસમાં એ પહેલીવાર અને છેલ્લીવાર બન્યું કે પહેલી મે એ જાહેર રજા હોય! એ દિવસથી ગુજરાતીને ગુજરાત પ્રત્યે જરાક વધારે જ પ્રેમ ઉભરાયો છે. હવે જ્યારે તેઓ વડાપ્રધાન બન્યા છે ત્યારે પણ તેમણે પોતાની આ સ્ટાઈલથી કામ કરવાનું ચાલુ રાખ્યું છે. તમને યાદ હોય તો ભારતમાં જ્યારે પ્રથમ BRICS સંમેલન બોલાવવામાં આવ્યું ત્યારે તેની યજમાની ગોવાએ કરી હતી. આવી જ રીતે વિવિધ આંતરરાષ્ટ્રીય સંમેલનો નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ દેશની રાજકીય અને આર્થિક રાજધાનીઓની બહાર થવાના શરુ થયા છે.

ફિટનેસ અને સ્વચ્છતા અંગત બાબત છે પરંતુ તેમ છતાં આપણે વર્ષો સુધી આ બંનેને સારી પેઠે અવગણી છે. નરેન્દ્ર મોદીએ આપણે પોતે હવે આ બંને મહત્ત્વની બાબતો ન અવગણીએ એટલે તેને લોકોની વચ્ચે લઇ ગયા બિલકુલ એમની જાણીતી સ્ટાઈલને ફોલો કરીને. નરેન્દ્ર મોદીએ સ્વચ્છતાનો સંદેશ લોકો સુધી પહોંચે તે માટે માત્ર ઝાડુ લઈને સડક સાફ કરવાનો વિડીયો જ ન ઉતરાવ્યો પરંતુ જ્યારે જરૂર પડી ત્યારે એનો અમલ પણ કરી બતાવ્યો.

લોકસભા સ્પિકર સુમિત્રા મહાજનનું પુસ્તક અનાવરણ કરી લીધા બાદ તેનું રેપર ક્યાં મુકવું તેની યોગ્ય જગ્યા ન મળતા વડાપ્રધાને તેને તરતજ પોતાના ખિસ્સામાં મૂકી દીધું હતું. આવી જ રીતે ગત દશેરાએ રામલીલાના દર્શન સમયે આપવામાં આવેલા પ્રસાદ ખાધા પછી હાથ સાફ કરવા જે ટીશ્યુ પેપર એમણે લીધું હતું એ પણ હાથ સાફ કર્યા બાદ નીચે ન ફેંકતા એમણે ખિસ્સામાં નાખી દીધું હતું.

કોઇપણ સારું કામ કરીએ એટલે એની અદેખાઈ કરનારાઓની સંખ્યા હોય જ અને નરેન્દ્ર મોદીને તો અદેખાઓ જથ્થાબંધ ભાવે મળ્યા છે. આવા અદેખાઓ વિદેશી રાષ્ટ્રાધ્યક્ષની સ્વચ્છતાના વિડીયોની તો વાહવાહ કરશે પરંતુ એમણે મોદીએ ઉપર જે બે ઉદાહરણો આપ્યા એ બંને ઘટનાઓ પ્રીપ્લાન્ડ અથવાતો ફિક્સ્ડ હતી એવો નિર્ણય આપવામાં પોતાની એક સેકન્ડ પણ બરબાદ ન કરી.

આવુંજ નરેન્દ્ર મોદીના ગઈકાલે આવેલા ફિટનેસ વિડીયો બાદ આવેલા રિએક્શન્સ પણ કહી રહ્યા છે. નરેન્દ્ર મોદીએ હાલમાં જ કર્ણાટકમાં મારીમચડીને મુખ્યમંત્રી બની ગયેલા એચ ડી કુમારાસ્વામીને ફિટનેસ ચેલેન્જ આપી તો એમણે પોતે કેટલા ડાહ્યા છે એ દર્શાવવા કહી દીધું કે, મને કર્ણાટકની ફિટનેસ અંગે વધુ ચિંતા છે તો આશા છે કે આપ (વડાપ્રધાન) તેમાં મને મદદ કરશો. આ એજ કુમારાસ્વામી છે જેમણે જાહેરમાં એકવાર નહીં પરંતુ બે વાર કહ્યું છે કે તેઓ કર્ણાટકની સાડાછ કરોડ જનતાના નહીં પરંતુ કોંગ્રેસના ઋણી છે જેમણે તેમને ફરીથી મુખ્યમંત્રી બનાવ્યા.

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પણ અપેક્ષા મુજબ નરેન્દ્ર મોદીના ફિટનેસ વિડીયોની મજાક ઉડાડી. જો કે રાહુલ ગાંધી ખુદ બે દિવસ પહેલા કોકાકોલાના માલિકને શિકંજી વેંચનાર અને મેકડોનાલ્ડ્સના માલિકને ઢાબાવાળા તરીકે જાહેર કરીને પોતે મજાકનું પાત્ર બની ગયા હતા એ અલગ વાત છે.

આ તો થયા રાજકીય મહાનુભાવો પરંતુ આપણે ત્યાં સોશિયલ મિડીયામાં અને તેની બહાર પણ એવા લોકો છે જેમને મોદી કહે એટલે એ કામ ન જ કરવું અથવાતો તેનાથી ઉલટું કરવું એમ કરવાની આદત છે. આ લોકોને પણ રાહુલ ગાંધીની જેમજ મોદીના વિડીયોમાં બધું ફન્ની લાગ્યું અને ઘણાને તો મોદીમાં અમુક ક્રિમિનલ્સની છબી પણ દેખાઈ ગઈ. ઘણાને મોદીએ આ વિડીયો શૂટ કરાવવા માટે જ કસરત કરી એવું પણ લાગ્યું. ઠીક છે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. પણ શું આ લોકોને ખુદની ફિટનેસ અંગે કોઈજ ચિંતા નહીં હોય? કે પછી હવે મોદીએ કીધું કે હમ ફીટ તો ઇન્ડિયા ફીટ એટલે આપણે વધુને વધુ ચરબીયુક્ત ખોરાક ખાવાનો અને અદોદળા થઈશું જેથી મોદીનો કટ્ટર વિરોધ થયો એમ ગર્વથી કહી શકાય એવું નક્કી કરીને બેઠા છે?

આ પ્રકારના કટ્ટર મોદીદ્વેષીઓને જોઇને ઘણીવાર એવો સવાલ પણ મનમાં આવે કે શું આ લોકો મોદી શૌચક્રિયા સંડાસમાં જ કરવી એવી સલાહ આપે છે તો શું તેઓ મોદીએ કીધું એટલે શૌચ દબાવીને બેસતા હશે કે શું? ખરેખર તો મોદીનો ફિટનેસ વિડીયો જોઇને ફરીથી એ સાબિત થઇ ગયું છે કે જીવનના છઠ્ઠા દાયકામાં પણ દિવસના અઢાર કલાક કામ કર્યા બાદ પણ તેઓ કેમ આટલા બધા ફીટ અને સદાય ફ્રેશ લાગતા હોય છે? કેમ તેમને સામાન્ય માનવીને માનસિક અને શારીરિક રીતે ગોટે ચડાવી દેતા જેટલેગની પણ અસર નથી થતી અને દરેક વિદેશયાત્રા પતાવીને તરતજ ઓફિસમાં કાર્ય શરુ કરી શકે છે.

સો વાતની એક વાત એટલી છે કે જો આપણા વિરોધી પાસેથી પણ કશું હકારાત્મક શીખવા મળતું હોય અને એ આપણા અંગત ફાયદા માટે હોય તો તેને સ્વીકારવામાં કોઈને પણ વાંધો હોવો જોઈએ નહીં.

eછાપું

તમને ગમશે: શીતલીએ YouTube ચેનલ બનાવી….(ભાગ – 2)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here