શું વિશ્વ યોગ દિવસે જે યોગ કરે એને જ યોગી કહેવાય કે પછી….

1
419
Photo Courtesy: india.com

વર્ષના સહુથી લાંબા દિવસે પ્રકૃતિ દ્વારા પણ મનોકુળ વાતાવરણ હોવાથી વિશ્વ યોગ દિવસ ઉજવાય છે. હકીકતમાં કીમ જોંગ અને ટ્રમ્પને જોડનાર સાચો યોગી છે કેમકે યુજ્યતે અનેન ઇતિ યોગમ… જે અઘરામાં અઘરી વસ્તુઓ જોડી શકતો હોય એને ભલે એકેય આસન ન આવડતું હોય એ બાબા રામદેવથી ઓછો ન જ કેહવાય.

Photo Courtesy: india.com

ધોળા ઝભ્ભા લેંઘા, ડ્રેસો, DMartમાંથી લાવેલી યોગ મેટો(મેટ્સ),પાણીના બાટલા, સ્પોર્ટ્સ શૂઝ બધો તામઝામ અત્યારથી જ રેડી છે. બસ 21મી એ વહેલા ઉઠી પેલ્લી લાઈનમાં બેસી ફોટા પડાવી લેવા છે અને પછી આખું વરસ Insta ને FBમાં યોગ કરીશું.

  • શું આડાઅવળા વળાંકોવાળા આસનો જ યોગ છે?
  • બાબા રામદેવની જેમ સિમેન્ટ ભેળવવાનું મીક્ષર ફરતું હોય એવું પેટ હલાવતા ફાવે એ જ યોગ કે’વાય?
  • ધમણની જેમ શ્વાસો લેવા છોડવા એ જ યોગ ને મોટાભાઈ?
  • કે પછી કોક ભક્તિ કેન્દ્રમાં જઈ ત્રાટક કરીએ એ?
  • ફલાણા બાપુની દરેક કથામાં જૈયે એ ભક્તિ યોગમાં ન આવે?
  • બોસ આ વરસે નોકરીમાં એકેય રજા નથી લીધી એ કર્મયોગ નથી??
  • આપણે મેરેજ બ્યુરોવાળા, યાર આત્માઓનું મિલન કરાવીએ સ્વર્ગમાં બનેલા જોડાં અહી જોડીએ તો અમે યોગી નથી?
  • પેલ્લી લાઈનમાં બેસાડવાના હજારો રૂપિયા લેનાર યોગી છે કે ચાર-પાંચ સેશનમાં થોડું શીખી ફી ગુપચાવનાર યોગી?

ચાલો કેટલીક વધારાની પ્રશ્નોત્તરી જોઈએ…

  • છેલ્લા 6 મહિનામાં ક્યારેય કોઇ પણ પ્રાણીનો જીવ લીધો? નાહકના?
  • આશ્રમમાં હેરાન કરનાર વાંદરાઓને પણ ગોળી મારી દેવાય એવું અહિંસાના પુજારી બોલેલા.
  • કોઈને શારિરીક પીડા આપી?
  • આપણું કામ બીજા જોડે કરાવ્યું? ટીવીનું રીમોટ કે પાણી સુદ્ધાં બીજા જોડે માંગ્યું?
  • કામવાળા કે કર્મચારી જોડે વધુ અર્થહીન કામ કરાવ્યું?
  • કોઇ પણ રીતે કોઇના મનને કોમેન્ટ કરી દુભવ્યું?
  • સાચું બોલીને નુકસાન સહન કર્યું હોય એવું યાદ છે?
  • નાની નાની વાત માં જુઠ્ઠું બોલો છો?
  • કોઈની મંજુરી વગર કોઈ ઉઠાંતરી કરી હોય એ યાદ ખરું? કોઈ પોસ્ટથી માંડી ને ચીજ સુધીપૂછ્યા વગર ???
  • માનસિક મૈથુન કે ચક્ષુ મૈથુન ક્યારે કર્યું? ફોનમાં કે કોમ્પ્યુટરમાં લોક કરી મુકવા પડે એવા ફોલ્ડરની મેમરી કેટલી? લપસણી લીંકો ખોલ્યા વગર ડીલીટ કરી છે?
  • કેટલીક માન્યતાઓ, વિચારો, ટેવો, ગમા-અણગમાને મનમાં કયારેય ભરી રાખ્યા ખરા?
  • પંચકર્મ જેવી ક્રિયાઓથી શરીરને ક્યારેય શુદ્ધ કર્યું?
  • કોઈવાર મનથી તમે હળવા થયા એવું અનુભવ્યું? મનને બોજો ન લાગ્યો હોય એવી ક્ષણો યાદ છે?
  • બોલવા-ચાલવામાં, ખાવામાં, સ્વાર્થ વગર ઘસાવામાં આપની સહનશક્તિ કેટલી?
  • હુંપણાનો ભાવ ન આવ્યો હોય ને કામ કરનારને તેની ક્રેડીટ સામે ચાલીને આપી હોય એવું યાદ છે?
  • અઠવાડિયે એક વાર કોઈને સાચો માર્ગ દેખાડ્યો હોય, સાચી સલાહ આપી હોય, અકળાયા વગર સલાહ આપી હોય અને SBIના કર્મચારી કે સરકારી જવાબ ન આપ્યા હોય એવા પ્રસંગો કેટલા?
  • જે કામ કરો છો એનાથી ઊંઘ આવી જાય છે? નોકરી પત્યા પછી દિલ ગાર્ડન ગાર્ડન થઇ જાય છે કે એક બોજ? સોમવારે ઘર યાદ આવે કે ઓફીસ?
  • નોટબંધી વખતે ટેન્શન હતું?
  • ઓફીસમાં ચીંધેલુ કામ પૂરું કરવામાં કે ફાઈલ ક્લીયર કરવાનો આપનો સ્ટ્રાઈક રેટ કેટલો? લોકોને ધક્કા ખવડાવો છો? ટેબલ નીચેની કમાણીની આશા ખરી?
  • ને બહેનો રસોઈમાં મીઠું ભુલાઈ ગયું હોય કે ચા માં ખાંડ એવા પ્રસંગ બને છે ખરા?
  • એકલા રહેવું ગમે?
  • ગમતી વસ્તુ,ખાવાનું,ટીવી પ્રોગ્રામ એક ઝાટકે મૂકી દીધાનું યાદ છે?

ખુલ્લા દિલે ઈન્ઝમામ ઉલ હક ની જેમ જવાબ આપજો. આ પેપરમાં 50% જવાબો પણ સાચા હોય તો આપ યોગી છો જ. લખનાર પોતે યોગી નથી કે હોવાનો થવાનો દાવો નથી. પણ હું માનવી માનવ થાઉં તો ઘણું એ ન્યાયે આ બેઝીક નીતિ નિયમ પાળીએ તો ક્યાંય આસનો કરીને કે ધમણો ફુલાવી વધારાનો ઓક્સીજન ચોરી કરવાની જરૂર નથી.

યુજ્યતે અનેન ઇતિ યોગમ…

જ્યાં જેવો વ્યક્તિ મળે એને જોડો. આંગળી ચીંધવી એ પણ યોગ જ છે. જરૂરીયાતવાળા દરેકને એની જરૂરીયાત સાથે જોડો. બેંકનું ફોર્મ ભરી લોન અપાવવાથી માંડી કોઈને ભોજન કરાવવા સુધી, એડમીશનથી માંડી નોકરી સુધી દરેક જોડાણમાં તમારી ભૂમિકા હોય એ યોગ છે. કોકનું ચોકઠું ન બેસતું હોય એને ગોઠવી દો તો બોસ નાતમાં તમારા જેવો મોટો યોગી કોઈ નથી.

અને એક બીજી વ્યાખ્યા… યોગ: કર્મશુ કૌશલ્યમ…સહુ થી વધુ પ્રેક્ટિકલ યોગીની વ્યાખ્યા…

આમાં સંજય રાવલસાહેબ નો કોઈ પણ વિડીઓ જોઈ લ્યો. બસ જે પણ કરો બેસ્ટ કરો. લાફો મારો તો કચક્ચાઈ ને મારો. દરેક કર્મમાં કુશળતાનો ઉપયોગ કરો, એના માટે વહીવટી કુશળતા કે બહુ મોટા બુદ્ધીચાતુર્યની જરૂર નથી. બસ સોપેલું કામ નિષ્ઠાથી કરો, રામસેતુની ખિસકોલી ની જેમ. એજ કર્મની કુશળતા

ચામાં ક્યારેય ખાંડ ભૂલાય નહીં, પગારથી વધુ કામ કરાય, વફાદારને સમયપાલન બસ યોગીની નિશાની છે. યોગ એ શરીર અને મનનું દમન કરવાનું સાધન નથી, પણ તેનું રૂપાંતર કરવાનુ છે.

એક લોકપ્રિય યોગ ગુરુ અને વિક્રમ યોગ/હોટયોગાના સ્થાપક શ્રી વિક્રમ ચૌધરી ઍ ઍજ પ્રમાણે પોતાની વેબસાઈટ પર યોગની વ્યાખ્યા કરતાં જણાવ્યું કે “યોગ ઍટલે વ્યક્તિગત આત્માનું પરમાત્મા માં મિલન.” અહમ બ્રહ્માસ્મિ-હું જ બ્રહ્મ છું એ વાક્ય મને તો થોડું શેખી વાળું લાગે છે. જ્યારે યોગીનું સ્ટેજ એ તત્વમસિનું સ્ટેજ છે. તું એજ છો જેને તું બહાર દુનિયા માં શોધે છે.જેની આગળ શીશ નમાવે છે જેને ગુરુથી માંડી પથરાઓમાં શોધે છે એ તત્વ તું જ છે. બસ આ ‘તું’ ને ઓળખ્યું કે એને જાણવાની શરૂઆત કરી એટલે યોગી બન્યા…પાણી લેવા જઈએ ત્યારે પાણી માંગીએ છીએ ન કે હાઈડ્રોજન અને ઓક્સીજનનું મિશ્રણ આપો એમ કહીયે છીએ. આત્મા પરમાત્માને એમ જ પાણીમાંના તત્વોની જેમ એક અવિભિન્ન એકાકાર માનીએ એટલે 21 જુન સફળ. આ સ્ટેજ કોના જીવનમાં ક્યારે આવે એ  તો નિયતિ જાણે. પણ એકવાર એક ચાન્સ તો બધાને મળે જ છે. બધુ ખંખેરી ત્યાં વળગી જવું એ યોગ.

આપ હિંદુ છો કે મુસ્લિમ કે શીખ-ઈસાઈ ઓમ બોલવો ના બોલવો એ યોગનો પાર્ટ નથી. આસનો કરવા, પ્રાણાયામો કરવા, ન કરવા તમારી મરજી. બસ ઉપરના સુત્રો વળગી રહો.

સરકારને વફાદાર રહી સરકારી યોજનાઓ નો વિરોધ કર્યા વગર છેવાડાના માનવીના વિકાસ માં જોડાઈ આ યોજનાઓ આમ આદમી સુધી પહોંચાડવી પણ યોગ જ છે. 

છેલ્લે બ્રહ્મચર્ય:

એ વાસના ને પહેરાવેલો એક ઝાળીવાળો બુરખો જ છે. સંસારિક મનુષ્ય કુદરતી આવેગોને વશ થઇ સંભોગ માણે તો એ ચોક્કસ સમાધી સુધી લઇ જાય. જેમ સર્કીટમાં વિવિધ તારના જોડાણોથી ચોક્કસ ઉર્જાનો પ્રવાહ વહે છે એમ સ્ત્રી પુરુષ ના 64 પ્રકારના મિલનથી ચોક્કસ ઉર્જાને વહેડાવનારી સરકીટો બને છે. નવસર્જનની આ કુદરતી ક્રિયાનું દમન કર્યા વગર કુદરતી આવેગે એને ભોગવી મનમાં બાકીના સમયે ભરી ન રાખવી એ પણ યોગ છે. આ ભોગવીને કે ભોગવતા ભોગવતા પણ યોગી થઇ શકાય. ચોઈસ ઈઝ યોર્સ.

હવે વિશ્વ યોગ દિવસની તૈયારી શરુ ને? ભારતે વિશ્વ ગુરુ બનવાનું છે. ચાલો શરૂઆત કરીશું ને???

eછાપું

તમને ગમશે: શિવસેના – ભોગવીને ત્યાગો

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here