વાત કોચમેન અલીડોસાની – કાળજા કે’રો કટકો જ્યારે બાપ થી દૂર જાય…

0
756
Photo Courtesy: YouTube

60 દેશો સ્પર્ધક હોય અને અમેરિકામાં પ્રકાશિત થતાં પુસ્તક Stories from many lands માં કોઈ ગુજરાતી લેખકની બાપ દીકરી પરના પ્રેમ પર આધારિત એકાદી વાર્તાને સ્થાન મળે તો? એ જ લેખકની એ જ વાર્તાને ઓક્સફર્ડ યુનિવર્સિટી સદી (Millennium) 2000ની દસ શ્રેષ્ઠ વાર્તાઓનું ‘ટેનટેલ’ નામે સંપાદન કરેલા લીસ્ટમાં સમાવવામાં આવે તો? એક ગુજરાતી તરીકે બે શેર લોહી ચઢે એવી વાત છે ને?

લેખકનું નામ ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ‘ધૂમકેતુ’ અને વાર્તાનું નામ છે – પોસ્ટઓફિસ!

Photo Courtesy: YouTube

સૌથી પહેલાં તો લેખકના શબ્દોને શક્ય હોય તેટલી હદે વળગીને કથાસાર જાણી લઈએ. (કર્ટસી: દિપક સોલિયા)  વાર્તા શરૂ થાય છે શિયાળાની ઠરઠરતી એક રાતથી. કહે નહીં છતાં કતલ કરી નાખે એવા મનુષ્યના મીઠા સ્વભાવ જેવી ટાઢ અને એવામાં એક ડોસો, એક બાપ પોતાના ફાટેલા ઝભ્ભાને શરીરે વધુ ને વધુ લપેટીને ઠંડીથી બચવા મથતો હતો. શહેરની મુખ્ય સડક પર પોતાની ડાંગના ટેકે ટેકે જતો ડોસો, છેવટે એક રોનકદાર મકાન પાસે પહોંચ્યો. ભાવિક મનુષ્ય દાતારનું શિખર જોઈ જેમ શ્રદ્ધાથી આનંદ પામે, તેમ વૃદ્ધ બાપ આ મકાનની લાકડાની કમાન જોઈ આનંદ પામ્યો. કમાન પર લખ્યું હતું: પોસ્ટઓફિસ.

ડોસો ઓફિસની બહાર બેઠો. અંદર બે-ચાર જણ કામ કરી રહ્યા હતા. કારકુન બોલી રહ્યો હતોઃ કમિશ્નર, સુપરિન્ટેન્ડન્ટ, દીવાનસાહેબ, લાઈબ્રેરિયન…અને ફટાફટ ટપાલો ફેંકાતી હતી. એવામાં અવાજ આવ્યોઃ ‘કોચમેન અલી ડોસા.’ ડોસામાં રહેલી એક બાપ ની દ્રષ્ટિએ શ્રદ્ધાથી આકાશમાં જોયું અને બારણા પર હાથ મૂક્યોઃ ‘કોચમેન અલી ડોસાનો કાગળ કીધો ના?…હું આવ્યો છું.’ જવાબમાં નિષ્ઠુર મજાકભરેલું હાસ્ય આવ્યું અને કારકુને પોસ્ટમાસ્તરને કહ્યું: ‘સાહેબ! આ એક ગાંડો ડોસો છે. એ હંમેશાં પોતાનો કાગળ લેવા રોજ સવારે પોસ્ટઓફિસે ધક્કો ખાય છે.’

આમ તો આ અલી એક જમાનામાં બંધાણી શિકારી હતો. ધૂળની સાથે ધૂળ જેવા બની જતા કાબરચીતરા તેતર પર અલીની દ્રષ્ટિ પડે કે તરત એના હાથમાં તેતર આવી જ પડ્યું હોય. એવો પાક્કો શિકારી! પણ ઢળતી ઉંમરે શિકારીના જીવનની દિશા બદલાઈ. એક બાપ તરીકે એણે એની એકની એક દીકરી મરિયમને એક ફોજી સાથે પરણાવી અને એ જમાઈ સાથે પંજાબ તરફ ગઈ. પણ પછી પાંચ-પાંચ વર્ષથી મરિયમના કોઈ સમાચાર નહોતા. હવે એક બાપ તરીકે અલીએ જાણ્યું કે સ્નેહ અને વિરહ શું છે. પહેલાં તો એ તેતરના બચ્ચાંને આકુળ-વ્યાકુળ દોડતાં જોઈ હસતો…શિકારનો રસ એની નસેનસમાં ઊતરી ગયો હતો; પરંતુ જે દિવસે મરિયમ સાસરે ગઈ તે દિવસથી એને જિંદગીમાં એકલતા લાગી, તે દહાડાથી અલી શિકારે ગયા બાદ શિકાર ભૂલી, સ્થિર દ્રષ્ટિથી અનાજનાં ભરચક્ક લીલાં ખેતર તરફ જોઈ રહેતો! એને જિંદગીમાં પહેલી વખત સમજાયું કે કુદરતમાં સ્નેહની સૃષ્ટિ અને વિરહનાં આંસુ છે! પછી તો એક દિવસ અલી એક ખાખરાના ઝાડ નીચે બેસીને હૈયાફાટ રોયો. ત્યાર પછી હંમેશાં સવારના ચાર વાગ્યે ઊઠીને એ પોસ્ટઓફિસે આવતો. મરિયમનો કાગળ એક દિવસ આવશે એવી શ્રદ્ધામાં ને આશાભર્યા ઉલ્લાસમાં તે હંમેશાં સૌથી પહેલો પોસ્ટઓફિસે આવીને બેસતો.

પોસ્ટઓફિસ – કદાચ જગતમાં સૌથી રસહીન મકાન – એનું ધર્મક્ષેત્ર, તીર્થસ્થાન બન્યું. પણ, પછી થયું એવું કે એક વખત મરિયમનો બાપ અલી બે-ત્રણ દિવસ સુધી આવ્યો નહિ. પોસ્ટઓફિસના સ્ટાફને કૌતુક થયું. પછી અલી આવ્યો, પણ તે દિવસે એ હાંફતો હતો, ને એના ચહેરા પર જીવનસંધ્યાનાં સ્પષ્ટ ચિહ્‍ન હતાં. એણે સીધું પોસ્ટમાસ્તરને પૂછ્યું: ‘માસ્તરસાહેબ, મારી મરિયમનો કાગળ છે?’ સાહેબ બહારગામ જવાની ઉતાવળમાં હતાઃ ‘અહીં તમારી મરિયમનું નામ નોંધી રાખ્યું છે?’ ‘નોંધી રાખોને, ભાઈ! વખત છે ને કાગળ આવે…’ ‘ગાંડો થયો છે શું? જા, જા, તારો કાગળ આવશે તો કોઈ ખાઈ નહીં જાય.’

સાહેબ ચાલ્યા ગયા. અલી ડોસો ધીમે પગલે પોસ્ટઓફિસમાંથી બહાર નીકળ્યો. નીકળતાં નીકળતાં એક વખત ફરી પોસ્ટઓફિસ તરફ જોઈ લીધું! આજે એની આંખમાં અનાથતાનાં આંસુની છાલક હતી; અશ્રદ્ધા ન હતી, પણ ધૈર્યનો અંત આવ્યો હતો. પાછળ આવી રહેલા એક કારકુનને રોકીને અલીએ પાંચ ગિની ધરીને પૂછ્યું: ‘આ ઉપર શું દેખાય છે?’ ‘આકાશ.’ ‘ઉપર અલ્લા છે તેની સાક્ષીમાં તમને આ પૈસા આપું છું. મારી મરિયમનો કાગળ આવે તો મારી કબર પર પહોંચાડજો.’

અલીની આંખમાં ઘેન હતું. પુત્રીના પત્રની રાહ જોઈજોઈને હવે અશક્ત બનેલા એક બાપ એટલેકે અલીએ આપેલું ત્રણ તોલા સોનું લઈને કારકુન ધીમેથી સરક્યો. ત્યારબાદ અલી દેખાયો નહીં. પછી, એક દિવસ પોસ્ટમાસ્તર જરાક ચિંતામાં હતા. એમની દીકરી દૂર દેશાવરમાં માંડી હતી, અને તેના સમાચારની રાહ જોતા એ શોકમાં બેઠા હતા. એટલામાં ટપાલનો થોકડો આવ્યો. રંગ પરથી પોતાનું ધારીને પોસ્ટમાસ્તરે એક કવર ઉપાડ્યું. તેના પર લખેલુંઃ ‘કોચમેન અલી ડોસા!’ એ મરિયમનો પત્ર હતો. પહેલાં તો પોસ્ટમાસ્તરે કવર તરત ફગાવી દીધું. પણ થોડી ક્ષણો બાદ માનવતા પ્રગટી. માસ્તરે કારકુનને પૂછ્યું: ‘આ કોચમેન અલી ડોસા…આજે હવે ક્યાં છે એ?’ કારકુને કહ્યું: ‘તપાસ કરશું.’ બીજી પરોઢે પાંચ વાગ્યે દરવાજે ટકોરો પડ્યો. બાપ નું હ્રદય બાપ ના હ્રદયને પિછાને તેમ પોસ્ટમાસ્તરે દોડીને બારણું ખોલ્યુંઃ ‘આવો, અલીભાઈ! આ તમારો કાગળ.’ પણ માસ્તરે જોયું કે ડોસાની આંખમાં મનુષ્યનું તેજ ન હતું! એટલામાં પોસ્ટમેને આવીને સમાચાર આપ્યા કે ડોસો તો ત્રણ મહિના પહેલાં ગુજરી ગયો.

પોસ્ટમાસ્તર દિગ્મૂઢ બની ગયા. એમણે ગઈ કાલે ફેંકેલો મરિયમનો કાગળ હજું ત્યાં જ નીચે પડ્યો હતો. પોસ્ટઓફિસનું કામ ચાલ્યું. દરેક કાગળમાં જાણે ધડકતું હ્રદય હોય એમ પોસ્ટમાસ્તર આજે એકીનજરે પત્રો તરફ જોઈ રહ્યા. કવર એટલે એક આનો, ને પોસ્ટકાર્ડ એટલે બે પૈસા એ દ્રષ્ટિ ચાલી ગઈ હતી. ઠેઠ આફ્રિકાથી, કોઈ વિધવાના એકના એક છોકરાનો કાગળ એટલે શું એ વાત પોસ્ટમાસ્તરને સમજાઈ. મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિથી જુએ તો અરધું જગત શાંત થઈ જાય….તે સાંજે કારકુન અને પોસ્ટમાસ્તર ધીમે પગલે કબ્રસ્તાન ગયા અને મરિયમનો કાગળ અલીની કબર પર મૂકી આવ્યા. પરોઢે અલીને જોયાના ભ્રમ વિશે માસ્તર હજુ ગૂંચવાયેલા હતા. માંદી દીકરીના હજુ સુધી કોઈ સમાચાર નહોતા. એ રાત્રે આશ્ચર્ય, શંકા અને પશ્ચાતાપના ત્રિવિધ તાપથી તપતા એક બાપ એટલેકે પોસ્ટમાસ્તર પોતાના દીવાનખંડમાં બેઠા, ને પાસે કોલસાની સગડીમાંથી મધુર તાપ આવવા લાગ્યો.

અહીં તો આ ટૂંકી વાર્તાને વધુ ટૂંકમાં કહી પણ મારી વિનંતી છે કે આખી વાર્તા વાંચજો. વાંચી હોય તો ફરી વાંચજો. ગૂગલ પર સર્ચ કરવાથી આખી વાર્તા મફતમાં વાંચવા મળી જશે.

વાર્તા ફક્ત કોચમેન અલી ડોસાની કે પોસ્ટમાસ્તરની નથી. વાર્તા છે બાપ ની, પિતાની, પપ્પાની! વિદેશમાં હોય કે આપણા દેશમાં, ગરીબ હોય કે શ્રીમંત – ગમે એવા મજબૂત દિલનો બાપ હોય, જેની મૂંછે લીંબુ લટકતાં હોય, કોઈ પણ કારણસર જેની આંખનો ખૂણો ભીનો ન થાય એવો મરદ પણ દીકરીની વિદાય કરે પછી ભાંગીને ભૂકો થઇ જાય છે. કોચમેન જબરો શિકારી હતો પણ એ બાપ પણ હતો અને  દીકરીનો વિરહ એને શિકાર છોડીને લીલાંછમ ખેતરો નિહાળવા મજબૂર કરી મૂકે છે. વળી પોસ્ટમાસ્તર પણ દીકરીના વિરહને સમજે છે ત્યારે એને અલી ડોસાનું દુઃખ અનુભવાય છે.

વાર્તા જૂની છે એટલે કાગળની વાત છે પણ આજે એક ફોન કે મેસેજ માટે એક બાપ રાહ જોઈને બેઠો હોય ત્યારે સંતાન (દીકરી હોય કે દીકરો)ની ફરજ છે કે પિતાને યાદ કરે. આપણા સાહિત્યમાં ‘મા’ વિશે ખૂબ લખાયું છે પણ પપ્પાને સમજવા આપણી ફૂટપટ્ટી હંમેશા ટૂંકી પડી છે. પિતાનું સ્થાન આપણા જીવનમાં મીઠા (નમક) જેવું છે. મીઠુ જો ભોજનમાં હોય, તો એની હાજરીની આપણે નોંધ નથી લેતાં પરંતુ મીઠુ ભોજનમાં ન હોય તો ગમે તેટલું સ્વાદિષ્ટ અને સુંદર ભોજન બનાવ્યું હોય તો એ ફીક્કું લાગે છે. લાગે છે નહીં, ખરેખર ફીક્કું બની જાય છે. પિતા તો શ્રીફળ જેવા હોય છે – બહારથી કડક અને અંદરથી ભીના ભીના. વાચકમિત્રો, આજનો લેખ વાંચીને જો તમે તમારા પિતાને એક વાર યાદ કરી લેશો તો લેખ લખવા પાછળની મારી ભાવના સફળ થઈ સમજજો.

વિશ્વના દરેક પિતાને Happy Fathers Day!

પડઘો

કાલિદાસના શાકુંતલમાં કન્યાવિદાયનું દ્રશ્ય કોઈની પણ આંખ ભીંજવે એવું છે. શકુંતલા કણ્વઋષિની પુત્રી નહોતી છતાં પણ શકુંતલા વિદાય થતાં ઋષિ ભાવભીના થઈ ગયા હતા, કારણ કે શકુંતલા તેમના આશ્રમમાં ઉછરેલી. એમને એમ થયું કે મને ઋષિને જો આટલું થાય છે તો – ‘સંસારી તણી શી દશા થતી હશે, પુત્રી જતાં સાસરે?’ પ્રેમાળ, વ્હાલી, ડાહી, ગભરું, પાલિત વનકન્યા શકુંતલાને વળાવતી વખતે કણ્વઋષિએ ઉચ્ચારેલ શબ્દો કેવા સચોટ અને હ્રદયસ્પર્શી છેઃ

જાશે આજે શકુન્તલા! હ્રદયને લાગ્યો અજંપો જ શો!
રોક્યા અશ્રુથી સાદ ગદ્‍ગદ્‍ થતો, ચિંતાથી ઝાંખુ સૂઝે,
આવી જો વનવાસીની વિકલતા સ્નેહથી મારી અહો!
તો સંસારી પીડાય સા પ્રથામ હા, પુત્રી વિયોગે દુઃખે.

હજી જવાની છે, ગઈ નથી. પણ જશે એ ખ્યાલથી જ અજંપો જાગ્યો છે. અહો સ્નેહને લીધે અરણ્યમાં રહેનારો, હું. ગૃહસંસારના અનુભવ વિનાનો, હું – તેની જો આવી વિકળતા છે તો સંસારિયોને પોતે જ જેને જન્મ આપ્યો હોય એવી પુત્રી વિયોગના દુઃખથી કેવીય વેદના થતી હશે?

eછાપું

તમને ગમશે: સબસીડી વગર નો ઘરેલુ ગેસ…હોજરીના પ્રેશર કુકરથી ડાયરેક્ટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here