રશિયામાં FIFA World Cup 2018 ની શરૂઆત થઇ ચુકી છે. આ લખાઈ રહ્યું છે ત્યારે દસ મેચો રમાઈ ગઈ છે અને એમાં સ્પેન, પોર્ટુગલ, આર્જેન્ટીના, જર્મની જેવા ધુરંધરો એક એક મેચ રમી ચુક્યા છે અને તમે જયારે આ વાંચી રહ્યા હશો ત્યારે બ્રાઝીલ પણ આ લીસ્ટમાં આવી ગયું હશે. અને આજના દિવસમાં બેલ્જીયમ અને ઇંગ્લેન્ડ પણ પોતાની પહેલી મેચ રમી લેવાના છે. આ બધી જ ટીમ અને મેચ વિશેની સંક્ષિપ્ત માહિતી રોજ ઈ છાપુના ફેસબુક પેઈજ પર તમને જાણવા મળશે જ, આજે ગીક જ્ઞાનમાં FIFA World Cup 2018 ના શરૂઆત ના આ ત્રણ-ચાર દિવસ વિષે નાનકડું વિશ્લેષણ અને એ પહેલા ગ્રુપ સ્ટેજની અત્યાર સુધીની સહુથી જોરદાર મેચ રમનાર બે ટીમ સ્પેઇન અને પોર્ટુગલ વિષે એક નાનકડી ફૂટબોલ સ્ટોરી.
હુલેન લોપેટેગી અથવા જયારે સ્પેને FIFA World Cup 2018 ના એક દિવસ પહેલાજ એના મેનેજર ને ફાયર કર્યો.
ચેમ્પિયંસ લીગ ની હેટ્રિક કર્યા પછી રીયાલ મેડ્રીડના મેનેજર ઝીનેદીન ઝીદાને ક્લબને અલવિદા કહી દીધી હતી. આ કેસ માં લગભગ ઊંઘતું ઝડપાયેલું રીયાલ મેડ્રીડ ક્લબ ના સ્ટેટસ અને એની ઈચ્છાઓને અનુરૂપ સ્ટાર મેનેજર શોધવા માટે અધીરું થઇ રહ્યું હતું. ઝીનેદીન ઝીદાન છેલ્લા દસ વર્ષમાં રીયાલ મેડ્રીડના છઠ્ઠા મેનેજર હતા અને છેલ્લા દસ મેનેજર માંથી પહેલા એવા મેનેજર હતા જેને ક્લબ છોડવા માટે ફરજ ન પડાઈ હોય. એવી હાલતમાં સારા મેનેજરોની અછત અને રીયાલ મેડ્રીડની નિષ્ફળ મેનેજરોને કાઢી મુકવાની નીતિને લીધે કોઈ સારો મેનેજર મળવો મુશ્કેલ હતો.
એવામાં આજથી છ દિવસ પહેલા જયારે રીયાલ મેડ્રિડે પોતાના નવા કોચ તરીકે હુલેન લોપેટેગી (Julen Lopetegui) ને નવા મેનેજર તરીકે જાહેર કર્યા ત્યારે લોકોને ઘણું આશ્ચર્ય થયું, જેના બે કારણ હતા. ૧. લોપેટેગી ક્લબ ફૂટબોલમાં એક નિષ્ફળ મેનેજર સાબિત થઇ ચુક્યા છે, અનલીમીટેડ બજેટ અને સારા ખેલાડીઓ હોવા છતાં પોર્ટુગીઝ ક્લબ પોર્ટો માં એની નિષ્ફળતા ચાર વર્ષ પછી પણ લોકોના મગજમાં તાજી છે. અને ૨. જયારે આ જાહેરાત થઇ ત્યારે તેઓ સ્પેનના મેનેજર હતા અને રશિયામાં FIFA World Cup 2018 ની તૈયારીઓમાં વ્યસ્ત હતા. અને આ જાહેરાત થી સ્પેનનું ફૂટબોલ ફેડેરેશન એવું ગુસ્સે થયું કે જાહેરાતનાં ચોવીસ કલાકમાં જ અને FIFA World Cup 2018 જેવી મહત્વની ટુર્નામેન્ટ નાં એક દિવસ પહેલાજ એને મેનેજર તરીકે ફાયર કરી ફર્નાન્ડો હિએરોને કામચલાઉ મેનેજર બનાવ્યા.
FIFA World Cup 2018 ના એક દિવસ પહેલા એના મેનેજરને ફાયર કરી સ્પેન પાગલ થઇ ગયું હતું? શા માટે આવી મહત્વની ટુર્નામેન્ટ જેમાં સ્પેઇન એક સબળ દાવેદાર છે શરુ થતા પહેલા ટીમને આવો ઝટકો આપવો પડ્યો? એની પાછળ કારણ છે મેનેજર લોપેટેગી અને રીયાલ મેડ્રીડ બંને.

એક તરફ જ્યારે માત્ર વીસ જ દિવસ પહેલા તમે તમારી કંપનીના બોસ પાસે થી નવું (અને તગડું) પ્રમોશન માંગ્યું હોય અને કંપનીના મહત્વનાં પ્રેઝેન્ટેશન પહેલા તમારો મિત્ર જેની પોતાની એક કંપની છે એ એવી જાહેરાત કરે છે કે તમે આ પ્રેઝેન્ટેશન પત્યા પછી તરતજ એની કંપની માટે કામ કરશો, આ સાંભળી તમારા (કે કોઈ પણ) બોસને એવું ન લાગે કે તમે તમારા બોસ ની પીઠ પાછળ દગો રમી ગયા? સ્પેનના ફૂટબોલ ફેડેરેશનને પાંચ દિવસ પહેલા રીયાલ મેડ્રીડની આ જાહેરાત થી આવી જ કૈક લાગણી થઇ. આ પહેલા પણ ઘણી મોટી ટીમોના મેનેજરોએ આવી જાહેરાતો કરી હતી. નેધરલેન્ડ્સ જયારે 2014ના વર્લ્ડકપમાં જઈ રહ્યું હતું એના થોડા દિવસો પહેલાજ એવી જાહેરાત થઇ હતી કે એના કોચ લુઇસ વાન ગાલ વર્લ્ડકપ પછી માન્ચેસ્ટર યુનાઈટેડ ને મેનેજ કરશે. એજ રીતે ઇટાલીના મેનેજર એન્ટોનિયો કોન્ટેની ચેલ્સીને મેનેજ કરશે એવી જાહેરાત 2016 ના યુરો કપ પહેલા થઇ ગઈ હતી. તો લોપેટેગી સામે શું વાંધો પડ્યો? એનો જવાબ છે નીચેની ઈમેજ, જે 2011ની છે જેમાં રીયાલ મેડ્રીડના મેનેજર હોસે મોઉરીન્યો (પાછળ ડાબી તરફ) બાર્સેલોનાના આસિસ્ટન્ટ કોચ ટીટો વિયાનોવાને (જમણે છેલ્લે) આંખમાં મારી રહ્યા છે. બાર્સેલોના અને રીયાલ મેડ્રીડ ની દુશ્મની ભારત-પાકિસ્તાન કરતા પણ સો ગણી મોટી અને જલદ છે.

સ્પેન પહેલેથી ઘણા સારા પ્લેયર્સનું ઘર રહ્યું છે. આ પ્લેયર્સ પોતાની ક્લબ તરફથી બહુ સરસ રમીને ક્લબને ચાર ચાંદ આપે છે, પણ આ જ પ્લેયર્સની સફળતા નો લાભ સ્પેઈનને ચાખવા નથી મળ્યો. કારણકે સ્પેન એક દેશ હોવાને બદલે ચાર-પાંચ સ્વાયત્ત રાજ્યોનું સંગઠન છે. કાસ્ટીલિયા (જ્યાં રાજધાની મેડ્રીડ છે), કેટેલોનિયા (જ્યાં બાર્સેલોના છે), બાસ્ક પ્રદેશ, વેલેન્સિયા જેવા રાજ્યો ને એકબીજા સાથે ખાસ બનતું નથી. અને આ અસર સ્પેનના ફૂટબોલ પર ઘણા સમય સુધી દેખાઈ. સ્પેનના ફેડેરેશનને આ પ્લેયર્સ ના મનમાંથી આંતરિક હરીફાઈની ભાવના કાઢી માત્ર સ્પેન માટે જ રમતા તૈયાર કરવામાં ઘણા વર્ષોનો સમય લાગ્યો, અને 2008માં સ્પેઈનને એના ખેલાડીઓની ટેલેન્ટનાં લીધે સફળતાનો સ્વાદ ચાખવા મળ્યો જયારે સ્પેન યુરો કપ જીત્યું હતું. એ પછી ઈંટરનેશનલ ફૂટબોલમાં સ્પેન એક મોટી ટીમ બનીને આવ્યું હતું. આ વર્ષોની મહેનત ની સામે પહેલી ચેલેન્જ બની સામે આવ્યા રીયાલ મેડ્રીડના મેનેજર હોસે મોઉરીન્યો, જે પોતાની ટીમ માટે એટલા પઝેસીવ છે કે એ ટીમ કે પોતાની નબળાઈઓ બચાવવા ગમે એવું ઝેર ઠાલવવા પણ તૈયાર થઇ જાય છે. અને 2011 થી 2013 ત્રણ વર્ષ એણે આ જ કરેલું. પણ ભલું થાજો મેડ્રીડ અને સ્પેનના કેપ્ટન ઇકર કાસીયાસ, બાર્સેલોનાના કર્લેસ પ્યુઓલ અને ઝાવી જેવા ઠરેલા અને એક બીજા ને સમજતા ખેલાડીઓ નું જેણે આવા ઝેરીલા વાતાવરણનો સતત સંપર્ક અને સમજણ થી યોગ્ય મુકાબલો કર્યો.
પણ આ ઝેર ની અસર 2014 ના વિશ્વકપમાં દેખાઈ રહી હતી, ડીફેન્ડીંગ ચેમ્પિયન સ્પેન ગ્રુપ સ્ટેજ માંથીજ બહાર ફેકાઈ ગયું હતું. યુરો કપમાં પણ રાઉન્ડ ઓફ 16માં ઇટલીના હાથે ફેકાઈ ગયેલ સ્પેનીશ ટીમને ફરી એકવાર FIFA World Cup 2018 માટે તૈયાર કરવાની જવાબદારી હુલેન લોપેટેગી ના હાથમાં સોપાઈ હતી, જે એમણે અત્યાર સુધી નિભાવી પણ ખરી. પણ આ રીતે પીઠ પાછળ દગો કરવો અને એવી ટીમ માટે કામ કરવું જેની પાસે ફરી એક વાર માંડ માંડ હાથ માં આવેલી સ્થિરતા ને ડગમગાવવા ની ક્ષમતા છે, એ સ્પેનનું ફેડેરેશન સહન ન જ કરીલે ચાહે ભલે વર્લ્ડકપ આવતો હોય કે બીજું કઈ હોય. સ્પેનીશ ફેડેરેશને યોગ્ય જ કર્યું છે, સાથે સાથે ફર્નાન્ડો હિએરો (જે સ્પેનીશ કોચિંગ ટીમમાં વર્ષોથી છે)ને કામચલાઉ મેનેજર બનાવી ફેડેરેશને એ પણ ધ્યાન રાખ્યું છે કે તૈયારીઓને કોઈ અસર ન થાય. અને એ પોર્ટુગલ સામેની મેચમાં દેખાઈ પણ આવ્યું.
અને આ પોર્ટુગલની ઈલેવન ના ચાર ખેલાડીઓ જેણે પણ હમણાં એક સારો નિર્ણય લીધો, જેની વાર્તા આની પછી ના સેક્શન માં
સ્પોર્ટીંગ ક્લબ પોર્ટુગલ અથવા જયારે એક કલબનાં ખેલાડીઓ એ એક સાથે આ ક્લબને છોડી દીધી.
સ્પોર્ટીંગ ક્લબ પોર્ટુગલ, જેની એકેડમી માંથી ક્રિસ્ટીયાનો રોનાલ્ડો, લુઇસ ફીગો જેવા સુપર સ્ટાર બહાર આવ્યા છે. અને આપણા કેપ્ટન સુનીલ છેત્રીએ પણ અમુક મેચ જેની B ટીમ સાથે રમી છે એ કલબની મુખ્ય ટીમના છ ખેલાડીઓએ ક્લબ છોડી દીધી છે, અને હજી બીજા ચાર ખેલાડીઓ છોડવાના છે એવી અફવાઓ સંભળાય છે. અને એનું કારણ છે ક્લબ પ્રેસિડેન્ટ બ્રુનો કાર્વાલ્હો.

આ સીઝન સ્પોર્ટીંગ માટે ઘણી નબળી રહી. સામાન્ય રીતે ટોપ 2 માં ગણાતી ક્લબ આ સિઝનમાં એક પણ ટ્રોફી જીતવામાં સફળ ના થઇ, અને લીગમાં ત્રીજા નંબરે આવી. સ્વાભાવિક છે કે ફેન્સ અને મેનેજમેન્ટ આવા નબળા પ્રદર્શનને શાંતિ થી ન લે. ગયા મહીને કપ ફાઈનલ પહેલા જયારે ટીમ પ્રેક્ટીસ કરી રહી હતી ત્યારે પ્રેક્ટીસ ગ્રાઉન્ડ પર 50-60 લોકોનું ટોળું આવ્યું અને ખેલાડીઓ પર હુમલા કરવા લાગ્યું. આ હુમલા માં સ્ટ્રાઈકર બાસ દોસ્ત ને ઈજા થઇ. આ ટોળું બ્રુનો કાર્વાલ્હો નું સમર્થક હતું. આ ઘટના થી ગુસ્સે થઇ ક્લબ કેપ્ટન રુઈ પેટ્રીશીઓ સહીત 6 ખેલાડીઓ એ ક્લબ છોડી દીધી અને હજી 4 ખેલાડીઓ ક્લબ છોડી દેવાના છે.
અત્યારે રશિયા ગયેલા પોર્ટુગીઝ ખેલાડીઓ માંથી ગોલકીપર રુઈ પેટ્રીશીઓ, મીડ ફિલ્ડર વિલિયમ કાર્વાલ્હો, બ્રુનો ફર્નાન્ડેઝ અને સ્ટ્રાઈકર ગેલ્સ્ન માર્ટીન્સ આ 6 ખેલાડીઓમાં સામેલ છે.
એ સિવાય FIFA World Cup 2018 ના કેટલાક તારણો
- FIFA World Cup 2018 ની શરૂઆતની મેચોમાં ઘણી ટીમોએ એક યા બીજા કારણોસર પોતાના મજબુત પ્લેયર્સને બહાર રાખ્યા હતા. આવું કરવામાં આર્જેન્ટીના, ફ્રાંસ, જર્મની, ઈજીપ્ત જેવી ટીમો પણ સામેલ હતી.
- રશિયામાં બોલ નું મેનેજમેન્ટ યોગ્ય નથી, શનિ-રવિ દરમ્યાન ઘણી વાર એવું થયું કે મેદાન માં બે બોલ હોવાને લીધે મેચ અટકાવવી પડી હતી.
- FIFA World Cup 2018 માં રોનાલ્ડો ની હેટ્રિક અને મેસ્સી ની પેનલ્ટી મિસ થઇ એ બંને ચર્ચાના વિષયો હતા. ઘણા લોકોએ આર્જેન્ટીનાના 1-1 ના ડ્રોને (યોગ્ય રીતે) આઈસલેન્ડ ની જીત ગણી હતી અને રોનાલ્ડોને ચાહનારા લોકો ગેલ માં આવી ગયા હતા, અને એ વખતે ઘણા લોકો એ ભૂલી જતા હતા કે આ એ જ આઈસલેન્ડ છે જે 2016 યુરો કપમાં જે ગ્રુપમાં પોર્ટુગલ ત્રીજા નંબરે હતું એ ગ્રુપના લીડર હતા.
- વર્લ્ડકપમાં નાના રાષ્ટ્રો હમેશા ડીફેન્સીવ જ રમતા હોય છે. જેથી તેઓ ગ્રુપના પરિણામમાં અપસેટ લાવી શકે. આ વખતે પણ નાના રાષ્ટ્રો ડીફેન્સીવ રમ્યા છે પણ એ લોકોની ડીફેન્સીવ રમત પણ જોવા લાયક બની છે. જે રીતે FIFA World Cup 2018 માં આઈસલેન્ડે આર્જેન્ટીનાને, ઓસ્ટ્રેલીયા એ ફ્રાન્સને અને સ્વીત્ઝર્લેન્ડએ બ્રાઝીલને કાબુમાં રાખ્યું એ સહેજેય નેગેટીવ ન હતું અને જોવા લાયક હતું.
- રશિયા 5-0 થી જીત્યું હતું, એના ગ્રુપમાં ઉરુગ્વે અને ઈજીપ્ત જેવા મજબુત હરીફો છે. રેકોર્ડ પ્રમાણે કોઈ ટીમ ગ્રુપ સ્ટેજમાં 5 ગોલના ડીફરન્સ થી જીતે તો એ આગલા રાઉન્ડમાં પાકે પાયે પહોચે જ છે.
FIFA World Cup 2018 હજી શરુ જ થયો છે, જે 15 જુલાઈ સુધી ચાલવાનો છે. અને ત્યાં સુધી ફેસબુક પર રોજ મેચ ગાઈડ અને દર સોમવારે આવી ફૂટબોલ ને લગતી મસ્ત વાતો સાથે આપણે મળતા રહીશું.
ત્યાં સુધી
ઇન્જોય FIFA World Cup 2018…..
eછાપું
તમને ગમશે: સ્વરા ભાસ્કર – લિબરલ માનસિકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ