આ રહ્યા અમિતાભ બચ્ચન દ્વારા ભજવાયેલા 5 સર્વશ્રેષ્ઠ ડબલ રોલ

0
721
Photo Courtesy: hamaraphotos.com

ફિલ્મોમાં ડબલ રોલ એ હવે કદાચ સામાન્ય ઘટના બનીને રહી ગઈ છે, પરંતુ જ્યારે અમિતાભ બચ્ચન પોતાની કારકિર્દીની ટોચ પર હતા ત્યારે એમ કરવું એટલું સરળ ન હતું. આ પાછળ મુખ્ય કારણ હતું આજની ટેક્નોલોજી સામે તે સમયના ટાંચા સાધનો. આમ છતાં અમિતાભ બચ્ચન જે સરળતાથી ડબલ રોલ ભજવતા એ કોઇપણને આશ્ચર્ય પમાડી શકે એમ હતું.

કદાચ ડબલ રોલ પર અમિતાભ બચ્ચન દ્વારા ધારણ કરવામાં આવતા કાબૂને લીધે જ તેમના માટે ખાસ ડબલ ભૂમિકાઓ લખવામાં આવતી જેમાં બાપ-દીકરાની ભૂમિકા તેમણે ઘણી ફિલ્મોમાં કરી તે ઉપરાંત બે પાત્રો વચ્ચે લોહીના સંબંધો ન હોય પરંતુ ચહેરાઓ મળતા આવતા હોય એવી પણ અસંખ્ય ફિલ્મો અમિતાભ બચ્ચને પોતાની કરિયર દરમ્યાન કરી. જો ડબલ રોલ ભજવવામાં અમિતાભનો કોઈ જવાબ ન હતો તો મહાન જેવી ફિલ્મમાં તેમણે ટ્રીપલ રોલ કરીને લોકોને અચંબામાં નાખી દીધા હતા.

પરંતુ આજે આપણે અમિતાભ બચ્ચન દ્વારા એમની કરિયરમાં ભજવવામાં આવેલી પાંચ સર્વશ્રેષ્ઠ ડબલ રોલ ભૂમિકાઓ પર જ ધ્યાન આપવાનું છે. આ પાંચેય ફિલ્મો આ લખનારની દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે અને વાચકોને તેમના મતથી ભિન્ન મત ધરાવવાના અધિકારનું તેઓ બિલકુલ સન્માન કરે છે.

બેમિસાલ

Photo Courtesy: YouTube

અમિતાભ બચ્ચન દ્વારા ભજવવામાં આવેલા તમામ ડબલ રોલમાંથી કદાચ આ જ એક એવી ફિલ્મ છે જેમાં તેમની બીજી ભૂમિકા માત્ર રેફરન્સ માટે ઘડવામાં આવી હતી અને આખી ફિલ્મમાં અમિતાભ બચ્ચનનો આ બીજો રોલ બહુ તેમના અન્ય ડબલ રોલ કરતા સહુથી ઓછા સમય માટે પડદા પર જોવા મળ્યો હતો. સુધીર અને અધીરની ભૂમિકા આ ફિલ્મમાં અમિતાભે ભજવી હતી જે બંને ભાઈઓ હતા. ઓમ શિવપુરીને ત્યાં અનાથ તરીકે ઉછરેલા સુધીરના મોટા ભાઈ અધીર પર એક મહિલાએ છેડતીનો ખોટો આરોપ મુકતા અધીર પોતાની માનસિક સમતુલા ગુમાવી બેસે છે અને પછી સુધીર કેવી રીતે એ મહિલા સાથે બદલો લે છે તેવો અતિશય મહત્ત્વનો સબ પ્લોટ આ ફિલ્મમાં જોવા મળે છે.

બડે મિયાં છોટે મિયાં

Photo Courtesy: indiatimes.in

આ એ સમય હતો જ્યારે અમિતાભ બચ્ચન ABCLમાં પોતાનું સઘળું ગુમાવી રહ્યા હતા અને આર્થિકરીતે ટકી રહેવા માટે આડેધડ ફિલ્મો સાઈન કરી રહ્યા હતા. આ એ સમય હતો જ્યારે ગોવિંદા અને ડેવિડ ધવનની જોડી ધૂમ મચાવી રહી હતી. આ અગાઉ અમિતાભ અને ગોવિંદા હમ ફિલ્મમાં સાથે દેખાઈ રહ્યા હતા પરંતુ જેમણે હમ અને બડે મિયાં છોટે મિયાં બંને ફિલ્મો જોઈ હશે તેમાં તેમને એક ફેર જરૂર દેખાઈ આવ્યો હશે. હમ માં અમિતાભ મુખ્ય રોલમાં હતા અને બડે મિયાં છોટે મિયાંમાં મહત્ત્વના બે રોલ્સમાંથી અમિતાભ બચ્ચન ભલે એક રોલ ભજવી રહ્યા હતા પરંતુ ડેવિડ ધવને જાણીજોઈને પોતાના ફેવરીટ (કે પછી એમના ફેવરીટની ઈચ્છાને માન આપીને?) ગોવિંદાનો રોલ અમિતાભ કરતા વધુ મજબૂત બનાવ્યો હતો. એ સમયે અમિતાભની હાલત ન કહેવાય કે ન સહેવાય જેવી હતી એટલે એમણે એ રોલ પણ કોઈ ફરિયાદ કર્યા વગર બખૂબી નિભાવી જાણ્યો હતો.

ડોન

Photo Courtesy: pikspost.com

આ ફિલ્મે કદાચ અમિતાભ બચ્ચનને ડબલ રોલ માટે યોગ્ય અદાકાર તરીકે સ્થાપિત કર્યા હતા. આ સમયે ડોન એક હીટ ફિલ્મ હતી પરંતુ તેને છેક આજના જમાનાએ અને ખાસકરીને શાહરૂખ ખાને બનાવેલી તેની નબળી રીમેઈક પછી કલ્ટ ફિલ્મનો દરજ્જો આપ્યો છે એ ભૂલવું ન જોઈએ. એક ગામડિયા વ્યક્તિ જેવા જ દેખાતા મૃત ડોન ની જગ્યાએ એ ગામડિયાને મોકલીને એ ડોનની ગેંગનો ખાત્મો પોલીસ કેવી રીતે બોલાવે છે તેની એ સમયે નવી લાગતી વાર્તા આ ફિલ્મમાં કરવામાં આવી હતી અને આમનેસામને એકવાર પણ ન આવ્યા છતાં અમિતાભે બંને ભૂમિકાઓ અલગ હોવાની છાપ જરૂર ઉભી કરી હતી.

સત્તે પે સત્તા

Photo Courtesy: catchnews.com

અમિતાભ બચ્ચન પોતાની કેરિયરને જ્યારે સોળેકળાએ ખીલેલી જોઈ રહ્યા હતા ત્યારે આ ફિલ્મ રિલીઝ થઇ હતી. સાત ભાઈઓના પ્રેમાળ ભાઈ રવિ અને તેમની પ્રેમકથાઓમાં ત્યારે ટ્વિસ્ટ આવે છે જ્યારે ભાઈઓની પ્રેમિકાઓની દોસ્તના કાકા રવિને રૂબરૂમાં મળે છે. આ કાકા પોતાની ભત્રીજીને મારવા રવિનું અપહરણ કરીને તેના જ હમશકલ ગુનેગાર બાબુને મોકલે છે. ફિલ્મમાં રવિ અને બાબુ વચ્ચે લોહીનો કોઈજ સંબંધ નથી દર્શાવવામાં આવ્યો પરંતુ રવિની સચ્ચાઈ અને ભોળપણ વિરુદ્ધ બાબુની નેગેટીવ ઈમેજ ઉપસાવવામાં અમિતાભ બચ્ચન સફળ રહ્યા હતા. બાબુની હાજરી જ્યારે પણ સ્ક્રીન પર હોય ત્યારે રાહુલ દેવ બર્મને ઉભા કરેલા એક ખાસ બેકગ્રાઉન્ડ મ્યુઝિકથી પણ બાબુ રવિથી અલગ છે અને ખતરનાક છે એ છાપ સફળતાપૂર્વક ઉપસી આવી હતી.

આખરી રાસ્તા

Photo Courtesy: hamaraphotos.com

આખરી રાસ્તા કદાચ અમિતાભ બચ્ચન દ્વારા ભજવવામાં આવેલી તમામ બેવડી ભૂમિકાઓમાં સહુથી શ્રેષ્ઠ કહી શકાય. જે બાપ પોતાની પત્નીનો બળાત્કાર કરનાર નેતા અને તેમને સાથ આપનાર ડોક્ટર અને પોલીસ ઓફિસરને મારવા માંગે છે એ જ બાપ ડેવિડનો પુત્ર વિજય એટલેકે અમિતાભ બચ્ચન એ ત્રણને બચાવવાની મહેનત કરે છે. આ ફિલ્મમાં ઘણીવાર બંને અમિતાભ એકબીજાની સામે આવે છે પરંતુ કબ્રસ્તાનવાળો સીન જેમાં બંને બાપ-દીકરો એકબીજા સાથે અંગ્રેજીમાં વિવાદ કરે છે એ અમિતાભ બચ્ચનની કરિયરના શ્રેષ્ઠ દ્રશ્યોમાંથી એકમાં સ્થાન જરૂર પામી શકે એવો ભજવાયો છે. એમાં પણ આ દ્રશ્યમાં જ્યારે વર્ષોથી પુત્ર વિરહ સહન કરતો પિતા પુત્રને પોતાની અસલીયતની જાણ કર્યા વગર માત્ર ઉંમરના ફર્કનો લાભ લઈને જાણીજોઈને જે રીતે “my son!” કહીને તેને સંબોધન કરે છે ત્યારે અમિતાભની અદાકારીની ‘હાઈટ’ આપણને ખ્યાલ આવી જાય છે.

eછાપું

તમને ગમશે: એક નૂર આદમી અને હજાર નૂર કપડાં

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here