ગાયકવાડ સમયની નેરોગેજ રેલવે ફરીથી જીવંત થવાથી ગુજરાત પ્રવાસનને ફાયદો?

0
755
Photo Courtesy: YouTube

ભારતીય રેલવે દ્વારા લેવામાં આવેલા એક મહત્ત્વના નિર્ણય અનુસાર વડોદરાના ગાયકવાડ શાસન સમયની પાંચ નેરોગેજ રેલવે લાઈનને હેરિટેજ તરીકે સાચવી રાખવામાં આવશે અને તેના દ્વારા સફર કરવા દેશ-વિદેશના પ્રવાસીઓને પ્રોત્સાહિત કરવામાં આવશે. આ પાંચેય રેલવે લાઈન કુલ કેટલું અંતર કાપે છે જો તે માપવામાં આવે તો તે આંકડો થાય છે 204 કિલોમીટર જેટલો લાંબો.

Photo Courtesy: YouTube

લગભગ ઓગણીસમી સદીથી કાર્યરત ગાયકવાડ બરોડા સ્ટેટ રેલવે (GBSR) નો ફેલાવો એક સમયમાં ઉત્તર ગુજરાતમાં મહેસાણા, દક્ષિણ ગુજરાતમાં બીલીમોરા અને સૌરાષ્ટ્રમાં અમરેલી-જૂનાગઢ સુધી થયો હતો. જો કે ડભોઇ-મીયાગામ (આજનું મીયાગામ-કરજણ સ્ટેશન) નો 33 કિલોમીટરનો પટ્ટો સહુથી પહેલા સ્થાપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ એ સમય હતો જ્યારે રેલવે કોચને બળદ દ્વારા ખેંચવામાં આવતો હતો અને આ રેલવે શરુ થયાના એક વર્ષ બાદ અહીં સ્ટીમ એન્જીન આવ્યા હતા.

GBSRના માલિક સ્વાભાવિક રીતે ગાયકવાડ રાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા હતા. તેમણે આપણે આગળ જાણ્યું તેમ સમગ્ર ગુજરાતમાં પોતાના રેલવે નેટવર્કને વિકસાવ્યું હતું. આમ પણ ગાયકવાડ શાસકો પોતાની દુરંદેશી માટે જાણીતા હતા. હવે ભારતીય રેલવે જે પાંચ ગાયકવાડ સમયની રેલવે લાઈનને હેરિટેજ તરીકે વિકસાવવા માંગે છે તેમાં ડભોઇ-મીયાગામ લાઈન ઉપરાંત મીયાગામ-માલસર લાઈન (38 કિલોમીટર), ચારોંડા-મોટી કરાલ લાઈન (19 કિલોમીટર), પ્રતાપ નગર- જંબુસર લાઈન (51 કિલોમીટર) અને બીલીમોરા-વાઘી લાઈન (63 કિલોમીટર) સામેલ છે.

જૂની ગાયકવાડ સમયની નેરોગેજ રેલવેને ફરીથી જીવંત કરવાનો ભારતીય રેલવેનો નિર્ણય બિલકુલ સરાહનીય છે પરંતુ માત્ર હેરિટેજ રેલવે શરુ કરવાથી કશું વળતું નથી એ પણ આપણે યાદ રાખવું જોઈએ. રાજસ્થાનની પેલેસ ઓન વ્હિલ્સ એટલે સફળ છે કારણકે એ જે જગ્યાએ જાય છે તે દરેક સ્થળે ઐતિહાસિક સ્થળોની ભરમાર છે. શું ઉપરોક્ત પાંચેય હેરિટેજ લાઈનની આસપાસ આવા કોઈ સ્થળો છે કે કેમ એ તો પહેલા નક્કી કરવું અત્યંત જરૂરી બની જશે, નહીં તો માત્ર નાનકડી ટ્રેનમાં સફર કરવા પુરતું જ આ સાહસ સીમિત થઇ જતા તેની સફળતા અંગે શંકા જરૂર થઇ શકે તેમ છે.

આ ઉપરાંત ડભોઇના ચાંદોદ સેક્શનમાં અત્યારે ગેજ બદલવાનું કાર્ય ચાલી રહ્યું છે કારણકે ગુજરાત સરકારના પ્રસ્તાવિત સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ઝડપથી પહોંચવા માટે આમ કરવું અત્યંત જરૂરી પણ છે. ડભોઇ અને ચાંદોદ રેલવે સ્ટેશન વચ્ચે નેરોગેજ ટ્રેન ગયા મહીને છેલ્લી વાર દોડી ચૂકી છે કારણકે હવે અહીં નેરોગેજમાંથી રેલવે લાઈનને બ્રોડગેજ કરવાનું કાર્ય શરુ થવાનું છે. તો આવા સંજોગોમાં ડભોઇ-મીયાગામ લાઈનને હેરિટેજ લાઈન બનાવવા માટે શું એ નેરોગેજને જાળવી રાખવામાં આવશે અને તેની બાજુમાં બ્રોડગેજ લાઈન નખાશે એ સવાલ હજીસુધી અનુત્તર રહ્યો છે.

જો કે ભારતીય રેલવેના ગાયકવાડ સમયની ટ્રેનને ફરીથી જીવંત કરવાના પ્રયાસની પ્રશંસા કરવી જ જોઈએ. જો તેનાથી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને ફાયદો થતો હોય અને તેના દ્વારા એ વિસ્તારોમાં રોજગારીની તકો વધતી હોય તો આ પગલું બિલકુલ આવકારદાયક કહી શકાય.

eછાપું

તમને ગમશે: મફતિયા પુસ્તક વિમોચન સમારંભમાં…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here