નિરવ મોદી અને વિજય માલ્યાને પાછા લાવવા શું કરવું જોઈએ?

0
355
Photo Courtesy: indianexpress.com

ભારતમાં કાંડ કરી કરીને આમ તો ઘણાય માલેતુજારો અન્ય દેશમાં રહેવા માટે ભાગી ગયા છે અને ભારત સરકાર દ્વારા એમને ભાગેડુ જાહેર પણ કરવામાં આવ્યા છે. હાલમાં નિરવ મોદી, મેહુલ ચોકસી અને વિજય માલ્યા એ ત્રણ બહુચર્ચિત નામો છે.

ચાલો એ લોકો ભાગી ગયા એ વાત તો હવે ઘણી ચવાઈ ગઈ છે. મુદ્દો એ છે કે હવે એમને પાછા કેવી રીતે લાવી શકાય અને પાછા લાવીને એમના પર મુકદ્દમો ચલાવીને યોગ્ય સજા કરવા માટે શું કરી શકાય? તો તમને પહેલા જણાવી દઉં કે આ બધી બાબતો INDIAN EXTRADITION ACT 1992 નામના અધિનિયમ અંતર્ગત કરવામાં આવે છે.

Photo Courtesy: indianexpress.com

UKની સરકારે કબુલ્યું છે કે આ ત્રણેય એમની ધરતી પર જ છે. એટલા માટે ભારતની ક્રાઈમ બ્રાંચ દ્વારા UKની ઇન્ટરપોલને અરજી કરવામાં આવી છે કે તે નિરવ મોદી અને મેહુલ ચોકસી સામે RED CORNER NOTICE જાહેર કરે અને વિજય માલ્યાના પ્રત્યર્પણ માટે મદદ કરે.

પહેલા તો આ રેડ કોર્નર નોટીસ શું છે તે જાણી લઈએ. રેડ કોર્નર નોટીસ એ એક દેશના ભાગેડુ જે બીજા દેશમાં છે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેનું ફરમાન આપતી નોટીસ છે. આવી બીજી ઘણી નોટીસ આવે છે જેમ કે YELLOW NOTICE, BLUE NOTICE, BLACK NOTICE, GREEN NOTICE, ORANGE NOTICE અને PURPLE NOTICE. આ દરેક નોટીસ જેતે દેશની ઇન્ટરપોલને અન્ય દેશના જે ભાગેડુઓ પોતાના દેશમાં છુપાયા હોય તેમની વિરુદ્ધ અમુક નિશ્ચિત પગલાં લેવા માટેની સત્તા આપે છે.

તો નિરવ મોદી વિરુદ્ધ જાહેર કરવામાં આવેલી આ રેડ કોર્નર નોટીસ કેટલી હદે ભારતને મદદરૂપ થશે એની વાત કરીએ તો જો આ UKની સરકાર આ નોટીસને કાયદાકીય માન્યતા આપે તો નિરવ મોદી અને મેહુલ ચોકસીને ભારતીય પાસપોર્ટ પર UKમાંથી બીજા દેશમાં જવાની પરવાનગી મળશે નહી. જો તેઓ આમ કરશે તો ભારતીય ક્રાઈમ બ્રાંચને એલર્ટ આપવામાં આવશે.

પરંતુ રેડ કોર્નર નોટીસથી એને ત્યાં સુધી ભારત પાછો લાવી શકાય નહિ જ્યાં સુધી યુકેની સરકાર નિરવ મોદી અને મેહુલ ચોકસીને પ્રત્યર્પણ માટે ફરજ ન પાડે.

હવે એવો સવાલ થાય કે પ્રત્યર્પણ એટલે કે EXTRADITION માટે ભારત અને યુકેના કરારમાં શું લખેલું છે? તો એમાં એવું નક્કી થયું છે કે જે તે ભાગેડુના વિરુદ્ધ પ્રત્યર્પણની નોટીસ હોય તેની વિરુદ્ધ ભારતની કોર્ટમાં તેનો કેસ ચાલતો હોવો જોઈએ અને એની ચાર્જશીટ તૈયાર હોવી જોઈએ. ઉપરાંત ભારતની કોર્ટ જે-તે ભાગેડુની કોર્ટમાં હાજરી ઈચ્છતી હોય ત્યારે યુકેની ગવર્મેન્ટ પોતાના કાયદા-કાનુન જળવાય તે રીતે પ્રત્યર્પણની કામગીરી કરશે તેવું થયેલી સંધીમાં લખેલું છે.

આ સંધી 1992માં સાઈન થઇ હતી અને 1993થી અમલી છે. આ સંધીના બીજા આર્ટીકલ મુજબ બંને દેશના કાયદા તોડવા બદલ પકડાયેલા ગુનેગારના પ્રત્યર્પણ પછી ગુનેગારને ઓછામાં ઓછી એક વર્ષની જેલ થઇ શકે છે.

શું માત્ર આ ત્રણ જ ભાગેડુ છે જે યુકેમાં છુપાયેલા છે?  તો જવાબ છે ના. આ ત્રણ ઉપરાંત ભારતે અન્ય આઠ ભાગેડુઓ માટે યુકેની સરકારને પ્રત્યર્પણ અરજીઓ મોકલાવી છે તેમાં ફોર્જરી કોભાંડના રાજેશ કપૂર અને રાજકુમાર પટેલ, આતંકવાદમાં સંડોવાયેલો ટાઈગર હનીફ, સેક્સ ક્રાઈમ માટે દોષિત અતુલ સિંહ, બેંક ફ્રોડ માટેના જતીન્દર કુમાર અન્ગુરાલા અને આશા રાની અન્ગુરાલા, ક્રિકેટમાં સટ્ટા માટે સંડોવાયેલા સંજીવ કુમાર ચાવલાનો સમાવેશ થાય છે.

અત્યાર સુધીમાં યુકે સરકારે 2016માં માત્ર એક જ ભાગેડુને ભારતને સોંપ્યો છે તેનું નામ છે સમીરભાઈ વિનુભાઈ પટેલ. ભારત હાલમાં 48 દેશો સાથે આવી સંધી ધરાવે છે. જેના લીધે સમીર પટેલ સિવાય અન્ય દેશોમાંથી માત્ર ચાર જ ભાગેડુઓને ભારત પાછું લાવી શક્યું છે. એટલે એનો સકસેસ રેશિયો ખાસો ઓછો છે.

હવે તમે કહેશો કે યુકેને ખબર છે કે આ બધા ભારતના મોસ્ટ વોન્ટેડ ગુનેગારો છે અને પોતાના દેશમાં જલસાથી રહે છે છતાં એ લોકોને સીધા જ ભારતને કેમ નથી સોંપી દેતા? તો એનું કારણ છે આ ગુનેગારોનું યુકેનું સ્થાયી નાગરિકત્વ. આવા કોભાંડ કરીને સેફગાર્ડ માટે મોટા મોટા માલેતુજારો, જે દેશોમાં હ્યુમન રાઈટ્સ એટલે કે માનવહકોનું વિશેષ મહત્વ હોય ત્યાં મસમોટા રોકાણો કરી ધંધો ચાલુ કરીને અમુક લીમીટ કરતા વધારે રોકાણ બતાવે છે અને ત્યાનું નાગરિકત્વ લઇ લે છે એટલે ભારત માટે તેઓ NRI થઇ જાય છે.

પછી જયારે કોભાંડ બહાર આવવાના અણસાર આવી જાય છે ત્યારે તેઓ વહેલી તકે પોતાની યુકે જેવા દેશમાં લીધેલી જગ્યા પર જતા રહે છે અને ત્યાં નોર્મલ જીવન જીવે છે. હવે એ લોકો ત્યાંના નાગરિક કહેવાય અને ત્યાંના નાગરિકને મળતા તમામ હકો તેમને મળે છે. એટલે એમની કાયદાકીય રીતે કોઈ કારણ વગર ધરપકડ નથી થઇ શકતી. જો યુકેની સરકાર આમ કરી પણ દે તો ત્યાંના નાગરિકો રસ્તા પર આવી જાય તેવું થાય અને વ્યવસ્થા ખોરવાઈ જવાનો ભય રહે. આથી સરકાર આવા તાત્કાલિક પગલાં લઇ શકતી નથી.

હવે ભારતના નાગરિક તરીકે આપણને સવાલ થાય જ કે શું ભારતમાં કોઈ દેશના ભાગેડુ નથી રહેતા? તો જવાબ છે હા, રહે છે અને એમાંથી ભારતે ઘણા બધા ભાગેડુઓને એમના દેશની સરકારને પાછા સોંપ્યા છે. ભારતીય વિદેશ મંત્રાલયની ઓફિસિયલ સાઈટ પર મુકેલા લીસ્ટ અનુસાર ભારતે ૫ જુન ૨૦૧૮ સુધી વિવિધ ગુનામાં સંડોવાયેલા અમેરિકા, કેનેડા,જર્મની, યુકે અને ઓસ્ટ્રેલીયા સહીતના 51 જેટલા ભાગેડુઓને પોતપોતાના દેશની સરકારને સોંપવામાં મદદ કરી છે.

આચમન :- રંગલો : “આપણે ત્યાં ભાગેડુઓને પકડવા માટે એક જ માણસ મદદ કરી શકે એમ છે”

            રંગલી : “એમ? એ કોણ?”

            રંગલો : “અક્ષય કુમાર”

            રંગલી : “કેવી રીતે?”

            રંગલો : “કેવી ડફોળ છે તું સાવ? બેબી પિક્ચર નહીં જોયું તે?”

eછાપું

 તમને ગમશે: બજેટ સમજવા પણ આપણી પાસે બજેટ હોવું જોઈએ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here