જમ્મુ અને કાશ્મીરમાં ભાજપ-PDP ના છૂટાછેડાથી કેમ બધા ખુશ છે?

0
728
Photo Courtesy: indianexpress.com

જેનો અંત ભલો એનું બધુંજ ભલું. શું આ વાક્ય જમ્મુ અને કાશ્મીરમાં અઢાર કલાક પહેલા તૂટી પડેલા ભાજપ અને PDP ગઠબંધનને લાગુ પડે છે? કદાચ હા. ગઈકાલે જ્યારે આ સમાચાર બ્રેક થયા ત્યારે જો સહુથી વધુ ખુશી કોઈને થઇ હોય તો તે ભાજપના કટ્ટર સમર્થકોને થઇ હતી. સામાન્યતઃ પોતાના ગમતીલા રાજકીય પક્ષની સરકાર કોઈ રાજ્યમાંથી જાય તો તેના કટ્ટર ટેકેદારને દુઃખ થાય,પરંતુ અહીં તો ઉલટી ગંગા વહી રહી હતી.

Photo Courtesy: indianexpress.com

આમ થવા પાછળનું કારણ અત્યંત સિમ્પલ છે. ભાજપના કટ્ટરતમ ટેકેદારને લગભગ બે-અઢી વર્ષ પહેલા ઉભા કરવામાં આવેલા આ ગઠબંધન પ્રત્યે ગુસ્સો હતો. જમ્મુ અને કાશ્મીરના અન્ય રાજકીય પક્ષો કરતા PDP નો રાજકીય ઢોળાવ પાકિસ્તાન પરસ્ત રહ્યો હોવાની હકીકત ભાજપના સમર્થકોને બરોબર ખૂંચતી હતી. જો કે PDP ની છૂપી પાકિસ્તાન પરસ્તી જગજાહેર હોવા છતાં બહુ નજીકના ભૂતકાળમાં કોંગ્રેસ પણ તેની સાથે શાસનમાં હિસ્સો ભોગવી ચૂકી છે. એ વાત અલગ છે કે જ્યારે ભાજપે PDP સાથે જોડાણ કર્યું ત્યારે કોંગ્રેસે પોતાનો એ ભવ્ય ભૂતકાળ ભૂલી જઈને તેની ટીકા જરૂર કરી હતી.

આ ગઠબંધન બન્યું ત્યારેજ એ અકુદરતી લાગતું હતું, પરંતુ જમ્મુ અને કાશ્મીર બંનેએ અડધોઅડધો જનાદેશ અમને આપ્યો છે તેવો હવાલો આપીને ઉત્તર અને દક્ષિણ ધ્રુવ જેવી વિચારધારા ધરાવતા ભાજપ અને PDP ભેગા થયા હતા અને આ સમયેજ આ કજોડું લાંબુ નહીં ટકે એની ખાતરી થઇ ચૂકી હતી. આ ગઠબંધન કરવા પાછળ અમિત શાહ અને નરેન્દ્ર મોદીની કદાચ એક જ ગણતરી હોઈ શકે કે તેઓ જો સીધેસીધું રાષ્ટ્રપતિ શાસન લગાવી દે તો એમના પર જમ્મુ કાશ્મીરના જનાદેશનો અનાદર કરવાનો આરોપ લાગત આથી તેઓ આજે કદાચ એમ કહી શકે કે તેઓએ લોકશાહી રીતે પ્રયાસો કરી જોયા પરંતુ નિષ્ફળ નીવડ્યા એટલે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી રહ્યા છે.

વળી, એ સમયનો જનાદેશ રાજ્યના ચારેય મુખ્ય રાજકીય પક્ષો વચ્ચે એટલી હદે વહેંચાઇ ગયો હતો કે આ ગઠબંધન સિવાય અન્ય કોઈ ગઠબંધન સરકાર બનાવે એ શક્ય ન હતું અને જો એમ ન થાત તો છ-બાર મહીને રાજ્યમાં ફરીથી ચૂંટણીઓ કરાવવી પડત અને એ સમયે ભાજપને આટલી બધી બેઠકો ફરીથી મળત કે કેમ એ શંકાસ્પદ હતું. પરંતુ, આ રાજકીય લાભાલાભની લડાઈમાં આ બે વર્ષમાં કાશ્મીરની હાલત વધુ ખરાબ થઇ છે એમાં શંકાને કોઈજ સ્થાન નથી.

ભાજપની છબી તોફાનીઓ અને આતંકવાદીઓ વિરુદ્ધ કડક હાથે કામ લેવાની છે. આપણે જોયું જ છે કે પથ્થરબાજો સામે પેલેટ ગન એક ધારદાર હથિયાર સાબિત થયું હતું જેનો વિરોધ મહેબુબા મુફ્તી સહીત PDPના નેતાઓ ખુલ્લેઆમ કરતા અને કોંગ્રેસ અને એના સમર્થકો પેલેટ ગનનો વપરાશ રોકવા છેક સુપ્રિમ કોર્ટ સુધી ગયા હતા અને છેવટે કેન્દ્ર સરકારે નમતું જોખવું પડ્યું હતું. પરંતુ આજે જો ભાજપ સરકારમાંથી બહાર નીકળ્યા બાદ એમ કહી રહી હોય કે PDP ને લીધે તેઓ તોફાનીઓ અને આતંકવાદીઓને કાબુમાં લાવવા અમુક કડક નિર્ણયો ન લઇ શક્યા તો તે જવાબદારીમાંથી છટકવા સિવાય બીજું કશુંજ નથી.

Photo Courtesy: indiatvnews.com

ભાજપના ઘણા નેતાઓ ગઈકાલે ઓન રેકોર્ડ કહી ચૂક્યા છે કે જમ્મુમાં તેમના વિધાનસભ્યો વિકાસના ઘણા બધા કાર્યો કરવા માંગતા હતા પરંતુ PDP ના અસહકારને લીધે તેઓ એમ ન કરી શક્યા. આ બહાનું છે એ આપણે બધા જ સમજીએ છીએ, કારણકે જો PDP ના જક્કી વલણને લીધે તમને ગુંગળામણ થતી હતો તો ટેકો પાછો ખેંચવામાં આટલી બધી વાર કેમ લાગી? ચાલો જે હોય તે, આજની હકીકત એ છે કે જમ્મુ અને કાશ્મીરમાં ભાજપ-PDP ગઠબંધન તૂટી ચૂક્યું છે અને આ લખાય છે ત્યારે રાષ્ટ્રપતિ શાસન તરફ નિશ્ચિત ડગલા માંડી રહ્યું છે.

હવે વાત કરીએ કેટલાક કોંગ્રેસી નેતાઓના એ આરોપ પર કે ભાજપ જવાબદારી નિભાવી ન શક્યું એટલે જમ્મુ અને કાશ્મીરમાંથી ભાગી ગયું. આ જ પ્રકારનો પ્રચાર કોંગ્રેસના ટેકેદારો સોશિયલ મીડિયા પર પણ ગઈકાલે સાંજથી કરી રહ્યા છે. વાત એમ છે કે કાં તો કોંગ્રેસ અને તેમના ટેકેદારોને એક હકીકત સમજાતી નથી અને કાં તો એ હકીકતને જાણીજોઈને સમજવા નથી માંગતા કે PDP ને ટેકો પાછો ખેંચી અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદીને ભાજપ ભાગી છૂટ્યું નથી પરંતુ કેન્દ્ર સરકાર ભાજપની હોવાથી હવે સમગ્ર જમ્મુ અને કાશ્મીર રાજ્ય પર માત્ર તેનો જ કાબુ રહેશે.

અહીં નોંધવા જેવી બીજી હકીકત એ છે કે સામાન્યરીતે જ્યારે આ પ્રકારનું ગઠબંધન તૂટે ત્યારે જે પક્ષને સહુથી વધારે નુકશાન થયું હોય તેના નેતા બીજા પક્ષની કડક ભાષામાં ટીકા કરતા હોય છે, પરંતુ ગઈકાલે જેમણે પણ મહેબૂબા મુફ્તીની પ્રેસ કોન્ફરન્સ જોઈ હશે એને એ જોઇને નવાઈ જરૂર લાગી હશે કે તેમની ભાષા પ્રમાણમાં ઘણી હળવી હતી. એમણે સમગ્ર પ્રેસ કોન્ફરન્સમાં મોટેભાગે આ ગઠબંધન કેમ બન્યું અને તેનાથી જમ્મુ અને કાશ્મીરના લોકોને શો ફાયદો થવાનો હતો તેની જ વાત કરી. આ સંકેત ઘણું કહી જાય છે.

હવે બોલ નરેન્દ્ર મોદીની કોર્ટમાં છે. ઓછામાં ઓછા છ મહિના તેઓ જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન રાખી શકે છે અને જો ઈચ્છે તો લોકસભામાં સાદી બહુમતીએ બીજા છ મહિના વધારી પણ શકે છે. વધુ લાંબુ ન વિચારતા હવેના છ મહિના તેઓ આર્મીને તોફાનીઓ અને આતંકવાદીઓ વિરુદ્ધ કેટલો છુટ્ટો દોર આપી શકે છે તેના પર લોકોની નજર છે. જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓનો સંપૂર્ણ સફાયો થાય તે માટે મોદી સરકાર કઠીનતમ પગલા લે છે કે કેમ એ જાણવા ગઈકાલની ઘટના બાદ સમગ્ર દેશ અદ્ધર શ્વાસે રાહ જોઈ રહ્યો છે એમ કહીએ તો જરાય ખોટું નથી.

એક વાત એટલીજ સ્પષ્ટ છે કે આતંકવાદ સામે જો કઠોર બનવાની કોઈ ભારતીય વડાપ્રધાન પાસેથી અપેક્ષા રાખી શકાય તો તે નરેન્દ્ર મોદી જ છે, અટલ બિહારી વાજપેયી પણ નહીં. ગયા વર્ષે સો થી પણ વધારે આતંકીઓના ઢીમ ઢાળી નાખવા જેવો ગર્વ લઇ શકાય તેવો રેકોર્ડ પણ મોદી સરકારનો જ છે, અને એ એવા સમયે બન્યું જ્યારે ભાજપના આરોપ મુજબ PDP એમને સરખી રીતે કામ કરવા દેતું ન હતું. એટલે હવે જો મોદી સરકાર જમ્મુ અને કાશ્મીરમાં કઠોર પગલાં નહીં લે તો દેશવાસીઓમાં જબરી નિરાશા વ્યાપ્ત થશે અને એનું ફળ એને 2019ની લોકસભા ચૂંટણીઓમાં ચાખવા મળી શકે તેમ છે.

હવે જ્યારે સમગ્ર રાજ્ય પર ખુદ નરેન્દ્ર મોદી અને રાજનાથ સિંઘનો કાબુ છે ત્યારે જમ્મુ અને કાશ્મીરને ભારતનો અભિન્ન હિસ્સો માનનાર કોઇપણ ભારતીય તેમની પાસેથી ચમત્કારની અપેક્ષા ન કરે તો જ નવાઈ.

eછાપું

તમને ગમશે: કેમ? પતિ પત્નીની જાહેરમાં મજાક ન ઉડાવી શકે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here