જો રાહુલ ગાંધી “યૂથ આઇકોન” છે, તો શું UN (યુનાઇટેડ નેશન્સ) એ તાત્કાલિક ધોરણે યૂથની વ્યાખ્યા બદલાવવી જોઈએ? – આજની આપણી ચર્ચાનો વિષય આ જ છે.
40 વર્ષથી ઉપરના કોઈ પણ વ્યક્તિને યૂથ આઇકોન તરીકે વારંવાર જાહેર કરવામાં આવે ત્યારે સૌથી પહેલાં મને રાહુલ ગાંધી યાદ આવે. 19 મી જૂન, 1970 ના પાવન દિવસે દિલ્હીમાં જન્મેલા, ઇન્દિરા ગાંધીના પૌત્ર, રાજીવ અને સોનિયા ગાંધીના પુત્ર એવા, રાહુલ ગાંધી એ હમણાં જ 48 વર્ષ પૂરા કર્યાં. મારી દ્રષ્ટિએ રાજનીતિ જેના લોહીમાં હોવી જોઈએ (અફસોસ.. ગલત જવાબ. આપ આલુ – સોના હાર ગયે) તેવા Indian National Congress ના પ્રેસિડેન્ટને યૂથ આઇકોન વારંવાર કહેવામાં આવે છે. આ પાછળની રાજનીતિ સમજવાની જગ્યાએ “યૂથ” કોને કહેવાય, તે સમજી શકીએ તો પણ ઘણું.

સામાન્ય જ્ઞાનની વાત કરીએ તો યૂથ એટલે અણસમજથી સમજદારી વચ્ચેનો એવો સમય, જેમાં અનુભવ અને સમજણ બંને મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત, યુવાનોમાં તાજગી, હિંમત, ધૈર્ય, કાંઈક કરી છૂટવાની લાગણી વિગેરે પણ આ જ ગાળામાં પાંગરે છે.
પણ જો UN (યુનાઇટેડ નેશન્સ) ની યૂથની વ્યાખ્યા લઈએ તો કોઈ પણ વ્યક્તિ, જે 15 થી 24 વર્ષીય છે, તે સર્વેનો સમાવેશ “યૂથ” માં થાય. હા, UN ના એક અલગ સ્ટેટેસ્ટિક્સ પ્રમાણે 18 થી 32 વર્ષીય માણસોને પણ યૂથ તરીકે સ્વીકારવામાં આવ્યા છે. (વધુ વિગત માટે વિકિપીડિયા વાંચી શકો છો). હવે આમાં રાહુલ ગાંધીને ક્યાં ફિટ કરવા તે પણ એક પ્રશ્ન છે. ક્યાં તો UN એ યૂથને આપેલી વ્યાખ્યા બદલીને 18 થી 50 વર્ષ કરવી જોઈએ અથવા રાહુલ ગાંધીએ ખરેખર ભારત દેશનું યૂથ પ્રેરાય, તેવી વાતો કરવી જોઈએ. હાસ્યાસ્પદ ભાષણો કરતાં ખરેખર કામ કરીને બતાવવું જોઈએ. પણ રાહુલ ગાંધી ને યૂથ આઇકોન તરીકે ઓળખાવામાં વધારે રસ હોય, તેવું લાગે. અને તેથી જ તેઓ એક રાજનૈતિક ફરજ બજાવતા તજજ્ઞ કરતાં એક ચોક્કસ સમાજ માટે ફરજ બજાવતા મોટિવેશનલ (?) સ્પીકર વધારે લાગે.
રાહુલ ગાંધી જેવી વ્યક્તિની દીર્ઘ દ્રષ્ટિમાં અને જીવનમાં “બટેટામાંથી થી સોનું મળે”, ” કોકાકોલા એટલે શિકંજી” , “McDonald’s ની શરૂઆત એટલે એટલે ઢાબા જેટલું રોકાણ”, ” કોઈ પણ ધર્મના ભગવાનના હાથમાં કોંગ્રેસનો પંજો”, “ATM માં રૂપિયા ઉપાડવા જાય ત્યારે ફાટેલો ઝભ્ભો”, અને આવા અનેક કિસ્સાઓ વણાયેલા છે, કે જેનાં વિડિયો યૂટ્યૂબ પર પણ હાજર છે, અને મતિ શક્તિ ત્યાં સુધી જ સીમિત છે, તેવી વ્યક્તિને યૂથ આઇકોન માનવા માટે એક વર્ગ તૈયાર પણ છે.
હવે સામાન્ય રીતે વિચારીએ તો ભારત દેશનાં વડા પ્રધાન બનવા માટે, એ પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરી શકાય, તે માટે કયા પ્રકારનાં ભાષણની જરૂર હોય? યૂથ કહેવાથી યૂથ બની જવાય? યૂથ આઇકોન, એ એક મોટી રિસ્પોન્સિબિલિટી છે. દેશનું યુવા ધન તેની પર આધારિત રહી શકે તેટલું સક્ષમ. પોતાનાં વિચારો, વ્યક્તિત્વ, કાર્યો, ભાષા અને આવા અનેક પાસા જ્યારે જીતી લેવામાં આવે, ત્યારે દેશના યૂથને ખરા અર્થમાં યુવાન નેતા મળી રહેશે. બાકી ગાંધી પરિવારમાં જન્મ લેવાથી જો રાજનીતિના પાઠ આવડી જાય તેવી આપણી ધારણા હોય તો તો તે તદ્દન ખોટી છે.
પ્રશ્ન એ છે કે “કૌટુંબિક ભૂતકાળ” ના ધોરણોને ધ્યાનમાં રાખીને ને એક વ્યક્તિને “યૂથ” તરીકે સ્વીકારવા કરતાં, “અનુભવ” અને “ફિટનેસ” ને જ યૂથ તરીકે સ્વીકારએ તો?
જ્યારે આપણે રાજનીતિના અનુભવની વાત કરીએ તો આપણા વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પોતે યોગ અને ધ્યાનમાં માને છે. તેનો સોશિયલ મીડિયા પર ભરપૂર પ્રચાર પણ કરે છે. ખરેખર “યૂથ” કેટેગરીમાં આવતા લોકોને તેઓ હેલ્થની સાથે ફિટનેસ પર પણ ધ્યાન આપવા પ્રેરે છે. આની પાછળ મને નથી લાગતું કે કોઈ રાજનીતિ છે. આપણા ઘરમાં પણ વડીલો આપણને ઘનની સાથે તન અને મનનું ધ્યાન રાખવા કહે છે. એટલે જ્યારે આપણા પ્રધાન મંત્રી આપણને યોગ સાધના કરવા સૂચન કરે છે ત્યારે તેમનામાં આજે પણ જાગૃત રહેલા યૂથને આપણે ઓળખી શકીએ છીએ.
UN ની પરિભાષા કોઈ પણ હોય, શારીરિક અને માનસિક રીતે સજ્જ વ્યક્તિ જ યૂથ આઇકોન ગણાય. બાકી વિકાસના પંથે ચાલનારા આપણા દેશનો વિકાસ રોકવા માટે રાજનીતિના દરેક પાસા વાપરનારા રાજકારણીઓથી સાવધાન રહેવું એ આપણી મૂળભૂત ફરજ છે.
જ્ઞાન પ્રાપ્તિ
21 મી જૂન, વિશ્વ યોગ દિવસની અમારા વાંચકોને શુભકામનાઓ. સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો. કોને ખબર, તમે ક્યારે કોના માટે “યૂથ આઇકોન” બની જાઓ….
અસ્તુ!!
eછાપું
તમને ગમશે: ભ્રષ્ટાચાર ગમે ત્યાં થઇ શકે છે; બિહારે પૂરું પાડ્યું અનોખું ઉદાહરણ