વરસાદ પડતો હોય ત્યારે ફટાફટ બનાવી શકાય તેવી ત્રણ રેસિપી

0
432
Photo Courtesy: Google

ભારતને ‘લેન્ડ ઓફ સ્પાઈસીસ’ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ સાથે સાથે આ એક એવી ‘લેન્ડ’ છે જ્યાં ચોમાસું એટલેકે વરસાદ એક મોટા તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. ભારતમાં ખેતીની વાવણી અને લણણી હજુ પણ સારા એવા અંશે મોસમી છે, પરિણામે ભારતમાં ચોમાસું વિવિધ રીતે આવકાર્ય છે. દર વર્ષે જૂન મહિનામાં અરબી સમુદ્ર પર વરસાદ લાવતા વાદળોનું આગમન એ ભારતમાં એક આતુરતાપૂર્વક જેની રાહ જોવાતી હોય એવી ઘટના છે. આથી જ આજે આપણે વાત કરીશું “મોન્સૂન ફૂડ રિચ્યુઅલ્સ”, એટલે કે વિવિધ જગ્યા એ વરસાદ ના માહોલને ઉજવાતી વખતે ધ્યાનમાં રાખવામાં આવતી મહત્વની વાનગીઓ અંગે.

આપણે સૌ જાણીએ છીએ કે, ભારતમાં તમામ બાબતો “વિવિધતામાં એકતા”ને સાચી પાડતી હોય એવી છે, તેવી જ રીતે “મોન્સૂન ફૂડ રિચ્યુઅલ્સ” પણ એક રાજ્ય થી બીજા રાજ્ય, અરે,એક શહેરથી બીજા શહેર પણ. આમ છતાં પણ, એક વસ્તુ “ફર્સ્ટ રેઇન ફૂડ રિચ્યુઅલ” અંગે સામાન્ય એ છે કે ભલે તેઓ  કોકોનટ રાઈસથી પકોડા થી વડાપાંઉ અને ચોપ્સ સુધી “ફર્સ્ટ રેઇન ફૂડ રિચ્યુઅલ” તરીકે ગમે તે ખાય, પરંતુ તે હંમેશા મસાલાથી ભરપૂર જ હોવાની. અહી મસાલેદાર ખોરાકનો અર્થ એવો નથી કે જેને ખાવાથી આંખ અને નાકમાંથી પાણીની ધારાઓ વહેવા લાગે, પરંતુ એનો અર્થ એ થાય કે ખોરાક સ્વાદિષ્ટ હોવો જોઈએ. ઉદાહરણ તરીકે, જો આપણે ગુજરાતની વાત કરીએ તો વરસાદ પડે એટલે મોન્સૂન ફૂડની બાબતમાં અહી કોઈ એક વાનગી નથી, બલકે અહી આખા રાજ્યનું ત્રણ મહત્વના ખોરાકમાં વિભાજન જોવા મળે છે: અમદાવાદી દાળવડા, કાઠીયાવાડી ભજિયાં અને સુરતી ટામેટાના સ્ટ્ફ્ડ ભજિયા (ટામેટા પકોડા).  આમ જોઈએ તો આ ત્રણેય વાનગીઓ આપણા, એટલે કે ગુજરાતીઓના હૃદયની ખૂબ જ નજીક હોય છે. કોઈપણ અમદાવાદીને અડધી રાતે ઊંઘમાંથી ઉઠાડીને કહોને કે વરસાદ પડે છે તો એ દોડતો જઈને અંબિકા કે ગુજરાતના દાળવડા લેવા લાઈનમાં ઉભો રહી જશે, અને પ્રાર્થના કરવા લાગશે કે ‘હે ભગવાન મારો વારો આવે ત્યારે ખલાસ ના થઇ જાય’.

ચોમાસામાં કેરાલામાં કોકોનટ રાઈસ બનાવવાનો રીવાજ હોય છે. પહેલા વરસાદ વખતે બનાવવામાં આવતો કોકોનટ રાઈસ એ એક અત્યંત સરળ વાનગી છે જેમાં ચોખાને અત્યંત નરમ એવું નારિયેળની મલાઈ માં પકવવામાં આવે છે જેથી કરીને નારિયેળનો સ્વાદ ધીરે ધીરે ચોખામાં પ્રસરે. જોડે એમાં ઘી, કાજુ, થોડું કેસર અને મીઠા લીમડા જેવા મસાલાનો ઉપયોગ સ્વાદ લાવવા માટે કરવામાં આવે છે.  આ વાનગીને ‘પાપડમ’ અથવા શેકેલા બટાટા સાથે પીરસવામાં આવે છે. વાંચીને ખૂબ જ સામાન્ય લાગતી આ વાનગી જો પ્રેમ અને લાગણી ભેળવીને બનાવવામાં આવે તો તેમાંથી નીકળતી સુગંધ તમારા નાક વડે તમને મેસેજ મોકલાવશે કે આટલી સરસ વાનગી કોઈ હોઈ જ ન શકે.

મહારાષ્ટ્ર પાસે વરસાદ ની બાબતે તેઓનું પોતાનું અલાયદું ફાસ્ટ ફૂડ છે. તેઓ ચાનાં ગરમ કપ સાથે ગરમાગરમ અને સ્વાદિષ્ટ વડાપાંઉ છે. આ વડાપાંઉ ગુજરાતમાં મળે છે એવા ઘી કે તેલમાં બરાબર શેકાયેલા નથી હોતા, પરંતુ બર્ગરની ભારતીય આવૃત્તિ જેવા હોય છે. તેઓ બ્રેડનાં બન વચ્ચે એક આલુવડા કે બટાટાના ભજિયાને મૂકીને પરંપરાગત લસણની કોરી, પાઉડર જેવી, ચટણી સાથે પીરસે છે. મહારાષ્ટ્રીયન માટે અન્ય એક વરસાદી ફાસ્ટ ફૂડ “કાંદા-ભજ્જી” છે. વરસાદી દિવસોમાં રોડસાઈડ ટપરી કે દુકાનમાં ગરમાગરમ ચા સાથે કાંદા ભજ્જી ખાવાની મજા જ કંઇક અલગ છે. ભારતના અન્ય ભાગોની સરખામણીએ આ ભજ્જી કે ભજીયા નું ખીરું અલગ રીતે બનાવવામાં આવે છે, જે આ વાનગીને વધારે આકર્ષક બનાવે છે, અને તે છે એક ચપટી ભરીને એલાયચી પાઉડર.

ગુજરાતની જેમ જ, ઉત્તર ભારત પણ પકોડા અને ચાનાં ગરમ કપ સાથે વરસાદ પડતો જોવાની મજા માણે છે. પરંતુ જો પૂર્વ તરફ જઈએ તો, કોલકાતામાં લોકો વેજીટેબલ ચોપ્સની મજા માણે છે. તે એક એપેટીઝર તરીકે સર્વ કરી શકાય એવી વાનગી છે કે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને તળેલી વસ્તુ છે. તે ખૂબ જ પરંપરાગત બંગાળી વસ્તુ છે, અને તે ડીપ ફ્રાઇડ હોઈ શકે છે, પરંતુ તે આરોગ્ય માટે સારી છે કેમકે તેમાં ઘણા શાકભાજી નાખવામાં આવેલા છે. એક વરસાદી સાંજે, બંગાળના લોકો માટે, મમરા સાથે વેજીટેબલ ચોપ્સ કરતાં વધુ સારું કશું જ નથી, મિષ્ટી દોઈ પણ નહિ.

તો ચાલો, આ વર્ષે ચોમાસાનું સ્વાગત આપના ઘરમાં બનતા પરંપરાગત દાળવડાથી આગળ નવી જ વાનગી બનાવીએ અને એક ભારતીય હોવાનો ગર્વ અનુભવીએ.

કાંદા ભજ્જી:

Photo Courtesy: Google

સામગ્રી:

1/2 કપ ચણાનો લોટ

2 ટેસ્પૂન ચોખાનો લોટ

1/8 ટીસ્પૂન ખાવાનો સોડા

1/8 ટીસ્પૂન અજમો

1/4 ટીસ્પૂન હળદર પાવડર

1 ચપટી ઈલાયચી પાઉડર

1/4 કપ ઝીણી સમારેલી કોથમીર

1 કપ ડુંગળી પાતળી સ્લાઈસ કરેલી

1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર

1/2 ટીસ્પૂન ધાણા પાઉડર

મીઠું સ્વાદ મુજબ

રીત:

  1. ડુંગળીને છાલ કાઢીને ખૂબ જ પાતળી સ્લાઈસમાં સમારો.
  2. એક વાટકીમાં ચણાનો લોટ લો અને તેમાં ચોખાનો લોટ ઉમેરો.
  3. તેમાં લાલ મરચાંનો પાવડર, હળદર પાવડર, ધાણા પાવડર, ઈલાયચી પાઉડર, ખાવાનો સોડા, અજમો ઉમેરો અને સારી રીતે ભેળવો.
  4. પાણી ઉમેરી, થોડું જાડું એવું ખીરું તૈયાર કરો.
  5. તેમાં સમારેલી કોથમીર અને સમારેલી ડુંગળી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
  6. 15 મિનીટ માટે મિશ્રણને મૂકી રાખો..
  7. એક કઢાઈ માં તળવા માટે તેલ ગરમ કરો.
  8. ગરમ તેલ માં ચમચીની મદદથી પકોડાનું ખીરું મૂકો.
  9. પકોડા બંને બાજુઓથી સોનેરી રંગના થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરો.
  10. ગરમાગરમ ચા સાથે, ગરમાગરમ પકોડા સર્વ કરો.

 

કોર્ન પકોડા:

Photo Courtesy: allindiarecipe.com

સામગ્રી:

1.5 કપ મકાઈ દાણા

1.5 કપ બેસન

2 થી 3 લીલી ડુંગળી અથવા 1 મધ્યમ કદની ડુંગળી, ઝીણી સમારેલી

1 લીલું મરચું, સમારેલું

½ ઇંચ આદુ, સમારેલું

¼ ટીસ્પૂન લાલ મરચું પાવડર

¼ ટીસ્પૂન હળદર પાવડર

¼ ટીસ્પૂન ગરમ મસાલા પાવડર

હિંગ એક ચપટી

મીઠું સ્વાદમુજબ

જરૂર પ્રમાણે પાણી

આ પકોડા પર છંટકાવ માટે જરૂરી ચાટ મસાલો

તળવા માટે તેલ

રીત:

  1. મકાઈના દાણાને બાફી લો.
  2. હવે એક બાઉલમાં તેલ સિવાયની બધી જ સામગ્રીને બાફેલા મકાઈના દાણા સાથે ભેળવી લો.
  3. પાણી ઉમેરીને પકોડાના ખીર જેવું મિશ્રણ તૈયાર કરો.
  4. એક કડાઈમાં તેલ ગરમ કરો.
  5. તેલ ગરમ થાય એટલે તેમાં ચમચીની મદદથી ખીરું નાખો.
  6. પકોડા સોનેરી અને કરકરા થાય ત્યાં સુધી તળો.
  7. તૈયાર થાય એટલે પેપર ટોવેલ પર કાઢી વધારાનું તેલ નીકળી જવા દો.
  8. હવે એક સર્વિંગ પ્લેટમાં લઇ, પકોડા પર ચાટ મસાલો ભભરાવી ચટણી કે ટોમેટો સોસ સાથે ગરમાગરમ સર્વ કરો.

નોંધઅહીં બેસનને બદલે દાળવડાની જેમ વાટેલી મગની દાળ પણ લઇ શકાય છે.

 

કોકોનટ રાઈસ:

Photo Courtesy: preciouscore.com

સામગ્રી:

લગભગ 2 કપ વાટેલું નાળિયેર

1 કપ ઓછામાં ઓછા 20 મિનિટ માટે પાણીમાં રાખેલા અને દાણો અલગ પડે એ રીતે રાંધેલા મધ્યમ દાણાદાર ચોખા.

2 ટીસ્પૂન અડદની દાળ

2 ટીસ્પૂન 10 મિનિટ માટે કેટલાક ગરમ પાણી માં રાખેલી ચણાની દાળ

3-4 સૂકા લાલ મરચાં (અથવા સ્વાદ મુજબ)

1 ટીસ્પૂન રાઈના દાણા

1/4 ટીસ્પૂન હિંગ પાવડર

1 ટીસ્પૂન ઘી

થોડા પાન મીઠો લીમડો

થોડા કાજુ

મીઠું સ્વાદ મુજબ

રીત:

  1. 1 tsp ઘી માં, રાઈના દાણાનો વઘાર કરો. દાણા તતડે એટલે તેમાં અડદની દાળ, ચણા દાળ, લાલ મરચું, કાજુ, મીઠો લીમડો અને હિંગ ઉમેરો.
  2. કાજુ શેકાઈ જાય અને દાળનો રંગ બદલાય એટલે એમાં વાટેલું નારિયેળ ઉમેરો અને 5-10 મિનીટ માટે હલાવો, જેથી કોપરું સરખું શેકાઈ જાય.
  3. હવે તેમાં ચોખા ઉમેરી બરાબર મિક્સ કરો, જેથી તેમાં મસાલો બરાબર ભળી જાય.
  4. પાપડ કે શેકેલા બટાકા સાથે ગરમાગરમ સર્વ કરો.

eછાપું

તમને ગમશે: પ્રિય ICC આપ કોમન સેન્સનો ઉપયોગ ક્યારથી શરુ કરવાના છો? જરા જણાવશો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here