ભારતીય ક્રિકેટરોની ફિટનેસ ચકાસતો Yo Yo Test વળી કઈ બલાનું નામ છે?

0
284
Photo Courtesy: indianexpress.com

આજકાલ Yo Yo Test ભારતીય મિડીયામાં ચર્ચામાં છે. બે દિવસથી ચર્ચા ચાલી રહી હતી કે ભારતીય ટીમના આધારભૂત બેટ્સમેન રોહિત શર્માએ Yo Yo Test પાસ નથી કર્યો પરંતુ તેમ છતાં આ રિપોર્ટ BCCI દબાવીને બેસી ગયું છે. જો કે ભારતીય મિડિયાની અમુક બાબતોને વધુ પડતી ચગાવવાની આદતથી આપણે અજાણ નથી જ અને એવું આ કિસ્સામાં પણ થયું. ગઈકાલે રોહિત શર્માએ Tweet કરીને સ્પષ્ટતા કરી હતી કે તે Yo Yo Test હજી આજે આપવા જઈ રહ્યો છે જેથી એના ફેઈલ જવાનો કોઈ પ્રશ્ન નથી આવતો. મોડી સાંજે ખબર પડી કે રોહિત શર્મા Yo Yo Test પાસ કરવામાં સફળ રહ્યો છે.

Photo Courtesy: indianexpress.com

આ Yo Yo Test છે શું?

ઘણાને પ્રશ્ન થાય કે ભાઈ આ Yo Yo Test વળી કઈ બલાનું નામ છે? પહેલા તો આ નામ ક્યારેય સાંભળ્યું ન હતું? અને આમ અચાનક આ ટેસ્ટનું મહત્ત્વ કેમ વધી ગયું હોય એવું લાગી રહ્યું છે? તો આ સવાલોના જવાબ એવા છે કે Yo Yo Test એ એક આંતરરાષ્ટ્રીય ફિટનેસ માનક છે જેને વિશ્વની લગભગ તમામ મોટી ક્રિકેટ ટીમોએ અપનાવ્યો છે. હવે આ Yo Yo Test કેવી રીતે અને કયા દેશમાં અસ્તિત્વમાં આવ્યો એની ચર્ચા આપણે અહીં ટાળીશું કારણકે તેની અત્યારે જરૂર નથી.

ભારતીય ટીમમાં Yo Yo Test કોણ લાવ્યું?

પરંતુ હા, ભારતીય ટીમમાં આ Yo Yo Test અનિલ કુંબલે લાવ્યા કારણકે તેમના માટે દરેક ખેલાડીની ફિટનેસ માટે કોઇપણ પ્રકારનો ભાવતાલ કરવો અશક્ય હતું. કુંબલેના આ સૂચનને તરતજ કેપ્ટન કોહલી અને સિનિયર મોસ્ટ ખેલાડી મહેન્દ્ર સિંઘ ધોનીનો સપોર્ટ મળ્યો. જેવો ભારતીય ખેલાડીઓ માટે Yo Yo Testને પાસ કરવો ફરજીયાત બન્યો કે તેનો પ્રથમ ભોગ બન્યો સુરેશ રૈના. ઉત્તર પ્રદેશ માટે રણજી ટ્રોફીની મેચ રમીને ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ રમવા બેંગ્લોર પહોંચી ગયેલા રૈના Yo Yo Testમાં નિષ્ફળતા મેળવી અને એને બે મેચ માટે બેસાડી દેવામાં આવ્યો એટલુંજ નહીં પરંતુ જો ત્રીજી વનડે પહેલા એ Yo Yo Testને પાસ નહીં કરે તો તેને આગળ પણ બેસી રહેવું પડશે એ શરત તો હતીજ. યુવરાજ સિંઘના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર પડી ગયેલા પડદા પાછળ પણ આ જ Yo Yo Test જવાબદાર છે.

આ Yo Yo Test કેવી રીતે લેવામાં આવે છે?

20 મીટરના અંતરે બે શંકુ આકારના કોન મુકવામાં આવે છે અને ખેલાડીએ આ બે કોનની આસપાસ દોડવાનું હોય છે. ફિટનેસ ટ્રેનરના હાથમાં રહેલા એક ગેજેટમાં જેવું પહેલું બીપ વાગે એટલે ખેલાડી દોડે છે અને બીજો બીપ વાગે એ પહેલા તેણે પેલો બીજો કોન ક્રોસ કરીને પરત આવવાનું હોય છે અને ત્રીજું બીપ વાગે તે પહેલા તેણે જે જગ્યાએથી પોતાની દોડ શરુ કરી હતી ત્યાં પહોંચી જવાનું હોય છે. આને એક ‘શટલ’ કહેવામાં આવે છે. હા, આ બંને શંકુઓ વચ્ચે પણ એક ખાસ અંતરે બીજો શંકુ મુકાય છે જે ખેલાડી માટે શ્વાસ પરત મેળવવાનું અંતર છે.

આ Yo Yo Testની બેઝિક માહિતી વાંચવામાં જેટલી સરળ લાગે છે એટલી કરવામાં સરળ નથી. કારણકે એક શટલને પાંચમા લેવલની સ્પીડ ગણવામાં આવે છે, ત્યારબાદ નવમા લેવલની સ્પીડમાં પણ એક શટલ હોય છે. અગિયારમા લેવલે બે શટલ હોય છે, બારમા લેવલે ત્રણ અને તેરમા લેવલે ચાર શટલ પ્લેયરે પસાર કરવાના હોય છે. ચૌદમાં લેવલથી ઉપર દરેક લેવલે ખેલાડીએ આઠ-આઠ શટલ કરવાના આવે છે. વિશ્વભરમાં Yo Yo Testનું ચોવીસમું લેવલ અત્યારસુધી સહુથી ઉંચું ગણાય છે જેની સહુથી નજીક અત્યારસુધી માત્ર ન્યુઝીલેન્ડના તમામ ખેલાડીઓ અત્યારસુધી પહોંચી શક્યા છે. દરેક શટલનું કુલ અંતર 40 મીટરનું હોય છે અને ખેલાડીએ પસાર કરેલા કુલ અંતરને દરેક સ્પીડ લેવલ સાથે ભાગાકાર કરીને ફાઈનલ પરિણામ જાહેર કરવામાં આવતું હોય છે. છે ને ક્ન્ફ્યુઝીંગ?

બે શટલ વચ્ચે શ્વાસ પરત મેળવવા માટે ખેલાડીને દસ સેકન્ડ્સનો ટાઈમ મળે છે અને કોઇપણ સમયે જો ખેલાડી બીપ વાગ્યા પહેલા નિશ્ચિત જગ્યાએ નથી પહોંચતો તો તેને પહેલી વોર્નિંગ મળે છે, આવી ત્રણ વોર્નિંગ મળે તો ખેલાડી Yo Yo Testમાં નિષ્ફળ ગયેલો જાહેર કરવામાં આવે છે. જ્યારે ખેલાડી દોડતો હોય ત્યારે પણ ટ્રેનર તેને સતત માહિતી આપતો રહેતો હોય છે કે તેને ઉતાવળ કરવાની જરૂર છે.

બીજું, જેમ જેમ લેવલ ઉપર જતું જાય તેમ તેમ દરેક શટલ પૂરું કરવાનો સમય ઘટતો જાય છે એટલેકે ખેલાડીએ સતત પોતાની દોડવાની ગતિ વધારતા રહેવું પડે છે. આનો સિમ્પલ મતલબ છે કે ખેલાડીએ પોતાનું પહેલું શટલ જ સોળમા લેવલે પૂર્ણ કરવું પડે જો તેણે છેક સુધી પોતાની ગતી બનાવી રાખવી હોય તો. આ માત્રાને કહેવાય 16:1 જે ભારતીય ક્રિકેટ ટીમે અપનાવેલું સ્ટાન્ડર્ડ છે. વેસ્ટ ઇન્ડીઝનું 19 અને ન્યુઝીલેન્ડનું આગળ જણાવ્યા અનુસાર 20:1. સહુથી નીચું સ્તર આપણે આસાનીથી કલ્પના કરી શકીએ કે તે પાકિસ્તાની ક્રિકેટ ટીમનું જ છે જે 17:4 છે. ભારતના મોટાભાગના ખેલાડીઓ જેમાં કેપ્ટન વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા સામેલ છે તેમણે 16:1નું સ્તર પ્રાપ્ત કર્યું છે. ભારતીય ટીમમાં મનિષ પાંડેએ સહુથી વધુ એટલેકે 19:1નું સ્તર મેળવ્યું છે. આશિષ નહેરાએ 39 વર્ષની ઉંમરે 18:4નું સ્તર લાવી બતાવ્યું હતું.

Yo Yo Test રમતી વખતે ઉપયોગી ખરો?

બિલકુલ, ભારતની નેશનલ ક્રિકેટ એકેડમીમાં ફીઝીયોથેરાપીસ્ટ તરીકેની ફરજ બજાવતા એન્ડ્રુ લેઇપસના જણાવ્યા અનુસાર સામાન્યતઃ જ્યારે ખેલાડી ફિલ્ડીંગ કરતો  હોય ત્યારે તે બોલ પાછળ દોડે, તેને પકડે અને થ્રો કરે અને પછી બોલર બીજો બોલ નાખે તે વચ્ચેના સમયગાળામાં તેને માત્ર વીસ સેકન્ડમાં પોતાનો શ્વાસ પરત મેળવવાનો હોય છે. આ માટે Yo Yo Test અત્યંત જરૂરી બની જાય છે. લેઇપસ ઉમેરે છે કે Yo Yo Test આપતી વખતે તમારી ફિટનેસ સાબિત જ નથી થતી પરંતુ તે ઈમ્પ્રુવ પણ થતી હોય છે.

તો આ હતી Yo Yo Test અંગેની પારાયણ. ભારતની ઇંગ્લેન્ડ ટૂર નજીક છે અને વોશિંગ્ટન સુંદર, અંબાતી રાયુડુ, સંજુ સેમસન અને મોહમ્મદ શમી જેવા ચાર-ચાર ખેલાડીઓ Yo Yo Test પાસ કરવામાં નિષ્ફળ જતા તેમનું સિલેક્શન ન થયું તેને લીધે Yo Yo Test ચર્ચામાં આવ્યો. જે રીતે Yo Yo Testનું સ્તર નક્કી કરવામાં આવ્યું છે તેનાથી ખ્યાલ આવી જાય છે કે ભારતીય ક્રિકેટ ટીમનું ફિલ્ડીંગનું સ્તર છેલ્લા અમુક વર્ષોથી કેમ વિશ્વસ્તરનું બની ગયું છે.

eછાપું

તમને ગમશે: Amazon Prime – ખોબો ભરીને દરિયા જેટલું મનોરંજન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here