કોંગ્રેસ અને તેના પ્રમુખ રાહુલ ગાંધી વારંવાર નરેન્દ્ર મોદી અને તેમની સરકારને ગરીબ વિરોધી, ખેડૂત વિરોધી અને દલિત વિરોધી ગણાવતા હોય છે. પરંતુ જમીન પર હકીકત કઈક જુદીજ હોવાનું જાણવા મળી રહ્યું છે. પુણેના દલિત ઉદ્યોગપતિ અને હાલમાં દલિત ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (DICCI)ના ચેરમેન એવા મિલિન્દ કાંબલેએ હાલની મોદી સરકારને પાછલી મનમોહન સિંઘ સરકાર કરતા હજારગણી સારી અને દલિતોના લાભ માટે વધુ સારું કાર્ય કરી રહી હોવાનું કહ્યું હતું.

ઉત્તર પ્રદેશના બલિયામાં એક સમારંભમાં ભાગ લેવા મિલિન્દ કાંબલે આવ્યા હતા અને અહીં તેમને પત્રકારોએ વિવિધ સવાલોના પૂછ્યા હતા જેનો જવાબ તેમણે આપ્યો હતો. મિલિન્દ કાંબલેનું કહેવું હતું કે નરેન્દ્ર મોદી સરકારની યોજનાઓ ઉભી કરવાની પદ્ધતિ અને તેના અમલીકરણથી માંડીને તમામ બાબતો અત્યંત અસરકારક રહી છે અને આ યોજનાઓ ઉભી કરવા પાછળ દલિત હિતને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ દેખાઈ આવે છે.
મિલિન્દ કાંબલેએ મુદ્રા યોજનાની ખાસ પ્રશંસા કરી હતી. તેમનું કહેવું હતું કે મુદ્રા યોજના એ અત્યારસુધીની સહુથી શ્રેષ્ઠ નાણાકીય સમાવેશી યોજના છે. મિલિન્દ કાંબલે એ આપેલા આંકડાઓ અનુસાર નરેન્દ્ર મોદી સરકારની ખાસ યોજનાઓમાંથી એક એવી માત્ર મુદ્રા યોજના દ્વારા જ પોણાત્રણ લાખ દલિત યુવાનોને ફાયદો થયો છે. કાંબલેએ સ્પષ્ટ કહ્યું હતું કે આપણા દેશમાં લગભગ 19 કરોડ શિક્ષિત બેરોજગારો છે જે SC/ST સમાજ સાથે સંબંધ ધરાવે છે. સરકાર આ તમામને રોજગાર આપી શકે એ બિલકુલ શક્ય નથી અને આથી જ હવે મોટી સંખ્યામાં દલિત યુવાનો અને યુવતીઓ પણ પોતાનો સ્વતંત્ર વ્યાપાર કરવા મુદ્રા યોજનાનો લાભ લેવા આકર્ષાયા છે.
મિલિન્દ કાંબલેએ એમ પણ જણાવ્યું હતું કે તેમની સંસ્થા DICCI પણ દલિત યુવાનો તેમજ યુવતીઓને મુદ્રા યોજનાનો લાભ કેવી રીતે લઇ શકાય તેનું માર્ગદર્શન તો આપે જ છે પરંતુ આ માટે તેમની મદદ પણ કરી રહી છે. દલિતો પર થતા અત્યાચારો ક્યારે અટકશે તે અંગે મિલિન્દ કાંબલેનું સ્પષ્ટ માનવું હતું કે જ્યારે આ સમાજનો બુદ્ધિજીવી વર્ગ આગળ આવશે ત્યારેજ આ સમસ્યાનો ઉકેલ આવશે.
આમ એક દલિત ઉદ્યોગપતિ અને એ પણ એક પ્રતિષ્ઠિત ઔદ્યોગિકના ચેરમેન દ્વારા નરેન્દ્ર મોદી સરકારની સામાજિક અને આર્થિક સમાવેશની પ્રવૃત્તિઓની કરવામાં આવેલી પ્રશંસાથી કોંગ્રેસ પ્રમુખના આગળ જણાવેલા દાવાઓની હવા નીકળી જાય છે. એવું પણ નથી કે મિલિન્દ કાંબલેનો માત્ર નરેન્દ્ર મોદી કે પછી ભાજપ સાથે કોઈ વિશિષ્ઠ સંબંધ છે. ગૂગલ પર મિલિન્દ કાંબલેના કોંગ્રેસી નેતાઓ જેમકે સોનિયા ગાંધી, પી ચિદમ્બરમ અને દિગ્વિજય સિંઘ સાથેની ભૂતકાલીન તસ્વીરો પણ જોઈ શકાય છે.
આમ, મિલિન્દ કાંબલેએ દલિત સમાજના ભલા માટે મોદી અગાઉની સરકાર કરતા વધુ સારું કાર્ય કરી રહ્યા હોવાનો પોતાનો તટસ્થ અભિપ્રાય આપ્યો છે.
eછાપું
તમને ગમશે: Priya Prakash Varrier ની સ્માઈલ કરશે દિલોની નફરત દૂર અને લાવશે અચ્છે દિન