રશિયામાં વર્લ્ડકપ અત્યારે સોળે કળાએ ખીલી રહ્યો છે. મેચ દર મેચ યજમાન રશિયા, ઇંગ્લેન્ડ, બેલ્જીયમ, પોર્ટુગલ અને ક્રોએશિયા પોતાના ફેન્સ અને ફૂટબોલ જોનારા તટસ્થ ચાહકોને એક મજા કરાવી રહ્યું છે જયારે પોતાના નબળા પ્રદર્શનના લીધે આર્જેન્ટીના ના ફેન્સને નીચાજોણું થઇ રહ્યું છે. જયારે માંડ માંડ જીતીને બ્રાઝીલના ફેન્સ પણ બ્રાઝીલની ટીમ પર સવાલો ઉઠાવી રહ્યા છે. ખેર, આ તો વર્લ્ડકપ છે અને આમાં આવી ઘણી ઘટનાનો થઇ છે અને થવાની છે જેના પર આપણને ગર્વ થાય અથવાતો શરમ આવે. પણ આજે વર્લ્ડકપમાં બનેલી એક એવી શરમજનક ઘટનાની વાત માંડવાની છે જેના પરિણામ સ્વરૂપ ફૂટબોલની ગેમ અને બધી મોટી ટુર્નામેન્ટનું ભવિષ્ય જ બદલાઈ ગયું. આ વાત છે એક એવી મેચની જે ઇતિહાસમાં ધ ડીસ્ગ્રેસ ઓફ ગીહોન(The disgrace of Gijón) તરીકે ઓળખાય છે.
આજ થી વર્લ્ડકપમાં ગ્રુપ સ્ટેજ નો અંતિમ રાઉન્ડ ચાલુ થવાનો છે. આજથી ચાર દિવસ સુધી રોજ બે બે ગ્રુપ એક સાથે બે મેચ રમશે. ઉદાહરણ તરીકે આવતીકાલે ગ્રુપ D માં નાઈજીરિયા – આર્જેન્ટીના અને ક્રોએશિયા – આઈસલેન્ડ બંને મેચ એક સાથે રમાશે. અને કાલે રાત્રે દોઢ વાગે નક્કી થશે કે આર્જેન્ટીના વર્લ્ડકપમાં આગળ રમશે કે ગ્રુપ સ્ટેજ માંથી જ ફેકાઈ જશે. FIFA ના નિયમ પ્રમાણે દરેક વર્લ્ડકપ (અને શક્ય હોય ત્યાં સુધી દરેક મોટી ટુર્નામેન્ટમાં)ગ્રુપ સ્ટેજની અંતિમ મેચ એક સાથે જ રમાડવી. અને આ નિયમ ના અસ્તિત્વ પાછળ કારણભૂત હશે આજથી બરાબર 36 વર્ષ પહેલા 25મી જુને રમાયેલી પશ્ચિમ જર્મની અને ઓસ્ટ્રિયા વચ્ચે રમાયેલી મેચ જે ફૂટબોલના ઇતિહાસમાં ડીસ્ગ્રેસ ઓફ ગીહોન તરીકે ઓળખવામાં આવે છે.

1982માં સ્પેનમાં યોજાયેલા વર્લ્ડકપમાં પહેલી વાર 24 ટીમોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. અને એમાં ચાર ટીમના છ ગ્રુપ પાડવામાં આવ્યા હતા. જેમાં ગ્રુપ 2 માં પશ્ચિમ જર્મની, ઓસ્ટ્રિયા, અલ્જીરિયા અને ચીલી હતા. અત્યારે જેમ વિજેતા ટીમ ને ત્રણ પોઈન્ટ અને ડ્રો થઇ હોય તો બંને ટીમ ને એક એક પોઈન્ટ મળે છે એવું એ વખતે નહોતું. ત્યારે વિજેતા ટીમને ત્રણને બદલે બે પોઈન્ટ અપાતા. અને આ ગ્રુપમાં એક મોટો અપસેટ સર્જતા અલ્જીરીયાએ પશ્ચિમ જર્મનીને પહેલી જ મેચમાં 2-1 થી હરાવ્યું હતું. એ પછી એ ઓસ્ટ્રિયા સામે 2-0 થી હારી ગયું હતું. પોતાની ગ્રુપ સ્ટેજ ની અંતિમ મેચમાં અલ્જીરિયા એ ચિલીને 3-2 થી હરાવ્યું હતું.
બીજા દિવસે જયારે પશ્ચિમ જર્મની અને ઓસ્ટ્રિયા ટકરાવાના હતા ત્યારે એક વાત ક્લીયર હતી. જર્મની ઓસ્ટ્રિયા સામે એક કે બે ગોલ થી જીતે તો જર્મની અને ઓસ્ટ્રિયા બંને ક્વોલીફાય થઇ આગળ વધે. જો જર્મની વધારે ગોલ થી જીતે તો ઓસ્ટ્રિયાનાં ભોગે અલ્જીરીયા આગળ વધે, અને જો મેચ ડ્રો જાય કે ઓસ્ટ્રિયા જીતે તો જર્મનીના ભોગે અલ્જીરીયા આગળ વધે. મતલબ જર્મની અને ઓસ્ટ્રિયા બંનેના હિતમાં એ હતું કે જર્મની એક ગોલ થી જીતી જાય અને બંને આગળ વધે.
અને 25 જુન 1982ના દિવસે ખરેખર એવુજ થયું. ખુબ ટેન્શન ભરી શરૂઆત પછી દસમી મીનીટે હોર્સ્ટ હ્રુબેષ્ક ની સ્ટ્રાઈકની મદદથી જર્મનીએ પહેલો ગોલ કર્યો. મેચની એ દસ મિનીટમાં જર્મની અને ઓસ્ટ્રિયા બંને એ પોતાનો જીવ રેડી દીધો. અને પછીની 80 મિનીટ જે થયું એ ફૂટબોલની સહુથી શરમજનક ક્ષણોમાંની એક હતી. જેની સરખામણીએ મેરેડોના નો કુખ્યાત ‘હેન્ડ ઓફ ગોડ’ કહેવાતો વિવાદાસ્પદ ગોલ અને ઝીદાનએ ફાઈનલમાં મારેલી ઢીંક બહુ સામાન્ય વાત કહેવાય.
દસમી મીનીટે ગોલ થયા પછી બાકીની પૂરી મેચ બંને ટીમોએ ટાઈમ પાસ કરે રાખ્યો. જે ટીમની પાસે બોલ આવે એ મોટે ભાગે પોતાના જ હાફમાં અંદરો અંદર પાસ કરવા માંડે, સામેની ટીમમાંથી કોઈ એ બોલને કાબુ કરવા પણ ન આવે અને ભૂલમાંથી કોઈ ખેલાડીએ બોલ ઝુંટવી લીધો હોય તો એ એવી રીતે સામેના ગોલ પર શોટ મારે કે જેથી બોલ સીધો સામેના ગોલકીપરના હાથમાં આવે અથવાતો મેદાનની બહાર જતો રહે. દસમી મિનીટના ગોલ પછી આખી મેચમાં એકજ સીરીયસ પ્રયાસ થયો જેમાં ગોલ પર શોટ મારવામાં આવ્યો હોય. એ સિવાયની મેચ ઉપર કહ્યું એમજ રમાઈ રહી હતી.
મેદાન પર ચાલી રહેલા નાટકથી લોકો ખરેખર ગુસ્સે થયા હતા. એક જર્મન કોમેન્ટેટરએ આ મેચમાં કોમેન્ટ્રી કરવાની ના પાડી દીધી હતી. જયારે એક ઓસ્ટ્રીયન કોમેન્ટેટરએ ખુલ્લેઆમ લોકોને ટીવી બંધ કરી દેવાની સુચના આપી અને આ મેચ જ્યાં રમાઈ હતી એ સ્પેનના ગીહોન શહેરમાં એક લોકલ અખબારે આ મેચનો રીપોર્ટ ક્રાઈમ સેક્શનમાં છાપ્યો હતો.
આ મેચનો અલ્જીરીયા એ બહુ વિરોધ કર્યો અને આ મેચની FIFAએ તપાસ પણ કરી. પણ આ મેચ પહેલેથી ફિક્સ હોવાના કે બંને ટીમોમાંથી કોઈએ એકબીજા સાથે મેચ પહેલા કોઈ સંપર્ક કર્યો હોવાના કોઈ પુરાવા ન મળ્યા, પણ એવું સાબિત જરૂર થયું કે આજ ગ્રુપની આની પહેલાની મેચનું પરિણામ પહેલેથી ખબર હોવાના લીધે બંને ટીમો પોતપોતાના હિતમાં આવું કર્યું હોવાનો ખુલાસો થયો, અને FIFAના કહેવા પ્રમાણે કોઈ નિયમનો ભંગ ન થયો હોવાને લીધે કોઈ પગલા પણ ન લેવામાં આવ્યા. આ પગલાની ચારે તરફથી ટીકા થઇ. રહી વાત પશ્ચિમ જર્મની અને ઓસ્ટ્રિયાની તો ઓસ્ટ્રિયા એના પછીના રાઉન્ડ માં જ ફેકાઈ ગયું જયારે પશ્ચિમ જર્મની ફાઈનલ સુધી પહોચ્યું અને ઇટલીના હાથે હારી ગયું. પરંતુ આ બધામાં અલ્જીરીયાને અન્યાય થયો.
આવું બીજી વાર ન થાય એટલામાટે FIFAએ એવો નિર્ણય લીધો કે બે વર્ષ પછી યોજાનારી યુરો કપ અને ત્યાર પછીની બધીજ મોટી ટુર્નામેન્ટમાં ગ્રુપ સ્ટેજમાં જે તે ગ્રુપની છેલ્લી બંને મેચ એકસાથે રમાડવી.
આજથી આ નિયમ પ્રમાણે ગ્રુપ સ્ટેજનો અંતિમ રાઉન્ડ છે અને રોજ બે બે ગ્રુપની અંતિમ મેચ રમાશે. આવતીકાલે જયારે ક્રોએશિયા – આઈસલેન્ડ અને આર્જેન્ટીના – નાઈજીરિયા ટકરાશે ત્યારે એ ટક્કર ખરેખર જોવા જેવી હશે. આર્જેન્ટીનાએ આગળ વધવું હશે તો નાઈજીરિયાને બે કરતા વધારે ગોલથી હરાવવું પડશે અને એવી આશા રાખવી પડશે કે ક્રોએશિયા આઈસલેન્ડને હરાવી જાય અથવાતો મેચ ડ્રો જાય. અફવાઓ તો એવી પણ સંભાળવા મળે છે કે આર્જેન્ટીનાને બારણે કાઢવા ક્રોએશિયા પોતાની રેગ્યુલર ટીમ ન પણ ઉતારે. આ પરફોર્મન્સ જોતા આર્જેન્ટીના એમપણ બહુ આગળ જાય એવું લાગતું નથી, પણ ક્રોએશિયા આવું કરશે તો આવું વર્તન ફૂટબોલ માટે એક પ્રશ્નાર્થ બની જશે. અપસેટ થવા, ફેવરીટ ટીમોનું નીકળી જવું અને કોઈએ ન ધાર્યું હોય એમ નાની ટીમોનું આગળ આવવું એજ ફૂટબોલના કલ્ચરનો ભાગ છે. અને આશા કરીએ કે વર્લ્ડકપમાં આગળ પણ આવુજ થાય. અને એટલેજ….
એન્જોય ધ કપ.
અને હા, આ લેખ અને ફેસબુક પર રોજે રોજ આવતી મેચ ગાઈડ વિષે તમારો અભિપ્રાય જરૂર આપશો, it will be nice to have a discussion.
eછાપું
તમને ગમશે: શા માટે આ વખત ના ઓસ્કાર્સ નોમીનેશન બીજા નોમીનેશન થી અલગ છે?