સ્વામીજી ની ગોળપાપડી – સહનાવવસ્તુનું શ્રેષ્ઠ ઉદાહરણ આપતી લઘુકથા

0
299
Photo Courtesy: windowtonews.com

ડિસેમ્બર 1979. અમરેલીનું નાગનાથ મંદિર. સ્વામી અધ્યાત્મ આનંદ યોગ શિબિર ચલાવી રહ્યા છે, હું યોગની એ શિબિરમાં જોડાયેલો. સવારે સાડાપાંચ. કડકડતી ઠંડી. સ્વામીજી એ કહ્યું “ભાઈઓ 5.35 કે તે પછી આવ્યા. આ બાવો એકલો હાથપગ ઉલાળતો બેઠેલો. ચાલો બોલો પ્રાર્થના  ‘ઓમ સહનાવવસ્તુ .. સહવીર્યમ કરવાવહે…”

જે કાંઈ કરીએ એ એક ટીમ તરીકે. શરીરના અંગો પણ એક બીજાને કહી પૂછી જ ચાલે છે .સહુ સઘળાં કામ સાથે મળીને કરીએ, જે છે તે સહુને સરખે ભાગે વહેંચીને ખાઈએ. એકલા નહીં. જો શરીરનું એક અંગ લોહી ભરી રાખે તો ત્યાં સોજો આવી જાય છે ને?”

સ્વામીજી એ આસનો શીખવવા શરૂ કર્યા.

“ઓ સાહેબ, હલાસન માટે ત્રિકોણ બનાવો, વચ્ચેથી કોઈ ફ્રેમ બનાવી ચિત્ર મૂકે એવું.

ભાઈ, સર્પાસનમાં સહેજ પાછળ ઝુકો. જો પીઠના બે કટકા થયા. તડ અવાજ આવ્યો. તો શું? નહીં તૂટી જાય સહેજ વધુ વાળવાથી.

તમે મિત્ર, પોતાને લેમ્પ પોસ્ટ કલ્પો. પાછળ હાથ એનું સ્ટેન્ડ છે, આગળ ડોકું એને અડીને લારીવાળાએ ફેંકી દીધેલું નારિયેળ છે. હં, એ સર્વાંગાસન. આકાશમાં લાત મારો જોઉં..”

સ્વામીજી દ્વારા અસ્ખલિત જોક ચાલુ જ હોય.આસનો શીખતાં પણ હસવું આવ્યા કરતું.

એક નાગર સન્નારી હાથમાં ચાની રકાબીમાં કૈક લઈ પ્રવેશ્યાં. “લો મહારાજ, આ પ્રસાદ’.

“માતાજી, બાવો લોકોને પ્રસાદ આપે. બાવાને કોઈ પ્રસાદ આપે એ આજે જ જોયું.” સ્વામીજી બોલ્યા.

વર્ગ માં ધીમું હાસ્ય ફરી વળ્યું.

Photo Courtesy: windowtonews.com

“સુખડી, ગરમ ગોળપાપડી છે. ખાસ આપને માટે જ.”

“આભાર. પણ હું એકલો નથી ખાતો. સહુને સરખે ભાગે વહેંચીને જ ખાઉં છું.”

“ફરી ક્યારેક આખા વર્ગ માટે જરૂર લાવીશ. આજે તો આપ જ આરોગો.”

“ના. હું બધાની સાથે વહેંચીને જ ખાઈશ.” સ્વામીજી મક્કમ રહ્યા.

“મેં લાગણીથી ખાસ આપને એટલે આપને માટે જ તો ગરમાગરમ બનાવી છે. આપ જ ખાઓ.”

થોડું વિચારી સ્વામીજી કહે “સારું. હાથ બગડે નહીં એટલે કાંઈ લાવીએ.”

સન્નારી નાગનાથ મંદિરમાં થી એક ચમચી લઇ આવ્યાં.

સ્વામીજી કહે “આપ દર્શન કરી આવો ત્યાં હું પૂરું કરી લઉં.”

બહેન દર્શન કરવા ગયાં.

એક ચા ની રકાબી એ પણ તેના પોણાભાગ જેટલો પાક અને સામે આખો વર્ગ. વૈકુંઠ નાનું ને ભગત ઝાઝા.

તુરત જ સ્વામીજી એ ચમચી રકાબી પર મારી, લીટા પાડી એક સરખા 7 ઉભા, 4 આડા લીટા કર્યા અને એક સરખા 28 ભાગે પાડ્યા. ન એક નાનો,ન એક મોટો. અમે 27 વિદ્યાર્થીઓ હતા.

ત્વરાથી, કહો કે વીજળી વેગે સ્વામીજી બધા વિદ્યાર્થીઓમાં ફરી વળ્યા. દરેકને એક ટુકડો ગરમ ગરમ ગોળપાપડીનો આપી પોતે ફરી સ્ટેજ પર પહોંચી ગયા.

દૂરથી બહેન આવતાં દેખાયાં એટલે સ્વામીજી એ છેલ્લો ટુકડો મો માં મૂકયો અને બહેન જુએ એમ ખાધો.

“વાહ શું સ્વાદિષ્ટ હતી તમારી ગોળ પાપડી! તમને તો બહુ સરસ બનાવતાં આવડે છે ને કાંઈ ? મઝા પડી સવાર સવારમાં ખાવાની.”  કહી રકાબી અને ચમચી એ બહેનને પરત આપ્યાં.

બહેન સંતોષથી વિદાય થયાં.

સ્વામીજી એ સુચક સ્મિત વર્ગને આપ્યું. અને..

“તો હવે જોઈશું આસન..”

ફરી વર્ગ ચાલુ. ફરી એ જોક સાથે શિક્ષણ..

સહનાવવસ્તુનો સાચો અર્થ અમારા મગજમાં કોતરાઈ ગયો હતો.

eછાપું

તમને ગમશે: Valentine’s Day Special: જ્યારે પ્રેમ રિજેક્ટ થાય ત્યારે પ્રેમનું ઇન્જેક્શન લ્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here