25 જૂન 1975ને દિવસે રામલીલા મેદાનમાં જયપ્રકાશ નારાયણ ની ઇન્દિરા ગાંધીની સરકાર વિરુદ્ધ યોજાયેલ વિશાળ સભામાં અસંખ્ય જનમેદની વચ્ચે ગાંધી ચીંધ્યા માર્ગે સરકારનો વિરોધ કરવાના સંકલ્પ લેવાતા હતાં જ્યારે ઇન્દિરા ગાંધી ભારતમાં પ્રથમ વખત આંતરિક વિક્ષેપનું (Internal Distrubnce ) કારણ આપીને રાષ્ટ્રીય કટોકટી લગાવવાની તૈયારી કરી રહ્યા હતાં અને અડધી રાત્રે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ફકરૂદિન અલી અહેમદએ કટોકટીના ડ્રાફ્ટ પર સહી કરીને મંજૂરી આપી ત્યારબાદ ભારતમાં છવાયો 19 મહિનાનો કટોકટીનો કાળો કેર.

1971માં જયારે રાયબરેલીથી ઇન્દિરા ગાંધી સામે ચૂંટણી લડી રહેલા રાજનારાયણની હાર થઈ ત્યારે અલ્હાબાદ હાઇકોર્ટમાં ઇન્દિરા ગાંધી વિરુદ્ધ ગેરકાયદેસર રીતે ચૂંટણીમાં મતદાન કરવાનો, સરકારી કર્મચારી તથા સત્તાનો દૂર ઉપયોગ કરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ઈન્દિરા ગાંધીની કોર્ટમાં આકરી પૂછપરછ કરવામાં આવી. 12 જૂન 1975ના દિવસે અલ્હાબાદ હાઇકોર્ટે લોકોને ચોકવાનારો ચુકાદો આપતાં ઇન્દિરા ગાંધીને દોષી જાહેર કરીને તેમના પર 6 વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો.
અલ્હાબાદ હાઇકોર્ટે આપેલ પોતાના વિરુદ્ધ ચુકાદાથી અને અગાઉથી ગોલકનાથ કેસ, કેશવાનંદ ભારતી જેવા કેસથી સરકાર અને હાઇકોર્ટ સામસામે આવી ગયાં હતાં. કટોકટીમાં પ્રથમ કારણ બન્યું ન્યાયતંત્ર અને બીજું કારણ બન્યા ભારતની આઝાદીમાં મહત્વની ભૂમિકા અદા કરનાર લોકનાયક જયપ્રકાશ નારાયણ કે જેઓને જેપી તરીકે પણ ઓળખવામાં આવતાં હતાં.
એક સમય હતો જ્યારે ઇન્દિરા ગાંધીને ‘મેરી ઈન્દિરા’ કહીને બોલાવતાં જેપીએ આજે તેમની વિરુદ્ધ મોરચો માંડીને બેઠા હતાં. ગુજરાતમાં વિદ્યાર્થીઓ દ્વારા યોજાયેલ નવનિર્માણ આંદોલનથી જયપ્રકાશ નારાયણ ફરીથી સક્રિય થયાં હતાં. ગુજરાતના નવનિર્માણ આંદોલન બાદ વિદ્યાર્થીઓ માટે બિહાર આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
જયપ્રકાશ નારાયણ સંપૂર્ણ ક્રાંતિ નામથી દેશમાં આંદોલન કરે છે અને નારો આપે છે, ‘સંપૂર્ણ ક્રાંતિ નારા હમારા હૈ, ભાવિ ઇતિહાસ હમારા હૈ’. સંપૂર્ણ ક્રાંતિના કારણો ફુગાવો, ગરીબી, બેરોજગારી મહત્વના મુદા હતાં જેનાં પર સરકાર કામ કરવામાં અસફળ રહી હતી. લોકો ફરીથી જેપી સાથે જોડતાં ગયાં અને ઇતિહાસ બનાવતાં ગયાં.
જયપ્રકાશ નારાયણ રામલીલા મેદાનમાં લાખો લોકોની હાજરીમાં ઇન્દિરા ગાંધીને સંબોધીને રામધારીસિંહ દિનકરની રચના ‘સિંહાસન ખાલી કરો, જનતા આતી હૈ’નું ઉગ્ર વાંચન કરે છે. પોલીસ અને સેનાના જવાનોને ઉદ્દેશીને કહે છે, ‘તમે તમારા આત્માને દુઃખ થાય એવું દેશ વિરુદ્ધ જો કાર્ય કરતાં હોય તો તમેએ કાર્ય સરકારની વિરુદ્ધ જઈને ના કરો’.
જેપીની સભા પૂર્ણ થાય છે ને ઇન્દિરા ગાંધીને પોતાનાં પર લાગેલો 6 વર્ષનો ચૂંટણીના લડવાનો પ્રતિબંધ અને જયપ્રકાશ નારાયણ ની સભામાં લોકોનો જુવાળ જોઈને કિચન કેબિનેટ તરીકે પુત્ર સંજય ગાંધીની મરજી અને પોતાના રાજકીય હિત ખાતર કેબિનેટને જાણ કર્યા વગર રાષ્ટ્રપતિ પાસે પોતાના દબાણથી દેશમાં રાજકીય કટોકટી જાહેર કરે છે.
દેશમાં કટોકટી લાગતાં જ વિરોધ પક્ષના નેતાઓની ધરપકડ કરવામાં આવે છે. સભા પૂર્ણ કરી દિલ્હીમાં રાત રોકાયેલ જેપીની અઢી વાગે ધરપકડ કરવામાં આવે છે. જયપ્રકાશ નારાયણ ની ધરપકડની પૂછપરછ કરવાં જતાં પુત્ર ચંદ્રશેખરની પણ ધરપકડ કરવામાં આવે છે. દિલ્હીના જે વિસ્તારમાં પ્રેસ આવેલ હતાં ત્યાં વીજળીનો પુરવઠો બંધ કરી દેવામાં આવે છે. પ્રેસ પર સેન્સશીપ લાગુ કરી દેવામાં આવે છે.
સવારે આઠ વાગે ઇન્દિરા ગાંધી જાણે કંઈ જ ના બન્યું હોય એ રીતે ઓલ ઇન્ડિયા રેડિયો પરથી વારાફરતી હિન્દી અને અંગ્રેજીમાં જાહેરાત કરે છે, ‘The President has proclaimed emergency. This nothing to panic about.’
કટોકટી વખતે મોટી સંખ્યામાં વિરોધી નેતાની ધરપકડ કરવામાં આવી. એક લાખ કરતાં વધુ લોકોની કોઈ પણ સૂચના વગર ધરપકડ કરવામાં આવી. બંધારણના મૂળભૂત અધિકારમાં આર્ટિકલ 20,21ને પણ દૂર કરવામાં આવ્યા. જેમાં લોકોનો જીવન જીવવાનો અધિકાર છીનવી લેવામાં આવ્યો હતો. ચીફ જસ્ટિસ તરીકે સિનિયર મોસ્ટ જજને બદલે ઇન્દિરા ગાંધીના માનીતા જજ એ. એન. રોય ની નિમણુંક કરવામાં આવી જેથી કટોકટીનો કોઈપણ કેસ ચલાવવામાં ન આવે. 42મા બંધારણીય સુધારામાં ઘણાં બધાં સુધારા કરવામાં આવ્યા જેથી તેને નાનું બંધારણ તરીકે ઓળખવામાં આવે છે.
સંજય ગાંધીના પાંચ સુત્રીય કાર્યક્રમ દ્વારા લોકો પર અમાનુની અત્યાર કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનો ઉદ્દેશ સારો હતો પણ તેમનું પાલન જે રીતે કરાવવામાં આવતું હતુંએ અમાનવીય હતું.
19 મહિના પછી 21 માર્ચ 1977માં કટોકટી સમાપ્ત કરવામાં આવી. જેલમાં રહેલાં નેતા અને લોકોને છોડી દેવામાં આવ્યા. ચૂંટણી યોજવામાં આવી અને કોંગ્રેસની હાર થઈ. જનતા પાર્ટીની જીત થઈ અને મોરારજી દેસાઈને વડાપ્રધાન નિયુક્ત કરવામાં આવ્યા. કટોકટીની તપાસ કરવાં માટે શાહ કમિશન નિમણુંક કરી. એમનાં રિપોર્ટમાં આંતરિક વિક્ષેપનું કોઈ મજબૂત કારણ મળ્યું નહીં અને આરોપીને સજા મળે ત્યાં સુધી જનતા પાર્ટીની સરકાર પડી ભાંગી પણ જનતા પાર્ટીએ કરેલ 1978માં 44માં બંધારણીય સુધારા દ્વારા કટોકટીના નિયમમાં ફેરફાર કર્યા પછી આજ સુધી સદનસીબે કટોકટીના લગાડવામાં આવી નથી.
આજે આટલા બધા વર્ષો બાદ પણ જ્યારે બે થી ત્રણ પેઢીઓ બદલાઈ ગઈ છે ત્યારે પણ ભારતીયોના મનમાં કટોકટીની ભયાનકતા અને જયપ્રકાશ નારાયણ જેવા મહામાનવની યાદ હજી પણ તાજી છે.
જય હિન્દ
~મોજપુત્ર’આનંદ’
eછાપું
તમને ગમશે: ગોલમાલ: નોકરી બચાવવાની સાચી લડાઈ માટે જુઠું શસ્ત્ર વાપરવા મજબૂર મધ્યમવર્ગીય
Saras lekh
it covers history as well as the mind set of the public at that time
overall good