અસદુદ્દીન ઓવૈસી દ્વારા સેક્યુલર મતની માંગણી કરાઈ એમાં ખોટું શું છે?

0
382
Photo Courtesy: indianexpress.com

2019ની લોકસભાની ચૂંટણીઓને હજી ખાસ્સા દસેક મહિનાની વાર છે પરંતુ તેના પડઘમ જાણે અત્યારથીજ વાગી રહ્યા છે અને કેમ ન હોય? આ વખતે તો ગમે તે રીતે મોદીને કાઢવાના છે. જો અન્ય વિપક્ષો ભેગા મળીને મહાગઠબંધન ઉભું કરી શકતા હોય તો અસ્દુદ્દીન ઓવૈસી એમાં પાછળ કેવી રીતે રહી જાય? હૈદરાબાદના આ ફાયરબ્રાન્ડ મુસ્લિમ નેતાએ હવે મુંબઈ અને મહારાષ્ટ્રમાં પણ કાઠું કાઢ્યું છે અને બહુ જલ્દીથી ઉત્તર પ્રદેશમાં પણ તેમની નોંધ લેવાતી થઇ જાય એવા ઉજળા સંજોગો પણ ઉભા થયા છે.

Photo Courtesy: indianexpress.com

ઓવૈસી એ પહેલા આંધ્રપ્રદેશ અને હવે તેલંગાણાના ઓલ ઇન્ડિયા મજલીસ-એ-ઇત્તેહાદુલ મુસલમીન એટલેકે AIMIMના પ્રમુખ છે અને મુસલમાનો પ્રત્યેના પોતાના ખુલ્લા વલણ માટે જાણીતા છે. તેમના આ પ્રકારના વલણને લીધે તેઓની આગ ઝરતા ભાષણો ઘણીવાર વિવાદ ઉભા કરતા હોય છે. અસદુદ્દીન ઓવૈસીના એક નાના ભાઈ પણ છે જેમનું નામ છે અકબરુદ્દીન ઓવૈસી. આ ભાઈનું પેલું દસ મિનીટ માટે સરકાર પોલીસ હટાવી દે પછી જુઓ મુસલમાન શું કરે છે વાળું ભાષણ ખાસ્સું વાયરલ થયું હતું.

અસદ્દુદ્દીન ઓવૈસીનું તાજું ભાષણ પણ પોતાની સાથે વિવાદ લઈને આવ્યું છે, પરંતુ તેનો અર્થ કાઢવો કદાચ સહુથી સરળ છે. ઓવૈસી એ પોતાના તાજા ભાષણમાં મુસલમાનોને અપીલ કરી છે કે તેઓ પોતાને રાજકીય શક્તિ બનાવે અને જો એમ બનશે તો જ ‘સેકયુલરિઝમને બળ’ મળશે. ઓવૈસી આગળ એમ પણ બોલ્યા કે મુસલમાનોએ પોતાની તાકાત દેખાડવા મુસલમાન ઉમેદવારોને જ મત આપવા જોઈએ. ઓવૈસીના એ સંપૂર્ણ ભાષણની આ બે-ત્રણ લીટીઓ ગઈકાલે મિડીયામાં બહુ ફરી.

એકચ્યુઅલી ઓવૈસી થોડા દિવસ અગાઉ હાપુડમાં ગૌરક્ષાના નામે એક મુસ્લિમની થયેલી કથિત હત્યા પર બોલી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે પોતાને સેક્યુલર બતાવતા પક્ષોએ આજ સુધી મુસલમાનોનો માત્ર ઉપયોગ જ કર્યો છે અને આથીજ તેઓ મુસલમાનોને રાજકીય શક્તિ બનવાનું કહી રહ્યા છે અને તેમણે એમ બનવા માટે માત્ર મુસલમાન ઉમેદવારોને જ મત આપવા જોઈએ.

અસદુદ્દીન ઓવૈસી એ જે કહ્યું તેનાથી એક વાત તો સ્પષ્ટ થઇ ગઈ છે કે હવે મુસલમાનો પણ સમજી રહ્યા છે કે સેકયુલરિઝમના નામે છેલ્લા સિત્તેર વર્ષમાં તેમની પાસેથી મત પડાવવા સિવાય અન્ય કોઈજ પ્રવૃત્તિ કરવામાં આવી નથી. પરંતુ આમ થવાથી હવે મુસલમાનોએ માત્ર મુસલમાન ઉમેદવારોને જ મત આપવી જોઈએ તેની સાથે સહમત થઇ શકાય તેમ નથી. બસ માત્ર એટલું વિચારો કે ભાજપના કોઈ વિવાદાસ્પદ નેતાઓ દ્વારા ઓવૈસીની જેમ ભરી સભામાં નહી પરંતુ મિડિયાને બાઈટ આપતી વખતે પણ એમ કહી દીધું હોત કે હિન્દુઓએ માત્ર હિન્દુ ઉમેદવારોને જ મત આપવા જોઈએ તો?

ગઈકાલે ઓવૈસી જે બોલ્યા એના પર આપણી કેટલીક સેક્યુલર ટીવી ચેનલોએ કહેવા પુરતી ચર્ચા કરી, પણ કોઈ હિન્દુવાદી નેતાની આ જ પ્રકારની અપીલ પર એમણે ચર્ચામાં ઓછામાં ઓછા સાત-આઠ દિવસનો પ્રાઈમ ટાઈમ આરામથી વાપરી નાખ્યો હોત.

મુદ્દો આ જ છે. આપણે ત્યાં મુસલમાનોને ભડકાવતા ભાષણોને સેક્યુલર ગણવામાં આવે છે પરંતુ હિન્દુઓને જગાડતા એક સરળ વાક્યને પણ કોમવાદનું નામ આપી દેવામાં આવે છે. અસદુદ્દીન ઓવૈસી દ્વારા જે કશું પણ કહેવામાં આવ્યું તે દેશના ભવિષ્ય માટે ખતરનાક છે, પરંતુ તે થોડા દિવસોમાં ભુલાઈ પણ જવાશે અને જેમ જેમ 2019 નજીક આવતું જશે તેમ તેમ ઓવૈસી આનાથી પણ જલદ ભાષણો કરતા રહેશે અને આપણી ગંગા-જમની તેહઝીબ તેને ઇગ્નોર કરતી રહેશે.

eછાપું

તમને ગમશે: અમૃતા પ્રીતમ- એક વિલક્ષણ વ્યક્તિત્વ અને એક અનેરી લેખીકા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here