મિત્રતામાં તો બધું ચાલે. એમાંય જો ખાસ મિત્ર હોય તો પછી વાત પતી ગઈ. કોઇપણ પ્રકારના શરમ અને સંકોચ વગર જો તેની સાથે આપણે બધુંજ શેર કરતા હોઈએ તો તેના વિષે આપણે ગમે તે કહી શકીએ બરોબર? ના બિલકુલ બરોબર નથી. એવી ઘણી બાબતો છે જે સાચી હોવા છતાં આપણે આપણા ખાસ મિત્રને ન ન કહેવી જોઈએ અને એવી બાબતોમાંથી 5 એવી બાબતો અમે તમારા માટે ખાસ શોધી લાવ્યા છીએ જે તમારે તેને સીધીજ કહેવાથી દૂર રહેવું જોઈએ.

તારા શરીરમાંથી દુર્ગંધ આવે છે યાર!
આવતી હોય તો ભલે આવે. એટલીસ્ટ જ્યારે તમે લોકો વચ્ચે હોવ ત્યારે તમારા ખાસ મિત્રને તેના શરીરમાંથી આવતી કે પછી ઇવન તેના શ્વાસમાં રહેલી દુર્ગંધ વિષે બિલકુલ ટોકી ન શકો. કદાચ તમારા એ મિત્રને પણ તેના વિષે ખબર હશે પરંતુ કોઈક કારણોસર તે તેનો ઉકેલ ન લાવી શકતો ન હોય એવું બને. અને જો તેને એ વિષે ખબર જ નથી તો એકાંતમાં તેના વિષે ચર્ચા કરો અને બને તો એક સરસ ડિયો કે માઉથ ફ્રેશનર તેને ગિફ્ટમાં આપો.
તારું વજન વધી ગયું છે!
ગમે તેટલું ભારે શરીર હોય પણ વ્યક્તિને જો તેના મોઢા પર જાડો કે પછી જાડી કહેવામાં આવે તો તેને એ નહીં ગમે, ભલેને એ તમારો ખાસ મિત્ર કેમ ન હોય? એવું પણ નથી કે તમે એના જાડાપણાથી ચિંતિત છો તો તેના ભોજન પર કાબુ કરવાની કોશિશો કરો કારણકે એમ કરવાથી તમે તેની નજરમાં અળખામણા બની જશો. શ્રેષ્ઠ ઉપાય એ રહેશે કે તમે એને શાંતિથી એમ કહો કે, “યાર તને નથી લાગતું આપણા બંનેનું વજન વધી ગયું છે? ચલ કોઈ ડાયેટ પ્લાન સાથે મળીને નક્કી કરીએ કે સાથેજ જીમ જઈએ.”
તું બહુ ખર્ચો કરાવે છે યાર!
ઘણા મિત્રો એવા હોય છે કે જે તમને પોતાની નાની-મોટી જરૂરિયાતો માટે ખર્ચ કરાવતો હોય. પોતાના ખિસ્સામાંથી પૈસા ન જતા હોવાથી તેને એ પણ ખ્યાલ નથી આવતો કે તેણે કેટલી લિમીટો તોડીને તમને ખર્ચ કરાવી નાખ્યો છે. ઘણીવાર પોતાની પાસે પૈસા ન હોય તો અત્યારે તમારો એ ખાસ મિત્ર પૈસા આપી દેવાનું કહે અને એક-બે દિવસમાં પરત આપવાનો વાયદો કરીને ભૂલી જાય એવું પણ બની શકે છે. આવા કિસ્સામાં એ ખર્ચાળ મિત્રને ફરીથી કશું ખરીદવાનું મન થાય તો તેને શાંતિથી કહી દો કે ચલ, ફિફ્ટી ફિફ્ટી શેરીગ કરીએ.
તને હવે મારા શોખના વિષયો ગમતા નથી
જ્યારે નવી નવી ફ્રેન્ડશીપ થઇ હોય ત્યારે એકબીજાના શોખ વિષે જાણવાની આપણને ઉત્કંઠા હોય છે, પરંતુ જેમ જેમ એ મિત્ર ખાસ બનતો જાય તેમ તેમ સંબંધમાંથી ઔપચારિકતા ઘટતી જાય છે અને આથી આપણને એના તમામ શોખમાં રસ પડે જ એ શક્ય નથી. આવું સામે પક્ષે પણ બનતું હોય છે, પણ જો એમ થાય તો એને હવે દોસ્તીમાં રસ નથી રહ્યો એમ કહીએ એને ઉતારી ન પડાય. આના કરતા શાંતિથી આ બાબતે ચર્ચા કરીને અલગ અલગ પોતપોતાના શોખ પૂરા કરવાનો નિર્ણય લઇ શકાય.
ગંભીર માંદગીની વિગતો ખાસ શેર કરો
તમને કોઈ ગંભીર બીમારી થઇ હોય તો સ્વાભાવિક છે કે ખાસ મિત્રને કહીને તેને ચિંતામાં ઉતારવાનું તમને ન ગમે. પરંતુ દોસ્તી એક એવો સંબંધ છે જેમાં કશું પણ છૂપું રહેતું નથી, રાખી શકાતું નથી. આ ઉપરાંત દોસ્તનો તો કુટુંબીજનો કરતા તમારી જિંદગી પર પહેલો હક્ક છે આથી એને તો તમારે સહુથી પહેલા તમારી ગંભીર માંદગી વિષે જણાવવું જોઈએ. આમ કરવાથી તમને માનસિક અને ઈમોશનલ ટેકો તો મળશે જ પરંતુ કદાચ તેની પાસે કોઈ રસ્તો હોય અથવાતો ખાસ મિત્ર હોવાને નાતે એ ગમે ત્યાંથી એ રસ્તો શોધી પણ કાઢશે જે તમારી બીમારીની ગંભીરતા ઓછી કરીને તમને પુનઃ સ્વાસ્થ્યપ્રાપ્તિમાં મદદ કરે.
eછાપું
તમને ગમશે: મોદીથી માલ્યાથી મોદી – ભ્રષ્ટાચાર માટે ખાળે ડૂચા ને દરવાજા મોકળા