‘ઇન્ટરનેટ ઓફ થિંગ્સ’ : ટેકનોલોજીની યશકલગીમાં એક નવું છોગું!

0
418
Photo Courtesy: usaonlinecasino.com

આપણે ઈન્ટરનેટના જમાનામાં જીવી રહ્યા છીએ. રોજીંદા જીવનમાં ઈન્ટરનેટ એટલી હદે વણાઈ ગયું છે કે જાણે પાટણના પટોળા પરનું ભરતગૂંથણ! એને અલગ કરવું લગભગ અશક્યની નજીક છે. આજના જમાનામાં જો તમે કક્કો અને બારાક્ષરી બરાબર વાંચી શકતા હોવ અને એબીસીડીની પુરતી સમજ હોય તો તમે લોજીકલી સાક્ષર છો, પરંતુ ટેક્નીકલી નહિ. હાલમાં એવી પરિસ્થિતિ છે કે જો તમે ઇન્ટરનેટ વિષે અને એના ઉપયોગોથી અજાણ હોવ તો તમે પોતાને સંપૂર્ણ સાક્ષર ન કહી શકો.

Photo Courtesy: usaonlinecasino.com

ઈન્ટરનેટ આવવાથી ઘણીબધી સુવિધાઓ અને અમુક અમુક અસુવિધાઓ જન્મી છે. જો અસુવિધાઓની વાત હમણાં પુરતી મોકૂફ રાખીએ તો ઈન્ટરનેટથી આપણને એટલે કે માનવજાતને મળતી સગવડોનો કોઈ પાર નથી. દુનિયા આંગળીના ટેરવે છે. એક ટચ કરો ત્યાં આખું વિશ્વ તમારા હાથમાં આવી જાય છે. દુનિયાભરની માહિતી, સમાચારો, વૈજ્ઞાનિક બાબતોથી માંડીને સોશિયલ મીડિયા સુધી ઈન્ટરનેટના લાભો ગણાવો એટલા ઓછા છે.

ઈન્ટરનેટની આ બધી યશકલગીઓના સમૂહમાં વધુ એક છોગું એટલે “ઈન્ટરનેટ ઓફ થિંગ્સ”. તો પહેલા તો આ ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (જેને “IoT”ના લાડકા નામથી ઓળખવામાં આવે છે) એ શું છે? તો એની વ્યાખ્યા એવી છે કે, “ઇન્ટરનેટ ઓફ થિંગ્સ એટલે કે આપણી આસપાસની અને જીવનોપયોગી લગભગ બધી જ ચીજવસ્તુઓનું ઇન્ટરનેટ સાથે કરવામાં આવતું જોડાણ”.

હવે તમને થશે કે આમાં નવું શું છે? આ તો અત્યારે પણ અસ્તિત્વમાં છે જ ને! તો જવાબ છે ના, આપણે હજી ઈન્ટરનેટ ઓફ થિંગ્સની દિશામાં માત્ર ૧% જ કામ કર્યું છે તેમ કહી શકાય. કારણ? વિચાર કરો કે તમારી આસપાસ કેટલી એવી વસ્તુઓ છે જે ઇન્ટરનેટ સાથે જોડાયેલી છે? એક તો મોબાઈલ ફોન, બીજું લેપટોપ, ત્રીજું રખેને ટેલીવિઝન અને ચોથું રેર કેસમાં તમારા ઘરના દરવાજા! બસ? તમારાવ આંગળીના વેઢે ગણી શકાય એટલા જ ઉપકરણો અત્યારે ઇન્ટરનેટ સાથે જોડાયેલા છે.

પરંતુ ઈન્ટરનેટ ઓફ થિંગ્સ એ એક ખુબ જ વાઈડ કોન્સેપ્ટ છે. એના એકાદ બે ઉદાહરણો જણાવું તો, તમે વિચારો કે ભયંકર ઉનાળો ચાલી રહ્યો છે અને તમે બજારમાં અસહ્ય ગરમીથી ત્રાસી ગયા છો. ઘરે જઈને તમારે પોતાનો રૂમ ઠંડો જોઈએ છે. તો તમે શું કરો? વેલ, ઈન્ટરનેટ ઓફ થિંગ્સના નેજા હેઠળ જો તમારા ઘરનું એસી તમારા મોબાઈલ સાથે જોડાયેલું હશે તો તમે બજારમાં રહ્યા રહ્યા તેને ઓન કરી શકશો. એટલું જ નહિ, તમને જોઈતું તાપમાન સેટ કરી શકશો અને ઘરે આવશો ત્યારે તમારો રૂમ તમારી ગરમીને ઠંડક આપવા માટે તૈયાર હશે.

બીજું ઉદાહારણ જોઈએ તો. તમે તમારી કાર લઈને જઈ રહ્યા છો અને રસ્તામાં તમારી અથવા સામેવાળાની લાપરવાહીના કારણે અકસ્માત સર્જાય છે. તમારી હાલત ગંભીર છે અને તમે કોઈને ફોન કરી શકતા નથી. એવી પરિસ્થિતિમાં IoT તમારી મદદે આવશે. તમારી કારમાં રાખેલા સેન્સરના માધ્યમથી કારના અકસ્માતની જાણકારી નજીકના પોલીસ સ્ટેશન અને હોસ્પિટલમાં તાબડતોબ કરી દેવામાં આવશે. હોસ્પિટલ તથા પોલીસ સ્ટેશનમાં પણ રીસીવિંગ સેન્સર પર મેસેજ મળતા તુરંત પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે આવી જશે. આ બધું જ થશે તમારા કશું જ કર્યા વગર!

ટેકનોલોજીના એક્સ્પર્ટ લોકોનું માનીએ તો આ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ કોઈ ક્રાંતિથી ઓછું નથી. રોજીંદા જીવનના તમામ સાધનોને માનવજાત માટે આપમેળે કામ કરતા કરી દેવા માટેનું આ વિજ્ઞાન ભવિષ્યમાં ટેકનોલોજીની તાસીર બદલી નાખે તો નવાઈ નહિ.

સ્માર્ટ સીટીઝ પણ IoTનો જ એક ભાગ છે. તમને શું લાગે છે સ્માર્ટ સીટી એટલે માત્ર ફ્રી વાઈફાઈ અને ડીજીટલ ઈ-મેમો મળે એટલું જ? બિલકુલ નહિ. સ્માર્ટ સીટી એટલે એક એવું શહેર જેની સ્ટ્રીટલાઈટથી માંડીને કચરાના ડબ્બા સુધીની વસ્તુઓ IoT વડે જોડાયેલી હોય.

સ્માર્ટ સીટીના એક કેસ સ્ટડી તરીકે ગુજ્જુઓના પર્સનલ ફેવરીટ એવા કેનેડાના ઓન્ટેરીયો શહેરની વાત કરું તો, સિસ્કો કરીને એક કંપની છે જેણે ઓન્ટેરીયો શહેરને સ્માર્ટ સીટી બનાવવાનો પ્રોજેક્ટ હાથમાં લીધો હતો. આ કંપનીએ ઓન્ટેરીયો શહેરને IoTના ઉપયોગથી એટલું બધું સ્માર્ટ બનાવી દીધું કે અહી પબ્લિક ટ્રાન્સપોર્ટથી માંડીને તમામ જાહેર ચીજો આવરી લેવામાં આવી. કોઈ બસ જેટલા વાગે જ્યાંથી ઉપડી હોય એ તમારા સ્ટોપ પર કેટલા વાગ્યે આવશે એ તમામ માહિતી તમારા ફોન પર તમને મળી જાય અને ટાઈમ વેસ્ટ જેવી ફરિયાદો બિલકુલ નાબુદ થઇ જાય.

ઉપરાંત ઉબર કંપની અને બીજી એના જેવી ઓલા જેવી કંપનીઝ વિષે વાત કરીએ તો IoTનું તે સૌથી સારામાં સારું ઉદાહરણ છે. ન તો એમની પોતાની ટેક્સી કે રીક્ષાઓ છે કે ન તો કોઈ સ્ટેન્ડ, છે તો બસ માત્ર એક એપ્લીકેશન જે સ્માર્ટફોનમાં ચાલે છે અને એમાં તમામ ટેક્સી અને રીક્ષાઓ તમારા ફોન સાથે પેલા ડ્રાઈવરના ફોનના માધ્યમથી જોડાયેલી રહે છે. જયારે જરૂર પડે ત્યારે એક સિમ્પલ ટચ કરો અને ટેક્સી હાજર છે તમારા ઘરઆંગણે.

IoTનો બીજો એક વ્યવહારુ અને ભારતદેશને અનુલક્ષીને એકદમ રીલેટીવ ઉપયોગ જોઈએ તો એ છે કન્સ્ટ્રકશન સેક્ટરમાં. આજે તમે જે પુલ કે બિલ્ડીંગ બનાવો એની અચાનક તૂટી પડવાની ઘટનાથી જો તમે બચવા માંગો છો તો એમાં વપરાતા સ્ટીલને ઇન્ટરકોમ્યુનીકેટ કરીને એમાં સ્ટ્રેસ એનાલીસીસ સેન્સર ફીટ કરી શકો. જે સમય જતા એ બ્રીજ કે બિલ્ડીંગનું સ્ટ્રેસ એનાલીસીસ કરીને જે-તે બનાવનાર કંપનીને અને સરકારના ઈજનેરી વિભાગમાં મોકલી આપશે. એ રીપોર્ટ પરથી એના સમારકામ માટે અને પ્રિવેન્ટીવ મેન્ટેનન્સ માટે યોગ્ય પગલાં લઇ શકાય અને હજારો લોકોના જીવ બચાવી શકાય.

આ સિવાય મેડીકલ ક્ષેત્રે ઈન્ટરનેટ ઓફ થિંગ્સ એક વરદાન સમાન સાબિત થાય. હૃદયના દર્દીના પેસમેકરની કાર્યક્ષમતાથી માંડીને ‘ની રિપ્લેસમેન્ટ’ કરાવેલ હોય એવા દર્દીના નવા બેસાડેલા કૃત્રિમ માનવઅંગોની હિલચાલ પર સંપૂર્ણપણે નિયંત્રણ IoT દ્વારા શક્ય છે.

આશા રાખીએ કે ભવિષ્યમાં આપણે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ જેવી સહુલિયતનો સદુપયોગ કરીને એક નબેટર વર્લ્ડ બનાવી શકીએ.

આચમન :- “ઈન્ટરનેટ આવ્યા પછી ઘણું બધું બદલાઈ ગયું છે. સરળ થઇ ચુક્યું છે અને ભવિષ્યમાં એનાથીય વધારે સરળ થવાનું છે. છતાં માણસ પાસે પહેલા જેવો સમય કેમ નથી રહ્યો એ આજેય પી.એચ.ડી.માં થીસિસ બનાવી શકાય એટલો જબરદસ્ત મુદ્દો છે.”

તમને ગમશે: દેશના અર્થતંત્રને ‘એકજેટલી’ કઈ દિશામાં લઇ જવા માંગે છે અરુણ જેટલી?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here