વોલ સ્ટ્રીટ માં કામ કરતી સ્ત્રીઓ શોધવી ખરેખર ખૂબ અઘરું કાર્ય છે

0
235
Photo Courtesy: fortune.com

મુંબઈની દલાલ સ્ટ્રીટની જેમજ અમેરિકાના ન્યૂયોર્કની વોલ સ્ટ્રીટ તેના નાણાંકીય સ્વભાવને લીધે ખ્યાતનામ છે. આ બંને સ્ટ્રીટ્સમાં જો સરખી બાબત હોય તો એ છે પુરુષોનું વર્ચસ્વ. વોલ સ્ટ્રીટ માં આવેલી તમામ ટોપ બેન્કસ પુરુષો દ્વારા ચલાવવામાં આવે છે અને હાલમાં જ કરવામાં આવેલા એક ધ્યાન ખેંચતા સરવેમાં જણાવવામાં આવ્યું છે કે વોલ સ્ટ્રીટ પર આવેલી તમામ ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગના સિનીયર લીડર્સમાં મહિલાઓની સંખ્યા 17 ટકાથી પણ ઓછી છે. પ્રાઈવેટ ઇક્વિટીમાં સિનીયર એક્ઝીક્યુટીવ તરીકે માત્ર 9 ટકા મહિલાઓ જ્યારે ડેબ્ટ ફંડ્સમાં લીડરશીપના સ્થાને માત્ર 11 ટકા મહિલાઓ કાર્યરત છે.

Photo Courtesy: fortune.com

આ સરવેથી આશ્ચર્ય પામેલા CNBC અને LinkedIN દ્વારા તેની પાછળ રહેલા કારણો જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ માટે તેમણે સાથેમળીને એક સરવે કર્યો જેમાં 1000 સ્ત્રી અને પુરુષોએ ભાગ લીધો. આ સરવેમાં એ જાણવાની કોશિશ કરવામાં આવી કે જ્યારે વોલ સ્ટ્રીટ ની અનેકવિધ નાણાંકીય સંસ્થાઓમાં સિનીયર પોઝિશન પર મહિલાઓની નિમણુંક કરવાની વાત આવે છે ત્યારે મહિલાઓને કયા વિઘ્નોનો સામનો કરવો પડે છે.

આ સરવેમાં કરાયેલા પહેલા પ્રશ્ન જેમાં વોલ સ્ટ્રીટ પર રહેલી નાણાંકીય કંપનીઓમાં મહિલાઓને જાતીય સતામણીનો ભોગ બનવો પડે છે કે કેમ તેના જવાબમાં મોટી સંખ્યામાં પુરુષોએ ના પાડી હતી જ્યારે તેમની લગોલગ સંખ્યામાં મહિલાઓએ હા પાડી હતી! આનો સ્પષ્ટ સંકેત છે કે પુરુષો મહિલાઓ સાથે કોઇપણ પ્રકારની સતામણી થાય છે તે અંગે બિલકુલ અજાણ છે.

આ ઉપરાંત લિંગભેદના ભાગરૂપે દરરોજ લેવાતા મહત્ત્વના નિર્ણયોમાંથી મહિલાઓને દૂર રાખવામાં આવે છે અથવાતો તેમના મતને ભાગ્યેજ સ્થાન આપવામાં આવે છે એમ પણ આ સરવેમાં જાણવા મળ્યું હતું. આ ઉપરાંત સોશિયલ મિડિયા પ્રમોશન જેમાં કામ પૂરું થયા બાદ કરવામાં આવતું પ્રમોશન સામેલ છે તેમાં પણ મહિલાઓ કરતા પુરુષોને વધારે મહત્ત્વ આપવામાં આવે છે.

એક બીજો સવાલ જેમાં પૂછવામાં આવ્યું હતું કે શું વોલ સ્ટ્રીટ પર ઓફિસ ધરાવતી નાણાંકીય સંસ્થાઓમાં પુરુષોની સરખામણીએ મહિલાઓને પ્રમોશન આપવામાં વાર કરવામાં આવે છે? મોટાભાગના પુરુષો અને મહિલાઓએ એ તો માન્યું હતું કે પુરુષ અને મહિલા બંનેને અહીં આગળ વધવા માટે સમાન તકો છે, પરંતુ મોટાભાગની મહિલાઓ સિનીયર પોઝીશન લેવાનો જ ઇન્કાર કરે છે. જો કે આ પાછળનું કારણ બીજું કશું નથી પરંતુ મહિલાઓને પ્રમોટ કરવામાં આવતી ઢીલ કારણભૂત છે. ઉંમરના એક પડાવ સુધી મહિલાઓને પ્રમોશન ન મળવાને લીધે તે નિરાશ થઇ જાય છે અને જ્યારે તેમની ઉંમર મોટી થઇ જાય છે ત્યારે તેમને પ્રમોશન લેવાની કોઈજ હોંશ નથી હોતી પરિણામે તે તેને ઠુકરાવી દે છે.

આ સરવેમાં એમ પણ જાણવામાં મળ્યું હતું કે વોલ સ્ટ્રીટમાં કામ કરતી મોટી મોટી અને જાણીતી કંપનીઓમાં એક સરખા હોદ્દા પર કામ કરતા પુરુષો અને સ્ત્રીઓના પગારમાં ખૂબ મોટું અંતર હોય છે. અલબત્ત પુરુષોને સ્ત્રીઓ કરતા વધારે પગાર ચુકવવામાં આવે છે. સરવેમાં ભાગ લેનારી 40 ટકા મહિલાઓએ જ સ્વીકાર્યું હતું કે તેમને પુરુષો જેટલો જ પગાર ચુકવવામાં આવે છે.

વોલ સ્ટ્રીટ માં આગળ વધવા માટે પડી રહેલી તકલીફ માટે સહુથી મોટું કારણ શું? એવો માત્ર મહિલાઓને જ પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં મોટાભાગની મહિલાઓએ કહ્યું હતું કે લીડર તરીકે તેમની સમક્ષ બહુ ઓછી મહિલાઓના ઉદાહરણો છે તેનાથી તેમને પ્રેરણા મળતી નથી. તો અન્ય મહિલાઓએ કહ્યું હતું કે તેમને ઉંચી પોસ્ટ સુધી પહોચવા માટે ગાઈડ અથવાતો મેન્ટોરની જરૂર છે જે તેમને મળતા નથી.

આમ જેન્ડર બાયસ એ માત્ર ત્રીજા વિશ્વનો જ પ્રોબ્લેમ નથી એ અત્યાધુનિક દેશ જેવાકે અમેરિકાની વોલ સ્ટ્રીટ જેવા વિશ્વના ટોચના નાણાંકીય વિસ્તાર સુધી ફેલાયેલો છે તે ઉપરોક્ત સરવેમાં સાબિત થઇ ચૂક્યું છે.

eછાપું

તમને ગમશે: દુઝતા મસા : તેરા ગમ મેરા ગમ ઇક જૈસા સનમ, એક કહાની…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here