હા હું તને પ્રેમ કરું છું – આરતી અને અર્ચિતની ધમધોકાર પ્રેમગાથા

2
519
Photo Courtesy: indianexpress.com

ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો અને આરતી વરસાદ અને બસ કે રીક્ષા ન મળવાને કારણે વધુ ગુસ્સે થઈ રહી હતી. અત્યારે આવી પરિસ્થિતિને કારણે એ મનમાં ને મનમાં વરસાદને ગાળો આપી રહી હતી. એવું નહતું કે આરતીને વરસાદ ગમતો ન હતો. એક સમયે વરસાદને  આરતી પ્રેમ કરતી હતી અને વરસાદમાં ભીંજાવું એને અત્યંત પ્રિય હતું. પણ હવે?! હવે એને નફરત હતી આ વરસાદથી, પ્રેમથી અને પ્રેમની વાતોથી.પણ અત્યારે એ બધી વાતો વિચારવાનો સમય ન હતો. એક તો એને ઓલરેડી મોડું થઈ જ ચુક્યું હતું અને એમાય જો એને હવે સમયસર બસ કે રીક્ષા નહીં મળે તો તો આજે ઓફીસે તેનું આવ્યું જ બનવાનું હતું. પણ વરસાદ એટલો હતો કે બસનું તો દુર દુર સુધી ક્યાંય નામો નિશાન ના હતું અને રીક્ષા? ખબર નહીં પણ જયારે જરૂર હોય ત્યારે જ રીક્ષા મળે જ નહીં! એમને એમ મનોમન ગુસ્સો કરી રહેલી આરતીની સામે એક રીક્ષા આવીને ઉભી રહી અને એ રીક્ષામાંથી અર્ચીતે આરતીને સાદ પાડીને બોલાવી અને ઝડપથી રીક્ષામાં બેસી જવા કહ્યું.

Photo Courtesy: indianexpress.com

અર્ચિત..આરતીની ઓફિસની બાજુવાળી ઓફિસમાં કામ કરતો હતો. ખુબજ દેખાવડો, ઉંચો,  ટુકમાં કેહવાય ને એકદમ ડેશીંગ હતો. કોઈપણ છોકરીના સપનાના રાજકુમાર જેવો. અર્ચિત અને આરતીની મુલાકાત આમ ક્યારેક ક્યારેક થયા કરતી.ઓફીસ છુટવાના સમયે અથવા તો લંચ ટાઇમમાં. આમ જસ્ટ આંખની ઓળખાણ હતી. આજે આવા ધોધમાર વરસાદમાં અર્ચીતનું બાઈક બગડી ગયું હતું એટલે તેને આજે રીક્ષામાં ઓફિસે જવું પડ્યું તેમાં તેનું ધ્યાન રસ્તામાં ઉભેલી આરતી તરફ ગયું એને ખ્યાલ આવી ગયો કે આરતીને પણ ઓફિસે જ જવાનું હશે એટલે તેણે બુમ પાડીને આરતીને બોલાવી અને આરતી પણ ઓફિસે મોડું થઈ રહ્યું હતું એટલે તેની સાથે રીક્ષામાં બેસી ગઈ.

આજે પેહલી વાર બંને વચ્ચે થોડી વાતચીત થઈ અને પછી ધીરેધીરે દિવસો જતા આ વાતચીત મુલાકાતોમાં પરિણમી. હવે બંનેની મુલાકાતો વધવા લાગી અને આરતી? આરતી તો જાણે અર્ચીતના પ્રેમ માં જ પડી ગયેલી!! પણ શું અર્ચિત પણ એને પ્રેમ કરતો હશે? આવું વિચારતાજ આરતી માથું ધુણાવતી અને પછી પોતાનો ભૂતકાળ અને કાઈક યાદ આવતા તે નિશ્વાસ નાખતી! આરતી એક સાવ સામાન્ય દેખાવની છોકરી છે અને પણ ડિવોર્સી અને સામે અર્ચિત કોઈ રાજકુમાર જેવો પોતે એક સમયે ઝંખ્યો હતો એવો. એટલે જ એને ખબર હતી  કે પોતાનો અને અર્ચિત નો કોઈ જ મેળ નથી. પોતે મુગ્રજળ સમાન સપના જોઈ રહી છે છતા પણ તેનું મન એ સપનું સાચું પડશે એમ માનતું હતું. ઘણીવાર આપણું મન પણ એમ નહીં બનવાનું હોવા  છતા પણ સપના જોયા કરતુ હોય છે અને  આરતીનું પણ એવું જ હતું.

આ બાજુ અર્ચીતની હાલત પણ આરતી જેવી જ હતી પણ થોડી અલગ રીતે. પ્રેમ તો એને પણ થયો હતો આરતી સાથે. એ આરતીના સ્વભાવ એની સાદગી અને સમજદારીના પ્રેમમાં પડ્યો હતો અને એણે આરતીને આ વાત કહી દેવાનું નક્કી કરી નાખ્યું અને એક દિવસ તે દિવસની જેમ વરસતા વરસાદમાં એને આરતીને પૂછી જ લીધું. આરતી..હું તને પ્રેમ કરું છુ. સાચા મનથી લગ્ન કરીશ.મારી સાથે? અને આરતી? એને તો વિશ્વાસ જ નહોતો બેસતો કે અર્ચિત આવું કહી રહ્યો છે. એનું મન એને અત્યારેજ હા કહી દેવા માટે તલપાપડ થઈ રહ્યું હતું.

ત્યાં જ…ત્યાં જ તેને પોતાનો ભૂતકાળ યાદ આવ્યો અને તેને અર્ચીતને આ વાત ન જણાવીને છેતરવો ન હતો. એ જાણતી હતી કે આ વાત જાણ્યા પછી અર્ચિત કદાચ તેને ના પાડી દે અને પોતાનું મન પણ બદલી નાખે. પણ તે કોઈપણ સંબંધનો પાયો જુઠના પાયા પર રચવા માંગતી ન હતી એટલે તેણે મન મક્કમ કરીને અર્ચિત ને કહ્યું. ’અર્ચિત.પ્રેમ તો હું પણ તને કરું છુ પણ તને કદાચ ખબર નહીં હોય કે હું ડિવોર્સી છુ. અગાઉ મારા લગ્ન થઈને તૂટી ગયેલા છે અને એનું કારણ મારી બીમારી છે. મને વાલ્વની બીમારી છે એને કારણે કદાચ હું ક્યારેય મા નહીં બની શકું અને એટલે જ મારા લગ્ન તૂટી ગયા હતા. હું તને અંધારામાં રાખવા નથી માગતી. આ વાત જાણ્યા પછી હજી પણ તું મારી સાથે લગ્ન કરવા માંગે છે?? આરતીએ પોતાની વાત પૂરી કરી અને અર્ચિત? અર્ચિત કઈ પણ બોલ્યા વીના ત્યાંથી ચાલ્યો ગયો!!

એ વાત ને આજે પુરા છ મહિના વીતી ચુક્યા છે. તે દિવસ બાદ અર્ચીતે ક્યારે પણ આરતી સાથે વાત કરવાની કે તેને મળવાનો પ્રયત્ન  કર્યો ન હતો અને આરતી પણ હવે વાસ્તવિકતા સમજી ચુકી હતી. તે સમજી ચુકી હતી કે પ્રેમ તેના નસીબમાં જ નથી અને ત્યાંજ અચાનક એક દિવસ સાંજે આરતી ઓફિસેથી ઘરે જઈ રહી હતી ત્યાં જ રસ્તામાં અર્ચિતે તેને ઉભી રાખી અને એને કહ્યું ’આરતી..હું તને પ્રેમ કરું છુ .સાચા મનથી લગ્ન કરીશ? અને આરતી અવાચક બનીને અર્ચિત સામે જોઈ રહી. અર્ચિતે આગળ કહ્યું. ‘તે દિવસે પણ મારી વાત માટે એટલો જ મક્કમ હતો જેટલો આજે છુ .પણ આ વાત મારે મારા ઘરના લોકોને સમજાવી હતી અને એ લોકો નહીં જ માને એ પણ મને ખબર હતી એટલે જ મે ત્યારે તને કઈ પણ કહ્યું ન હતું. પણ આજે મે મારા પરિવારના લોકોને માનવી લીધા છે અને એ લોકો પણ રાજી છે, તારા અને મારા લગ્ન માટે! બસ એ લોકોને સમજાવા માટે જ અને મારે પણ પોતાના પ્રેમની પરખ કરવી હતી એટલે જ આ ૬ મહિના મે તારી સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખ્યો ન હતો.

મને માફ કરજે આરતી પણ ..હું તને પ્રેમ કરું છુ સાચા મનથી તારા ભૂતકાળ ,વર્તમાન અને તારી દરેક ખામી-ખૂબી સાથે.! હવે બોલ..લગ્ન કરીશને મારી સાથે? અને આરતી….જાણે કેટલાય સમયથી આ સમયની રાહ જોતી હોય એમ અર્ચીતને વળગી પડી.અને હા..તેણે જવાબમાં કહ્યું..હા અર્ચિત, લગ્ન કરીશ હું તારી સાથે!!

eછાપું

તમને ગમશે: દીકરીનાં માતાપિતા માટે Menstruation (માસિક સ્ત્રાવ) વિશે અગમચેતી જ સાવધાની

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here