દુશ્મનની આંખમાં ધૂળ નાખી જાસૂસી કરતો આપણો છૂપો રુસ્તમ ડ્રોન

2
409
Photo Courtesy: Facebook

રુસ્તમ એક UAV – Unmanned Aerial Vehicle નું નામ છે. ન સમજાયું? ચાલો સમજીએ. છેલ્લા કેટલાંક વરસોમાં લગ્નપ્રસંગોએ વીડીયોગ્રાફર કે ફોટોગ્રાફર્સ પ્રસંગને વધુ સારી રીતે કેપ્ચર કરવા નાના ડ્રોન કેમેરાનો ઉપયોગ કરતા નજરે ચડે છે. એરીયલ ફોટોગ્રાફી એક નવો જ આયામ દર્શાવે છે. ઉંચાઇને કારણે વધુ મોટો વિસ્તાર આસાનીથી કવર કરી શકાય છે. સંરક્ષણ ક્ષેત્રમાં ડ્રોનની ઘણી ઉપયોગીતાઓ છે અને વધતી જાય છે રુસ્તમ બસ એ જ જરૂરીયાતોને પૂર્ણ કરે છે. UAV – Unmanned Aerial Vehicle ને આપણે હવે પછી સરળતા માટે આગળ ઉપર ડ્રોન તરીકે ઉલ્લેખ કરશું.

Photo Courtesy: Facebook

દુશ્મનની સીમામાં અંદર પ્રવેશી 20000-30000 ફીટ ઉંચાઈથી મહત્વના સ્થળો, દુશ્મન સેનાના કેમ્પ અને એમની આર્ટીલરી મુવમેન્ટ વિશે લાઈવ અપડેટ મેળવી કમાન્ડ સેન્ટરને રજેરજની માહિતિ વડે અપડેટ કરવાનો, રેડાર પર માર્ક કરી ત્વરીત અને સચોટ હુમલા માટે માર્ગ મોકળો કરવો અને જરૂર પડે એર-ટુ-સરફેસ મિસાઈલ વડે દુશ્મનના ટારગેટને ધ્વસ્ત કરવાનો સરળ મોકો આ ડ્રોન વડે જ પ્રાપ્ત થાય છે.

રુસ્તમ – 2 ડ્રોન સીસ્ટમ એ DRDO – Defense Research Development Organization સંશોધીત એક પાયલોટ રહીત સર્વેલેન્સ પ્રણાલી છે. મુળ નામ એનું તાપસ 201 અને રૂસ્તમ એ એનું સંસ્કરણ છે. રુસ્તમ એટલે યોદ્ધો. આમ તો આપણી રક્ષા સંશાધનો અને આયુધને પુરાણોના સંસ્કૃત નામ વડે અલંકૃત કરવામાં આવે છે. પણ આ ડ્રોનનું નામ ફારસી? એની પાછળનું રહસ્ય છે કે ભારતીય વિજ્ઞાન સંસ્થા (IISC – Indian Institute of Science) બેંગાલુરૂ સ્થીત વૈજ્ઞાનિક પ્રોફેસર રુસ્તમ દમણીયાના શ્રેષ્ઠ સંશોધનો અને મહેનતને ધ્યાનમાં રાખીને ડ્રોનનું નામ રુસ્તમ રાખવામાં આવ્યું છે.

Photo Courtesy: Facebook

આધુનિક વિશ્વની સેનાઓ હવે માનવરહીત વોર મશીન પર સારી એવી પ્રગતિ કરી ચુક્યું છે અથવા કરી રહ્યું છે. અને ભારત પણ એમાં પાછળ નથી. આપણી ડ્રોનને અપનાવવાની જે ગતી છે તે છેલ્લા બે દાયકામાં ધીમી હતી. અને એના ઘણા કારણોમાંનું એક એની ટેકનોલોજીમાં ડેવલપમેન્ટ અને આયાતી ડ્રોનની ઉંચી કિંમત મુખ્ય કારણ હતું.  પરંતુ હવે આપણી મેઈક ઇન ઇન્ડીયાની નિતિના ફળો પ્રાપ્ત થવાની શરૂઆત થઈ ગઈ છે અને સંરક્ષણ ક્ષેત્રમાં પણ ખાનગી ક્ષેત્રના બહોળી અને જવાબદાર ભાગીદારી સાથે એ હવે આગેકુચ કરી રહ્યું છે. આમ તો કેટલાક ચોક્કસ વર્ગમાં સરકારની દરેક નિતિ સામે આ મેઈક ઇન ઇન્ડીયાની દુરંદેશીતાને અવગણીને કકળાટના સુર સતત ગાજતા રહે છે. પણ આ પ્રકારના ડેવલપમેન્ટ એવા તત્વોના મોઢા પર તમાચા સમાન છે.

ISTAR – Intelligence Surveillance Target Acquisition and Reconnaissance એ આપણી થલ સેના, વાયુ સેના અને નૌ સેના ત્રણેય દળોની આ જરૂરીયાત છે. એ માટે મધ્યમ ઉંચાઈએ ઉડાન ભરતું માનવરહીત યાન એ દુશ્મનોની ના-પાક હરકતો પર બાજ નજર સાથે પળ પળની ખબર લેવા સક્ષમ છે.  એડવાન્સ્ડ એરો-ડાયનેમીક્સ, ડીજીટલ ફ્લાઈટ કન્ટ્રોલ અને નેવીગેશન સીસ્ટમ સાથે તૈયાર થયું છે. ઓટોમેટીક ટેઈક ઓફ્ અને લેન્ડીંગ એને દુનિયાના આધુનિક ડ્રોન સમકક્ષ બનાવે છે  અને એક કદમ આગળ, જરૂર પડે તો આ માનવ રહીત ડ્રોન પે-લોડ સાથે પુર્ણ રીતે હુમલો કરવા પણ રુસ્તમ સક્ષમ છે.

Photo Courtesy: Facebook

રુસ્તમ – 2 એ અત્યાધુનિક SAR – Synthetic Aperture Radar અને EO – Electro Optical આ બન્ને પ્રકારના સેન્સરથી સજાવેલું છે. આ બન્નેને સરળ રીતે સમજીએ. પ્રથમ SAR – આમ તો ડ્રોન હાઈ રીઝોલ્યુશન કેમેરાઓ કે ઓપ્ટીકલ સેન્સર વડે સજ્જ હોય છે. પણ વાતાવરણ અને અન્ય પરીબળોને કારણે બધું જ કેમેરામાં કેપ્ચર થશે તે સંભાવના ક્યારેક ટુંકી પડે. તો આ SAR એ માઇક્રોવેવ રેડારમાં જમીની સપાટી પરથી છોડેલા વેવ્ઝ સપાટી પર અથડાઈને પરત ફરે તે વેવ્ઝને ડેટા સ્વરૂપમાં કેપ્ચર કરી એની ઇમેજ બનાવે છે. આકાર, મુવીંગ ઓબ્જેક્ટ, ઉંચાઇ, ઉંડાઈ, પાણી વગેરે. અને તે દિવસે કે રાત્રે કોઈ પણ સમયે અને વાદળોની આરપાર એકદમ સચોટ તારણો આપે છે. અને આ EO –  એક એવું સેન્સર છે કે જે ડ્રોનના ઉડ્ડયન દરમ્યાન જો કોઇ અવરોધ આવે તો એને તારવી શકે છે, કોઈ મુવમેન્ટ થતી હોય તો એને પણ ચપળતાથી કેપ્ચર કરી શકે છે, અને કોઈ પણ પ્રદેશમાં એક્યુરેટલી ઉડ્ડયન કરી શકે છે. જ્યારે કોઈ દુશ્મનનો ટારગેટ ઓબ્જેક્ટ કેપ્ચર થાય ત્યારે તે લેઝર ડેઝીગ્નેટર વડે માર્ક કરશે. એ ટારગેટ પર એરક્રાફ્ટ વડે હુમલો પણ થઈ શકે અને બીજી સંભાવના એ થાય કે ડ્ર્રોનમાં જ રહેલું એર-ટુ-સરફેસ મીસાઈલ વડે ટારગેટને એક્યુરેટલી ધ્વસ્ત કરી શકાય.

9.5 મીટરની લંબાઈ અને પાંખનો સ્પાન 20 મીટર.એને ઉડ્ડયન માટે રન-વેની જરૂર પડે છે. જે એને વધુ ભરોસાપાત્ર બનાવે છે. આ ઉપરાંત એનો ઉડ્ડયન સમય 24 – 30 કલાકનો છે. બાકી વિગતો નીચે ટેબલમાં દર્શાવેલી છે.

Photo Courtesy: Mitesh Pathak

DRDO હાલમાં 10 રુસ્તમ ડ્રોનના પ્રયોગાત્મક રીતે નિર્માણ કરશે. અને એડવાન્સ્ડ ટેસ્ટના શીડ્યુઅલ તૈયાર થયા છે. રુસ્તમ જ્યારે સંપુર્ણ તૈયાર થઈ ભારતીય રક્ષા દળોમાં જોડાશે ત્યારે ઇઝરાયેલના હેરોન ડ્રોનને રીપ્લેસ કરશે. નેવી અને કોસ્ટ ગાર્ડ માટે અલગ મરીન સર્વેયેલેન્સ વર્ઝન પણ તૈયાર થઈ રહ્યાં છે.  આપણી થલ સેના અને વાયુ સેના 2025 સુધીમાં અંદાજે  200 ડ્રોનને પોતાના ફ્લીટમાં સમાવવાનું લક્ષ રાખ્યું છે. અને આ મહાત્વાકાંક્ષી યોજનામાં મેઈક ઇન્ડીયા હેઠળ ખાનગી ક્ષેત્ર પણ મહત્વનો ભાગ ભજવશે.

અત્યારે એડવાન્સ્ડ પરીક્ષણો કર્ણાટકમાં કોલાર નજીક આવેલ ચીત્રદુર્ગ એરફીલ્ડમાં ચાલી રહ્યા છે. અને એના પરીક્ષણોના ડેટા એનાલીસીસ અને જરૂરી મોડીફીકેશન બાદ ફાયનલ પરિક્ષણો શરૂ થશે. અને એ  આપણી સેનામાં ફરજ બજાવવા જોડાશે. દેશની સુરક્ષા માટે તત્પર.

જય હિંદ.

eછાપું

તમને ગમશે: ગર્જતા ચાલીસા – ચાલીસ કી ઉમ્ર કે ઉસ મોડ પર!!

2 COMMENTS

  1. આપણા અજોડ UAV વિષેની માહિતી ખુબજ સરળ શબ્દોમાં અને વિગતવાર આપવા બદલ ધન્યવાદ અને અભિનંદન.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here