ભારત બળાત્કારી No.1 છે એવું રોઈટર્સે કીધું એટલે આપણે માની લેવાનું?

0
331
Photo: eChhapu

આજથી લગભગ બે મહિના પહેલા કોલમ જમણી તરફમાં એક આર્ટીકલ પબ્લીશ થયો હતો જેનું શિર્ષક હતું ‘ભારત એટલે બળાત્કારીઓનો દેશ જ્યાં દર ચાર રસ્તે બળાત્કાર થાય છે.’ બરોબર બે મહીને ભારતીયો પર બળાત્કારી હોવાનું લેબલ લગાડવાનો ફરીથી પ્રયાસ થયો છે. અગાઉ કઠુઆની જઘન્ય ઘટના બાદ દેશના લિબરલોએ દેશ આખો બળાત્કારી હોવાની કાગારોળ મચાવી હતી અને હવે જાણીતી ન્યૂઝ સંસ્થા થોમસ રોઈટર્સે પોતાના એક ‘સરવે’ માં દુનિયામાં સ્ત્રીઓ માટે ભારત No.1 અસુરક્ષિત દેશ હોવાનું જાહેર કરી દીધું છે.

Photo: eChhapu

જ્યારે અફઘાનિસ્તાન અને સિરિયા જેવા હાડોહાડ આતંકવાદગ્રસ્ત દેશો પણ ભારત કરતા સ્ત્રીઓ માટે વધુ સુરક્ષિત ગણાતા હોય ત્યારે આ સરવે પર શંકા કરવી એ સામાન્ય રીએક્શન છે. આપણે ત્યાં પણ ઘણા પત્રકારોએ તેમજ સોશિયલ મિડિયા પર એક્ટીવ રહેતા અસંખ્ય ભારતીય નાગરિકોએ રોઈટર્સ દ્વારા આ રીતે ભારતને બળાત્કારી જાહેર કર્યા બાદ તેની સચ્ચાઈ અંગે ખણખોદ ચાલુ કરી દીધી. પરંતુ, આ ખણખોદનું કોઈ નક્કર પરિણામ જાહેર થાય એ પહેલા રાજકીય પોઈન્ટ્સ સ્કોર કરવા, સામાન્યતઃ મહિલાઓની છેલ્લા સિત્તેર વર્ષમાં સહુથી વધુ સમય સત્તામાં રહ્યા હોવા છતાં પરિસ્થિતિ સુધારવામાં નિષ્ફળ ગયેલી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખે તક ઝડપી લીધી.

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ રોઈટર્સ દ્વારા લખવામાં આવેલા એકેએક શબ્દને ભગવદ્ ગીતાનો શબ્દ ગણી તેને સાચો માનીને સ્ત્રીઓ વિષે ચિંતા કરવાને બદલે સીધા વડાપ્રધાન પર જ નિશાન તાંકયું અને કહી દીધું કે વડાપ્રધાન યોગના વિડીયો શૂટ કરવામાં વ્યસ્ત છે અને ભારત અફઘાનિસ્તાન, સિરિયા અને સાઉદી અરેબિયાથી પણ વધુ બળાત્કારી બની ગયો. રાહુલ ગાંધી અનુસાર આ સરવે એ દેશ માટે શરમજનક છે.

કોંગ્રેસ પ્રમુખ તો બહુ મોડામોડા મેદાનમાં આવ્યા, કદાચ હમણાં ક્યાંય ચૂંટણી નથી એટલે પર્સનલ કાર્યોમાં વ્યસ્ત હશે, પરંતુ એમની જેમજ મોદી સરકારને ભાંડવા માટે સદાય તત્પર એવા લિબરલ અને વામપંથી પત્રકારોની ફોજે તો રીતસરનો હુમલો જ બોલાવી દીધો. આમાંથી કોઇપણ વ્યક્તિએ એમ ન કહ્યું કે ચલો ભારતને ભલે બળાત્કારી No.1 જાહેર કરવામાં આવ્યું હોય પણ આપણે અમુક પ્રકારના પગલા લઈએ અથવાતો દેશમાં સ્ત્રીઓ સુરક્ષિત ફિલ કરે તે માટે આપણે બધા ભેગા થઈને કશુંક કરીએ. એમને તો બસ મોદીના આવ્યા બાદ જ ભારતમાં અચાનક બળાત્કારીઓને મોજ પડી ગઈ છે એવું ચિત્ર પ્રગટ કરવું હતું એટલે બસ મંડી જ પડ્યા.

પરંતુ, સત્યનો હંમેશા વિજય થાય છે અને એટલેજ ગઈકાલ બપોર પડતા પડતા રોઈટર્સના ભારત બળાત્કારી No.1 હોવાના દાવામાંથી હવા નીકળી ગઈ અને ફરીથી કોંગ્રેસ પ્રમુખ અને લિબરલો તેમજ વામપંથીઓ શરમજનક પોઝિશનમાં મુકાઈ ગયા. અગાઉ આપણે જે ખણખોદની વાત કરી હતી તેણે રંગ લાવ્યો અને રોઈટર્સે ખુદ કબુલ કર્યું કે તેનો આ સરવે “માત્ર માન્યતાઓ પર આધારિત છે”

Oh my gosh!!! માત્ર માન્યતાને આધારે તમે તમારી સંસ્થાના વિશ્વાસપાત્ર નામનો આવો દુરુપયોગ કરીને એક આખા દેશને બળાત્કારી જાહેર કરી દો છો? કોઈ મજાક ચાલે છે કે શું? જો ધારણા કરવાને બદલે રોઈટર્સે ખરેખર આંકડાઓની તપાસ કરી હોત તો જાણવા મળ્યું હોત કે બળાત્કારીઓ ના મામલે સાઉથ આફ્રિકા સહુથી આગળ છે જ્યાં દર લાખની વસ્તીએ 127.6 બળાત્કાર થાય છે, ત્યારબાદ સ્વિડન, ઓસ્ટ્રેલિયા, બેલ્જીયમ અને અમેરિકા જેવા સુધરેલા અને આગળ પડતા દેશો આવે છે અને ભારત બળાત્કારી No. 1 નહીં પરંતુ 94માં સ્થાને આવે છે.

બેશક ભારતમાં મહિલાઓની સુરક્ષા જડબેસલાક નથી જ. ભારતની સરકાર અને ભારતના સમાજે બળાત્કાર તો શું સ્ત્રીઓની છેડતી ઓછી થાય એ માટે ઘણા મહાભારતીય પ્રયાસો કરવાની હજી પણ જરૂર છે. જ્યાં સુધી સમાજ પોતાના દીકરાઓને છોકરીઓ અને મહિલાઓનું સન્માન કરતા સંસ્કાર ગળથુથીમાં નહીં આપે ત્યાં સુધી ભારતમાં સ્ત્રીઓ પોતાને સંપૂર્ણપણે સુરક્ષિત નહીં જ માની શકે એ સનાતન સત્ય છે. પરંતુ, જે રીતે રોઈટર્સ જેવી વિદેશી સંસ્થાઓ ભારતને આટલી હદે ખરાબ ચીતરે એ કેમ ચલાવાય? ખરેખર તો ભારત સરકારે થોમસન રોઈટર્સને શો કોઝ નોટીસ મોકલવી જોઈએ અને જો તેનો સંતોષકારક જવાબ ન મળે તો તેને દેશનું નામ ખરાબ કરવાના ગુના હેઠળ દેશની જ કોર્ટમાં ઘસડી જવી જોઈએ.

અરે વિદેશી સંસ્થાઓ તો ભારતને ખરાબ ચીતરવાના પ્રયાસો કરવાની જ, પરંતુ માત્ર રાજકીય વિરોધને લીધે દેશની પડખે ઉભા રહેવાની બદલે સીધા એમના બેન્ડવેગનમાં જોડાઈ જતા આપણા રાજકીય આગેવાનો અને લિબરલો તેમજ વામપંથીઓને આપણે શું કહીશું? ભલું થજો એ ખણખોદીયા પત્રકારોનું અને સોશિયલ મિડિયા પર જાગૃત ભારતીયોનું જેમણે ભારત પર બળાત્કારી No.1 નું લાગેલું ખોટું કલંક પોતાની મહેનતથી ચોવીસ કલાકમાં જ દૂર કરી દીધું.

eછાપું

તમને ગમશે: આપણે તહેવારો ઉજવીએ તો એમાં લોકોને વાંધો કેમ પડે છે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here