ઇન્સ્ટાગ્રામ પર ચાલતા અઢળક ગુજ્જુ પેજની રામાયણની પારાયણ

1
397
Photo Courtesy: lifewire.com

ગુજરાતી યુવાનો માટે જાણે બેરોજગારી ટાળવા કારકિર્દીનો નવો માર્ગ મળ્યો હોય એ રીતે ઇન્સ્ટાગ્રામ માં પેજના એડમિન બની કંપનીના CEO જેવું જીવન જીવવાની ઇચ્છા ધરાવે છે. હાલ જેટલાં ગુજરાતી લોકોના ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ નહીં હોય એના કરતાં તો ઢગલાબંધ એકાઉન્ટ ગુજ્જુ પેજના છે અને દિવસેને દિવસે તેની સંખ્યામાં વધારો જોવા મળે છે. એક જાણીતાં અર્થશાસ્ત્રીના જણાવ્યા અનુસાર ઇન્સ્ટાગ્રામ ગુજ્જુ પેજને BSE પર લિસ્ટ કરવામાં આવે તો શેરબજારમાં તેજીની લહેર જોવા મળશે!

Photo Courtesy: lifewire.com

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ગુજ્જુ પેજના નામની વિવિધતા જોતા ગુજરાતી શબ્દ કોષમાં નવા શબ્દો ઉમેરવા માટે ગુજ્જુ ઇન્સ્ટા એડમીન એસોસિએશન દ્વારા અરજી કરવામાં આવી છે. આવતા વર્ષોમાં ઓક્સફર્ડ ડિક્શનરીમાં પણ આ નામ ઉમરેવામાં આવે એની પ્રબળ દાવેદારી છે. આવા નામનો સંગ્રહ તૈયાર કરવાં ફેનક્લબની જબરદસ્ત માંગ છે. તમે તમારા ફેવરિટ ગુજ્જુ ઇન્સ્ટાગ્રામ પેજનું નામ કૉમેન્ટમાં લખો અને ખૂટતાં નામના પેજ તમે પણ બનાવો એવી શુભેચ્છાઓ.

આવનાર વર્ષોમાં સાહિત્ય પરિષદ તરફથી ઇન્સ્ટા કેટેગરીમાં પુરસ્કાર આપવાનું નક્કી કરેલ છે. આવી કેટેગરીના પુરસ્કારમાં નોમિનેશન મેળવવા માટે તમારે ‘ઇન્સ્ટા’ પર શાયરી કરવી જરૂરી છે જેની લાક્ષણિકતા નીચે મુજબ છે.

1- શાયરીના બેકગ્રાઉન્ડમાં અતિમોહક HD ફોટોનો ઉપયોગ થયેલો હોવો જોઈએ.

2- દરેક શાયરીમાં દિકુ શબ્દનો પ્રયોગ કરવો આવશ્યક છે.

3- તેમાં અવશ્ય પણે જોડણી તથા વ્યાકરણની ભૂલ હોવી જોઈએ.

4- બીજાની શાયરીમાં પોતાનું નામ ઉમેરીને પોસ્ટ કરેલી હોવી જોઈએ.

5- દરેક શાયરીમાં ફેન ક્લબ દ્વારા વાહ વાહ અને હા મોજ હાની કૉમેન્ટ્સ જરૂરી છે.

સૌથી મજાના પેજની શ્રેણી એટલે UPSC અને GPSC કરતાં અઘરા પ્રશ્નો પૂછીને તમનેએ પ્રશ્નનો જવાબ શોધવા માટે તમારે બે વાર માથું ખંજવાળવું પડે પણ છેલ્લે જવાબ મળી જાય અને સાથે સાથે તમારાં ભાઈબંધ કે બહેનપણીને ટેગ કરવાનું કે’તા હોય એ !

આવા અધરા પ્રશ્નો એટલે તમારા ફેવરિટ મુવીનું નામ? હીરોનું નામ? તમને આ ફોટો જોઈને જેની યાદ આવે એને ટેગ કરો! કોણે કોણે કોલેજમાં આવું કર્યું છે તે હાથ ઊંચો કરે? (બીજા પ્રશ્નો તમે જાતે જોઈ લેજો) પણ શું આવા પ્રશ્નો! કંઈ કક્ષાના પ્રશ્નો છે?

આવા ઇન્સ્ટાગ્રામ પેજ પર હજારો ફોલોઅર્સ હશે, એક એક પોસ્ટ પર અઢળક લાઇકો, કૉમેન્ટ, ટેગિયાવ અને લાઈવમાં એડમિનના નખરાં જોનારાનો આંકડો પણ હજારોમાં છે. ઇન્સ્ટાગ્રામ પર આવી ફાલતું પોસ્ટને પ્રોત્સાહન આપનારાં લોકો કોણ છે તેનો અભ્યાસ કરશો તોએ આપણું ગુજરાતનું યુવાધન. આ યુવાનો પાસે પોતાના બાળકોને સંભળાવવા વાર્તા નહીં હોય અને હશે તો માત્ર ઇન્સ્ટાગ્રામની સ્ટોરીને બુમરેગ!

શું આવા હોય ગુજરાતી યુવાનો કદાચ ગુજ્જુ યુવાનો આવા હશે! ગુજરાતી જેટલો મધુર અને માન ઉપજાવતો શબ્દ આપણી ભાષા પાસે છે તો ગુજ્જુ જેવા તોછડા શબ્દનાં પ્રયોગની જરૂર ખરી! આવા લોકો પોતાના અંગત જીવનમાં કોઈ ઉમદા વ્યક્તિ કે તેમના વિચારોને ફોલો કરતાં હશે? ઇન્સ્ટા કવોટને લાઈક કરીને સ્ટોરીમાં અપલોડ કરી દેવાનું બસ. શું પોતે જીવનમાં આંખો મીંચીને કોઈને ફોલો કરતાં રહેશે કે પોતાના વ્યક્તિવનું પણ એવું નિર્માણ કરશે કે લોકો એમને ફોલો કરે.

નોંધ: લેખમાં કોઈ વ્યક્તિ કે વિચારોને હાની પહોંચાડવાનો કોઈ ઉદ્દેશ નથી.

~મોજપુત્ર’આનંદ’

eછાપું

તમને ગમશે: તમને ખબર છે સ્કુલમાં તમારું સેટિંગ કેમ ના પડ્યું? આ રહ્યા તેના કારણો

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here