સર્જીકલ સ્ટ્રાઈક રૂપી કોળીયો કોંગ્રેસના ગળામાં બરોબરનો ફસાઈ ગયો છે

2
313
Photo Courtesy: india.com

બે વર્ષ પહેલા જ્યારે આર્મીના DGMOએ ભરી પ્રેસ કોન્ફરન્સમાં આપણી સેનાએ પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમાં ઘુસી જઈને સર્જીકલ સ્ટ્રાઈક કરી છે એવી માહિતી આપી ત્યારે મોટાભાગના દેશવાસીઓની છાતી ગજગજ ફૂલી ગઈ હતી. પરંતુ કાયમની જેમ કોંગ્રેસી, આપવાદી, વામપંથી અને લિબરલ આ પ્રકારની બહાદુરીની ક્રેડિટ નરેન્દ્ર મોદી શેના લઇ જાય એની ચિંતા વધારે કરવા લાગ્યા નહીં કે એક સેકન્ડનો પણ સમય બગાડ્યા વગર સામે આવીને આર્મીને તેની વીરતા બદલ બિરદાવવાનું કામ કરવાની તેમણે તસ્દી લીધી.

શરુશરૂમાં કોંગ્રેસે મગનું નામ મરી ન પાડ્યું અને “ઠીક છે અમે સરકારને નહીં પરંતુ સેનાના શૌર્યને સલામ કરીએ છીએ” જેવા મોળામોળા રીએક્શન આપ્યા. દેશ પર છ દાયકા સુધી શાસન કરનાર કોંગ્રેસને એટલી ખબર તો હોય જ કે આપણા દેશની બહાદુર સેના જરૂર પડે ત્યારે શૌર્ય જરૂર દેખાડે છે પરંતુ તેને ઓર્ડર તો જે-તે કેન્દ્ર સરકાર અને તેના વડા પાસેથી જ લેવા પડે છે. આપણા દેશની આર્મી પણ વિશ્વના કોઈ અન્ય લોકશાહી દેશની જેમ યુદ્ધસ્તરના નિર્ણયો જાતે લેવા માટે આઝાદ નથીજ. પણ કોંગ્રેસને છાશ પણ લેવી હતી અને દોણી પણ સંતાડવી હતી અને એટલે તેણે આર્મીના તો વખાણ કર્યા પરંતુ નરેન્દ્ર મોદી સરકાર જેણે સર્જીકલ સ્ટ્રાઈક કરવાનો આખરી નિર્ણય લીધો તે કોઈ ક્રેડિટ ન લઇ જાય એનું ધ્યાન વધારે રાખ્યું.

અને દિલ્હીના મુખ્યમંત્રીએ તો પાકિસ્તાનમાં ઉઠી રહેલા સવાલોના જવાબ મોદી સરકારે આપવો જોઈએ એવા રૂપાળા બહાના હેઠળ સોશિયલ મિડિયા પર સર્જીકલ સ્ટ્રાઈક થઇ છે કે કેમ તેના આડકતરા સબૂત માંગ્યા. જો કે ટૂંકાગાળાના લાભ લેવા ટૂંકી દ્રષ્ટિ ધરાવતા અરવિંદ કેજરીવાલે આવું ન કર્યું હોત તો જ લોકોને નવાઈ લાગત. પરંતુ દેશના વિપક્ષો માત્ર સરકાર દ્વારા કોઈ લાભ ન લેવાય તે માટે દેશના દુશ્મનની ભાષામાં સૂર મેળવીને જ્યારે વાત કરવામાં માંડે ત્યારે દેશવાસીઓની ભાવના તો હર્ટ થાય જ છે પરંતુ સેનાના મોરાલ પર પણ અસર પડે છે. પણ અહીં આ બંનેની ચિંતા કોને હતી? ચિંતા ફક્ત એટલીજ હતી કે દેશવાસીઓના દિલની ભાવના કે પાકિસ્તાનને પાઠ ભણાવવો જોઈએ તેવું જ કાર્ય કરી બતાવનાર સેનાને હુકમ આપનાર નરેન્દ્ર મોદી અને તેમની સરકાર ક્યાંક પ્રજામાં હિરો થઈને ચૂંટણીઓ જીતવા ન લાગે.

હવે છેલ્લા બે દિવસથી વિવિધ ન્યૂઝ ચેનલો સર્જીકલ સ્ટ્રાઈક વખતે આપણા આર્મી જવાનોએ પોતાની હેલ્મેટમાં ફિક્સ કરેલા કેમેરાઓ તેમજ UAV દ્વારા લેવામાં આવેલા દ્રશ્યો સતત બતાડી રહી છે. આ દ્રશ્યો સાચા છે તેવી પુષ્ટિ આર્મીના ભૂતપૂર્વ લેફ્ટનન્ટ જનરલ દિપેન્દ્ર સિંઘ હૂડાએ લાઈવ ચર્ચા દરમ્યાન કરી છે. લેફ્ટનન્ટ જનરલ હૂડા એ જ વ્યક્તિ છે જેમણે આખેઆખી સર્જીકલ સ્ટ્રાઈક દિલ્હી કન્ટ્રોલ રૂમમાં આખી રાત બેસીને કન્ટ્રોલ કરી હતી.

Photo Courtesy: india.com

એક વખત સર્જીકલ સ્ટ્રાઈક વિષે મોળી પ્રતિક્રિયા આપ્યા બાદ (જેને આર્મીની શૂરવીરતા પર શંકા વ્યક્ત કરવાથી બિલકુલ ઓછી ન કહેવાય) આ દ્રશ્યો સર્જીકલ સ્ટ્રાઈક ખરેખર થઇ હોવાની પુષ્ટિ કરી રહ્યા હતા એટલે કોંગ્રેસ ફરીથી હતપ્રભ થઇ ગઈ. ગઈકાલે કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ પ્રેસ કોન્ફરન્સમાં મોદી સરકાર પર આર્મીનો ઉપયોગ રાજકારણમાં કરવાનો આરોપ મૂક્યો! વેરી ગૂડ, પરંતુ સૂરજેવાલા સર કદાચ એ બાબત ભૂલી ગયા હતા કે સર્જીકલ સ્ટ્રાઈકની તુરંત બાદ એક ચુનાવી રેલીમાં તેમના હાલના પ્રમુખ રાહુલ ગાંધીએ વડાપ્રધાન સૈનિકોના લોહીનો વ્યાપાર કરી રહ્યા હોવાનો આરોપ મૂક્યો હતો, શું આ સેનાનું રાજનીતિકરણ ન કહેવાય?

સૂરજેવાલા એ એમ પણ કહ્યું હતું કે જ્યારે જ્યારે ભાજપની લોકપ્રિયતા નીચે જાય છે ત્યારે ત્યારે મોદી અને શાહ આર્મીનો ઉપયોગ કરે છે. ટૂંકમાં કહીએ તો કોંગ્રેસનો સૂર એ હતો કે છેક બે વર્ષ બાદ સર્જીકલ સ્ટ્રાઈક ખરેખર થઇ છે એવા સબૂત જાહેર કરવાની શી જરૂર? કોંગ્રેસ આ વિડિયોઝના ટાઈમિંગ પર પ્રશ્ન કરી રહી હતી. તો કોંગ્રેસને એટલુંજ કહેવાનું કે સર્જીકલ સ્ટ્રાઈક એ મોદી સરકારનું હુકમનું પાનું છે, અને હુકમનું પાનું જે વ્યક્તિ પાસે હોય એ જ નક્કી કરતો હોય છે કે તેણે એને ક્યારે ઉતરવું. અને હજી આ તો આટલા વિડીયોઝ જ આપણને દેખાડ્યા છે, 2019 આવતા આવતા તો આવા ઘણા વિડિયોઝ આવશે એટલુંજ નહીં ક્યાંક POKમાં સર્જીકલ સ્ટ્રાઈક કરતા પણ આકરું પગલું ભારતીય સેના લે તો પણ નવાઈ ન પામવી જોઈએ.

ભાજપ અને મોદીને હુકમનું પાનું પકડાવવાની ભૂલ પણ કોંગ્રેસની જ છે. જો સર્જીકલ સ્ટ્રાઈક થયાની જાહેરાતના અમુક કલાક બાદ જ તેણે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હોત કે દેશમાંથી આતંકવાદના નિર્મૂલન માટે આ પગલું જરૂરી હતું અને અમે આ મામલે દેશની આર્મી અને સરકાર સાથે ખભેખભો મેળવીને ઉભા છીએ તો તેની દેશની પ્રજા પર અસર જ અલગ પડી હોત અને આજે તેણે આ રીતે ફીફાં ખાંડવા પડ્યા ન  હોત.

કોંગ્રેસ ભલે એમ કહેતી હોય અમારા સમયમાં પણ સર્જીકલ સ્ટ્રાઈક થઇ છે પણ અમે ક્યારેય એની જાહેરાત નથી કરી, તો કોંગ્રેસને સીધોસાદો સવાલ એક જ કરી શકાય કે કેમ? કેમ તેણે એ સમયે ન કરી આવી જાહેરાત? જો તેણે તેના સમયમાં સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી અને તેની જાહેરાત કરી હોત તો આજે કોંગ્રેસની છબી દેશવાસીઓના મનમાં વધુ સારી હોત અને 2014માં તે સાવ 44 બેઠકો સુધી સીમિત થઇ ગઈ ન હોત અને પાકિસ્તાની પ્રવૃત્તિઓ વહેલી કાબુમાં આવી ગઈ હોત એ નફામાં.

પાકિસ્તાનમાં છુપાયેલા આતંકવાદીઓ પર સર્જીકલ સ્ટ્રાઈક કર્યાના બે વર્ષ બાદ તેના વિડીયો જાહેર કરીને નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પણ આડકતરી સર્જીકલ સ્ટ્રાઈક કરી દીધી છે.

eછાપું

તમને ગમશે: બોલરો પર સર વિવ રિચર્ડ્સ જેવી જ ધાક જમાવી રહ્યો છે વિરાટ કોહલી

2 COMMENTS

  1. સિદ્ધાર્થભાઈ,
    લેખના પહેલા જ વાક્યમાં DRDO નહીં પરંતુ DGMO (ડિરેક્ટર જનરલ ઓફ મિલીટરી ઓપેરશન) હોવું જોઈએ.

    હું જો ખોટો છું તો મારો કાન પકડો.

    મિહિર પારેખ,
    બારડોલી, જી. સુરત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here