મારો, તમારો, આપણો મિડલ ક્લાસ – તુજ સે નારાજ નહીં ઝિંદગી, હૈરાન હૂં મૈં..

0
386
Photo Courtesy: qz.com

વર્ષો પહેલાં પદ્મશ્રી ભીખુદાન ગઢવીની એક કેસેટમાં મિડલ ક્લાસ વિષે એક ટૂચકો સાંભળેલો. એકદમ સચોટ. આપણામાંથી કેટલાય એવા હશે જેણે જરૂરિયાત પૂરી કરવા (મોજ-મસ્તી માટે નહીં) દેવું કરીને પોતાની ઊંઘ બગાડી હશે. આ ટૂચકામાં કાંતિભાઈને રૂપિયા પાછા નહીં આપવાનો કોઈ ઈરાદો નથી પણ અત્યારે એનું બંદોબસ્ત નથી તો એ ટેન્શન પર ઊંઘ બગાડીને બીજું ટેન્શન શું કામ લેવું? મિડલ ક્લાસ ની આ જ વાત છે. સોલ્યુશન ઓછા અને પ્રોબ્લેમ વધારે! પહેલા ભીખુદાનભાઈનો એ મિડલ ક્લાસ પરનો ટૂચકો મમળાવીએ પછી આગળ વધીએ?

એક ભાઈને ઊંઘ નહોતી આવતી. પથારીમાં પડ્યા પડ્યા પડખાં ફર્યા કરે અને વિચાર્યા કરે. એના પત્નીએ પૂંછ્યું, ‘કેમ? શું થાય છે? તબિયત ખરાબ છે? પડખાં ફર્યાફર્ય કરો છો.’

પતિએ કંઈ જવાબ ન આપ્યો. પત્નીએ ફરી પૂછ્યું, ‘સાચેસાચું કહો. કંઈક તો પ્રોબ્લેમ છે.’

પતિએ જવાબ આપ્યોઃ ‘હું તને સવારે કહીશ.’

પત્ની ઊભી થઈ અને બોલી, ‘મને અત્યારે ને અત્યારે કહો. હું તમારી અર્ધાંગિની છું અને તમારા દુઃખની સહભાગી છું.’

પતિએ ધીમા અવાજે કહ્યું, ‘સામેવાળા કાંતિભાઈ મારી પાસે દસ હજાર રૂપિયા માંગે છે. સવારે આપવાનો વાયદો કરેલો છે અને મારી પાસે અત્યારે રૂપિયાનો કોઈ બંદોબસ્ત નથી.’

‘બસ, આટલી અમથી વાત? દસ હજાર રૂપરડી માટે તમે લાખ રૂપિયાની નીંદર બગાડો છો? ઊભા રહો.’

ઘરની બારી ખોલીને બૂમ મારીઃ ‘કાંતિભાઈ એ કાંતિભાઈ’

સામેથી કાંતિભાઈએ જવાબ આપ્યોઃ ‘શું થયું બેન?’

‘તમે તમારા ભાઈ પાસે દસ હજાર રૂપિયા માંગો છો?’

‘હા’

‘એક રૂપિયો નથી દેવાના’ કહીને બારી બંધ કરી દીધી.

પોતાના પતિને કીધું: ‘સૂઈ જાઓ, હવે જાગશે કાંતિભાઈ.’

 

Photo Courtesy: qz.com

મિડલ ક્લાસ શબ્દ ક્યાંથી આવ્યો હશે? ચંદ્રકાંત બક્ષીએ એકવાર લખેલું કે ‘મિડલ ક્લાસ’ શબ્દ ભારતની દેન નથી. આપણે ત્યાં વર્ણવ્યવસ્થા હતી, વર્ગવ્યવસ્થા નો’તી. વર્ણ એટલે કાસ્ટ અને વર્ગ એટલે ક્લાસ. અપર કાસ્ટ-લોઅર કાસ્ટ એમ બે કક્ષાઓ હતી પણ મિડલ કાસ્ટ અથવાતો મિડલ ક્લાસ એવું ક્યારેય સાંભળવામાં નથી આવતું. પછી સમાજે જેમ પ્રગતિ કરી એમ ઉચ્ચવર્ગ (અપ્પર ક્લાસ), મધ્યમવર્ગ (મિડલ ક્લાસ) અને નિમ્નવર્ગ (લોઅર ક્લાસ) એવા ભાગ પડ્યા હશે. બદલાતા ઈતિહાસ સાથે મિડલ ક્લાસ વિરાટ થતો ગયો. ગરીબ થયેલા અમીરો અને અમીર થયેલા ગરીબો આ વર્ગમાં સમાતા ગયા છેવટે આજે મિડલ ક્લાસ પણ ત્રણ ભાગમાં વહેંચાઇ ગયો છેઃ અપર મિડલ ક્લાસ, મિડલ મિડલ ક્લાસ અને લોઅર મિડલ ક્લાસ! લગભગ 2013માં ટ્વિટર પર ‘I am so middle class’ નામનો એક ટ્રેન્ડ ભારે પોપ્યુલર થયેલો.

કોણ છે આ મિડલ ક્લાસ? હું, તમે, આપણે બધા મધ્યમવર્ગના સભ્યો છીએ. મહિને 10 હજાર કે 50 હજાર કે 1 લાખ કમાનાર પણ. બક્ષીબાબુએ વ્યાખ્યા કરેલી કે   મિડલ ક્લાસ પાસે નૈતિકતાના ગુણો છે, કુટુંબમાં માને છે, સગાં-વહાલાંને પ્રેમ કરે છે, પાડોશી સાથે ઝઘડા કરે છે, વધારે કમાવવાની કોશિશ કરે છે, ઘરનું ઘર કરવાની આશાએ બસ-ટ્રેન-રીક્ષામાં ધક્કા ખાય છે, બોસથી ડરે છે અને એકલામાં બોસ પર ચીડાય છે, ટૅક્સ ભરે છે, LICના હપ્તા ભરે છે, ૭/૧૨નો ઉતારો કે બાયોમેટ્રિક આધારકાર્ડ, પેનકાર્ડ, રાશનકાર્ડ બનાવે છે, કેશલેસ મેડિક્લેઈમ કઢાવે છે, ભગવાન-ઈશ્વર-અલ્લાહથી ડરે છે, વોટ આપે છે, ખોટું કરવાની હિમ્મત નથી, કાનૂન અને કોર્ટ-કચેરીથી ડરે છે, અન્યાય સહન કરતો રહે છે, એક સાંધે ત્યાં તેર તૂટે છે, ક્યારેક અવાજ ઉઠાવે છે તો ક્યારેક આંદોલનો કરે છે. આ એ જ મિડલ ક્લાસ છે જે ફાટેલા વસ્ત્રોના પોતા-પગલૂછણિયાં, જૂની સાડીના ગોદડાના કવર અને બાપુજીના લેંઘામાંથી થેલીઓ બનાવે છે. રેસ્ટોરેન્ટમાં મેન્યુ જમણેથી ડાબી તરફ વાંચે છે, જમીને બહાર નીકળતા મુઠ્ઠો ભરીને વરિયાળી લે છે, ટૂથપેસ્ટની ટ્યૂબને વેલણથી દબાવીને 2-3 દહાડા વધુ ચલાવે છે. ‘કરકસર એ બીજો ભાઈ છે’ એ મિડલ ક્લાસનો મોટ્ટો છે.

વિપિન પરીખની એક કવિતા જોઈએ. આખી કવિતા વાંચજો – એમ જ લાગશે કે આપણી જ વાત થાય છે.

ધાર્યું હોત તો દસપંદર વરસ પહેલાં, માત્ર બેત્રણ હજારમાં ખુશીથી

દેશવિદેશ ‘પ્લેન’માં ઊડી શક્યો હોત. ઊડ્યો નહીં.

‘વિમાનની મુસાફરી આપણને પોસાય નહીં’,

બોલી ઘરમાં જ બેસી રહ્યો. સપનામાં હવે એરોડ્રોમ પર જાઉં છું, પાછો આવું છું.

તે દિવસોમાં નવી ‘ઍમ્બેસૅડર’ અઢાર હજારમાં લઈ, મિત્રોની વચ્ચે રાજાની જેમ મહાલી શક્યો હોત!

નવી ગાડીનો ભાવ સાંભળી હવે

‘એ તો રાજા-મહારાજાને પાલવે’, કહી સમસમીને બસ ટ્રેન વચ્ચે દોડું છું.

‘સોનું-ચાંદી ઘરમાં સંઘરવું એ દેશને હાનિકારક છે.’ એ નેતાશાહી સલાહ સાચી માની.

80-90ના ભાવે સોનું ખરીદ્યું નહીં.

દીકરીનાં લગ્ન માટે હવે સળગતા ભાવે સોનું કેવી રીતે લેવું?

તેના આટાપાટા ગોઠવતાં રાતભર પડખાં ઘસ્યાં કરું છું.

હજી ગઈ કાલે જ આંખની સામે, ત્રીસ રૂપિયા ‘સ્ક્વેર ફૂટ’નો ભાવ હતો.

ધાર્યું હોત તો ‘પૉશ લૉકાલિટી’માં આલીશાન ફ્લૅટ ખરીદી

વરસો સુધી જાતને ફુલાવી શક્યો હોત.

ત્યારે તે પણ મોંઘું લાગ્યું ને બે રૂમમાંથી ભાગ્યને ખસેડ્યું જ નહીં!

હવે રોજ સવારે વધતા ભાવો છાપાંમાંથી ઊડી

મારી પાસે જોઈ ખીખી ખીખી હસે છે.

કહે છે, ‘તું એક નંબરનો મૂરખ….આમ જ રહી ગયો!’

સુરેશ દલાલે આ કાવ્યનો રસાસ્વાદ કરાવ્યો છે. આખા કાવ્યની ધ્રુવપંક્તિ છે – ધાર્યું હોત તો! મધ્યમવર્ગ પાસે ધારવાની હિંમત પણ નથી. આવેલી પરિસ્થિતિ સ્વીકારી લઈએ અને સમજ પડ્યે મોડા પડ્યાનું આપણામાંથી લગભગ બધાંએ અનુભવ્યું હશે. મિડલ ક્લાસના માણસને બે પાંદડે થવાની ઘણી ઈચ્છા હોય છે પણ નસીબનું પાંદડું હલે તો ને? ઘણાં એવા દંપતિ વિશે જાણ છે જેમાં પત્ની પતિને કોસતી હોય કે તમારાથી જીવનમાં કાંઈ થયું જ નહીં. બધી તકોમાં મોડા પડ્યા છો. પ્રોબ્લેમ ક્યાં છે, ખબર છે? માનસિકતામાં! સ્કૂલમાં ગુજરાતી વિષયમાં નિબંધનો વિષય હોય છે – મધ્યમવર્ગની વિટંબણા.

મને તો એમ થાય છે કે વિટંબણાની વાત પછી પણ પહેલાં તો મધ્યમવર્ગની માનસિકતા વિશે શીખવાની જરૂરત છે. મિડલ ક્લાસ ન વિમાનમાં ઊડે છે, ન દેશ-પરદેશની મુસાફરી કરે છે, પસાર થતી ગાડીઓને જોયા કરે છે પણ એકાદ કાર ખરીદી નથી શકતો, ઘરના પ્રસંગો પણ ધામધૂમથી ઉજવવામાં આંખે તારા દેખાઈ જાય છે. જેટલું મળ્યું છે એમાં સંતોષ રાખવો જોઈએ એ વાત સારી છે પણ વાસ્તવિકતા એ વાતને કાયમ માટે સ્વીકારી શકતી નથી. કાંટો એક જગ્યાએથી બીજી જગ્યાએ હલવો તો જોઈએ ને? બે નંબરના પૈસાની દુનિયામાં એકલા મૂરખ બનવા કરતા, પરિસ્થિતિમાંથી બહાર નીકળવાની ફક્ત હિંમત કરવાની જ જરૂર છે. બાકી તો બધું સમયસર થવા માંડશે. આમીન!

પડઘોઃ

અંદર લગી પહોંચાય એવું હતું, ના ના અંતર લગી પહોંચાય એવું હતું

બહાર જવા નીકળ્યો હોત તો સરહદ નહીં પણ અનહદ સુધી પહોંચાય એવું હતું.

– જયન્ત પાઠક

eછાપું 

તમને ગમશે: મનગમતા ભોજનના રંગ બરસે – રોઝ-કોકોનટ ગુજીયાની રેસિપી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here