Home એટસેટ્રા ગોળ કરતાં પણ ગળ્યું – ઘર સજાવટની મધ્યમવર્ગીય મુશ્કેલી પર લઘુકથા

ગોળ કરતાં પણ ગળ્યું – ઘર સજાવટની મધ્યમવર્ગીય મુશ્કેલી પર લઘુકથા

1
230
Photo Courtesy: biteinto.info

કહેવત છે ગોળ નાખો એવું ગળ્યું થાય. એટલેકે જેવી મહેનત તેવું સારું ફળ, જેવો ખર્ચ તેઓ ઉપભોગ. શ્રેષ્ઠ ક્યારેય સસ્તું હોતું નથી. કારકિર્દી હોય કે ઘરની મહત્વની વસ્તુ.

નિલયભાઈના મોં માંથી સીટી વાગી ગઈ.

“પડદો કાપડ સાથે વીસ હજાર? સોફાના સવા લાખ? ને ટીવી યુનિટ શો કેઇસ સાથે પચીસ હજાર? અરે મારા પરસેવાના પગારની બચત ડ્રોઈંગ રૂમ ના બે ચાર ખપાટિયા અને બારી બારણાં ઢાંકવાનાં કપડામાં જ ઉડી જશે?”

નિકિતા બહેને તુરત જ પતિને હળવેથી ખભો પસવારતાં કહ્યું “આપણે સોફા માટે તૈયાર ફર્નિચરની દુકાનો જોઈ. હજુ બીજા મિસ્ત્રીને પૂછી જોઈએ. નેહા બહેને હમણાં જ કરાવ્યા, તેમના મિસ્ત્રી અને દરજીને  બોલાવીશું. ચિંતા નહીં કરતા. આખરે તમારી બચતમાંથી જ મારે ઘર ચલાવવું છે ને?”

બંને પતિ પત્ની આમ તો સમજુ હતાં. નવું જ ઘર હતું. બંનેના ટેસ્ટ ઊંચા હતા. બાજુમાં કે મિત્રોને ત્યાં સુંદર રીતે સજાવેલું ઘર જોઈ તેમને થતું કે આપણું ઘર પણ આવું જ સુંદર દેખાય. નિલયભાઈ તો મઝાક કરતા કે “જીસકી બીબી ગોરી ઉસકા ભી બડા નામ હૈ”

“આ ઘરમાં તું જ એટલી ગોરી ને સુંદર છો કે આવનાર તને જ જોઈ રહે, ફર્નિચર કોણ જોવાનું છે?”

પરંતુ તુરત પોતે જ કહેતા કે માણસની પ્રથમ ઓળખાણ તેનાં કપડાં, ઘરની પ્રથમ ઓળખ સ્વચ્છતા અને સુંદર સજાવટ. એક નુર ઘર, હજાર નુર સજાવટ.

અત્યારેતો તેઓ ઘરમાં દોરીના નેફામાં ગોળ નાડી પરોવી એલ્યુમિનિયમના સ્લાઈડિંગ ડોર પર રાખેલા કાબુવાલાના પડદા તથા કનુભાઈ મારવાડીના સ્પ્રિંગ પર ડનલોપ ગાદી બેસાડી બનાવેલા સોફા પર ફુલવાળા ફેબ્રિકનાં કવર ઘરનું મધ્યમવર્ગપણું ગાઈવગાડીને જાહેર કરતાં હતાં.

નવું ઘર કરવામાંજ તેઓ લાંબાં થઈ ગયેલાં. આખરે નવું પગારપંચ આવ્યું. નિલયભાઈને એરિયસ અને બોનસ મળ્યું. હવે પડદા, સોફા,ટીવી નીચે એલયુમિનિયમની ટ્રોલીને બદલે યુનિટ, બુટ ચપ્પલ રાખવા વ્યવસ્થિત કબાટ અને સારા શો પીસ. ડ્રોઈંગ રૂમની સજાવટ માટે તેઓ કૃતનિશ્ચયી બન્યાં. પહેલા તો આજુબાજુમાં ક્યાંથી શું ખરીદાયું છે અને કેટલામાં એની દરેક મઘ્યમવર્ગીય પરિવારની જેમ જ તપાસ કરી.

દ્વિરેફભાઈ તો 100 રૂપિયે મીટરનું હેન્ડલુમનું પડદાનું કાપડ લઈ આવેલા. બ્રિજેશભાઈ તો સેકંડહેન્ડ ફર્નિચર વેચતી ઓનલાઈન સાઇટ ક્વિકર પરથી ટીવી યુનિટ અને શું કેબિનેટ  લઈ આવેલા??? દરેક વસ્તુ મિસમેચ. એમને અહીં ઝાઝું રહેવાનું ન હતું.

ત્વરિતભાઈની તો વાત જ પૂછો નહીં. એક તો મોટી કંપનીમાં મેનેજર અને પાછા નાગર જ્ઞાતિ. ચોઇસ તો ઉડીને આંખે વળગે તેવી. એમણે તો ઇન્ટિરિયર ડેકોરેટર જ બોલાવેલા. પણ ખર્ચ? ચારેક લાખ ઉપર તો એકલા ડ્રોઈંગરૂમની સજાવટના. તેઓ કહેતા કે એકવાર છે. બાકી ગોળ નાખો એવું ગળ્યું થાય.

નિલયભાઈ આખરે નિકિતને કહે સંતાનોના અભ્યાસ અને આકસ્મિક ખર્ચ માટે જરૂરી બાજુમાં મૂકી પછી સજાવટ માં નાખીએ.

નિકિતા એક સમજુ ગૃહિણી હતી. એ કહે દરેક ખર્ચનો પહેલાં વિચાર કરી લઈએ પણ તે પછી મહામુલી બચત ખર્ચીને પણ આંખ ખેંચી રાખે તેવું આકર્ષક ન દેખાય તો બચત વેડફી નાખી જ કહેવાય. સુંદર દેખાતું ઘર હશે તો રંગબેરંગી ફૂલો પર ભમરા જલ્દી આવે તેમ સારા મિત્રો ખેંચાઈ આવશે. થોડાં વર્ષો પછી છોકરાંઓને પરણાવવાની વાત આવશે ત્યારે પણ આપણા સંસ્કારોનું બોર્ડ મારી શકાશે નહીં. ઘરની સજાવટ જ પહેલો પ્રભાવ પાડશે કે કૌન કૌન કિતને પાની મેં.

તેઓ દ્વિરેફભાઈને ઘેર ગયાં.  જુનાં ફર્નિચર પર નવું સસ્તું લેમીનેટ કરેલાં ફર્નિચર પર બેસી ઝીણા ફૂલની ડિઝાઇનવાળા કપ રાકબીમાં ચા પી  આ ‘સજાવટ’ પર ચોકડી મારી તેઓ ત્વરીતભાઈ ને ઘેર ગયાં. સજાવટ તો એકદમ સુંદર પણ એમનો ઇન્ટિરિયર ડેકોરેટર બે અઢી લાખના ‘નાનાં’ કામ માટે ધક્કો ખાય એમ ન હતો. નિકિતાએ તુરત મઝાકમાં કહ્યું “થોડો ઓછો ગોળ નાંખશું. ડાયાબીટીસ નહીં થાય.”  પરંતુ ઘેર જઈ નિલયને સમજાવ્યું કે “જુઓ, જોતાં જ મોં માંથી વાહ નીકળી જાય છે ને? આ જ બતાવે છે કે ગોળ નાખો એવું ગળ્યું થાય. “

આખરે નિલયભાઈએ થોડી વધુ બચત દિવાનખંડ તેમજ રસોડું, અંદરના રૂમોમાં વધુ ગોળ નાખવા માટે ઢીલી મુકવા મન મનાવ્યું. ફર્નિચર વેચતી સ્ટાન્ડર્ડ દુકાનમાંથી માણસ બોલાવી રૂમને અનુરૂપ લંબાઈ, ખૂણાઓ જોઈ ડિઝાઇન કરાવી. દીવાલોનો રંગ ત્વરિતભાઈની સલાહ લઈ  નક્કી કર્યા. પડદા વગેરે દીવાલો સાથે મેળ ખાય તેવા વેલવેટના અને નવી જ ડિઝાઇનના, માત્ર પડદા જ વેચતી દુકાનના નક્કી કર્યા. ફર્નિચર માટે પુસ્તકોનો સહારો લઈ ટીવી યુનિટ, શુ રેક બનાવરાવ્યાં. નિકિતાએ ક્યારેક કેનવાસ પર જાતે પેઇન્ટ કરેલ ચિત્ર મઢાવી સુંદર ફ્રેમ બનાવરાવી દીવાલ પર લગાવી. ખૂણામાં ઉભા ફ્લાવરવાઝમાં ઘરમાં ઊગી શકે તેવાં  સાચાં ફુલોનાં રોપા લગાવ્યા. સામેની દીવાલો પર કુદરતી દ્રશ્યોના બ્રાઇટ કલરના વૉલ પેપર લગાવ્યા અને તેઓના સહકુટુંબ કરેલી ટ્રીપના ફોટાઓવાળી ફ્રેમો યુનિટ પાસે મૂકી આખરે ડ્રોઈંગરૂમ સજાવટના ઇતિશ્રી કર્યા.

થોડા જ વખતમાં નવું વર્ષ આવ્યું. સાલમુબારક કરવા આવતા મિત્રો અને સંબંધીઓ તુરત કહેતા  “જેવાં સુંદર નિકિતાભાભી તેવું જ સુંદર તેમનું ઘર!”

એક મિત્રની પુત્રીએતો ડ્રોઈંગરૂમના ફોટા પણ પાડી ફેસબુક પર મુક્યા જેને ખૂબ જ લાઈક મળી. કૉમેન્ટ્સમાં તો હતું જ કે સજાવટ તો નિલયભાઈની. કોઈએ લખ્યું કે “સુંદરીનો સૌંદર્ય મહેલ”. મિસ વર્લ્ડનું વંડરવર્લ્ડ. કોઈએ વળી નિકિતાના ફોટા પાછળ રૂમનું બેકગ્રાઉન્ડ બતાવી  “સૌંદર્ય પામી ગયું સૌંદર્ય, કોઈએ ‘જરૂર જાઓ આ જોવાલાયક સ્થળ અને મળવા જેવા લોકો પાસે’ એમ લખ્યું.

ખૂબ પ્રશંસા પામી એમની સજાવટ.

મહેમાનો ગયા પછી શાંતિની પળોમાં નિલયએ નિકિતનો રૂપાળો ચહેરો હથેળીમાં લઈ મલકાતાં કહ્યું “જીસકી બીબી ગોરી.. ઉસકા ભી ઘરકા નામ હે..” અને ઉમેર્યું “ આ ઇન નઝારો કો તુમ દેખો, મેં બસ તુમ્હે દેખતે હુએ દેખું”.

બન્ને હાથમાં હાથ પરોવી  બારીમાંથી સુંદર રીતે સજેલાં ધજેલા લોકોને જોઈ રહ્યાં અને ફલાવરવાઝના રંગબેરંગી ફૂલો એમને. નિકિતાએ પડદા બંધ કર્યા અને.. રૂમનું એકાંત એ ગોળ થી પણ ગળ્યા દામ્પત્યની મધુરપ માણી રહ્યું.

eછાપું

તમને ગમશે: ગુજ્જુભાઈ Siddharth Randeria સાથે Fry કર્યા Friday ફ્રાયમ્સ

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!