ગત અઠવાડિયે આપણે જોયું કે મ્યુચ્યુઅલફંડ આપણી પાસે યુનિટ રૂપે પૈસા લઇ ઇક્વિટી માં આપણા વતી રોકાણ કરે છે અને લે વેચ કરી આપણને નફો રળી આપે છે. આ મ્યુચ્યુઅલ ફંડ આડેધડ ઇક્વિટીમાં રોકાણ ન કરતા અમુક ચોક્કસ ઉદ્દેશ સાથે રોકાણ કરે છે. સિક્યુરીટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા SEBI એ આ ઉદ્દેશોને કેટેગરીઓ આપી છે અને એ મુજબ આ મ્યુચ્યુઅલ ફંડો એમાં રોકાણ કરે છે તો આપણે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ એટલે શું એ જાણતા પહેલા માર્કેટ કેપીટાલાઈઝેશન એટલે શું એ સમજીએ.

કોઈપણ કંપનીની મૂડી અમુક ફેસ વેલ્યુના અમુક શેર રૂપે હોય છે, દાખલા તરીકે રૂપિયા દસનો એક એવા કુલ દસ હજાર શેર હોય તો કંપનીની મૂડી થઇ રૂપિયા એક લાખ. આ શેરનો બજાર ભાવ જો રૂપિયા વીસ હોય તો એનું માર્કેટ કેપીટાલાઈઝેશન થયું રૂપિયા બે લાખ અને જો શેરનો ભાવ રૂપિયા પાંચ હોય તો માર્કેટ કેપીટાલાઈઝેશન થયું રૂપિયા પચાસ હજાર. આમ કુલ શેરની બજાર ભાવે જે કિંમત આવે એ થયું કંપનીનું માર્કેટ કેપીટાલાઈઝેશન
આ માર્કેટ કેપીટાલાઈઝેશનના આધારે શેરબજારમાં કંપનીના ત્રણ મુખ્ય પ્રકાર પાડવામાં આવ્યા છે એ છે લાર્જ કેપ, મીડ કેપ અને સ્મોલ કેપ. જે કંપનીનું માર્કેટ કેપીટાલાઈઝેશન રૂ. 20,000 કરોડથી વધુ હોય એને લાર્જ કેપ ઇક્વિટી કંપની કહેવાય છે. મીડ કેપ કંપનીનું માર્કેટ કેપીટાલઈઝેશન રૂ. 5,000 કરોડ થી રૂ. 20,000 કરોડનું રહે છે અને સ્મોલકેપ કંપની એટલે જેનું માર્કેટ કેપીટાલાઈઝેશન રૂ. 5,000 કરોડથી ઓછું હોય એને કહે છે. વિશાળ દ્રષ્ટીએ જોતા શેરબજારમાં માર્કેટ કેપીટાલાઈઝેશન પ્રમાણે ટોપ 100 કંપનીઓ લાર્જકેપમાં આવે, 101 થી 250 કંપનીઓ મિડકેપમાં આવે અને 250 થી નીચે સ્મોલકેપ કેટેગરીમાં આવે એમ કહી શકાય.
હવે મ્યુચ્યુઅલફંડના ઉદ્દેશ મુજબ એને નામ આપવામાં આવે છે જેમકે માત્ર લાર્જકેપ કંપનીમાં જ એ રોકાણ કરશે તો એને લાર્જકેપ ફંડ કહેવાશે મીડકેપમાં રોકાણ કરવાવાળી ફંડ મિડકેપ ફંડ કહેવાશે અને માત્ર સ્મોલકેપમાં રોકાણ કરનાર મ્યુચ્યુઅલ ફંડ સ્મોલકેપ ફંડ કહેવાશે અને ત્રણેમાં રોકાણ કરનાર મલ્ટી કેપ ફંડ કહેવાશે. આમ જુદાજુદાં ઉદ્દેશ સાથે જ આ મ્યુચ્યુઅલ ફંડ અસ્તિત્વમાં આવે છે.
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા એનો ઉદ્દેશ જાણવો મહત્વનો છે એના પરથી એ ફંડમાં જોખમ કેટલું છે એનો અંદાજ આવે છે. જેમકે લાર્જકેપ ફંડ સૌથી ઓછું જોખમી કહેવાય કારણકે એ શેરબજારની મોખરાની કંપનીઓમાં જ રોકાણ કરે છે જયારે મિડકેપ ફંડમાં લાર્જકેપ કરતા જોખમ વધારે અને સ્મોલકેપ ફંડ વધુ જોખમી કહેવાય.
જે મ્યુચ્યુઅલ ફંડ પોતાની 65% મૂડી કે વધુ ઇક્વિટી માં રોકાણ કરે એને ઇક્વિટી મ્યુચ્યુઅલફંડ કહેવાય છે જયારે એથી ઉલટું 65% કે વધુ ડેબ્ટ ફંડમાં રોકાણ કરનાર મ્યુચ્યુઅલ ફંડ ડેબ્ટ ફંડ કહેવાશે. અહીં એ જાણી લેવું જરૂરી છે કે ડેબ્ટ ફંડમાં જોખમ ઇક્વિટી ફંડ કરતા ઓછું અથવા સાવ ઓછુ હોય છે એમ કહી શકાય.
સિક્યુરીટી એન્ડ એકચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા ટુંકમાં SEBI જે મ્યુચ્યુઅલ ફંડનું નિયમન કરે છે અને એણે આ મ્યુચ્યુઅલ ફંડને કુલ મુખ્ય 26 કેટેગરીમાં વહેચી છે અને રોકાણકારે પોતાનું જોખમ માપવા આ કેટેગરી જોવી આવશ્યક છે.
કયા પ્રકારના ફંડમાં રોકાણ કરવું જોઈએ?
ઇક્વિટી ફંડમાં સાધારણ રીતે 12% થી 15% વાર્ષિક વળતર છૂટે છે એથી ઇક્વિટીમાં જ રોકાણ કરવું યોગ્ય છે. “ઇન્વેસ્ટમેન્ટસ ઇન મ્યુચ્યુઅલ ફંડ ઈઝ સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક“ એથી જો જોખમ લેવું જ છે તો ઇક્વિટીમાં લેવું સલાહભર્યું કહી શકાય. હવે વધુ કે ઓછું જોખમ એ સ્મોલકેપ કે લાર્જકેપ કે મિડકેપ ને આધારે નક્કી થાય. તમે જો યુવાન હો તો વધુ જોખમ લઇ શકો એટલેકે સ્મોલકેપ અને મીડકેપમાં રોકાણ કરો જેમ જેમ ઉંમર વધે એમ મૂડી વધતી જાય ત્યારે જોખમ ઘટાડતા જવું સલાહભર્યું હોવાથી એ લાર્જકેપમાં રોકણ કરવું સલાહભર્યું રહેશે.
જેમ રોકાણનો સમયગાળો લાંબો એમ વધુ જોખમી ફંડ યોગ્ય છે કારણકે ઇક્વિટી માં લાંબાગાળાનું રોકાણ જ તમને 12% થી 15% વળતર આપે છે ટુંકાગાળામાં શેરબજારમાં તેજી મંદી આવે પરંતુ જો કંપની મજબુત હોય મેનેજમેન્ટ સારું હોય તો લાંબાગાળે વધુ વળતર છૂટે છે એથી મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણ લાંબાગાળાનું હોવું જરૂરી છે.
કયા ફંડ હાઉસમાં રોકાણ કરવું એ કહેવું અહીં શક્ય નથી કારણકે જેમ શેરબજારમાં બે થી અઢી હજાર કંપનીઓ છે એમ અહી પણ સેકડો સ્કીમ અને ફંડ હાઉસ છે. કોઈ ખાસ ફંડ હાઉસમાં રોકાણની સલાહ તો તમારો નાણાકીય સલાહકાર જ આપી શકે. વળી મ્યુચ્યુઅલ ફંડમાં પણ અમુક ફંડ હાઉસ ટુંકાગાળા માટે સારું અને અમુક લાંબાગાળા માટે સારું એમ હોઈ શકે એથી તમારે એમાં પણ શેરબજારમાં જેમ શેર પર નજર રાખો એમ તમારા ફંડ હાઉસ પર પણ નજર રાખવી યોગ્ય રહેશે.
કમસેકમ તમારે ફંડ હાઉસનો વાર્ષિક રીવ્યુ કરતા રહેવું જ જોઈએ અને જરૂર જણાય તો ચર્ન કરવું એટલેકે એમાં ફેરફાર કરવો રહ્યો. પરંતુ સાધારણપણે પ્રતિષ્ઠિત મ્યુચ્યુઅલ ફંડ હાઉસમાં રોકાણ કર્યે ચર્ન કરવાની જરૂર રહેતી નથી એમાં લાંબાગાળા નું રોકાણ કરવું અને તેને પકડી રાખવું જ યોગ્ય છે કારણકે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ નાણાકીય નિષ્ણાતો ચલાવે છે અને પ્રતિષ્ઠિત ફંડ હાઉસ જો એ સારું રીઝલ્ટ ન આપે તો ફંડ મેનેજેરને બદલશે અને આમ તમારું રોકાણ તમને વળતર આપતું રહેશે.
આ કોલમમાં આપવામાં આવતી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું અહીં આપેલી સલાહને પોતાના તરફથી કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર- 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.
eછાપું
તમને ગમશે: અમદાવાદીઓને પુસ્તકો વાંચતા કરવા Matrubharti નું અનોખું અભિયાન