ઘણા વર્ષો પહેલા એક બ્લોગ લખ્યો હતો. એ સમયે ધનુષ અને સોનમ કપૂરની રાંઝણા રિલીઝ થઇ હતી. આ બ્લોગમાં મોટેભાગે ફિલ્મ પતાવીને બીજીજ સેકન્ડે ફેસબુક પર રિવ્યુ છાપી દેતા લોકો વિરુદ્ધ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. આટલા વર્ષો બાદ એ પરિસ્થતિમાં જાજો ફરક તો નથી આવ્યો પરંતુ હા પહેલા એક કે બે લાઈનોમાં પતાવી દેવામાં આવતા ફેસબુકી રિવ્યુઓને લાંબા કરવા પર ખાસીએવી મહેનત જોઈ શકાય છે.

રાંઝણાના રિલીઝ થવાના વર્ષો દરમ્યાન એક એવો ટ્રેન્ડ હતો કે હજીતો વ્યક્તિ ફિલ્મ પતાવીને માંડમાંડ લિફ્ટ ભેગો થયો હોય કે એક લાઈનમાં રિવ્યુ પોસ્ટ કરી દે, “બેકાર ફિલ્મ” કે પછી “ઓસ્સ્મ મુવી”. અમુક એક વધારાની લાઈન લખતા કે તમારે જે-તે ફિલ્મ જોવીજ જોઈએ કે ન જ જોવી જોઈએ. આ સમયે વાંધો એ હતો કે ફિલ્મનો રિવ્યુ લખવો જે એ સમય સુધી કદાચ એક કળા હતી એ જો તમને કુદરતીરીતે ભેટમાં ન મળી હોય કે એને શીખ્યા ન હોવ તો એનાથી દૂર રહેવા કરતા રિવ્યુ લખીને લોકોને ફોર્સ કેમ કરો છો કે જે-તે ફિલ્મ જોવી કે ન જોવી.
હવે આટલા બધા વર્ષો બાદ આગળ કહ્યું એમ એ ટ્રેન્ડમાં જરાક ચેન્જ આવ્યો છે. હવે એ ઈન્સ્ટન્ટ ફેસબુકી રિવ્યુકારો થોડું વિચારીને બે-ત્રણ ફકરામાં એક કાબેલ રિવ્યુકારની જેમ લિફટમાં નહીં પરંતુ ઘરે જઈને શાંતિથી તમને સલાહ આપે છે કે તમારે આ ફિલ્મ જોવી કે ન જોવી. અહીં પણ આપણને વાંધો છે. પહેલા જો એક-બે લાઈનના રિવ્યુ ઉભડક હતા તો આ લાંબાલચક રિવ્યુ પણ ઉભડક જ હોય છે. વાંધો એમના રિવ્યુ લખવાથી કદાચ ઓછો છે પરંતુ તેમના લખવાથી વધુ છે.
કોઇપણ અભિપ્રાય લખવો એ સરળ નથી, અહીં માત્ર રિવ્યુની વાત નથી દેશના રાજકારણ, અર્થકારણ, ખેલ, વિજ્ઞાન, ટેક્નોલોજી કોઇપણ ચીજ પર તમારું બહોળું જ્ઞાન ન હોય તો તેના પર અભિપ્રાય આપવાનું તો છોડો પરંતુ તેના વિષે દસ-બાર લીટી લખીને સોશિયલ મિડિયા પર લોકોના માથે મારવા પર ઘણા લોકોને મોટો વાંધો છે. આમ થવાથી તમારા અભિપ્રાયની તો કોઈ કિંમત નથી ઉપજતી પરંતુ તમારી કિંમત જરૂર થઇ જાય છે.
ફેસબુક અને અન્ય સોશિયલ મિડિયા પર અભિપ્રાય આપવાનું ભલે સહેલું થઇ ગયું હોય પરંતુ અંગત મતે ફિલ્મોનો રિવ્યુ લખવો એ હજીપણ કળા છે. આગળ કહ્યું એમ કાં તો તમે તેની પ્રોપર ટ્રેઈનીંગ લીધી હોય (એટલેકે કોઈ ફિલ્મ અને નાટકની સંસ્થામાં કોર્સ કર્યો હોય કે મોટી સંખ્યામાં તે અંગેના સેશન્સમાં હાજરી પુરાવી હોય અને ફિલ્મ કેમ બને એનું જ્ઞાન ભેગું કર્યું હોય) અને લખવાની પણ તાલીમ લીધી હોય તો તમને ફિલ્મના મુખ્ય પાસાંઓની છણાવટ કરતા આવડે છે. તો બીજી કક્ષા એવી છે કે ફિલ્મો જોવી અને માણવી જેના DNAમાં હોય પ્લસ જેને લેખનકળા ઉપરવાળાના આશિર્વાદથી મળી હોય એ જ તમને ફિલ્મોનો રસાસ્વાદ યોગ્યરીતે કરાવી શકે છે.
પણ હું દર અઠવાડિયે આવતી કોઇપણ ફિલ્મ છેલ્લા પાંચ વર્ષથી ચૂક્યો નથી એટલે મને રિવ્યુ લખતા આવડે કે પછી રિવ્યુ લખવાનો મને હક્ક છે એના પર આપણને વાંધો છે. આ પ્રકારના રિવ્યુ આજકાલ મોટી સંખ્યામાં જોવા મળે છે જે ખરેખર લોકોને ગેરમાર્ગે દોરતા હોય છે. અહીં Race 3નો બચાવ કરવાનો કોઈજ ઈરાદો નથી પરંતુ એકવાર વિચારી લો કે કદાચ આ ફિલ્મ એટલી ખરાબ ન હતી જેટલી એ ખરેખર હતી, બલકે એમાંથી પૈસા વસુલ મનોરંજન મળી જાય એમ હતું અને જો શરૂઆતના શો જોઇને આવનારાઓએ એમના લિમિટેડ જ્ઞાનને લીધે ફિલ્મને ઉતારી પાડતા રિવ્યુઝ આપ્યા હોત તો?
જેમ Race 3 પર રિવ્યુ આપનારાઓ તૂટી પડ્યા હતા એવીજ રીતે છેલ્લા ત્રણ દિવસથી સંજુ પર રિવ્યુ લખવાની જાણેકે લાઈન લાગી છે. એમાંય અમુક તો સંજય દત્તને ફિલ્મમાં કથિતરૂપે ગ્લોરીફાય કર્યો છે એટલે ફિલ્મને ઉતારતી કક્ષાની ગણાવી રહ્યા છે. આપણને અહીં વાંધો છે. એક ફિલ્મપ્રેમી હોવાના નાતે મારું એક સ્પષ્ટ મંતવ્ય છે કે જો રાવણ, કંસ કે શકુનિ પર ફિલ્મ બનતી હોય તો એમાં એમને ગ્લોરીફાય કરવા જ પડે. રાવણની ફિલ્મ હોય તો સીતાના અપહરણ કર્યા સિવાય એ પ્રકાંડ પંડિત હતો એ શિવનો પરમ ભક્ત હતો એવી એની અલગ અને પોઝિટીવ બાબતો સામે લાવવી જ પડે. અમુક વર્ષ પહેલા રાવણ પર આવેલી ટીવી સિરીઝ આ દલીલનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
હજી સુધી મેં સંજુ જોયું નથી, પરંતુ જો સંજય દત્તે એના જીવનમાં ગુનાઓ કર્યા છે તો એને રાજકુમાર હિરાણીએ ગ્લોરીફાય કર્યા જ હશે અને એમને કરવા જ પડે એવું મંતવ્ય ધરાવતો હોવાથી મને કદાચ સંજુ જોતી વખતે કોઈજ વાંધો નહીં આવે એવું અત્યારે તો લાગે છે. બાકી એક વાત સ્પષ્ટ છે કે ફિલ્મોને ફિલ્મની રીતે જોવી વધારે યોગ્ય રહેશે જો તમે નક્કી જ કરીને મલ્ટીપ્લેક્સમાં ઘુસ્યા છો કે ઘરે જઈને ફિલ્મ પર રિવ્યુ લખવો છે અને ફેસબુક પર છવાઈ જવું છે એટલે ફિલ્મ જોવી છે તો પછી આપણને એના પ્રત્યે ભયંકર વાંધો છે.
eછાપું
તમને ગમશે: માતૃભાષા મહાન જ છે એટલે બીજી ભાષાઓની લીટી ભૂંસી નાખવાની?