DDCA માં મિડિયા મેન રજત શર્માની એન્ટ્રી કેટલી યોગ્ય કેટલી અયોગ્ય?

0
291
Photo Courtesy: indianexpress.com

એક તરફ આપણે ખેલ સંઘોમાં રાજકારણીઓની દખલગીરીની ટીકા કરીએ છીએ કારણકે તેઓએ ભારતમાં રમતગમતની ઘોર ખોદી છે. તો બીજી તરફ ગઈકાલે DDCA એટલેકે દિલ્હી એન્ડ ડિસ્ટ્રીક્ટ્સ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે મિડિયા મેન રજત શર્માના ચૂંટાઈ આવવાના આશ્ચર્યજનક સમાચાર આવ્યા. જો રાજકારણીઓ ખેલ સંઘો માટે ખતરનાક છે તો પછી મિડિયા પર્સન્સ એમનાંથી કોઈ અલગ ચીલો પાડી શકે એમ છે ખરા? શું ખેલ સંઘોના સંચાલનમાં સંપૂર્ણપણે નહીં તો મહદઅંશે ખેલાડીઓનો અવાજ ન હોવો જોઈએ?

Photo Courtesy: indianexpress.com

ક્રિકેટમાં મિડિયા પર્સનની દખલગીરી નવી વાત નથી. વર્ષો પહેલા ઝી ટીવી પર પોતાનો અઠવાડિક કાર્યક્રમ લઈને આવતા રાજીવ શુક્લા આજે BCCIના ટોચના હોદ્દાઓમાંથી એક ધરાવે છે. આ ઉપરાંત રાજીવ શુક્લા IPLના પણ બોસ છે. રાજીવ શુક્લાએ પણ શરૂઆત નાના ધોરણે જ કરી હતી. શુક્લા ઘણીવાર ભારતીય ક્રિકેટ ટીમની ફોરેન ટૂર દરમ્યાન મેનેજર તરીકે પણ ગયા હતા. સૌરવ ગાંગુલીએ જ્યારે લોર્ડ્ઝની બાલ્કની પર શર્ટ કાઢીને હવામાં લહેરાવ્યું હતું ત્યારે રાજીવ શુક્લા મેનેજર તરીકે એની બાજુમાં જ ઉભા હતા.

તો શું રજત શર્મા પણ રાજીવ શુક્લાની જેમ DDCA પ્રમુખમાંથી આગળ વધવાનો પ્લાન બનાવી રહ્યા છે? આ સવાલનો જવાબ અત્યારે આપવો તો મુશ્કેલ છે. પરંતુ એક સવાલનો જવાબ કદાચ અત્યારે શોધી શકાય એમ છે અને એ સવાલ એ છે કે ક્રિકેટ એસોસિએશનોમાં ખેલાડીઓ સિવાયના સંચાલકો કેટલા કારગર સાબિત થશે? અત્યારસુધીનો ઈતિહાસ જોઈએ તો માત્ર DDCA જ નહીં પરંતુ છેક BCCIમાં પણ બિનક્રિકેટરો એજ ક્રિકેટની ‘સેવા’ કરી છે અને ભારતીય ક્રિકેટને મહાસત્તા બનાવ્યું છે.

DDCA માં રજત શર્મા જો ન ચૂંટાયા હોત તો જ નવાઈ લાગત કારણકે રજત શર્મા અને કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીની ભાઈબંધી જાણીતી છે અને અરુણ જેટલીનું DDCA માં ઘણું ‘ચાલે છે.’ એક તરફ India TV જેવી ચોવીસ કલાકની ચેનલ ચલાવવી અને બીજી તરફ DDCA ની જવાબદારી શું રજત શર્મા આ બંને જવાબદારીઓ એક સાથે નિભાવી શકશે? જો આમ બે ઘોડા પર સવારી કરવા જતા ક્યાંક તે એક ઘોડાને અન્યાય તો નહીં કરી બેસે કે પછી ખુદ નીચે નહીં પટકાયને?

ફરીથી કહીએ તો આ સવાલોના જવાબ તો આવનારો સમય જ કહેશે પરંતુ DDCA નો કેસ સાવ અલગ છે. અત્યારસુધી એટલેકે ગઈકાલની ચૂંટણી થઇ ત્યાં સુધીમાં છેલ્લા લગભગ બે-અઢી વર્ષથી DDCA નો તમામ વહીવટ દિલ્હી હાઈકોર્ટ દ્વારા નિયુક્ત એડમિનિસ્ટ્રેટર દ્વારા ચલાવવામાં આવતો હતો. કારણ? સિમ્પલ! DDCA ભ્રષ્ટાચારથી ખદબદતું હતું. આ ઉપરાંત અભિમાની સંચાલકોને કારણે શરૂઆતમાં વીરેન્દર સહેવાગ અને બાદમાં ગૌતમ ગંભીર જેવા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને ઘણું સહન કરવું પડ્યું હતું.

ટૂંકમાં કહીએ તો રજત શર્માના ખભા પર જવાબદારી ખૂબ મોટી છે. એક તરફ તેમણે DDCA ને પાટા પર લાવવાનું છે અને બીજું તેમણે ચૂંટણી અગાઉ આપેલા વચન પ્રમાણે અત્યારસુધી જેમણે પણ DDCA ની ઘોર ખોદી છે એમને સજા પણ કરાવવાની છે. પરંતુ એક સમાચાર અનુસાર રજત શર્માની ટીમમાં જે છ નવા ચહેરાઓ છે એ તમામ કોઈને કોઈ રીતે એ લોકોના સગા છે જેમના પર DDCA માં ભ્રષ્ટાચાર કરવાનો આરોપ છે.

એવું નથી કે ક્રિકેટર્સ વિવિધ ક્રિકેટ બોર્ડ્સનો વહીવટ ન ચલાવી શકે, પરંતુ તેઓ કદાચ રાજકારણીઓ અથવાતો મિડિયા પર્સન્સની જેમ જરૂર પડે પ્રેશર હેન્ડલ ન કરી શકે એવું બને. બહુ ઓછા ક્રિકેટર્સ જેમકે સુનિલ ગાવસ્કર, સૌરવ ગાંગુલી, જવાગલ શ્રીનાથ કે પછી અનિલ કુંબલેમાં સંચાલન કરવાની ક્ષમતા જોવા મળી છે.

અહીં એક અન્ય નોંધપાત્ર હકીકત એ છે કે જે કીર્તિ આઝાદ અને બિશન સિંઘ બેદી વારેતહેવારે DDCA ની ખરાબ હાલત પર બયાનબાજી કરતા હતા એ લોકોએ કોઈ અગમ્ય કારણોસર આ ચૂંટણી લડવાની હિંમત પણ ન દેખાડી! હવે આમાં ક્રિકેટરોને બોર્ડની જવાબદારી કેમ નથી આપવામાં આવતી એ સવાલનો અડધો જવાબ આપણને આપોઆપ નથી મળી જતો?

કદાચ સમય આવી ગયો છે કે કોઈ મધ્યમાર્ગ શોધવામાં આવે અને ક્રિકેટર્સ અને નોન-ક્રિકેટર્સ ભેગા મળીને દેશના ક્રિકેટનો ઉદ્ધાર કરતા રહે. જ્યાંસુધી એમ નહીં થાય ત્યાં સુધી રજત શર્માને DDCA પ્રમુખ બનવા બદલ અભિનંદન આપીએ અને તેઓ પોતાનું કાર્ય યોગ્ય રીતે કરી શકે તેની શુભેચ્છાઓ પાઠવીએ.

eછાપું

તમને ગમશે: ”The Black- મસી” આવી રહ્યું છે એક અર્બન ગુજરાતી ચલચિત્ર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here