આવકવેરો ભરવાનો ન થતો હોય તો પણ રિટર્ન કેમ ભરવું જોઈએ?

0
391
Photo Courtesy: taxscan.in

જ્યારે ઇન્કમ ટેક્સ અથવાતો આવકવેરાનું રિટર્ન (ITR) ભરવાની વાત આવે ત્યારે આપણામાંથી ઘણાબધાને જાણેકે સાપ સુંઘી ગયો હોય એવું થઇ જતું હોય છે. ઘણા લોકો રિટર્ન ભરવામાં આળસ કરતા હોય છે, તો ઘણા અત્યારે ક્યાં જરૂર છે પછી ભરીશું એમ કરીને ડીલે કરતા હોય છે, તો કેટલાક જ્યાં સુધી લોન લેવાની જરૂર ન પડે ત્યાં સુધી રિટર્ન નથી ભરતા તો અમુક તો આવકવેરા ખાતામાંથી તાત્કાલિક રિટર્ન ભરવાની નોટીસ ન આવે ત્યાં સુધી રિટર્ન ભરવાનો વિચાર સુધ્ધાં નથી કરતા હોતા.

જો કે આ તમામ આદતો મોટેભાગે એવા લોકોને પડી હોય છે જેમની આવક કરપાત્ર હોતી નથી. હાલના સ્લેબ પ્રમાણે જો આપણી વાર્ષિક આવક અઢી લાખ નથી થતી તો આપણે આવકવેરો ભરવાની જરૂર નથી. પરંતુ અહીં ક્યાંય એવું નથી કહેવામાં આવ્યું કે અઢી લાખની આવક ન હોય તો તમારે ઇન્કમ ટેક્સ રિટર્ન પણ ન ભરવું. કદાચ આ અંગે આપણને અજ્ઞાન હોય અથવાતો કોઈ કન્ફયુઝન હોય એવું બને અને જો એવું હોય તો તેને તાત્કાલિક દૂર કરવાની જરૂર છે. તો ચાલો જાણીએ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું જોઈએ કે નહીં તે અંગે કેટલીક મુલ્યવાન સલાહો.

Photo Courtesy: taxscan.in

શું ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું ફરજીયાત છે?

આવકવેરા ખાતાના નિયમ અનુસાર તમારી વાર્ષિક આવક કોઇપણ પ્રકારની કપાત અમલમાં મૂક્યા અગાઉ અઢી લાખ કે તેથી વધારે છે તો તમારે ITR ભરવું ફરજીયાત છે. 60 વર્ષથી વધુની ઉંમર ધરાવતા નાગરિકો માટે આ મર્યાદા ત્રણ લાખ અને 80 વર્ષથી વધુની ઉંમર ધરાવતા નાગરિકો માટે આ મર્યાદા પાંચ લાખની છે.

આ ઉપરાંત એવા તમામ ભારતીય નાગરિક જેણે દેશની બહાર રોકાણ કર્યું છે તેની આવક ઉપરોક્ત મર્યાદાથી વધુ હોય કે ન હોય તેણે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવું ફરજીયાત છે. જો તમે આ તમામ શરતોની બહાર છો તો તમારા માટે ITR ભરવું મરજીયાત છે.

પરંતુ, ઉપરોક્ત સંજોગોમાં ITR ભરવું મરજીયાત હોવા છતાં તે ભરવાના કેટલાક ફાયદાઓ પણ છે, ભલેને તમારી આવક વેરાપાત્ર હોય કે ન હોય.

ટેક્સ રિફંડ માટે

તમારી આવક ભલે કરપાત્ર ન હોય પરંતુ તમે કોઈને કોઈ રીતે કર તો ભરતા જ હોવ છો. કદાચ તમે કોઈ પ્રોફેશનલ હશો તો તમારી અમુક મર્યાદા ઉપરની આવક પર TDS કપાતો હશે. આ TDSનું રિફંડ તમને મજરે મળે છે જો તમારી આવક વાર્ષિક અઢી લાખ કે તેનાથી ઉપર નથી તો. આ રિફંડ મેળવવા માટે રિટર્ન ભરવું ફરજીયાત છે. વિચાર કરો જ્યારે આખા વર્ષમાં કપાયેલા TDSની આવકના રિફંડનો ચેક આવશે ત્યારે એ તમને લોટરીથી બિલકુલ ઓછો નહીં લાગે.

વિસા મેળવવા માટે

જો તમે નોકરી કરવા કે પછી કાયમી વસવાટ માટે વિદેશ જવા માંગો છો તો વિદેશી એમ્બેસીઝ તમારી પાસે અમુક વર્ષના ટેક્સ રિટર્ન્સ જરૂરથી માંગશે. ખાસકરીને અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યુકે અને કેનેડા જેવા દેશોની એમ્બેસી આ દસ્તાવેજ તમારી અરજી સાથે ફરજિયાત જોડવાની માંગ કરતી હોય છે.

લોન કે અન્ય સુવિધા મેળવવા માટે

જો તમારે કોઇપણ પ્રકારની લોન જોઈતી હશે જેમકે કાર લોન, હોમ લોન કે પછી પર્સનલ લોન કે ઇવન ક્રેડિટ કાર્ડ પણ જોઈતું હશે તો આવકવેરાનું રિટર્ન તમારી આવકના પૂરાવા તરીકેની ભૂમિકા ભજવશે. તમારી ખુદની બેન્ક જે તમારા ખાતામાં થતી આવક-જાવક વિષે સંપૂર્ણ જાણકારી ધરાવે છે એ પણ તમને આવકવેરાના રિટર્ન વગર પાંચ-પચીસ હજારની પર્સનલ લોન પણ નહીં આપે એનું ધ્યાન રાખજો.

કેપિટલ લોસને આગળ લઇ જવા માટે

જો તમે તમારા ધંધામાં કેપિટલ લોસ કર્યો છે તો આવકવેરા કાયદો તમને સળંગ આઠ વર્ષ સુધી કેપિટલ લોસને કેરી ફોરવર્ડ કરવાની છૂટ આપે છે. પરંતુ અહીં પણ રિટર્ન ભરવું ફરજીયાત છે અને એ પણ સતત આઠ વર્ષ સુધી. આથી ભલે તમારી આવક કરપાત્ર ન હોય પરંતુ કેપિટલ લોસના નિયમનો ફાયદો ઉઠાવવા તમારે ITR ભરવું જ રહ્યું.

અન્ય આવકો માટે

જો તમારો પગાર કરપાત્ર ન હોય પરંતુ તમે અન્ય જગ્યાઓએ રોકાણ કર્યું છે અને તેમાંથી વ્યાજની આવક થાય છે જેમકે ટેક્સ ફ્રી બોન્ડ્સ કે પછી અન્ય એવા સ્ત્રોત જ્યાં તમને કર રાહત મળે છે જે તમારી કુલ આવક અઢી લાખથી ઉપર લઇ જાય છે, તો તમારે કર રિટર્ન ભરવું જોઈએ જેમાં તમારે તમારી ટેક્સ ફ્રી આવક દર્શાવવી પડશે અને તે તમારી આવકના પુરાવાનું કામ કરશે.

eછાપું

તમને ગમશે: સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ અને ફ્રોડ થી બચો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here