શું પેશ્વા બાજીરાવ સાથે જોડાયેલો પુણેનો શનિવાર વાડા ભૂતિયો મહેલ છે?

0
595
Photo Courtesy: YouTube

પુણેની મૂલાકાત લ્યો અને પેશ્વા બાજીરાવ સાથે જોડાયેલા સુંદર શનિવાર વાડાની મુલાકાતે ન જાવ એવું બને? ના એવું શક્ય જ નથી કારણકે પુણે શહેરના જોવાલાયક ખાસ સ્થળોમાં શનિવાર વાડા પણ સામેલ છે. દર વર્ષે અહીં લાખો લોકો તેની મૂલાકાતે આવે છે અને આ મહેલના સુંદર બાંધકામ જોવાનો લાભ લેતા હોય છે. પરંતુ, એવી લોકવાયકા પણ છે કે શનિવાર વાડા એક ભૂતિયો મહેલ છે. શું ખરેખર એવું છે ખરું? જાણીએ કે પુણેના લોકોમાં આ માન્યતા કેમ ઘર કરી ગઈ છે અને એની પાછળ રહેલી લોકવાયકાને.

Photo Courtesy: YouTube

પેશ્વા બાજીરાવના અવસાન બાદ તેના પુત્ર બાલાજી બાજીરાવ ઉર્ફે નાના સાહેબે મરાઠા સામ્રાજ્યનો દોર પોતાના હાથમાં લીધો. નાના સાહેબને ત્રણ પુત્રો હતા, માધવરાવ, વિશ્વાસરાવ અને નારાયણરાવ. નાના સાહેબ જ્યારે યુદ્ધમાં માર્યા ગયા ત્યારે તેમના સહુથી મોટા પુત્ર માધવરાવે તેમની ગાદી સાંભળી પરંતુ એક અન્ય યુદ્ધમાં પેશ્વા માધવરાવના નાના ભાઈ વિશ્વાસરાવે પણ શહીદી વહોરી લીધી. માધવરાવથી આ આઘાત સહન ન થયો અને ધીમેધીમે તેમની તબિયત બગડતી ચાલી અને તેમનું પણ અવસાન થયું. આમ મરાઠા સામ્રાજ્યની સંપૂર્ણ જવાબદારી નાના સાહેબના સહુથી નાના પુત્ર નારાયણરાવના ખભે આવી પડી જે એ સમયે માત્ર સોળ વર્ષના હતા.

ઉંમર નાની હોવાને લીધે રાજકાજમાં નારાયણરાવને માર્ગદર્શન આપવાનું કામ તેના કાકા રઘુનાથરાવે ઉપાડ્યું, પરંતુ રઘુનાથરાવ અને તેની પત્ની આનંદીબાઈ અત્યંત ધૂર્ત હતા. નારાયણરાવ જેમજેમ મોટા થતા ગયા તેમતેમ તેમને રઘુનાથરાવની ધૂર્તતા અંગે ખ્યાલ આવતો ગયો અને મરાઠા સામ્રાજ્યના આ પાંચમાં પેશ્વાએ પોતાના વિરુદ્ધ કાવતરું કરવાના આરોપ હેઠળ કાકા રઘુનાથરાવને તેમના જ ઘરમાં નજરકેદ કરી લીધા.

આનંદીબાઈથી આ ન જોવાયું અને આથી તેણે આદિવાસી નાયક ગાર્ડી જેની સાથે પેશ્વા નારાયણરાવને જરાપણ બનતું ન હતું તેના નામે એક પત્ર લખવા રઘુનાથરાવ પર દબાણ કર્યું. રઘુનાથરાવે તો પત્રમાં  ગાર્ડીને નારાયણરાવને પકડી લેવાનું લખ્યું પરંતુ આનંદીબાઈએ છેલ્લી ઘડીએ તેના શબ્દો બદલી નાખીને તેમાં ગાર્ડીને નારાયણરાવને મારી નાખવાની સૂચના આપી દીધી.

આ પત્ર વાંચ્યા બાદ ગાર્ડીએ પોતાના માણસોને તુરંતજ પેશ્વા નારાયણરાવની હત્યા કરવા મોકલ્યા. ગાર્ડીના માણસો નારાયણરાવ સુતા હતા ત્યારે તેમના ખંડમાં ઘુસ્યા. નારાયણરાવે ભાગવાની કોશિશ તો કરી પરંતુ નિષ્ફળ રહ્યા. ગાર્ડીના માણસોએ નારાયણરાવની માત્ર હત્યા જ ન કરી પરંતુ તેમના શરીરના ટુકડા કરી તેને નજીકની નદીમાં ફેંકી દીધા.

આ આખીયે ઘટના પુણેના શનિવાર વાડામાં ઘટીત થઇ હતી. આથી પુણેના લોકોમાં એવી માન્યતા છે કે શનિવાર વાડામાં પેશ્વા નારાયણરાવના થયેલા અપમૃત્યુ બાદ આ મહેલમાં અગાઉ પણ જેમના અકારણ અને અસમય મૃત્યુ થયા છે એ બધાજ આત્માઓ રાત્રી આવતા ઉતરી પડે છે. એમાં પણ દર પૂનમની રાત્રીએ પેશ્વા નારાયણરાવ જે પોતાની હત્યા સમયે હજીપણ યુવાન હતા તેમના ડૂસકાંઓ અને ચિત્કારના અવાજો શનિવાર વાડામાં પડઘાય છે. બસ આ જ કારણ છે કે લગભગ દરેક પુણેકર એવું માને છે કે સાંજ પછી એમાંય પૂનમની રાત્રીએ તો શનિવાર વાડાથી દૂર જ રહેવું જોઈએ.

eછાપું

તમને ગમશે: આપણને આ બધું ગમે છે એટલે ભારતીય મિડિયા આવું દેખાડે છે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here