ગઈકાલે છેવટે જેની ધારણા છેલ્લા લગભગ એક મહિનાથી સેવાઈ રહી હતી એ થઈને જ રહ્યું. પોતાના પક્ષમાં સબ સલામત હોવાનો દાવો કર્યો હોવા છતાં ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠતમ નેતાઓમાંથી એક એવા કુંવરજી બાવળીયા કોંગ્રેસ છોડીને જતા રહ્યા. કુંવરજીએ માત્ર કોંગ્રેસ છોડીજ નહીં પરંતુ જસદણના વિધાનસભ્ય તરીકે પોતાનું રાજીનામું આપીને બપોરે ભાજપ જોઈન કરી લીધું અને સાંજ સુધીમાં તો કેબિનેટ મંત્રી પણ બની ગયા. કુંવરજી જાય છે, જાય છે એ અટકળોની ગતિ જેટલી ધીમી હતી એનાથી બમણી ગતિએ ઘટનાઓ એમના ભાજપ પ્રવેશ બાદ બનવા લાગી.

ગુજરાત કોંગ્રેસે પણ બેશક પોતાનું રિએક્શન આપ્યું અને કુંવરજી બાવળીયા પર પોતાના અંગત સ્વાર્થ માટે કોંગ્રેસ છોડી હોવાનો આરોપ મૂક્યો. કોઇપણ આવે કે જાય તેનાથી કોંગ્રેસને કોઈજ ફરક નથી પડતો એવો દાવો ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ગઈકાલે પ્રેસ કોન્ફરન્સમાં કર્યો અને ફરીથી કોંગ્રેસમાં સબ સલામત હોવાનો પોકાર પણ કરી દીધો. પરંતુ શું હકીકતમાં કોંગ્રેસમાં સબ સલામત છે ખરું?
કદાચ નહીં, કારણકે ગુજરાત કોંગ્રેસનું મીસકમ્યુનિકેશન ગઈકાલે સાંજ સુધીમાં ખુલ્લું પડી ગયું હતું. સવારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષના નેતા પક્ષના વરિષ્ઠ સભ્ય બાવળીયાના જવા છતાં પક્ષને કોઈજ ફરક નથી પડતો અને કોંગ્રેસમાં બધુંજ સલામત છે એવો દાવો કરી રહ્યા હતા તો મોડી સાંજે એમના જ પ્રવક્તા હેમાંગ વસાવડાએ એક ન્યૂઝ ચેનલ ડિબેટમાં સ્વિકાર્યું હતું કે કોંગ્રેસમાં બહુ જલ્દીથી નવસર્જન થશે. જો કે વસાવડા સાહેબે પોતાનાજ નિવેદનમાં વિરોધાભાસ ઉભો કરતા બાવળીયાના જવાથી પક્ષને કોઈજ ફેર નહીં પડે એવું જરૂર ઉમેર્યું હતું.
ટૂંકમાં કહીએ તો ગુજરાત કોંગ્રેસમાં કન્ફયુઝન તો છે જ. કુંવરજી બાવળીયાના જવા પાછળ રાજકોટ જીલ્લામાં તેમના કરતા ઇન્દ્રનીલ રાજગુરુને અપાતું વધુ મહત્ત્વ કારણ હતું તો ઇન્દ્રનીલ તો ગયા અઠવાડિયે જ કોંગ્રેસ છોડી ચૂક્યા છે! તો પછી ઇન્દ્રનીલ રાજગુરુના કોંગ્રેસ છોડવા છતાં કુંવરજીને કોંગ્રેસ કેમ છોડવી પડી એ પણ એક સવાલ છે. અને ગઈકાલે તો એવી અફવા પણ ચાલી છે કે કુંવરજીના ચાલ્યા જવા બાદ હવે કદાચ ઇન્દ્રનીલ રાજગુરુ કોંગ્રેસમાં પરત પણ આવી શકે છે!!
આમ ગુજરાત કોંગ્રેસમાં લશ્કર ક્યાં લડે છે એનો કોઈને પણ ખ્યાલ નથી તેમ છતાં બધુંજ સલામત હોવાનો દાવો કરવામાં આવે છે. ગત વિધાનસભાની ચૂંટણી અગાઉ શંકરસિંહ વાઘેલાએ જ્યારે કોંગ્રેસ છોડી ત્યારે તેમણે અતિશય મહત્ત્વની વાત કરી હતી કે કોંગ્રેસ હોમવર્ક કરતી નથી. વાઘેલાની આ ટકોર ત્યારે સાચી પડી જ્યારે કોંગ્રેસે વીસ વર્ષમાં કદાચ પહેલીવાર ભાજપને આસાનીથી જીતવા ન દીધું. જો કોંગ્રેસે વાઘેલાનું માન્યું હોત અને સબ સલામત છે એમ કહ્યા પહેલા હોમવર્ક કરી દીધું હોત તો કદાચ આજે ગુજરાતમાં તે સત્તાસ્થાને હોત.
કુંવરજી બાવળીયાના રાજીનામાં માટે અમિત ચાવડા બાવળીયાનો અંગત સ્વાર્થ કામ કરી ગયો હોવાનું કહેતા હતા પરંતુ સામે તેમણે તેમના જ પક્ષ દ્વારા હજી છ-આઠ મહિના અગાઉજ છ વર્ષ માટે સસ્પેન્ડ થયેલા ભોળાભાઈ ગોહિલનું પક્ષમાં સ્વાગત કર્યું હતું. અહીં પણ કોંગ્રેસનો એ દાવો કે કોઈના આવવા-જવાથી કોઈ ફરક નથી પડતો તેમજ પક્ષમાં બધું સલામત છે એ ખોટો પડ્યો હતો. કારણકે પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારને તમારે પક્ષમાં સસ્પેન્શનના એક વર્ષની અંદર પરત લાવવા પડે તો બધું સલામત કેવીરીતે હોઈ શકે? બીજું અહીં ખાસ નોંધવા જેવી બાબત એ છે કે ભોળાભાઈ અને કુંવરજી બંને જસદણ સાથે સંબંધ ધરાવે છે, તો પછી જસદણની પેટાચૂંટણીમાં કુંવરજી બાવળીયા સામે ભોળાભાઈને કોંગ્રેસ ઉભા રાખશે?
આવા તો અનેક સવાલો કોંગ્રેસે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં ઉભા કર્યા હતા. જે સબ સલામત હોવાનો દાવો ફગાવી દે છે. આવા અન્ય બે સવાલો પર આપણે આવતીકાલે અહીં જ ચર્ચા કરીશું.
eછાપું
તમને ગમશે: અમૃતા અને સજ્જાદની મિત્રતા- દુનિયાના બધા ઈતિહાસ તેને સલામ કરી શકે છે